દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં દેશવિરોધી
સૂત્રોચ્ચારોથી શરૂ થયેલો વિવાદ પૂરા કદની રાષ્ટ્રિય હુંસાતુંસીમાં ફેરવાઇ ગયો છે.
એવું થાય ત્યારે વિગતો ગૌણ અને છાપ મુખ્ય બની જાય છે. છાપના આધારે શબ્દયુદ્ધો લડાય
છે, દેશપ્રેમ-દેશદ્રોહની, સેક્યુલરિઝમ- કમ્યુનાલિઝમની સાથળપછાડ થાય છે.
વિગતોના નામે ‘અમે માંડ સો જણ
ને સામે ત્રણનું ટોળું’ જેવી રજૂઆતો થાય
છે. આંખે રાજકીય વફાદારીના પાટા બાંધેલા લોકો માટે વિગતોનું મહત્ત્વ પોતાને અનુકૂળ
ભાગ તારવી લેવા જેટલું અને એક અંશને આખા ચિત્ર તરીકે રજૂ કરી શકાય એટલા પૂરતું જ
હોય છે.
જેએનયુ/JNU વિવાદનો ઉલ્લેખ થાય એટલે એક સમુદાય તતડીને કહે છે,‘દેશવિરોધી નારાનો અમે નહીં ચલાવી લઇએ. એવી
વાતોનો બચાવ કરનારા દેશદ્રોહીઓને પણ અમે નહીં સાંખી લઇએ.’ દેશવિરોધી નારાનો વિરોધ થવો જ જોઇએ, એવું ભાજપ-સંઘ પરિવારની વિચારસરણીથી અળગા રહેલા કે તેના વિરોધમાં રહેલા લોકો
પણ કહ્યું જ છે. એમની વાત જવા દો,
જેની સામે
રાજદ્રોહનો આરોપ ઠોકી બેસાડાયો એ કનૈયાકુમારે પણ તેના ભાષણમાં કહ્યું હતું કે
ભારતવિરોધી નારાબાજી સાથે તે સંમત નથી અને એવી નારાબાજી યોગ્ય નથી.
તેમ છતાં, કનૈયાકુમારની
રાજદ્રોહના આરોપસર ધરપકડ થઇ. એવું થવાનાં સંભવિત કારણ : પહેલું તો એ કે
સૂત્રોચ્ચાર કરનારા વિદ્યાર્થીઓની ઓળખ વિડીયોમાં થતી ન હતી. (એટલે એ આરોપ બદલ ગમે
તેની ધરપકડ કરી શકાય) બીજું, કનૈયાકુમારે
આપેલું ભાષણ રાષ્ટ્રવાદના બહાને કોમવાદી કે સંકુચિત રાજકારણ ખેલનારાને મરચાં લાગે
એવું હતું. (અલબત્ત, તેમાં વાંક
ભાષણનો કે મરચાં ન ગણાય. કેમ કે, આખેઆખું ભાષણ
દેશના બંધારણ અને કાયદાની પૂરી આમન્યા રાખીને અપાયેલું હતું.) ત્રીજું, દિલ્હીમાં પોલીસ કેન્દ્ર સરકારના તાબા હેઠળની
હતી અને ઘણા પોલીસ અફસરોને પોતાના રાજકીય સાહેબોને અનુકૂળ પગલાં લેવાની ફાવટ હોય
છે. સાહેબોનો સીધો આદેશ ન હોય તો પણ,
સાહેબને શું ગમશે
ને શું નહીં ગમે એ અધિકારીઓ બરાબર સમજતા હોય છે.
સૂત્રોચ્ચાર કરનારા લોકો ન પકડાયા, એટલે જાડા નરને શૂળીએ ચડાવવાના ‘અંધેરી નગરી ન્યાય’ પ્રમાણે કનૈયાકુમારને ઝડપી લેવાયો. તેની પર
રાજદ્રોહના આરોપ માટે કશો દેખીતો આધાર ન હોવાથી, ધરપકડને વાજબી ઠરાવી શકાય એવી સામગ્રીની તાતી જરૂર ઊભી થઇ. દરમિયાન કેટલીક
ચેનલોના ઉત્સાહી એન્કરોએ દેશવિરોધી સૂત્રોચ્ચારના મુદ્દે એવું ધાંધલ મચાવ્યું હતું
કે એ લોકો ઇંદિરા ગાંધીની કટોકટી વખતે મોજૂદ હોત તો કયા પક્ષે ઊભા હોત, તે સહેલાઇથી ધારી શકાય. પોતાની જાતને ‘રાષ્ટ્રવાદી’ ગણાવતાં જૂથોને પણ સરસ મોકો મળી ગયો-- પોતાના તમામ વિચારવિરોધીઓને
રાષ્ટ્રવિરોધી, દેશદ્રોહી કે
તેમની પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા તરીકે ચીતરવાનો.
પરિણામ એ આવ્યું કે કનૈયાકુમાર સામે રાજદ્રોહ કેવી રીતે
લગાડી શકાય, એવું પૂછનાર સૌને
દેશદ્રોહી ઠેરવવાની ઝુંબેશ ચાલી. કનૈયાકુમારના ભાષણની મૂળ વિડીયો સાથે ચેડાં
કરવામાં આવ્યાં. તે બોલતો હોય એવા ફોટોમાં પાછળ ખંડિત ભારતનો નકશો ફોટોશૉપ વડે
લગાડી દેવાયો. પરંતુ આ તરકીબો એકદમ સસ્તી અને સડકછાપ પુરવાર થઇ. સામે પક્ષે, કનૈયાકુમારનું ઉપરાણું તાણનારા લોકોએ એવું
સાબીત કરવાનો પ્રયાસ કર્યો કે દેશદ્રોહી નારા હકીકતમાં ભાજપની વિદ્યાર્થી પાંખ
એબીવીપીના લોકોએ લગાડ્યા હતા. આ દાવો પણ કહેવાતા વિડીયો પુરાવા છતાં, અવિશ્વસનીય જ લાગ્યો.
આટલી વાત પછી,
પોતાની
વિચારશક્તિ એકેય વિચારધારા કે રાજકીય પક્ષને ગીરવે ન મૂકી હોય એવા લોકો માટે સાદો
સવાલ : ભારતવિરોધી નારાની કનૈયાકુમાર પણ ટીકા કરે છે અને ‘રાષ્ટ્રવાદી’ઓ પણ ટીકા કરે છે. તો કનૈયાકુમાર કેવી રીતે દેશદ્રોહી થયો? તેની સામે રાજદ્રોહનો આરોપ કેવી રીતે લગાડી
શકાય? અને તેની ધરપકડ સામે સવાલ
ઉઠાવનારા દેશદ્રોહી કે દેશદ્રોહીના ટેકેદાર કેવી રીતે થાય?
‘રાષ્ટ્રવાદીઓ’ને આ સવાલ પૂછવામાં આવે ત્યારે તે જવાબ આપવાને
બદલે ધૂણવા માંડે છે : ‘એ ગમે તે હોય, પણ રાષ્ટ્રવિરોધી નારાબાજી નહીં ચલાવી લેવાય.’ બરાબર છે, ભાઇ. એ બાબતે આપણી એકમતી. પરંતુ જેણે નારાબાજી કરી નથી--હજુ સુધી તો એવું
જણાયું નથી--એવા કનૈયાકુમારની ધરપકડનું, એની પર લાગેલા રાજદ્રોહના આરોપનું શું? એ વિશે તો કંઇક કહો? ‘રાષ્ટ્રવિરોધી
નારાબાજી નહીં ચાલે’ એવો મંત્ર
બોલવાથી ગમે તેવો અન્યાય કે ગમે તેવી ગુંડાગીરી વાજબી ઠરી જાય? લાગલગાટ બે દિવસ સુધી અદાલતના પ્રાંગણમાં
વિદ્યાર્થીઓ પર-પત્રકારો પર અને કનૈયાકુમાર પર વકીલોએ હુમલા કર્યા. આ ગુંડાગીરી
બદલ બીજા કેટલાકે તેમનું રીતસર સન્માન કર્યું અને અખબારમાં તેના અહેવાલ આવ્યા.
હુમલો કરનાર એક વકીલે એ મતલબની જાહેરાત કરી કે દેશદ્રોહીઓને પાઠ શીખવાડવો એ ગુંડાગીરી
ગણાતી હોય તો હું ગુંડો છું.
તેમના વાક્યનો ઉત્તરાર્ધ પ્રામાણિક એકરાર તરીકે સરસ છે, પણ પૂર્વાર્ધમાં ઘણા પ્રશ્નો છે. દેશપ્રેમ એટલે
શું? દેશવિરોધી નારા લગાડનારા
સામે કાનૂની કાર્યવાહી કરવાને બદલે,
કાયદો હાથમાં લઇ
લેવો અને ગુંડાગીરી પર ઉતરી જવું?
કે દેશપ્રેમ એટલે
દેશના કાયદો-બંધારણને માન આપવું તે?
દેશ એટલે
પક્ષ-વિચારધારા? કે દેશ એટલે
બંધારણ? રાષ્ટ્રવિરોધી
સૂત્રોચ્ચાર ન થાય અને એ કરનાર સામે યોગ્ય પગલાં લેવાં જોઇએ, એ વિશે આપણી વચ્ચે એકમત છે. ત્યાર પછી સાચા
દેશપ્રેમીઓને દુઃખ થાય એવું કશું બન્યું જ નથી? અદાલતના પ્રાંગણમાં વકીલો કાયદો હાથમાં લઇ લે, ત્યારે દેશપ્રેમીઓને ‘આ દેશનું શું થશે’ એની ચિંતા કેમ થતી નથી? એટલા માટે કે કાયદો હાથમાં લેનારા આપણી
વિચારધારાવાળા છે? અને એમની
ગુંડાગીરી આપણને માફક આવે એવી છે?
વ્યક્તિવાદ કે વિચારધારાના ભક્તો લાગ જોઇને ‘દેશદ્રોહ કરતાં તો ભક્તિ સારી’ એવું જાહેર કરવા લાગ્યા. ભક્ત તરીકેની શરમ
ઢાંકવાનો આ પ્રયાસ, વિડીયોમાં થયેલાં
ચેડાં જેવો જ, સસ્તો ને
હાસ્યાસ્પદ હતો. બીજા કેટલાકે એવી દલીલ રજૂ કરી કે ‘દેશદ્રોહીઓના ટેકામાં આટલા બધા માણસો ઉતરી પડ્યા, એની નવાઇ લાગે છે.’ પરમભક્ત અનુપમ ખેર જેવાએ એવું પણ લખ્યું કે
અત્યારે ‘પેસ્ટકન્ટ્રોલ’ ચાલે છે, એટલે કીડામંકોડા ગભરાઇને બહાર આવી રહ્યા છે.
આવું કહેનારામાંથી જે પક્ષપ્રચારકો છે, તેમની પાસેથી કશી અપેક્ષા નથી. તેમને આ પોતાના
વિચારવિરોધીઓને દેશદ્રોહી ચીતરવાનો મોકો લાગે છે. સવાલ ભક્ત ન હોય એવા સૌ નાગરિકો
માટે છે : શું સોલી સોરાબજી જેવા બંધારણવિદ્ રાજદ્રોહ જેવા ગંભીર મુદ્દે
બંધારણનું વલણ સ્પષ્ટ કરે, તો એ દેશદ્રોહી
છે? અને વગર આધારે કનૈયાકુમાર
સામે રાજદ્રોહ લગાડાયા છતાં, તેને અને તેનો
પક્ષ રજૂ કરનારને દેશદ્રોહી ઠરાવવા એ રાષ્ટ્રવાદ છે?
દરેક વખતે નિર્દોષનું નામ કનૈયાકુમાર હોય એ જરૂરી નથી. એ
જગ્યાએ તમારું નામ મૂકીને પણ આ સવાલ વિચારી જોજો.
જયારે એક મોટું ઉદ્યોગગૃહ અને એક મોટું સમાચાર માધ્યમ ભેગા મળીને બધી ન્યુઝ ચેનલો અને અખબારો ખરીદવા નીકળી પડેલી ત્યારે યુપીએ સરકાર અને પ્રતિસ્પર્ધા આયોગ મૂંગા રહ્યા; આજે જે ભાજપ સાથે નથી એ બધા રાષ્ટ્રદ્રોહી છે એવો પ્રચાર આ માધ્યમો દ્વારા પ્રચાર થયી રહ્યો છે, જેનો ભોગ અત્યારે નિર્દોષો બની રહ્યા છે. ગુજરાતીઓ માટે આમાં નવું કઈ નથી આ બધું પુનરાવર્તન જ છે. આવા બધા ખેલ માં ભાજપની રાષ્ટ્રવાદ ની પણ પોલ ખુલ્લી પડે છે, તેમની રાષ્ટ્રવાદની વ્યાખ્યામાં રાષ્ટ્ર એટલે આઝાદ હિન્દુસ્તાન નહિ પણ સંધીસ્તાન. અહિંસક આન્દોલનો ચલાવનાર ગાંધીજીને બંદુકની ગોળી મારવા માટે અંગ્રેજો ભારતમાંથી જતા રહે ત્યાં સુધી રાહ જોયી બાકી જો અંગ્રેજો ગાંધીજી સાથે વાતચિત કરવા માટે તૈયારના હોત તો દલિતોને પણ માણસ ગણવા જેવી હીન્દુ"રાષ્ટ્રવિરોધી" પ્રવૃત્તિઓ બદલ ઘણા વહેલા ખુન થાય ચૂકતું હોત. ઘણા બધા ભક્તો કેહતા હોય છે કે સરદાર જો પહેલા વડાપ્રધાન હોત તો ઘણું સારું થાત. હવે હું પણ માનું છુ કે સરદાર પહેલા વડાપ્રધાન હોત તો સારું જ થાત, રાષ્ટ્રવાદ ના નામે અત્યંત હીન રમતો માં લોકોનું ધ્યાન દોરી રાખીને કામની વાતો પરથી લોકો નું ધ્યાન હટાવાયી રહ્યું છે. અબજોની લાંબા ગાળાની લોન તેમના માનીતા ઉધોગો ને અપાય રહી છે, આપણી મૂળ આયાત ક્રુડઓઈલ ૮૦% સસ્તું થયું હોવા છતા ભારતના ઇતિહાસમાં રૂપિયો સૌથી તળિયે છે .લોન ડીફોલટર પાસેથી લેણા વસુલવાને બદલે નવી નોટો છાપી એ રૂપિયા બેન્કોમાં નાખવાથી આમ બન્યું છે, માધુપુરા બેંક ના ડીફોલ્ટરો ના પક્ષે કેસ લડનાર અરુણ જેટલી ને નાણાપ્રધાન બનાવાય તો બીજું શું થાય? આ ફુગાવાનો માર મોંઘવારી તરીકે આખો દેશ ભોગવી રહ્યો છે. The Food and Agriculture Organization's (FAO) food price index આધારે ફેબૃઅરી માં વિશ્વ આખામાં ખોરાકના ભાવો સાત વર્ષના તળિયે છે(ક્રુડ ઓઈલ $૧૧૦ થી ઘટીને $૨૦ થવાને કારણે). પણ જયારે આપણે બજાર માં જયીયે છીએ તો આપણા માટે ખોરાક ભારતના ઇતિહાસ માં સૌથી મોંઘો છે. મનમોહન સરકાર માં રૂપીયો ૪૪ થી ૪૪.૦૫ થતાને સામાન્ય(ખાસ નાણાકીય નહિ એવાં) છાપાની પહેલા પાનાની હેડલાઈન બનાવનારા અખબારો આજે "રૂપિયો ૩૬ મહિના ના તળિયે" એવી રૂપાળી ખબર વચ્ચેના પાના પર ૫x૨ સેન્ટીમીટરની કોલમ માં છાપે છે અને એ પણ અપ્રમાણીકતાથી, નહિ કે સાચું લખીને કે રૂપિયો ભારત ના ઇતિહાસ માં એના તળિયે છે. ગુજરાતમાં હજી ગયા અઠવાડિયામજ એક પટેલે પોતાના બુલડોઝર વડે સુથાર ખેડૂતનો ઉભો પાક વિખી નાખ્યો અને અસહાય સુથાર ખેડૂતે આત્મહત્યા કરી, વચ્ચે ના પાને નાની કોલમના સમાચાર. આજે ૦૪/૦૩/૨૦૧૬ એક પટેલ યુવાને આત્મહત્યા કરી એ ઝી વાળા દિવ્યભાસ્કર માટે પહેલા પાનાની મુખ્ય હેડલાઈન. રીઝેર્વેશન (Right to inclution) વિરોધી હવા ઉભી કરવામાં છુપો હાથ ખુલ્લો પડતો જાય છે. ગુજરાતમાં હજારો (હા હજારો એ લખવા ખાતર નહિ ખરેખર નો આકડો છે, છેલ્લા સાત વર્ષો ના ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડાઓ જોઈ જાવ) હજારો લોકો દર વર્ષે આત્મહત્યા કરે છે.
ReplyDeleteગુજરાત આખા દેશમાં સૌથી વધારે અકાઉન્ટ, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના સ્નાતકો બહાર પાડે છે છતાય જે મેં આ કોમેન્ટ માં લખ્યું છે એ હું ક્યાંય વાંચતો નથી. ઘણી વાર તો એવો વિચાર આવે છે કે ગુજરાતી અને હિન્દી ગુલામીની ભાષાઓ છે અને માત્ર અંગ્રેજી વાંચનજ critical thinking ને બળ આપે છે, અને નાં "જટિલ વિચાર" ને હું critical thinking નું ગુજરાતી ભાષાંતર ગણતો જ નથી.
મને "સાહેબ" ની અંગ્રેજી અખબાર ને આપેલી કોમેન્ટ અત્યારે રોજ સવારમાં યાદ આવે છે: "Only mistake I made was bad media management." સાહેબની આ જવાબદારી એક બે ઉદ્યોગપતિ અને એક મેડિયા ઉદ્યોગપતિએ ઉપાડી લીધી છે, ધીમે ધીમે પણ અત્યંત સિફતતાથી. રાજસભા માં કયા બે ચેહરા ઉમેરાવાના છે એ નક્કી જ જણાય છે, માત્ર જગ્યા ખાલી પડે એટલીજ વાર છે. ઘણી વાર મને વિચાર આવે છે કે શું તેમની આવનારી પેઢીઓએ પણ શું આજ દેશમાં નથી જીવવાનું? ટૂંકા ગાળા માટે થોડા રૂપિયા બનાવી લેવા માટે રાષ્ટ્રનું અહિત કરનારા કૃત્યો ને ખુલ્લા ના પાડીને આ લોકો શું મેળવી લેવાના છે? મને તો આ માનસિકતા ગળે જ નથી ઉતરતી.