એક ઘર હતું. આખું લાકડાનું બનેલું. ઘરના
માણસોની સામાન્ય અવરજવરથી એ ધ્રુજે, પણ ભૂકંપ આવે ત્યારે
અડીખમ ઊભું રહે. તેમાં માણસ ઝાઝા ને જગ્યા ઓછી. ઘરમાં માંકડનો બહુ ઉપદ્રવ. રાત
પડ્યે ઘરનાં માણસોનું લોહી પીએ. ખાટલામાં કરડે ને ભોંયપથારીમાં પણ ચટકે. ઘરમાં
મહેમાનોની કાયમી અવરજવર. બધા આવે, માંકડનો ત્રાસ દૂર કરવાની
વાત કરે અને પોતાનો સમય થાય એટલે પાછા જતા રહે. ઘણી વાર તો એ લોકો એવું કરીને જાય
કે માંકડની વસ્તી વધે.
એક વાર એક મહેમાન આવ્યા. બહારથી જ એ માંકડોને
ચપટીમાં ચોળી નાખવાના દેકારા કરતા હતા. થોડા વખત પછી ઘરમાં ગણગણાટ શરૂ થયો. ‘માંકડોનો ખાત્મો
બોલાવવાના વાયદાનું શું થયું?’ એવું લોકો તેમને પૂછવા
લાગ્યા. એક રાત્રે, ઘરના લોકો પરવારીને સુવાની તૈયારી કરતાં હતાં
ત્યારે, મહેમાને લાકડાના ઘર પર કેરોસીન છાંટ્યું અને પછી ચાંપી
દિવાસળી. જોતજોતામાં આગ ભભૂકી ઉઠી. ઘરનાં
લોકો હાંફળાંફાંફળાં બહાર દોડ્યાં, કંઇક પડ્યાંઆખડ્યાં- ઘાયલ
થયાં ને કેટલાંક મૃત્યુ પણ પામ્યાં.
સાજાંસમાં રહેલાં લોકોએ મહેમાનને પૂછ્યું,‘આ તમે શું કર્યું?
માંકડ મારવાને બદલે તમે તો ઘર સળગાવી માર્યું.’ મહેમાને કહ્યું,‘ગભરાશો નહીં. આ
આગમાં બધા માંકડ મરી જશે. પછી તમારે કાયમી શાંતિ થઇ જશે. તમે એ વિચારો કે અત્યારે
આગના ભડકા વચ્ચે માંકડોની કેવી કફોડી દશા થતી હશે? અત્યારે તેમણે
કેવી દોડાદોડ મચાવી હશે? એનાથી તમને સંતોષ થવો
જોઇએ ને તમારે ઘર સળગી ગયાની ફરિયાદ ન કરવી જોઇએ.’ તેમના ટેકામાં
બીજા કેટલાકે કહ્યું,‘ઘરને માંકડમુક્ત બનાવવા માટે આ જરૂરી હતું. એક
વાર નવું ઘર ઊભું થઇ જાય, પછી બધાનું ભલું થશે.’
આવી વાતો સાંભળીને ઘરનાં ઘણાં લોકો હકારમાં
ડોકાં હલાવવા માંડ્યાં અને બળેલા ઘરની જગ્યા સાફ કરવા મંડ્યાં. ત્યારે જોયું તો
ઘણા માંકડ જમીનમાં ભરાઇ ગયા હતા અને રાખ સાફ થતાં પાછા બહાર આવી રહ્યા હતા--નવા
ઘરમાં વસવા માટે.
માંકડ મારવા માટે ઘર સળગાવી દેવાનું પગલું
વાજબી ગણાય કે નહીં અને તેમાં ફાયદો વધારે થાય કે નુકસાન વધારે, એની ચર્ચા કેટલાક
નિષ્ણાતો કરી રહ્યા હતા. ખાટલામાં ને પથારીમાં સંતાયેલા ઘણા માંકડ સળગી ગયા,
એને અસરકારક પરિણામ ગણાવાતું હતું.
બચી ગયેલા માંકડ પણ બીને કરડવાનું બંધ કરી દેશે, એવું કહેવાતું
હતું. કેટલાક એમ પણ કહેતા હતા કે ‘ભલે ઘર બળી ગયું, પણ માંકડ મારવાની
કોશિશ તો થઇ. આવું હિંમતવાળું પગલું આ પહેલાં કોઇએ ભર્યું હતું? હવે જોજો,
જૂના ઘરની જગ્યાએ નવું સરસ ઘર બનશે.’
દરમિયાન, મહેમાને જાહેરાત
કરી કે ‘માંકડનાબૂદીનો ઉપાય મળી ગયો છે. કોઇએ ખાટલામાં-પથારીમાં
સુવું નહીં કે ખુરશીઓમાં બેસવું નહીં. આપણે ઘરને ‘‘બેઠક-લેસ’’
બનાવી દઇશું, એટલે માંકડોનો ત્રાસ આપોઆપ મટી જશે.’
***
માંકડ જીવતા રહે, ઘર બળી જાય ને માંકડનાબૂદી
માટે નવાં પગલાં જાહેર થાય, એવી સ્થિતિ નોટબંધી પછી ‘કૅશલેસ’ના પ્રચારને
કારણે સર્જાઇ છે. આવી ગંભીર બાબતોની પૂરેપૂરી આંટીધૂંટી બોધકથા કે સરખામણીઓથી ન
સમજી શકાય. પરંતુ અત્યાર લગી જે કંઇ બન્યું છે, તેનો કંઇક સાર આ
કથા પરથી આવી શકે છે.
ઘણી વાર આંકડા ને અભ્યાસો ટાંક્યા પછી પણ એકાદ
સચોટ ઉદાહરણથી વાતનો અર્ક તરત સમજાઇ જાય. જેમ કે, વડાપ્રધાને જાહેર
કરેલી ‘કૅશલેસ’ની ઝુંબેશ અને તેની
મહત્ત્વાકાંક્ષી યોજનાઓ વિશે એક લેખકે કહ્યું કે ‘આ તો ફૉર્મ્યુલા
વનની રેસમાં ગાડું ઉતારવા જેવી વાત છે.’ તો બીજાએ કહ્યું કે ‘આ ઘોડા આગળ ગાડી
મૂકવાનો ધંધો છે.’
ભારત હજુ ‘કૅશલેસ’ બનવા માટે તૈયાર
નથી, તેના ટેકામાં કરાતી દલીલો : અડધાઅડધ લોકોનાં બૅન્કખાતાંનાં
ઠેકાણાં નથી, એંસી ટકા લોકો પાસે સ્માર્ટફોન નથી, ઇન્ટરનેટ
કનેક્શનનાં ઠેકાણાં નથી, ડિજિટલ સુરક્ષાની દિશામાં
ભાગ્યે જ કશો વિચાર થયો છે. બૅન્કોમાંથી રૂપિયા મેળવવા ધક્કા ખાધા પછી લોકો
પરંપરાગત રીતે વિશ્વાસુ એવી બૅન્કો બાબતે અવિશ્વાસ અને અસલામતી અનુભવતા થયા છે. તો
કૅશલેસ વ્યવહાર માટે તે બૅન્કો ને અજાણી કંપનીઓ પર શી રીતે ભરોસો મૂકે? ભારતીય
સમાજજીવનમાં રોકડની ભારે બોલબાલા રહી છે. કારણ કે, પાસે રોકડ હોય
તેને ‘સ્વાઇપ મશીન ચાલતું નથી’, ‘સર્વર ડાઉન છે’,
‘અમે ફલાણું કાર્ડ સ્વીકારતા નથી’ જેવા જવાબો સાંભળવા પડતા
નથી ને તેનું કામ અટકતું નથી. મોબાઇલને વૉલેટ (પાકિટ) બનાવી દેવામાં તેના ખોવાઇ
જવાથી માંડીને સુરક્ષા અને જુદી જુદી કંપનીઓનાં ‘પાકિટ’ વચ્ચે વ્યવહાર
થતો નથી, એવાં અનેક કારણ છે.
તેની સામે થતી દલીલ એવી છે કે કોઇ પણ નવી શોધ
આવે, ત્યારે તેની સામે આવો જ વિરોધ હોય છે. કમ્પ્યુટર જેવી
ક્રાંતિકારી શોધ માટે આઇ.બી.એમ.ના વડાને એવું લાગ્યું હતું કે ‘આખી દુનિયામાં
થઇને માંડ પાંચેક કમ્પ્યુટર વેચાય.’ પરંતુ આપણે જોઇએ છીએ કે
હવે કમ્પ્યુટર વિના દુનિયા ચાલતી નથી. એવું જ કૅશલેસ અર્થતંત્રના મામલે થશે.
આવી દલીલો-પ્રતિદલીલો વચ્ચે શાંતિથી વિચારવા
અને યાદ રાખવા જેવી કેટલીક બાબતો :
- કૅશલેસ વ્યવહારોનું પ્રમાણ વધે તે આવકાર્ય છે.
તેનાથી પારદર્શકતા વધે છે. ઘણા કિસ્સામાં સુવિધા પણ વધે છે. પરંતુ મોટા ભાગના
વ્યવહારો કૅશલેસ બને ત્યારે પ્રાઇવસીના અને સરકારી અંકુશના પ્રશ્નો ઊભા થઇ શકે. તે
અંગેની સ્પષ્ટ નીતિ અને તેનું અમલીકરણ કરવા જેટલી રાજકીય દાનત (કોઇ પણ પક્ષના)
નેતાઓમાં દેખાતી નથી.
- સ્માર્ટ ફોનની સંખ્યાથી માંડીને ઇન્ટરનેટ કનેક્શનની
સ્પીડ અને લેવડદેવડની વિશ્વસનીયતા-સુરક્ષા જેવી સમસ્યાઓ બે-પાંચ વર્ષમાં ઉકલી જાય
તો કૅન્યાની જેમ ભારત પણ ઘણા અંશે કૅશલેસ બની શકે છે. પરંતુ રોકડ અને ભ્રષ્ટાચાર
બે જુદી બાબતો છે. તેમની વચ્ચે થોડો સંબંધ છે, પણ મોટા ભાગના
વ્યવહાર કૅશલેસ થઇ જાય, એટલે ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જાય એવું માની લેવાની
જરૂર નથી.
- દેશને કૅશલેસની દિશામાં લઇ જવો, ભ્રષ્ટાચાર-કાળાં
નાણાં-ત્રાસવાદ સામે ઝુંબેશ ઉપાડવી અને કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના ત્રણ-ચાર
ટકાને બદલે બાર-તેર ટકા જેટલી રકમ રોકડ તરીકે ફરતી હોય તો તેનું પ્રમાણ નીચું
લાવવું-- આ ત્રણે હેતુઓ જુદા જુદા છે. નોટબંધીને આ બધાં દુઃખોની
મુખ્ય અને અકસીર દવા તરીકે રજૂ કરવાના સરકારી પ્રયાસોમાં દાનત અથવા સમજ અથવા
બન્નેના ગંભીર પ્રશ્નો દેખાય છે. દાનતના પ્રશ્ન વિશે ફક્ત આટલું જ : ગયા સપ્તાહે
નાણાંમંત્રીએ લોકસભામાં લેખિત જવાબમાં કહ્યું કે આઠમી નવેમ્બર પહેલાં કે પછી કાળાં
નાણાંના કુલ જથ્થાનો કોઇ સત્તાવાર અંદાજ મોજુદ નથી.
નોટબંધીનો અમલ ધબડકાયુક્ત છે એ તો જાણે ખરું,
પણ તેની પાછળનું મુખ્ય પ્રેરક બળ આર્થિકને બદલે રાજકીય હોવાની આશંકા પણ મજબૂત
છે. કદાચ એટલે જ, આ પગલાને આર્થિક ફુટપટ્ટીથી માપતા નિષ્ણાતો બહુ
મહેનત કરે છે, છતાં આ નિર્ણયને સંતોષકારક રીતે સમજાવી શકતા
નથી અને નષ્ટ થયેલા માંકડની આશામાં બળેલું મકાન નજરઅંદાજ કરતા હોય એવું લાગે છે.
એકદમ સચોટ સરખામણી વાળું ઉદાહરણ વાર્તા રૂપે આપ્યું. હવે તો દેશભક્તિ કે વ્યકતિભક્તિ પણ જવાબ દઈ દેશે.
ReplyDeleteઅદભૂત.
ReplyDeleteખુબજ સરળ શબ્દો મા વાસ્તવિકતા દર્શાવી છે.
હુ ઈછુ છુ કે આ લેખ વધુ થી વધુ લોકો સુધી પહોચે અને વધુમા વધુ વંચાય.
આંકડાકીય માહિતી પુરી પાડીએ તો બળતા ઘરને નજરઅંદાજ કરનારાઓએ પણ નાછુટકે હકિકત સ્વીકારવી પડે.
ReplyDeleteઅદભૂત, દેશભક્તિ આટલા માં જવાબ આપી
ReplyDeleteદેતે તો ક્યારે નો આ દેશ નકશા પર ના રહ્યો હોત