દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં અફઝલ ગુરુ અને મકબૂલ ભટને થયેલી ફાંસીની સજાના વિરોધમાં અને કાશ્મીરના લોકોના સ્વ-નિર્ણયના અધિકારની તરફેણમાં એક કાર્યક્રમ યોજાયો. એ નિમિત્તે ડાબેરી વિચારધારા ધરાવતાં વિદ્યાર્થીજૂથો અને ભાજપની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) વચ્ચે ઘર્ષણ થયું. સૂત્રોચ્ચાર થયા. તેમાં કેટલાક લોકોએ કાશ્મીરની આઝાદીની તરફેણમાં અને ભારતવિરોધી સૂત્રો પોકાર્યાં. આ મામલે થયેલી ફરિયાદ પછી પોલીસે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનના નેતા કનૈયાકુમારની સામે રાજદ્રોહનો આરોપ લગાડ્યો અને તેમની ધરપકડ કરી.
આટલો ઘટનાક્રમ જુદા જુદા વૈચારિક રંગ ધરાવતા દાવા અને અહેવાલોમાંથી મહદ્ અંશે સર્વસામાન્ય તારવી શકાય એમ છે. માટે, પહેલાં એ વિશે વાત કરીએ. અફઝલ ગુરુ સંસદ પર હુમલાના ગુનેગાર તરીકે સર્વોચ્ચ અદાલત તરફથી ફાંસીની સજા પામ્યો. સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે કાયદા અને બંધારણની હદમાં રહીને વાંધો પાડવાની જોગવાઇ હોય છે. એનો ઉપયોગ કર્યા પછી પણ, સર્વોચ્ચ અદાલતનો નિર્ણય ન બદલાય તો, ગમે તેટલો અન્યાયબોધ થવા છતાં, એ ચુકાદો માન્ય રાખવો પડે. કારણ કે, એ ‘રમતના નિયમ’--દેશના કાયદા અને બંધારણનો--નો ભાગ છે. એ નિયમો ન સ્વીકારીએ તો, પછી સંવાદ અશક્ય બની જાય.
બીજી વાત : સામાજિક ન્યાયના અને નીતાંત રાજકીય ચરિત્ર ધરાવતા મુદ્દાની ભેળસેળથી બચવું જોઇએ. કાશ્મીરની ‘આઝાદી’નો મુદ્દો રાજકીય છે. ‘કાશ્મીરને ભારતથી અલગ પડવાનો અધિકાર છે અને કાશ્મીરીઓ ઇચ્છે તો ભારતથી અલગ પડી શકે’--એવી લાગણી દેખીતી રીતે જ સરકારવિરુદ્ધ નહીં, દેશવિરુદ્ધ ગણાય એવી છે. કાશ્મીરીઓ બહેતર સુવિધાઓથી માંડીને ભારતીય લશ્કરના વ્યવહાર અંગેના કોઇ પણ મુદ્દે સરકાર સામે આંદોલન કરી શકે. એ વખતે એમની ભૂમિકા ભારતના નાગરિક તરીકેની રહે છે. પરંતુ એ ભારતના નાગરિક તરીકે જ રહેવા તૈયાર ન હોય અને અલગ અસ્તિત્ત્વની માગણી કરતા હોય, ત્યારે કોઇ પણ પક્ષની ભારતીય સરકાર તેમની માગણી મંજૂર રાખી શકે નહીં. પાકિસ્તાન જેવા જૂની શત્રુવટ ધરાવતા પાડોશી દેશ સાથે કાશ્મીર ભૌગોલિક રીતે જોડાયેલું હોય ત્યારે તો ખાસ નહીં. આ મુદ્દે સમજાવટ કરી શકાય એટલી કોરી પાટી હવે રહી નથી.
ત્રીજી વાત : કોઇ પણ શિક્ષણસંસ્થા અલગતાવાદી ચળવળોને પ્રોત્સાહન આપવા માટેની જગ્યા ન બની શકે. JNUમાં ભણતા છત્તીસગઢના વિદ્યાર્થીઓને પોતાના રાજ્યમાં સરકારી દળોના અત્યાચારો સામે કે આદિવાસીઓ પર થતી જોરજુલમી સામે વાંધો હોય, તો એની ચર્ચા યુનિવર્સિટી કૅમ્પસમાં થઇ શકે. કાશ્મીર મુદ્દો સમજવાના આશયથી, તેની ‘આઝાદી’ની માગણીની ચર્ચા પણ થઇ શકે. પરંતુ દિલ્હીમાં ભણતા કાશ્મીરના વિદ્યાર્થીઓ દેશથી અલગ થવાના આંદોલનને કૅમ્પસમાં લાવવા ઇચ્છતા હોય, એ કંઇક અંશે જે ડાળી પર બેઠા હોઇએ તેને કાપવા જેવું લાગે છે. પોલીસે પણ રાજકીય સાહેબો કહે તેમ નહીં, પણ જમીની સ્થિતિ ધ્યાનમાં રાખીને, કાયદા મુજબનાં પગલાં લેવાં જ પડે. કેમ કે, અભિવ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર પણ દેશના બંધારણ-કાયદાની હદમાં રહીને જ ભોગવી શકાય. અલગતાની તરફેણ અને તેના માટેના સૂત્રોચ્ચાર એમાં શી રીતે આવે? આપણે ઇચ્છીએ કે દેશ એટલો મજબૂત-એકજૂથ બને કે જેથી આવાં સૂત્રો પોકારનારની ઉપેક્ષા કરવાનું પરવડે. પરંતુ અત્યારના સંજોગોમાં એ શક્ય કે ઇચ્છનીય લાગતું નથી.
આટલી પાયાની સ્પષ્ટતાઓ પછી, ફરી JNUની વાત.
(૧) ભારતવિરોધી અને કાશ્મીરની આઝાદીતરફી સૂત્રોચ્ચારને ‘કેવળ સહાનુભૂતિ’ તરીકે નજરઅંદાજ કરી શકાય એવો સતયુગ નથી ને તેને ગમે તેમ કરીને ‘પાકિસ્તાન સાથે સાંઠગાંઠ’ તરીકે પુરવાર કરવાની ઉતાવળ પણ ન હોવી જોઇએ. પક્ષીય કે વિચારધારાકીય ચશ્માને બદલે, ફક્ત કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ આ ઘટનાને જોવી પડે.
(૨) જેની સામે રાજદ્રોહનો આરોપ લગાડીને ધરપકડ કરવામાં આવી છે, એ વિદ્યાર્થી સંગઠનનો આગેવાન કનૈયાકુમાર દેશવિરોધી સૂત્રો બોલ્યો હોવાનું ક્યાંય જોવા મળ્યું નથી. ટીઆરપી-ભક્ત ટીવી એન્કરો પણ એવું પુરવાર કરી શક્યા નથી કે સૂત્રો કનૈયાકુમારે ઉચ્ચાર્યાં હતાં. ઉલટું એક વિડીયોમાં એવો આરોપ થયો છે કે ખુદ ABVPના કેટલાક વિદ્યાર્થીઓ પણ દેશવિરોધી સૂત્રોચ્ચારમાં સામેલ હતા (જેથી મામલો જરા ‘સંગીન’ બને) આ આરોપનો ABVPએ જોકે ઇન્કાર કર્યો છે.
કનૈયાકુમારે સૂત્રો ન પોકાર્યાં હોય અને કેટલાક અહેવાલ પ્રમાણે તે આયોજક પણ ન હોય, તો રાજદ્રોહના આરોપસર ફક્ત તેમની ધરપકડ શા માટે કરવામાં આવી? તેનો એક સંભવિત જવાબ, કનૈયાકુમારે આપેલા ભાષણમાંથી મળી રહે છે. ધરપકડના થોડા કલાક પહેલાં કનૈયાકુમારે સંઘ પરિવારની વિચારધારાની આકરી ઝાટકણી કાઢી હતી. (ભાષણની આખી વિડીયો) તમતમતા ભાષણમાં એમણે દલિત વિદ્યાર્થીઓની ફેલોશીપો બંધ કરી દેવાથી માંડીને બજેટમાં મુકાયેલા આર્થિક કાપ વિશે વિરોધ વ્યક્ત કર્યો હતો (તેની વાત સ્વાભાવિક રીતે જ કોઇ કરતું નથી.) એ ભાષણમાં ડગલે ને પગલે દેશના કાયદાને- બંધારણને માન આપવાની અને સામાજિક ન્યાય ખાતર સંઘર્ષ કરવાની વાત આવતી હતી. તેમાં ક્યાંય હિંસાની, ઉશ્કેરણીની કે દેશના બંધારણ-કાયદાના અસ્વીકારની વાત આવતી નથી. હા, એમાં સંઘ પરિવારની કોમવાદી વિચારસરણીની અને કેટલીક સરકારી નીતિઓની કડક ટીકા છે. તો જેણે દેશવિરોધી સૂત્રો પોકાર્યાં નથી ને ફક્ત સંઘની-સરકારની ટીકા કરી છે, તેની સામે રાજદ્રોહ શી રીતે લગાડી શકાય? અને તેને શી રીતે વાજબી ઠરાવી શકાય?
JNUમાં જેમની ઓળખ હજુ સ્પષ્ટ ન થઇ હોય એવા થોડા વિદ્યાર્થીઓ દેશવિરોધી સૂત્રો બોલે એ ગંભીર બાબત છે. પરંતુ એટલી જ કે એથી પણ વધારે ગંભીર બાબત આ નિમિત્તે JNU જેવી પ્રતિષ્ઠિત સંસ્થા પર થયેલા સુવ્યવસ્થિત હલ્લાની છે. છૂટક રાષ્ટ્રવાદના જથ્થાબંધ વેપારીઓ બારોબાર જેએનયુ બંધ કરી દેવાની માગણી કરે કે JNU દેશવિરોધીઓનો અડ્ડો બની ગઇ છે, એવા આરોપ કરે ત્યારે તેમાં દેશની ચિંતા નહીં, પોતાની બ્રાન્ડના રાજકારણ સામેના પડકારોના નાબૂદ કરવાની ઉતાવળ દેખાય છે.
રોહિત વેમુલાને આત્મહત્યા કરવી પડે ત્યારે જ્ઞાતિવાદનો અડ્ડો બનેલી શિક્ષણસંસ્થાઓને તાળાં મારી દેવાં જોઇએ, એવું સ્યુડો-દેશપ્રેમીઓ કહેતા નથી. પરંતુ ડાબેરી વિચારસરણીના છેલ્લા ગઢ જેવી JNUના ઉલ્લેખમાત્રથી તે દેશભક્તિના પોકારો કરતા ધૂણવા લાગે છે. તેમનો વાંધો JNUમાં રાજકારણની બોલબાલાનો નહીં, પણ એ રાજકારણ પોતાની બ્રાન્ડનું નથી એનો છે. આ નિમિત્તે JNUનાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનોને (હરીફોને) સાગમટે દેશદ્રોહી ઠરાવી દેવાની પ્રચારઝુંબેશ પુરબહારમાં ચાલી રહી છે. એ વખતે સંઘના પ્રમાણપત્રની ગરજ ન ધરાવતા દેશપ્રેમી નાગરિકોએ ‘હા ભાઇ, દેશવિરોધી સૂત્રો તો ન જ ચાલે ને. JNU તો છે જ એવી.’ એવા અતિસરળીકરણથી અને કોઇના રાજકારણનાં પ્યાદાં બનવાથી બચવા જેવું છે.
100% agree. Couldn't be more clear.
ReplyDeleteविश्वसनीय रजूआत तटस्थ रजूआत.
ReplyDeleteBaki sab thik che pan je dali par beth aej kapiye(kasmir)
ReplyDeleteWhat is artikal370...???
Apne kadmir ma sainy rakhvanu pan aena par aono hak nay ajib che
Bihar ni chutni vakhate amit sahe su kidhu tu pak ma fatakada futse
વાત સો ટકા સાચી. હું દર વખતે કહું છુ કે આપણા દેશના રાજકારણીઓએ આપણી પ્રજાને પણ રાજકારણ કરતા શીખવી દીધુ છે. પોતાને ગમતું સત્ય સ્વીકારી નગ્ન સત્યને અવગણવાની તાલીમ આપણી પ્રજાએ હોંશે હોંશે મેળવી છે. એટલે હવે ન બોલવાના નવ ગુણ વાળી કહેવત મુજબ જીવવું પડે. પણ એક વાત સો ટકા સાચી, નરેન્દ્ર મોદીને ચાહનારાઓ જ દેશભકત છે એ વાત વાહિયાત છે અને અફઝલ ગુરુના સમર્થનમાં દેશનો વિરોધ કરનારા સો ટકા દેશદ્રોહી જ છે. આખી સિસ્ટમને અવગણીને ભારોભાર પોતાના મતને જ વળગીને નાગા થઈ ત્રાગા કરવા એ કેવું વાણી સ્વાતંત્ર્ય ? અને કડવું સત્ય કહેનારને દેશદ્રોહી તરીકે ચીતરીને એની બોલતી જ બંધ કરી દેવાનો મોદી સરકારનો અખતરો એમના માટે જ આ તબક્કે બુમરેંગ સાબિત થયો છે.
ReplyDeleteA good analysis.the way in which home minister handled situation created these problems
ReplyDeleteUrvish kaka, if you happened to follow Mayavati and Smriti Irani Face off, We would love to read your views on that. I am trying to be non believer in any "vaadi", but the behavior of oppositions in Upper and Lower house is tempting me to choose lesser of the evil. Why would any party(including BJP and every other) of chosen candidates from 'Janta' would behave in such fashion in 'Lok Sabha' and 'Rajya Sabha'? As citizens are we failing in electing them all? Why is media(perticularly T.V.) not covering enough on the parliament issues? Why there is no forums and debates on that regularly happening and instead we get to watch horrible quality news on channels? I always thought ideally media should serve nation as a watch dog, is commercialization of media itself is the only reason? My questions may occur to you as childish, but after all I am a child and would love your view on this
ReplyDeleteપ્રિય સભર
ReplyDeleteવાતાવરણ જ એવું છે કે મૂંઝવણ થાય. હવે તો લેસર એવિલ જેવું પણ રહ્યું નથી. એક જણ હાથ કાપે ને બીજો પગ-- એમાં લેસર એવિલ કેવી રીતે નક્કી કરવું. નાગરિક તરીકે હું એવું ઇચ્છું કે મારી પર્સનલ સ્પેસમાં સરકારો દખલ ન કરે. એ બાબતમાં આ સરકારની (કે તેનાં સંગઠનોની) દખલ ઘણી વધારે છે.
બાકી, મોદી જે કંઇ થઇ શક્યા તેમાં કોંગ્રેસનો સિંહફાળો છે--ગુજરાત કોંગ્રેસનો તો ખાસ.
હું ન્યૂઝ ટીવી જોતો નથી. ઘણાં વર્ષોથી બંધ કર્યું છે. કારણ કે તે આપણા પર્સ્પેક્ટિવને ગેરરસ્તે દોરે છે, ઘટનાનું મહત્ત્વ હોય એના કરતાં ઘણું વધારે કે ઓછું (પોતાની જરૂરિયાત અને સ્વાર્થ પ્રમાણે) દર્શાવે છે. ખરેખર શું બન્યું હતું, એ ઘટનાક્રમ નક્કી કરવામાં હવે મુશ્કેલી પડે છે. કેટલીક વેબસાઇટો અને અખબારો પરથી અહેવાલો વાંચીને, આપણી વિવેકબુદ્ધિનાં ફિલ્ટર વાપરીને સમજવું પડે છે. એકેય પક્ષ સાથે કે તેની વિચારધારા સાથે સંકળાયેલા ન હોઇએ, એટલે કોઇના ખોળે માથું મૂકવાનું સુખ પણ ન મળે :-)
યુ ટ્યુબ પર ક્યારેક રવીશકુમારની વિડીયો જોઉં છું. એનું મગજ ઠેકાણે છે. એ બધા વિશે એકસરખી અશ્રદ્ધા ધરાવે છે અને નાગરિકોના હિતમાં, તેમને જગાડતી વાત કરે છે. એની ઉપર અવનવા આક્ષેપ થાય છે, પણ તું જોશે તો તને પણ લાગશે કે એ રાજકીય હિત વિના નાગરિક હિતમાં જ વાત કરે છે.
મિડીયા કમર્શિયલ થયું છે, પણ વાચકો ગ્રાહક નથી થયા આ મારી બહુ જૂની રજૂઆત છું. હું તક મળે ત્યાં અને ત્યારે મિડીયા સામે ફરિયાદ કરનારા લોકોને કહું છું કે તમને જે નથી ગમતું, એ કોઇક રીતે મિડીયા સુધી પહોંચાડો તો ખરા, જેથી તે એવું ન કહે કે "અમે તો તમને ગમે છે, એટલે આવું કરીએ છીએ."
રાજનેતાઓ પોતાનો ધંધો કરવાના. વિવિધ ભક્તોની આંખ પરની પટ્ટી તો દૂર કરી શકાતી નથી, પણ ઘણા સારા-ઠેકાણાસરના લોકો મૂંઝવણમાં એક યા બીજા પક્ષ તરફ ઢળી જાય છે. તેમને વિચારભાથું પૂરું પાડીએ ને ટોળા કરતાં તે અલગ વિચારતા હોય તો એ એકલા નથી, એટલો તેમને અહેસાસ આપી શકીએ..
જવાબમાં જે કંઇ ખૂટતું લાગે, એ વિશે ફરી લખજે. એટલે આપણી વાત આગળ ચાલે.
DEAR URVISHKAKA,
DeleteWHAT IS YOUR VIEW ON SOLUTIONS OF CURRENT ISSUE? AS YOU RIGHTLY QUOTED "EK HAATH KAPE, ANE BIJO PAG." HOW DO YOU PROPOSE WE GET OUT OF SUCH SITUATION? WHAT IS OUR RESPONSIBILITY AS A CITIZEN?
હું એવું સમજ્યો છું કે આ સ્થિતિના ઉકેલ માટે સૌથી પહેલાં તો આપણે રાજકીય વફાદારીઓમાંથી બહાર નીકળી જવું પડે અને નાગરિક તરીકેની ઓળખ દૃઢ કરવા પર (કોન્સોલિડેટ કરવા પર) ધ્યાન આપવું પડે. એ નાગરિક તરીકેનાં સંગઠનો બનાવીને, આપણા અધિકાર વિશે જાગ્રત થઇને, નેતાઓને-પક્ષોને ઉત્તરદાયી (આન્સરેબલ) બનાવવાની કોશિશ કરીને થઇ શકે. ભ્રષ્ટાચાર જેવા નોશનલ મુદ્દા નેશનલ થઇ જાય તેનાથી નાગરિકોનું કશું ભલું ન થાય. સુશાસન- ગુડ ગવર્નન્સ એ કેચ ફ્રેઝ બનાવવાને બદલે ખરેખર અમલમાં મૂકવું પડે. પરંતુ અત્યારે તો સારાની નહીં, ખરાબની દેખાદેખી ચાલે છે. પેલો બે આંગળ નીચે ઉતરે, તો હું ચાર આંગળ કેમ ન ઉતરું...અને સોશ્યલ મિડીયા પર આક્રમકતાને જ વેલ્યુ તરીકે ગણનારો એક બોલકો વર્ગ ઉભો થયો છે. તેને નાગરિક બનવામાં રસ નથી. "હું માનવ માનવ થાઉં તો ઘણું"--એને બદલે "હું નાગરિક નાગરિક થાઉં તો ઘણું" એ નવા જમાનાની ધ્રુવપંક્તિ હોઇ શકે.
Deleteશું એક ગુજરાતી સાપ્તાહિક અખબાર(નાગરિક અધિકાર એ લગભગ દરેક જુદા જુદા અંદોલન કરતા વધારે સારો સંકલિત ઉપાય છે. Opinion એક નાગરિક તરીકે, નહીકે કોઈ એક અંદોલન ના પક્ષકાર તરીકે, એવાં સંકલિત લેખો વાળું સાપ્તાહિક)જાહેરખબરો સીવાય ટકી શકે? હું વસ્તુઓ ના ખર્ચા નહિ પણ કન્ટેન્ટ રાઈટરને અપાતા વળતર ની દ્રષ્ટીએ પુછુ છુ. (મારી પાસે કોઈ પ્લાન કે મુડી નથી, બસ નવરો બેઠો પુછુ છુ, જવાબ આપવા માટે research જેવો ટાઈમ ના બગાડવા વિનંતી, ઉપર છલ્લો જવાબ આપશો,તમારો આભાર.
Deleteસહિયારો એક અવાજ હોવો જોઇએ અને એનું મહત્ત્વ ઘણું છે. પણ છાપું નાગરિક અધિકાર આંદોલનનો વિકલ્પ નથી.
Deleteજાહેરખબરો સિવાય ટકાવવાનો રસ્તો બહુ લાંબો છે. કઠણ છે. પ્રિન્ટેડ આવૃત્તિનો ખર્ચ ખાસ્સો આવે છે. કન્ટેન્ટ રાઇટરને અપાતા વળતરને હજુ પહોંચી વળાય. સૌથી અઘરો પ્રિન્ટિંગ અને કાગળનો ખર્ચ હોય છે.