Ramesh Thakar (27-6-1931, 15-1-2016) Photo : Biren Kothari |
કળાજીવી--આવો શબ્દ બહુ વપરાતો નથી, પણ રમેશ ઠાકરને જેટલી વાર મળીએ એટલી વાર એ
મનમાં ઉગે-- કળા થકી ગુજરાન ચલાવનારના અર્થમાં નહીં, કળાને જીવતા માણસના અર્થમાં. પરંપરાગત અર્થમાં રમેશભાઇ કળાકાર ન ગણાયા.
ગુજરાતના કળાકારોની--જૂનાનવા ચિત્રકારોની કે તસવીરકારોની પ્રચલિત યાદીઓમાં તેમનું
નામ ભાગ્યે જ વાંચવા મળે. પરંતુ કળાનાં અનેક ક્ષેત્રોમાં તેમનું માતબર પ્રદાન જોયા
પછી લાગે કે આ માણસનું નામ કળાક્ષેત્રે પહેલી હરોળમાં એમની નહીં, આપણી ગરજે મૂકાવું જોઇએ.
‘કઇ કળાના
ક્ષેત્રે?’ એવા સવાલનો ટૂંકો જવાબ
મેળવવાની ગણતરી હોય, તો માથું
ખંજવાળવાનો વારો આવે. ઓછામાં ઓછી રેખાઓમાં વ્યક્તિત્વ ઝીલતા સ્કેચ? હા. માથાના વાળની કે કપાળની કરચલી જેટલી બારીક
વિગત ધરાવતા સ્કેચ? એ જોઇને તો લાગે
કે પેન્સિલથી આવું કામ થઇ જ કેવી રીતે શકે? નક્કી એ કોઇ ‘મંતરેલી’ પેન્સિલ વાપરતા હશે.ચિત્રોના વિવિધ પ્રકાર? હા. તસવીરકળા? એની તો વાત જ મૂકી દો. એક વાર વાતચીતમાં તેમણે કહ્યું હતું,‘માણસનો ફોટો ૩૬૦ ડિગ્રીથી પાડી શકાય. તેમાં કઇ
ડિગ્રીએ જોતાં એ સૌથી સારો લાગે છે,
એ શોધવાનું કામ
મારું.’ અને એ કામ તે એટલી ખૂબીથી
કરતા હતા કે તેમના કેમેરામાં ઝીલાયેલા ચહેરા કદી બદસૂરત લાગી ન શકે. અટલબિહારી
વાજપેયી જેવા રાજનેતા હોય કે અમૃતા પ્રીતમ જેવાં સાહિત્યકાર, રમેશભાઇએ પાડેલી તેમની તસવીરો જોઇને એ હસ્તીઓનો
તો બરાબર, તસવીર પાડનારની ‘હસ્તી’નો પણ પરિચય મળે.
અમૃતા પ્રીતમની રમેશભાઇએ પાડેલી આ તસવીર જોઇને ઇમરોઝે કહ્યું હતું કે આ તસવીરમાં મને દસ-દસ તસવીરો દેખાય છે. |
મોટા ભાગના સ્કેચ પર રમેશભાઇએ રૂબરૂ હસ્તાક્ષર મેળવ્યા હોય, પણ કેટલીક હસ્તીઓના કિસ્સામાં એ શક્ય ન હોય તો
રમેશભાઇ ટપાલથી સ્કેચ મોકલીને તેની પર હસ્તાક્ષર આપવા વિનંતી કરે--અને તેમને એવી
રીતે હસ્તાક્ષર આપનારા પણ કેવા? અમેરિકાના પ્રમુખ
આઇઝનહોવર, વિચારક બર્ટ્રાન્ડ રસેલ, વિન્સ્ટન્ટ ચર્ચિલ, રાણી એલિઝાબેથ... અને ક્યારેક જૉન કૅનેડી જેવું
પણ થાય. તેમનાં પત્ની જૅકી કેનેડી ભારત આવ્યાં તસવીર પરથી બનાવેલો જૉન અને જૅકીનો
સ્કેચ લઇને રમેશભાઇ ઉદેપુર પહોંચી ગયા. જૅકીએ તો ઑટોગ્રાફ આપી દીધા, પણ જૉન કેનેડીના ઑટોગ્રાફનું શું? રમેશભાઇની વિનંતીને માન આપીને, જૅકી એ સ્કેચ સાથે લઇ ગયાં, પણ થોડા વખત પછી જૉન કેનેડીની ઑફિસમાંથી
રમેશભાઇ પર ઑટોગ્રાફ સાથેના સ્કેચને બદલે એક પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું,‘તમારો સ્કેચ અંગત સંગ્રહ માટે રાખી લેવામાં
આવ્યો છે. ઑટોગ્રાફ માટે બીજો સ્કેચ મોકલવા વિનંતી.’
સ્કેચના મામલે રમેશભાઇનું સૌથી ઐતિહાસિક કહેવાય એવું કામ
એટલે તેમણે તૈયાર કરેલા ગાંધીજીના ૧૦૦ સ્કેચ અને તેની પર ગાંધીજીના સમકાલીનો પાસે
તેમના હસ્તાક્ષરમાં લખાવેલા સંદેશ. જૂન ૨૭, ૧૯૩૧ના રોજ જન્મેલા રમેશભાઇ ગાંધીજીનો સ્કેચ દોરી શક્યા નહીં કે તેમના
હસ્તાક્ષર મેળવી શક્યા નહીં, એ વસવસો તેમને
કોરી ખાતો હતો. તેને હળવો કરવા માટે છેક સાઠના દાયકાથી રમેશભાઇએ, આજની પરિભાષામાં કહીએ તો ‘ગાંધી પ્રૉજેક્ટ’ શરૂ કર્યો. તેના વિશે પહેલી વાર રજનીકુમાર પંડ્યાએ લખ્યું. તેમના થકી જ રમેશ
ઠાકરનો પરિચય થયો અને એ સ્કેચ જોવા મળ્યા.
એક જોઇએ ને એક ભૂલીએ એવા ગાંધીજીના
સ્કેચ, તેની નીચે છોડેલી કોરી
જગ્યામાં વિવિધ મહાનુભાવોના ગાંધીજીને લગતા સંદેશ. તેમાં ગુજરાતી, હિંદી ને અંગ્રેજી ઉપરાંત બાદશાહખાનનો ઉર્દુ
હસ્તાક્ષર ધરાવતો સંદેશો પણ હોય. કોઇ પણ ગાંધીપ્રેમી-ઇતિહાસપ્રેમી-કળાપ્રેમી માટે
અમૂલ્ય ખજાના જેવા રમેશભાઇના આ જીવનકાર્યને જીવનના અંતિમ વર્ષોમાં નવજીવન ટ્રસ્ટે
પૂરા દબદબા સાથે પ્રકાશિત કર્યું. ‘૧૦૦ ટ્રિબ્યુટ્સ’ નામે પ્રગટ થયેલું એ પુસ્તક અંગત ખરીદીમાં મોંઘું
પડે તો પુસ્તકાલયોમાં મંગાવવા જેવું ને કંઇ નહીં તો અમદાવાદ નવજીવન કાર્યાલયમાં
આવીને એક વાર નિરાંતે જોવા જેવું છે. (navajivantrust.org પર તેની ઝલક
જોવા મળી શકે છે.)
'હિમાલય' બંગલાના વાસ્તુ વખતે રમેશભાઇ-કાંતાબહેન, કેદારભાઇ અને બીનાબહેનની સંપરિવાર તસવીર, 1994 |
બીરેન, બિનીત, ઉર્વીશ, રમેશભાઇ, ફેબ્રુઆરી, 1994 (રાજકોટ) . તેમના બંગલા 'હિમાલય'ના વાસ્તુ વખતે અમે ખાસ ત્યાં ગયા હતા એ વખતની યાદગાર તસવીર |
(નીચે આપેલી યુટ્યુબની લિન્કમાં કાઉન્ટ 2:52 મિનીટ પર)
--અને રમેશભાઇના શોખના-કામના વિષયોની યાદી હજુ અધૂરી છે.
તેમની પાસે ટપાલટિકિટોનો મોટો સંગ્રહ હતો. ગિરના સિંહોની અને હિમાલયની અઢળક તસવીરો
એટલી તસવીરો લીધેલી કે તેની પરથી ઉત્તમ પુસ્તકો બની શકે. ભારતનાં બાર જ્યોતિર્લિંગ
વિશેનું તેમનું પુસ્તક ‘દ્વાદશજ્યોતિર્લિંગ’ તો પ્રકાશિત થયેલું છે. આવા અનેકાનેક વિષયો પર
અદ્ભૂત ખેડાણ કરનાર રમેશભાઇને તેમનાં પત્ની કાન્તાબહેન, એરફોર્સમાં ઊંચા હોદ્દે કાર્યરત પુત્ર કેદાર
અને આકાશવાણીમાં કામ કરનારાં (હવે નિવૃત્ત) પુત્રી બીનાનો આજીવન સહયોગ મળ્યો.
આર્થિક ઉપાર્જન માટે અઢાર વર્ષ સુધી ડીએસપી કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરી હતી.
પરંતુ ઘણાં વર્ષથી તેમનું જીવન પોતાને ગમતા વિષયોમાં ઓતપ્રોત રહ્યું. છેવટ સુધી
તેમની બાળસહજ જિજ્ઞાસા અને તેને સંતોષવાની ખાંખતીયા વૃત્તિ ટકી રહ્યાં. જાન્યુઆરી
૧૫, ૨૦૧૬ના રોજ, થોડી બિમારી પછી, દિલ્હીની લશ્કરી હોસ્પિટલમાં ૮૫ વર્ષના રમેશભાઇએ વિદાય લીધી. આશા તો એવી જ રહે
કે થોડા વખત પછી પાંચ-છ પાનાં ભરીને રમેશભાઇનો પત્ર આવશે અને તેમાં એમણે મૃત્યુના
અનુભવ વિશે વિગતે લખ્યું હશે.
મલયેશિયાથી રમેશભાઇએ લખેલું પિક્ચર પોસ્ટકાર્ડ (click to enlarge) |
રમેશભાઇ વિશે સંદેશની મહેફિલ પૂર્તિમાં 1999માં લખ્યું હતું. એ વિશેના તેમના ચાર પાનાંના પ્રતિભાવપત્રનું પહેલું પાનું. (click to enlarge) |
એકાદ વાર ક્યાંક અછડતો ઉલ્લેખ થયો હોવાનું યાદ છે, બાકી આ હરફનમૌલા મહાનુભાવ વિષે માહિતી ન્હોતી. ખુબ આભાર, ઉર્વીશભાઈ. અને હા, તમારી ખાંખત પણ યુટ્યુબની પોસ્ટમાં ચોક્કસ સમય બતાડવામાં છતી થાય છે.
ReplyDeleteરમેશભાઈની વિદાય વિષે જાણીને ખેદ થયો.રાજકોટના જાહેર કાર્યક્રમોની જાન હતા.પ્રભુ એમના આત્માને શાંતિ આપે.
ReplyDeleteરમેશ્ભાઈ વિશે આપણે અલપઝલપ વાતો થઈ હતી.આજે આ વાંચ્યું ત્યારે એમના કામના વ્યાપનો ખ્યાલ આવ્યો.એનો આનંદ અને એમને કદી ન જોયા-મળ્યાનો વસવસો. તમાર સૌની 1994ની તસવીર બહુ મજાની છે.
ReplyDelete