Diwan Haridas Viharidas Desai, Swami Vivekanand / દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઇ, સ્વામી વિવેકાનંદ |
પ્રચલિત દંતકથા પ્રમાણે, શિકાગોની સર્વધર્મપરિષદમાં જતાં પહેલાં વિવેકાનંદ સાક્ષર મણિલાલ નભુભાઇ
દ્વિવેદીને મળવા આવ્યા હતા. પરંતુ હકીકત જુદી છે. ઇ.સ. ૧૮૯૨થી ૧૮૯૫ (દીવાનના
મૃત્યુ) સુધી દીવાન હરિદાસ અને સ્વામી વિવેકાનંદ વચ્ચે અંગ્રેજીમાં આત્મીયતાભર્યો
પત્રવ્યવહાર ચાલ્યો. તેમાં વિવેકાનંદે નડિયાદમાં મણિલાલ દ્વિવેદીને મળ્યાનો ઉલ્લેખ
આખો પત્ર પૂરો થઇ ગયા પછી તાજા કલમ તરીકે કર્યો છે. નડિયાદથી વિવેકાનંદ વડોદરા ગયા
હતા, જ્યાં દીવાન હરિદાસની
ભલામણથી વડોદરાના દીવાન મણિભાઇએ તેમની વ્યવસ્થા ગોઠવી હતી.
‘માય ડીયર દિવાનજી
સાહેબ’ના સંબોધનથી સ્વામી
વિવેકાનંદે હરિદાસ દેસાઇને લખેલા પત્રોમાં ઝળકતી બન્ને વચ્ચેની અંગતતા અને
સ્વામીનો દીવાન પ્રત્યેનો આદર અલગ લેખનો વિષય છે. અહીં વાત કરવી છે ભારતમાં અને
અમેરિકાથી સ્વામીએ દીવાન હરિદાસને લખેલા પત્રોમાં પ્રગટ થયેલા તેમના વિચારોની.
અમેરિકાથી એક પત્રમાં સ્વામીએ લખ્યું છે,‘ભારત પર વિજય મેળવવાનું અંગ્રેજો માટે કેમ સહેલું હતું? એટલા માટે કે એ લોકો એક રાષ્ટ્ર છે ને આપણે
નથી. આપણો એક મહાન માણસ મૃત્યુ પામે ત્યારે બીજા મહાન માણસ માટે આપણે સદીઓ સુધી
રાહ જોવી પડે છે, (જ્યારે) એ લોકો
મહાન માણસો જે ઝડપે વિદાય થાય, એ ઝડપે બીજા મહાન
માણસ પેદા કરી શકે છે. અમારા દીવાનજી સાહેબની વિદાય થશે (ભગવાન કરે, મારા દેશના હિતમાં એ દિવસ મોડો આવે) તો તેમની
જગ્યા ભરવાની દેશને તકલીફ પડશે. એ તો જે રીતે અત્યારે (પણ) તમારી સેવાઓ લેવામાં
આવે છે, એની પરથી જોઇ શકાય છે.
(આપણે ત્યાં) મહાન માણસોનો તોટો કેમ છે? કારણ મહાન માણસો પેદા કરવા માટે તેમની પાસે રહેલો સમુહ મોટો છે, જ્યારે આપણે ત્યાં એ નાનો છે.’ જૂન ૨૦, ૧૮૯૪ના રોજ શિકાગોથી લખેલા આ પત્રમાં સ્વામીએ નોંધ્યું હતું કે ૩૦ કરોડની
વસ્તી ધરાવતા (આપણા) દેશમાં મહાન માણસો અમુક જ વર્ગમાંથી પેદા થઇ શકે છે, જ્યારે ત્રણ-ચાર-છ કરોડની વસ્તી ધરાવતા દેશોમાં
(મહાન માણસો જ્યાંથી આવી શકે એ) વર્ગ બહુ મોટો છે. સ્વામીએ લખ્યું હતું,‘આપણા દેશની આ મોટી ખામી છે ને એ દૂર કરવી પડશે.’
કેટલાક સુધારકોની જેમ સ્વામીને પણ લાગતું હતું કે ભણતર એ
સર્વ દુઃખોનો ઇલાજ છે. એટલે કે, ફક્ત શિક્ષણના
પ્રચારપ્રસારથી કચડાયેલા લોકોને ઉપર લાવી શકાશે. (પૂનામાં મહાત્મા જોતીરાવ ફુલેએ
ચલાવેલી શોષણવિરોધી-રૂઢિવિરોધી ઝુંબેશ પ્રકારની સુધારક ઝુંબેશોમાં સ્વામી
વિવેકાનંદને શ્રદ્ધા ન હતી.) તેમણે લખ્યું કે ‘ઝૂંપડામાં રહેતો અસલી દેશ તેની
મર્દાનગી, વ્યક્તિમત્તા ભૂલી ગયો
છે. હિંદુ, મુસલમાન કે ખ્રિસ્તી
(શોષકો)ના પગ તળે કચડાયેલા એ લોકો માને છે કે તેમનો જન્મ એવા કોઇ પણ માણસના પગ તળે
કચડાવા માટે થયો છે, જેમનાં ખિસ્સાં
તર હોય. આ લોકોને તેમનું ખોવાયેલું સ્વભાન પાછું આપવાનું છે. તેમને શિક્ષિત
બનાવવાના છે. મૂર્તિઓ રહે કે જાય,
વિધવાઓ પરણે કે ન
પરણે, જ્ઞાતિ સારી હોય કે ખરાબ, આ બધા સવાલો વિશે હું ચિંતા કરતો નથી.’
શિકાગોથી નવેમ્બર, ૧૮૯૪માં લખેલા એક પત્રમાં દેશના લોકોની ગુલામ અને ઇર્ષાળુ માનસિકતા વિશે બળાપો
ઠાલવતાં તેમણે લખ્યું હતું, ‘ગુલામોમાં
ઇર્ષ્યા પેદા થવી અનિવાર્ય છે. એ જ તેમને પાછળ રાખે છે...(અહીંનો) એકેય નીગ્રો (એ
સમયે અમેરિકામાં કાળા લોકો માટે વપરાતો શબ્દ) પોતાના ભાઇનાં વખાણ કે તેની પ્રગતિ
સાંખી નહીં શકે. એ તરત પોતાના જ ભાઇને કચડી નાખવાના ધોળા લોકોના પ્રયાસોમાં જોડાઇ
જશે...જેમની પાસે અઢળક નાણાં ને સત્તા છે, એમને દુનિયા આ રીતે ચાલે તે બરાબર લાગે છે. પણ હું એવા લોકોને ગદ્દાર કહું છું, જે ભણીને કરોડો કચડાયેલાઓની કાળી મજૂરીના
લોહીમાં ઝબોળાયેલી સાહ્યબીમાં રાચે છે...ભારતના ગરીબોમાં આટલા બધા મુસલમાન કેમ છે? તલવારના જોરે તેમનું ધર્મપરિવર્તન કરવામાં
આવ્યું હતું, એમ કહેવું
મૂર્ખામી છે. એ (ધર્માંતરનું) તો જમીનદારોથી ને ગોરપૂજારીઓથી મુક્તિ મેળવવા માટે
થયું હતું. પરિણામે, બંગાળમાં તેમને
ખેતી કરનારા લોકોમાં હિંદુઓ કરતાં મુસલમાનો વધારે જોવા મળશે. કારણ કે ત્યાં
જમીનદારો મોટી સંખ્યામાં હતા. કરોડો કચડાયેલાને ઉપર આણવાનું કોણ વિચારે છે? થોડા હજાર સ્નાતકો કે થોડા ધનિકોથી દેશ બનતો
નથી. એ સાચું કે આપણી પાસે તકો ઓછી છે. છતાં, ૩૦ કરોડ લોકોને ખાવાનું-પહેરવાનું પૂરું પાડે અને તેમને વધારે સગવડ--ના, વૈભવ--આપી શકે એટલી તો છે જ. (પણ) આપણા લોકોમાંથી ૯૦ ટકા શિક્ષણ વગરના છે. એનો
કોઇ વિચાર કરે છે?’
ભારતની બધી સમસ્યાઓનું મૂળ શિક્ષણના અભાવમાં જોતા સ્વામી
વિવેકાનંદે તેનો ઉકેલ પણ પોતાની રીતે વિચાર્યો હતો અને તેના માટે ભંડોળ એકઠું કરવા
માટે પોતે અમેરિકા આવ્યા હોવાનું પણ તેમણે દીવાન હરિદાસને પત્રમાં લખ્યું હતું. સ્વામીનું
સ્વપ્ન એવું હતું કે તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ જેવી વિભૂતિની આસપાસ યુવાન
સન્યાસીઓનું મંડળ જમા થાય. એ લોકો ગામે ગામે પહોંચે અને લોકોને સરકારી રાહે નિશાળો
ખોલીને ભણાવવાને બદલે, લોકોની અનુકૂળતા
પ્રમાણે શિક્ષણ આપે. ગામલોકોને ઝાડ નીચે બેસાડીને તેમને પૃથ્વીનો ગોળો, દૂરબીન, નકશા જેવી ચીજોથી અને જુદા જુદા દેશની
વાતો કરીને, તેની તસવીરો
બતાવીને, ઇતિહાસની વાતો કરીને
શિક્ષણ આપે. પરદેશી સરકારથી કે સરકારી બાબુઓથી આ કામ થઇ શકવાનું નથી, એની તેમને ખાતરી હતી. આ યોજનાનું વર્ણન કર્યા
પછી તેમણે લખ્યું હતું,‘તમે મને સ્વપ્નશીલ
કે સ્વપ્નદૃષ્ટા ગણી શકો છો. પરંતુ કમ સે કમ એટલી ખાતરી રાખજો કે હું હાડોહાડ
નિષ્ઠાવાન છું અને મારો સૌથી મોટો વાંક એ છે કે હું મારા દેશને ઘણો ઘણો જ ચાહું
છું.’
માંડ ૩૯ વર્ષના ટૂંકા આયુષ્ય પછી વિદાય લેનાર સ્વામી
વિવેકાનંદને કેવળ ભગવાં વસ્ત્રો ધરાવતી પ્રતિમા કે તસવીર તરીકે ખતવી નાખવા જેવા
નથી. એને બદલે તેમનાં માનવીય પાસાં વિશે જાણવાથી--દેશનું ભલું કરવા માગતા અને એ
માટે આશાનિરાશાની માનવીય લાગણીમાંથી પસાર થતા, હરિદાસ દેસાઇ જેવા રાજપુરૂષ સાથે આત્મીય સંબંધ ધરાવતા એક માણસ તરીકે તેમને ‘મળવાથી’ તેમની સાથે વધારે નજદીકી લાગી શકે છે.
This comment has been removed by the author.
ReplyDelete