Acharya Kripalani- Sucheta Kripalani / આચાર્ય કૃપાલાની - સુચેતા કૃપાલાની |
કયો યુગ વધારે પ્રેમવિરોધી હતો? સમાજનાં
બંધનોને કારણે પ્રેમિકા પાછળ ખુવાર થઇ જતા દેવદાસનો યુગ? કે પછી બ્રહ્મચર્યના ચુસ્ત
આગ્રહી- કડક વ્રતપાલક ગાંધીજીનો યુગ?
‘જવાબ નક્કી કરવાનું અઘરું છે’ એટલું પણ કહેતાં પહેલાં એક સ્પષ્ટતા : અહીં ‘પ્રેમ’નો
અર્થ પરંપરાગત અર્થમાં પુખ્ત વયનાં સ્ત્રી-પુરૂષ વચ્ચેનો પ્રેમ--એવો કરવો.
દેવદાસોને સમાજ નડતો હતો અને ગાંધીજીના
અંતેવાસીઓને ગાંધીજી-ગાંધીવાદ. અંગત વ્યવહારમાં ગાંધીજી અત્યંત પ્રેમાળ અને
સાથીદારોની નાનામાં નાની બાબતોની દરકાર કરનારા હતા. પરંતુ સ્ત્રી-પુરૂષ
પ્રેમસંબંધોની વાત આવે ત્યારે તેમનું વલણ આત્યંતિક લાગે એટલું કડક રહેતું. એની
પાછળ રૂઢિચુસ્તતા નહીં,
પણ ધ્યેયનિષ્ઠા કારણભૂત હતી. તેમને લાગતું હતું કે તેમના
સાથીદારો પ્રેમ કે લગ્ન કે બન્નેની જંજાળમાં પડશે, તો એમાં જ અટવાઇ જશે ને દેશની
સેવા બાજુ પર રહી જશે.
આચાર્ય કૃપાલાનીના મામલે એવું જ બન્યું.
ગાંધીજી સાથે સાવ શરૂઆતના ગાળામાં જોડાનારા લોકોમાં ઇતિહાસના અધ્યાપક જીવતરામ
કૃપાલાની હતા. આઝાદમિજાજ,
બંડખોર, તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને એવી જ તીવ્ર રમુજવૃત્તિ ધરાવતા કૃપાલાની
ચંપારણ સત્યાગ્રહથી ગાંધીજીના નિકટના સાથી બન્યા, પણ કોઇનાથી પ્રભાવિત થવાનું
તેમના સ્વભાવમાં ન હતું. ‘તમારા ઉપર પ્રાથમિક સંસ્કાર કોના પડ્યા?’ એવું પૂછનાર પત્રકારને તેમણે
કહ્યું હતું,‘મારી પર મોસમ અને પર્યાવરણ સિવાય બીજા કોઇનો પ્રભાવ કે સંસ્કાર પડ્યા નથી.’ ગાંધીજીની
હયાતીમાં કૃપાલાનીએ કહી દીધું હતું કે ‘ગાંધીવાદ જેવી કોઇ ચીજ અસ્તિત્ત્વ ધરાવતી નથી.’ અને
ગાંધી જેનું નામ, તેમણે કૃપાલાનીના આ મંતવ્યને પૂરો ટેકો જાહેર કર્યો હતો. સાથે યાદ રાખવા જેવી
વાત એ પણ છે કે કૃપાલાનીએ છેક ૧૯૨૦માં
ઉત્તર પ્રદેશમાં ‘શ્રી ગાંધી આશ્રમ’ની સ્થાપના કરીને ખાદીપ્રવૃત્તિને અપનાવી હતી. એ આશ્રમના સાથી ધીરેન્દ્ર
મજુમદાર થકી કૃપાલાની મજુમદાર પરિવારના અને ધીરેન્દ્રની ભત્રીજી સુચેતાના પરિચયમાં
આવ્યા.
૧૮૮૮માં જન્મેલા કૃપાલાનીથી ઉંમરમાં વીસ
વર્ષે નાનાં સુચેતા વિદૂષી હતાં. (જન્મ : ૨૫ જૂન, ૧૯૦૮) પિતા ડૉક્ટર. પરિવારમાં ‘બ્રહ્મસમાજ’ જેવી
સુધારક સંસ્થાના સંસ્કાર. તેમાં સ્વદેશીનો આગ્રહ ભળ્યો. બનારસ હિંદુ
યુનિવર્સિટીમાં ઇતિહાસ અને રાજકારણનાં અધ્યાપિકા સુચેતા કૉલેજમાં ખાદીની સાડી
પહેરતાં હતાં. એ ઘણી વાર કૃપાલાનીને રાષ્ટ્રીય ચળવળ વિશે પ્રવચન આપવા બોલાવતાં.
તેમાંથી બન્નેનો પરિચય વધ્યો. નિકટતા થઇ. ત્યારે કૃપાલાની ફક્ત ‘પ્રૉફેસર’ રહ્યા
ન હતા. ૧૯૨૨-૧૯૨૭ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠનું આચાર્યપદું શોભાવીને દેશભરના લોકો માટે ‘આચાર્ય કૃપાલાની’ બન્યા
હતા.
ચાળીસ વટાવી દીધા પછી પણ આચાર્ય
કૃપાલાની અપરણિત હતા અને ગાંધીજીના નિકટના સાથી. એટલે ઘણા એવું માનવા પ્રેરાતા કે
તેમણે બ્રહ્મચર્યનું વ્રત લીઘું છે. વાસ્તવમાં, બ્રહ્મચર્યનું જ નહીં, કોઇ
પણ પ્રકારનું વ્રત રાખવા સામે તેમને વાંધો હતો. પ્રતિબદ્ધતા અને સેવાભાવ છતાં, વ્રતથી
બંધાવાનું આચાર્ય કૃપાલાનીના મિજાજને અનુકૂળ ન હતું. સુચેતા સાથે ૧૯૨૭ની આસપાસથી
શરૂ થયેલો તેમનો પરિચય ધીમે ધીમે એટલો ગાઢ બન્યો કે લોકોમાં એ વિશે ગુસપુસ થવા
લાગી. પોતાને સાચું લાગે એ બાબતમાં ગાંધીજીને ન ગાંઠે એવા કૃપાલાની ‘સમાજ’થી
દબાય એવા ન હતા. સાથોસાથ,
તે સમજતા હતા કે આ પ્રકારની કુથલીમાં સૌથી વધારે સહન
કરવાનું સ્ત્રીના ભાગે આવે છે. માટે, તેમણે સુચેતા સાથે લગ્નનો નિર્ણય લીધો.
કૃપાલાનીની કમાણી કે ઘરબારનું ત્યારે
કશું ઠેકાણું ન હતું. નજીકના ભવિષ્યમાં ઠેકાણું પડવાની કોઇ સંભાવના પણ ન હતી.
સરોજિની નાયડુ તેમના માટે ‘નામાંકિત રખડેલ’ જેવું વિશેષણ વાપરતાં.’ પરંતુ
સુચેતાને આ કશાનો વાંધો ન હતો. કદાચ એનું આકર્ષણ પણ હોય. આચાર્ય કૃપાલાનીને સુચેતાની
બૌદ્ધિકતા, વાચન, સુક્ષ્મ હાસ્યવૃત્તિ,
રાષ્ટ્રીય આંદોલનમાં ઝંપલાવવાની તૈયારી જેવા ગુણ ખૂબ ગમતા
હતા.
બન્ને જણ રાજી હતાં, પણ
કાજી સરખા ગાંધીજીનું શું?
આચાર્ય કૃપાલાનીને તેમણે એક વાર કહી જોયું. પરંતુ એ મક્કમ
હતા. તેમણે એ મતલબનું લખ્યું હતું કે અમે રહેવાના છીએ મિત્રની જેમ, પણ લગ્ન
કરીને ગુસપુસનો અંત આણી દેવો છે. કૃપાલાનીને બરાબર ઓળખતા ગાંધીજીએ ત્યાં પ્રયાસ
કરવાનું છોડીને,
સુચેતા પર દબાણ આણવાનું શરૂ કર્યું. છેલ્લા પત્તા તરીકે એવું પણ કહ્યું કે ‘તમે
(કૃપાલાની સાથે) લગ્ન કરશો, તો મારો જમણો હાથ કપાઇ જશે.’ સુચેતાએ દલીલ કરી,‘એવું
ન બને કે તમને એકને બદલે બે કાર્યકર મળે?’ ત્યારે ગાંધીજીએ કહ્યું હતું,‘એવું
બનતું નથી. લોકો ઘરગૃહસ્થીમાં પડી જાય છે. અત્યાર સુધી એવું બહુ જોયું છે.’
તેમ છતાં, એક તબક્કે ગાંધીજીના સતત આગ્રહને
વશ થઇને સુચેતા એવા નિર્ણય પર પહોંચ્યાં કે તે આજીવન અપરણીત રહેશે. ગાંધીજીને
એટલાથી પણ સંતોષ ન હતો. તેમણે સુચેતાને કહ્યું,‘તમને દુઃખી જોઇને કૃપાલાનીના મન
પર ભાર રહેશે. એટલે તમારે બીજા કોઇને પરણવું જ જોઇએ.’ એ વાત સુચેતાને બહુ આકરી લાગી.
તેમણે ગાંધીજીને કહ્યું,‘તમારું સૂચન બરાબર નથી. એ અન્યાયી અને અનૈતિક છે.’ એ ચર્ચાના અંતે સુચેતાએ નક્કી
કરી લીધું કે તે આચાર્ય કૃપાલાની સાથે લગ્ન કરશે. એમ તો, કૃપાલાનીનાં બહેન અને સિંધનાં નામાંકિત
કાર્યકર્તા કીકીબહેનને પણ એવી બીક હતી કે ભાઇ આ ઉંમરે લગ્ન કરશે, તો
તેની આબરૂ ધૂળમાં મળી જશે. પરંતુ પોતાની દોસ્તીને કારણે કોઇ સ્ત્રીની ન બદનામી થાય, એ કૃપાલાની
માટે વધારે અગત્યનું હતું.
હવે લગ્ન આડે છેલ્લો, કામચલાઉ
અવરોધ બાકી રહ્યો. એ સમયે કૃપાલાનીના પરમ મિત્ર પંડિત જવાહરલાલ નેહરુ જેલમાં હતા.
તે મુક્ત થાય ત્યાં સુધી બન્ને જણે રાહ જોઇ અને એપ્રિલ, ૧૯૩૬માં બ્રહ્મસમાજ વિધિથી લગ્ન
કર્યાં. (એ જ વર્ષે દેવદાસની કરુણ પ્રેમકથા હિંદી ફિલ્મ
તરીકે પહેલી વાર રજૂ થઇ) જવાહરલાલ તેમના સાક્ષી બન્યા. તે પહેલાં (જમનાલાલ બજાજ
જેવાની રજૂઆતો પછી) ગાંધીજીએ બન્ને જણને લગ્ન માટે લીલી ઝંડી જેવા આશીર્વાદ મોકલી
આપ્યા હતા. સૂચેતાએ નોંધ્યું છે કે ‘અમારા લગ્નના સમાચાર ગાંધીજીને આપ્યા જ નહોતા. તેમણે
છાપાંમાં એ વિશે વાંચ્યું હશે.’
લગ્ન પછી સુચેતા મજુમદાર મટીને સુચેતા
કૃપાલાની તરીકે જાણીતાં બન્યાં. કૃપાલાની દંપતિએ ૩૮ વર્ષનું સહજીવન મહદ્ અંશે
દેશસેવામાં વીતાવ્યું. આચાર્ય કૃપાલાની વિરોધ પક્ષમાં ને સુચેતા સત્તાપક્ષમાં હોય
કે સુચેતા (૧૯૬૩માં) ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી બને એવા પ્રસંગો પણ આવ્યા. છતાં
બન્ને વચ્ચેનો સ્નેહ અતૂટ રહ્યો. સહજીવનનો તેમણે લીધેલો નિર્ણય કેટલો ઠરેલ અને
સમજદારીભર્યો હતો, તે સમયે દર્શાવી આપ્યું. ૧૯૭૪માં સૂચેતા કૃપાલાનીનું અવસાન થયું અને આચાર્ય
કૃપાલાનીએ ૧૯૮૨માં, તેમને ‘આચાર્ય’ બનાવનાર અમદાવાદમાં છેલ્લા શ્વાસ લીધા. પરંતુ સુચેતાને તેમણે આપેલી અંજલિ
તેમના ઉત્કટ પ્રેમસંબંધના ચરમબિંદુ જેવી છે. તેમણે કહ્યું હતું,‘દરેક
હિંદુ ઇચ્છે કે અંત ઘડીએ તે ભગવાનને યાદ કરે. મારી આજીવન એ જ ઇચ્છા હતી. (પણ) શક્ય
છે કે એવું ન બને. મને શંકા છે કે છેલ્લી ઘડી આવશે ત્યારે મારી સ્મૃતિમાં સૂચેતાની
છબિઓ દેખાતી હશે. હું પ્રાર્થના કરું છું કે આવું ન થાય, જેથી છેલ્લી ક્ષણોમાં હું
પરમાત્માને યાદ કરી શકું.’
ભલભલી ફિલ્મી પ્રેમકથાનો પ્રેમી આનાથી
વધારે શું કહી શકવાનો હતો?
સંદર્ભ : આચાર્ય કૃપાલાનીની આત્મકથા, शाश्वत विद्रोही नेता आचार्य जे.बी.कृपलानी, लेखक – रामबहादुर राय)
ઉર્વિશભાઇ, આચાર્ય ક્રુપાલાણી અને સુચેતાજીના સુમધુર સંબંધને અત્યંત નજીકથી જોવાનું,સમજવાનું અને તેમાંથી ઘણું શીખવાનું સદનશીબ મને પ્રાપ્ત થયું છે.તમારી બધી વાત હકીકતઓની પૂર્તિ કરે છે. અભિનદન. મારાથી આટલું સારું લખાયું ના હોત. ગાંધીજીની ઘણી વાંધાજનક વાતોમાંની એક એ કે તેમણે તો પ્રજોત્પતિનું કામ ભારત આવતાં પહેલાં જ પતાવી દીધેલું. ગાંધીજીના જ પ્રસિધ્ધ થયેલાં લખાણોમાંથી મેં એવું તારવ્યું છે કે તે બધું વિષયવાસનાની પૂર્તિ માટે અક્સ્માતે જ થયેલું.અક્સ્માતે ગાંધીજીના સંતાનો પેદા થયાં,અક્સ્માતે જીવ્યાં, અક્સ્માતે મોટા થયા અને અક્સ્માતે ઠેકાણે પડયા ! તેવા ગાંધીજીએ બીજા તીક્ષ્ણ બુધ્ધિજીવીઓને પ્રજોત્પતિથી દૂર રાખ્યા. અક્સ્માતવાળી તે પરંપરાનો આજનો જીવતો છેડો એટલે નરેન્દ્ર તિવારી ! વચગાળાના મુસાફરોમાં નહેરુ પણ ખરા ! જવાહરલાલ પુરતી બાપુએ ઘણી છૂટ રાખેલી તેમાં આ એક મુખ્ય હતી ! ક્રુપાલાણીદાદા અને સુચેતાજીને આ બાબતે પૂછવામાં મને મારા સ્થાનભેદ અને મર્યાદાનો બાધ નડેલો ! હવે તમે ગાંધીજીની આ વાંધાજનક બાબતે તપાસ કરીને એક પુસ્તક લખો. હું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમિટેડને " અન રિલાયેબલ " ઠરાવવાના ભગીરથ કામમાંથી નવરો પડું એમ નથી.
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteગાંધી બાપૂના નજીકના વ્યક્તિઓની આવી પ્રેમકહાનીઓ શેર કરજો.મજજા પડી ગઇ .
ReplyDeleteસરસ માહિતી. બન્ને પ્ર્ત્યેનું માન હજી વધ્યું.
ReplyDeleteનવું જાણવા વાંચવા મળ્યું... આભાર
ReplyDeleteઉર્વીશભાઈ તમારી કોલમ કરતા બ્લોગ વાંચવાની વધુ મજા આવે છે એના પર વધુ ને વધુ પોસ્ટ કરો એવી વિનંતિ...
ReplyDeleteહૃદયસ્પર્શિ....
ReplyDeleteહું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમિટેડને " અન રિલાયેબલ " ઠરાવવાના ભગીરથ કામમાંથી નવરો પડું એમ નથી.
ReplyDeleteSushil Mohan9:50:00 PM
What is this mean can'under stand please
!!!????
(Biren Kothari Friiend)
DRPATEL.....Vadodara
વાહહહ ! પાલન અને તર્પણ !
ReplyDelete