અંગ્રેજીમાં શબ્દપ્રયોગ છે : એલીફન્ટ ઇન ડ્રૉઇંગ રૂમ. એવી
વાસ્તવિકતા, જેને અણદેખી
કરવાનું અશક્ય હોય. પરંતુ નિષ્ણાત જાદુગરો જેમ સ્ટેજ પરના હાથી ગુમ કરી શકે છે, તેમ રાજકીય જાદુગરો (સૌમ્ય જોષીની કવિતાનો શબ્દ વાપરીને કહીએ તો, કીમિયાગરો) એવી સામુહિક ભૂરકી છાંટે છે કે
લોકોને પોતાના દીવાનખાનામાં ઊભેલા હાથી ધરાર ન દેખાય.
જ્ઞાતિ આધારિત ભેદભાવ, ‘ભારત’ કહો કે ‘ઇન્ડિયા’--બન્નેના દીવાનખાનામાં ઊભેલો હાથી છે. કૉલેજો અને યુનિવર્સિટીઓ આપણા સમાજની
વચ્ચે, સમાજના લોકો દ્વારા જ
ચાલે છે. એટલે જ્ઞાતિ આધારિત ભેદભાવોની બાબતમાં તેમની સ્થિતિ જરાય જુદી નથી.
સામાન્ય --અને ખોટી--માન્યતા એવી છે કે માણસ ભણેગણે, તેમ જરા ‘સુધરે’. તેની સમજ સંકુચિત મટીને વિશાળ થાય. હકીકતમાં, ભણતરને લીધે આવું બનવાનું કોઇ કારણ નથી. કારણ
કે, અભ્યાસક્રમમાં ક્યાંય
વિદ્યાર્થીની સામાજિક સમજ-સંવેદના વિસ્તારે (ખાસ કરીને જ્ઞાતિવાદ જેવી બાબતોમાં)
એવું કશું આવતું નથી. ‘ડૉ.આંબેડકર
બંધારણના ઘડવૈયા છે’ આટલું નિર્દોષ
સત્ય જ પાઠ્યપુસ્તકોમાંથી જાણવા મળે છે. જોતિરાવ ફૂલે-સાવિત્રી ફૂલે? એ વળી કોણ? ડૉ.આંબેડકરના સત્યાગ્રહો? કોની સામે? શા માટે? સત્યાગ્રહો તો ફક્ત અંગ્રેજો સામે જ ન હોય? અને એ ફક્ત ગાંધીજીના જ ન હોય?
આઝાદ ભારતમાં અનામતની જોગવાઇ, તેનાં કારણ, અમલ, મર્યાદાઓ, સંઘર્ષ અને વિકલ્પો જેવી બાબતો અભ્યાસક્રમમાં શા માટે ન હોવી જોઇએ? પણ નથી. પરિણામે, સામાન્ય નાગરિકો તો ઠીક, અભ્યાસી કહેવાય
એવા લોકો ‘અનામતની જોગવાઇ તો ફક્ત
દસ વર્ષ માટે હતી’ એવી ખોટી માહિતી
આત્મવિશ્વાસથી કહી નાખે છે. બહુમતી વર્ગ તો દલિતો પ્રત્યે ભેદભાવ રખાય છે એ માનવા
જ તૈયાર નથી. અસમાનતા સામેનો સંઘર્ષ તેમને ‘જૂના ઘા તાજા કરવા જેવો’ લાગે છે.
રોહિત વેમુલાની આત્મહત્યા જેવો કોઇ કિસ્સો ચગે, ત્યારે અચાનક ‘દીવાનખાનાનો હાથી’ ચર્ચામાં આવે છે.
પણ જોતજોતાંમાં ‘જાદુગરો’ આવી પહોંચે છે. પછી રાજકીય શોરબકોર ચાલુ ને
હાથી ગુમ. દરમિયાન, કેટલાક કીમિયાગરો
એવા પણ હોય છે જે કહે,‘વિમાનને પાંચ
મિનીટમાં રંગવું છે? સાવ સહેલું છે.
વિમાન આકાશમાં ઉડે ત્યારે એકદમ ટચુકડું હોય છે. એ વખતે તેને રંગી નાખવાનું.’ આ રમૂજ છે, પણ ‘કૉલેજ કૅમ્પસ પર જ્ઞાતિની
સભાનતા-જ્ઞાતિના ભેદભાવ કાઢી નાખવા છે? સહેલું છે. અનામત નાબૂદ કરી નાખો.’ એવું કહેવામાં આવે, ત્યારે ઘણાને
સમજાતું નથી કે આ પણ રમૂજ છે--કહેનારાની અણસમજમાંથી, એની જાણબહાર નીપજેલી રમૂજ. સાઠ-સિત્તેર વર્ષ જૂની (અને થોડીઘણી અસરકારક રીતે
તો છેલ્લાં ત્રીસેક વર્ષથી અમલી) અનામત નહીં રહે, તો સદીઓ જૂના જ્ઞાતિના ભેદભાવ કમ સે કમ કૉલેજ કૅમ્પસમાંથી તો નાબૂદ થઇ જ
જશે--એવું માની લેવા માટે ખાસ પ્રકારની મુગ્ધતા જોઇએ.
રોહિતની આત્મહત્યા જેવા મુદ્દે ‘યુનો’વાદીઓ (હુમલાખોર અને ભોગ બનનાર બન્ને પ્રત્યે ‘સમભાવ’થી જોનારા માટે ‘રાગ દરબારી’માં વપરાયેલો પ્રયોગ) એવો ઉપાય સૂચવે છે કે ‘કૉલેજમાં વિદ્યાર્થીઓએ રાજકારણથી દૂર રહીને ભણવામાં ધ્યાન આપવું જોઇએ.’ એટલે કે, ચૂંટણી વખતે રાજકારણીઓ જેમના નામની માળા જપે છે, એવા ભારતના યુવાધને રાજકારણના પ્રવાહોની સમજ મેળવ્યા વિના, ફક્ત ચૂંટણી આવે ત્યારે મત આપવાના. કૉલેજની
ચૂંટણીમાં બહુ હિંસા થાય છે ને બહુ રૂપિયા ખર્ચાય છે? સિમ્પલ : ચૂંટણી બંધ કરાવી દો. આ જ તર્ક
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પાડીને ‘સમરસ’ જેવી બિનલોકશાહી પ્રથા ઘૂસાડી
દેવામાં આવી અને તેને રાજ્યસરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું. કારણ એટલું જ
કે નિયમોની મર્યાદા પાળીને ચૂંટણી લડવાની એકેય રાજકીય પક્ષની દાનત નથી. એવી જ રીતે, કૉલેજની ચૂંટણીમાં અશાંતિનો પ્રશ્ન વાસ્તવિક
છે. પણ તેનો ધોરણસરનો ઇલાજ શોધવાની કવાયતમાં ઉતર્યા વિના, ચૂંટણીઓ જ નાબૂદ કરી દેવાની અને માની લેવાનું
કે કૉલેજમાં બધું સમુંસૂતરું થઇ રહેશે, એ પોતાની આંખ મીંચીને દીવાનખાનાના હાથીને અદૃશ્ય કરવા જેવું છે.
પરંતુ યુનિવર્સિટીઓના ઉપકુલપતિ (વાઇસ ચાન્સેલર) તરીકે પ્રતિભાશાળી શિક્ષણવિદ્ કે નિષ્ઠાવાન
અધ્યાપકોને બદલે પોણીયા સરકારી માણસોને બેસાડવામાં આવે, પછી બીજી અપેક્ષા પણ શી રાખી શકાય? બધાં પાપની જેમ આ પાપની શરૂઆત કૉંગ્રેસે કરી
હતી. ગુજરાત યુનિવર્સિટીમાં પ્ર.ચુ.વૈદ્ય
જેવા સ્વતંત્ર મિજાજ અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા વિજ્ઞાની ઉપકુલપતિપદે રહે, એ કૉંગ્રેસને પરવડ્યું ન હતું. કૉંગ્રેસી
નેતાઓને ન ગાંઠતા, રોકડું પરખાવતા
ને કાચી સેકન્ડમાં હોદ્દો છોડવાની ખુમારી રાખતા વૈદ્યસાહેબ કે ઉમાશંકર જોષી જેવા
ઉપકુલપતિઓ રામાયણ-મહાભારતકાળમાં થઇ ગયા હોય, એવું અત્યારના વાતાવરણ પરથી લાગે.
પહેલાં ગુજરાતમાં અને પછી કેન્દ્રમાં ભાજપ-એનડીએના રાજમાં
સંઘ પરિવારના ‘આશીર્વાદ’ ધરાવતા ઘણા કુલપતિઓ અને ઉચ્ચ શિક્ષણસંસ્થાઓના
મુખિયાઓએ ધોરણહીનતાનો આતંક મચાવ્યો છે. તેમના માટે ‘મીડિયોકર’ (મઘ્યમ બરના) એવો
શબ્દ પણ ન વપરાય. કારણ કે ‘બર’ (કક્ષા) જેવો કોઇ ખ્યાલ જ તેમને લાગુ પડે એમ
નથી. સમારંભોમાં મહેમાન તરીકે આ લોકો રામદેવને (IIT, દિલ્હીમાં), બેફામ કોમવાદી બોલનારા યોગી આદિત્યનાથને
(અલાહાબાદ યુનિવર્સિટીમાં) આમંત્રણ આપી શકે છે. લખનૌની આંબેડકર યુનિવર્સિટીના
ઉપકુલપતિ મંત્રી સ્મૃતિ ઇરાનીની ચાપલૂસીમાં કવિતા વાંચી શકે છે. આ વર્ષે ઉત્તર
ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પદવીઅર્પણ સમારંભ માટે સંઘ પરિવારના
અગ્રણી--અજમેર બૉમ્બ બ્લાસ્ટ કેસના આરોપી ઇન્દ્રેશ કુમારને નિમંત્રણ અપાતાં વિવાદ
થયો છે. ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઉપકુલપતિ પરિમલ ત્રિવેદી તત્કાલિન મુખ્ય
મંત્રી મોદીને પગે લાગે, પ્રવેશ ફૉર્મમાં
પોતાના ફોટા છપાવે, રક્ષણ માટે
બાઉન્સર રાખે. બદલામાં ભાજપ સરકાર તેમને બે મુદત સુધી ઉપકુલપતિપદે ચાલુ રાખે. આ
હરોળમાં બીજાં પણ નામ ગણાવી શકાય.
--અને બનારસ હિંદુ યુનિવર્સિટીની આઇ.આઇ.ટી.માં ભણાવતા, ૨૦૦૨માં મેગ્સાયસાય ઍવોર્ડથી સન્માનિત સંદીપ
પાંડેને સંઘવફાદાર ઉપકુલપતિ ગિરીશચંદ્ર ત્રિપાઠીએ જાન્યુઆરીમાં તેમનો કરાર પૂરો થવાની રાહ જોયા વિના, રવાના કરી દીધા. કારણ કે તે ‘નક્સલવાદી અને દેશવિરોધી તત્ત્વો સાથે સાંઠગાંઠ
ધરાવે છે.’ આઇ.આઇ.ટી.મુંબઇના ચેરમેન
અનિલ કાકોડકર અને IIT દિલ્હીના ડાયરેક્ટર રઘુનાથ શેવગાંવકરે પણ
સરકારી દખલગીરીના વિરોધમાં રાજીનામાં આપી દીધાં--અને સરકારે, સંભવતઃ ટાઢા પાણીએ ખસ ગઇ એમ વિચારીને, એ લઇ પણ લીધાં. સંઘ પરિવારના મુખપત્રમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો કે ‘IIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ
દેશવિરોધી અને હિંદુવિરોધી પ્રવૃત્તિઓનો અડ્ડો’ બની છે.
દેશની સાચી પરંપરા જોખમાવતી અને યુવાનોના ભવિષ્ય સામે સીધો
ખતરો ઊભી કરતી ઉચ્ચ શિક્ષણમાં રાજકારણની દખલગીરી દીવાનખાનામાં ઊભેલો એવો મહાકાય
હાથી છે, જેની નોંધ સીધા અસરગ્રસ્ત
એવા નાગરિકો પણ લેતા નથી--અથવા એની હાજરીથી તે ટેવાઇ ગયા છે. સવાલ ફક્ત એક રોહિત
વેમુલાના અપમૃત્યુનો નહીં, સમગ્રપણે ઉચ્ચ શિક્ષણના
સ્તરની હત્યાનો છે.
खूबज सरस छणावट अने शिक्षणनी त्रुटीओ तरफ ध्यान दोर्यु छे ऐ विचारवा लायक छे.
ReplyDeleteThank you Urvishbhai
ReplyDeleteबिलकुल सही लिखा है. यही आज का कटु सत्य है.
ReplyDeleteReal pictures of today's politicians and political parties, particularly ruling party and their allies. They are using the power and media in favor of their propaganda.
ReplyDeleteThanks Urvishbhai.
Manhar Sutaria
દલિતો સાથે થતાં સામાજીક અન્યાયો વાસ્તવિકતા છે. તેનો ઇન્કાર ન થઇ શકે. સાથે સમય સાથે સામાજિક બંધનો નબળા પડ્યાં છે, તેનો પણ ઇન્કાર ન થઇ શકે. હા, આ નબળાઇની માત્રા અંગે મતભેદ હોઇ શકે.
ReplyDeleteઅનામત આવ્યે આશરે ૬૫ વર્ષ થયાં. આ સમયગાળો પર્યાપ્ત કહી શકાય આ વ્યવસ્થાનું મુલ્યાંકન કરવા માટે. 'અનામત હોવી જોઇએ કે નહી' તેની આંધળી ચર્ચાની કે રાજનીતીપ્રેરિત ચર્ચાની વાત નથી. એક તટસ્થમુક્યાંકનની વાત છે.
૧. આંબેડકરજીનો આગ્રહનો મૂળ મુદ્દો અનામત નહી, પણ સામાજિક ન્યાયનો હતો. તેમણે તે સમયનના સ્થળ,કાળ અને સંજોગો પ્રમાણે અનામતને સામાજિકન્યાય મેળવવાનું સાધન ગણ્યું. કમભાગ્યે આજે અનામતની ચર્ચામાં સામાજીકન્યાયનો મુદ્દો ભુલાવી દેવામાં આવ્યો છે.
૨. સહુથી પહેલાં અભ્યાસની વસ્તુ એ છે કે, શું ૬૫ વર્ષમાં અનામતપ્રથા સામાજીક ન્યાય આણી શકી છે? જો હા, તો કેટલા અંશે. કેટલાં દલિતોને તેનાથી ફાયદો થયો છે. જો અનામતને કારણે ખૂબ જ ફાયદો થયો હોય, તો તેને વધુ મજબૂત બનાવો. અને જો ધાર્યા પરિણામો ન આવ્યાં હોય તો સામાજીક ન્યાયનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટેના અન્ય માર્ગો તપાવસા જ પડે. આ વિષય પર એક તટસ્થ અબ્યાસની તાતી જરૂર છે.
૩. અનામતથી છેવાડાંના દલિતોનો ફાયદો થયો? કે પછી દલિતોના એક વર્ગને જ ફાયદો થયો. આ વિષય પર પણ કોઇ માહિતી ઉપલબ્ધ નથી.
૪. સહુથી અગત્યની વાત, અનામતપ્રથાએ જ્ઞાતિભેદને નાબુદ કર્યા કે તેને વધુ પ્રબળ બનાવ્યાં? જો અનામતપ્રથા ના હોત તો આપણે પોતાની જ્ઞાતીય ઓળખ વિશે કેટલા સભાન હોત, તે પણ વિચારવાનો મુદ્દો છે.
આંબેડકર, ગાંધી વગેરેના 'ભક્તો'એ કમભાગ્યે સાધ્યને બદલે સાધનને વધુ મહત્વ આપ્યું. અને એ કારણથી જ અનામતને નામે વર્ગવિગ્રહ વધી રહ્યાં છે.
૧) આંબેડકરજીનો આગ્રહનો મૂળ મુદ્દો અનામત નહી, પણ સામાજિક ન્યાયનો હતો. તદ્દન સાચી વાત, આંબેડકર "દલિત નેતા" નહિ પણ "નાગરિક અધિકાર નેતા" હતા. ગાંધીજી એક ઉત્તમ રાજકારણી પણ હતા; નાગરિક અધિકાર સંગધનો નું સંખ્યાબળ અતિ વિશાળ હતું (જે જ્ઞાતિ ઓ આજકાલ પોતાને સવર્ણ ઓળખાવે છે તેમાંથી ઘણી બધી જાતિઓ દલિતજ હતી, નાગરિક અધિકાર ચળવળ વિષે જાણીતા સમાચાર માધ્યમોમાં કદી ક્યારેય સાંભળ્યું નહિ હોય એ મારી ખાતરી છે, કદી આદિ વિંધ્ય(મઘ્યપ્રદેશ), આદિ ચરોતર, આદિ મરાઠા આ બધા સંગઠનો દ્વારા ચલાવાયેલી નાગરિક અધિકાર ચળવળો વિષે કોઇજ માહિતી નહિ મળે.) કોંગ્રેસનું સંક્યાબળ તૂટી ના જાય એટલા માટે "હીન્દુમાં રાજકીય બે ભાગ ના પડી જાય" એવા બહાના હેઠળ ગાંધીજીએ દલિતોને એક અલગ સંગઠન તરીકે મતદાનના અધિકાર નો આમરણાંત ઉપવાસ દ્વારા વિરોધ કર્યો, નાગરિક અધિકાર સંગઠનો વતી ડૉ આંબેડકરે નાછુટકે સમાધાન સ્વરૂપે હીન્દુ બેલેટમાજ
Deleteદલિત નેતાગીરી માટે બેઠકો અનામત કરવાનું સ્વીકાર્યું, આંબેડકર સહીત ના નાગરિક અધિકાર નેતાઓ માટે ગાંધીજી ની જેમ "માત્ર અંગ્રેજો જતા રહે" એટલી માર્યાદિત લડત પુરતી નહોતી તેઓ સામાન્ય માણસ ને સરકારની સત્તાઓ સામે અધિકારો પણ મળવા જોઈએ એવો સ્પષ્ટ મત ધરાવતા હતા, કોઈ જ્ઞાતિ વિશેષ નહિ પણ બધાજ નાગરિકો માટે. જે આઝાદી બાદ ભારત ના બંધારણ માં પણ ઉતરી આવી. આ અનામત નું જન્મસ્થાન. આંબેડકરજીને ખાતરી હતી કે કહેવાતી સવર્ણ નેતાગીરી કદી દલિત નેતાઓને પોતાના કોઈ પણ જાત ના સંગઠનોમાં સામેલ નહિ કરે. ડૉ આંબેડકર ની પૂર્વધારણા ૨૦૧૫ માં પણ સત્ય છે, અનામત બેઠક સિવાય કોઈ દલિત ને કોઈ પક્ષ ટીકીટ આપતો નથી, જો બંધારણમાં અનામત ના હોત તો આટલું પણ નાં હોત.
૨) સહુથી પહેલાં અભ્યાસની વસ્તુ એ છે કે, શું ૬૫ વર્ષમાં અનામતપ્રથા સામાજીક ન્યાય આણી શકી છે? હા, Annihilation of Caste એક વાર વાંચી જાવ, તમને જાણવા મળશે કે ભારત આખામાં દલિતો અને સવર્ણ સ્ત્રીઓની કેવી પરિસ્થિતિ હતી અને હવે જોઈલો.
૩) અનામતથી છેવાડાંના દલિતોનો ફાયદો થયો? કે પછી દલિતોના એક વર્ગને જ ફાયદો થયો. આ વિષય પર પણ કોઇ માહિતી ઉપલબ્ધ નથી. માહિતી ઘણી બધી ઉપલબ્ધ છે પણ જાણીતા
સમાચાર માધ્યમોને એ જાહેર કરવામાં રસ નથી.
૪) અનામત ૬૦ વર્ષથી છે પણ ગુજરાત માં ઘણા બધા જ્ઞાતિ સમારંભો અને સંગઠનો છેલ્લા ૧૫ વર્ષ માં જ ફૂટી નીકળ્યા છે. કોની નેતાગી અને શરૂઆતી મૂડી ક્યાંથી આવી તેની જાતે તપાસ કરો તો વધુ સારું, કોઈના પર આરોપ મુકીને રાજકીય રંગ નથી આપવો પણ મુદ્દો છે તો ૯૯% રાજકીય જ.
૫) વર્ગ વિગ્રહ હજારો વર્ષો થી મોજુદ છે જ.(વર્ગો મા પણ પાછા આંતરિક વર્ગ વિગ્રહો પણ મોજુદ છે જ). વર્ગવિગ્રહ માટે અનામત નો વાંક કાઢવોએ બૌદ્ધિકો માટે અત્યંત હાસ્યાસ્પદ અને દલિતો માટે વાગેલા પણ મીઠું ચોપડવા જેવો આઘાત છે.
કહેવાતા અનામત તરફી અને વિરોધીઓ અને મીડિયા એ એક વાત અત્યંત ખોટી રીતે લોકોના મનમાં ઠસાવી દીધી છે કે આ એક Welfare Program છે.
ખરેખર તો;Reservation is an insurance against oppressor caste's non-inclusion policy, it gives a
right to inclusion to oppressed caste.
આ વિચાર ને નબળો પાડવા માટે OBC ને રિઝર્વેશનમા દાખલ તો કરી પણ Creamy-layer (નાણાકીય સધ્ધરતા) ની સીમા મુકી ને રિઝર્વેશન ના આખા હેતુની જ વ્યૂહાત્મક હત્યા કરી નાખવામાં આવી, નાણાકીય સધ્ધરતા અને રિઝર્વેશનને શું લેવા દેવા? આ તો એવી વાત થઇ કે "તમને રમત મા ભાગ લેવાનો પુરો અધિકાર પણ શરત એટલીજ કે તમારામાના નબળા ખેલાડીને જ રમત રમવા દેવામાં આવશે."
I am fully agreed with Krutesh Bhai's opinion the reservation had never been meant for financial prosperity it was to establish social equality and remove untouchability from among the people. We are barking at a wrong tree at least in this matter .let's find out more effective solutions to cop up with it
ReplyDeleteઅનામત ક્યાં નથી અને જ્યાં નથી ત્યાં દલિત અને અન્ય અનામત વર્ગની શું સ્થિતિ છે, તેની વાત કેમ થતી નથી? પટેલોના વર્ચસ્વવાળી સહકારી બેંકો કહેવાય છે તો નાગરિક સહકારી બેંકો પણ એમની નાગરિકની વ્યાખ્યા પટેલ પૂરતી જ મર્યાદિત છે. એટલે ન માત્ર અનામતવાલાને જો સહકારી બેંકમા6 નોકરી લેવી હોય તો પટલાણીના પેટે જનમવું પડે એવું કેમ? અનામતથી કેટલો ફાયદો એનો અભ્યાસ જરૂર કરીએ પણ અનામત વગરના ક્ષેત્રોમાં કેટલું નુકસાન એનો પણ વગર અભ્યાસે દેખાતો ભેદભાવ જરા ખૂલીને કહીએ તો કેવું?
ReplyDeleteઅનામત ન હોય તો શું થાય એનું ક્લાસિક ઉદાહરણ કોંગ્રેસ પક્ષ છે. કોંગ્રેસ કારોબારીમાં અનામત નથી અને કારોબારીની ચુંટણી પણ થતી નથી. નરસિંહરાવ વડાપ્રધાન હતા ત્યારે ચુંટણી થઈ અને દલિતનેતા બુટાસિં ઘ ચુંટણીમા6 ઉભા રહ્યા અને એક જ દલિત ઉમેદવાર છતાં એ હારી ગયા! વગર અનામતે કોંગ્રેસ કારોબારીના સભ્ય પણ ન થઈ શકાતું હોય ત્યાં અનામતને બહુ વરસો થઈ ગયા, બહુ અન્યાયકારી છે, કશો ફાયદો નથી એમ કહેવાનો મકસદ ક્યો છે?
Not only article but comments are also appreciable. Wish this level and decency spreads in media and social media.
ReplyDelete