મોટા ભાગના લોકોએ હમણાં સુધી જેનું નામ
પણ સાંભળ્યું ન હતું, એવો ઝિકા/Zika
નામનો વાઇરસ આજકાલ લેટેસ્ટ કુદરતી આતંકવાદી તરીકે તરખાટ મચાવી રહ્યો છે. ના, એણે
સેંકડો-હજારોના જીવ નથી લીધા કે નથી તેણે લાખોને ચેપ લગાડ્યો. છતાં, વિશ્વ
આરોગ્ય સંસ્થા WHO એ આ
સપ્તાહે ‘ઝિકા’ને ‘ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી’ (આરોગ્યના મામલે વૈશ્વિક સ્તરની તાકીદ) તરીકે જાહેર
કર્યો અને એવી આશંકા વ્યક્ત કરી કે તે ૨૩ દેશના કુલ ચાળીસેક લાખ લોકોને તેનો ચેપ
લાગી શકે છે. દક્ષિણ અમેરિકાના દેશોમાં
સંભવિત ઉત્પાતખોર તરીકે પ્રકાશમાં આવેલા ઝિકા વાઇરસનું પોત હજું પૂરેપૂરું કળાયું
નથી--કે પૂરેપૂરું પ્રકાશ્યું પણ નથી. છતાં, ભૂતકાળમાં ઇબોલા સહિત અનેક
ખતરનાક વાઇરસોનો કોપ વેઠ્યા પછી સંશોધકો જરા વધારે સાવચેતીથી અને વધારે સાવધ થઇને
ઝિકા વાઇરસ વિશે વાત કરી રહ્યા છે.
અત્યાર સુધીની વાત આટલી છે : વિશ્વભરમાં વસતી ધરાવતાં એડીસ/Aedes પ્રકારનાં મચ્છરો મેલેરિયા, ચિકુનગુનિયા, ડેન્ગ્યુ
જેવા ખતરનાક રોગોનાં એજન્ટ છે. આ રોગોના વાઇરસ (વિષાણુ) તે માનવશરીરમાં પહોંચાડે
છે. એક મચ્છર માણસનું શું કરી શકે, એવા નાના પાટેકરના ફિલ્મી ડાયલોગની વાત નથી. આ
મચ્છરની લાગુ પડતી ડેન્ગ્યુ જેવી બિમારી જીવલેણ નીવડી શકે છે. છતાં કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર
જેવા રોગોની સરખામણીમાં મચ્છરથી થતા રોગો વિશે પ્રમાણમાં ઓછી જાગૃતિ જોવા મળે છે.
એ જ કારણથી, આ રોગોની હરોળમાં આવે એવો ઝિકા વાઇરસ મહદ્ અંશે ઉપેક્ષિત રહ્યો.
આ વાઇરસની પહેલવહેલી ઓળખ ૧૯૪૭માં
આફ્રિકાના એક વાનરમાં થઇ હતી. ૧૯૬૦ના દાયકામાં વાઇરસને અલગ તારવવામાં આવ્યો. એ
માટે મચ્છરોનો અભ્યાસ યુગાન્ડાના જંગલ- ‘ઝિકા ફૉરેસ્ટ’-માં થયો હોવાથી, વાઇરસને
નામ મળ્યું : ઝિકા.વાઇરસનો થોડો ઘણો ફેલાવો આફ્રિકા અને એશિયાના થોડા દેશોમાં જોવા
મળ્યો. તેનો ચેપ જીવલેણ ન હોવાથી, વાઇરસ એકંદરે ‘નિર્દોષ’ ગણાયો. પરંતુ ગયા વર્ષના
અંતભાગમાં તે નવેસરથી ચર્ચામાં આવ્યો. કારણ કે, અમેરિકામાં તેનો એક કેસ નોંધાયો.
‘ઝિકા’નાં લક્ષણ પારખવાં અઘરાં છે. કારણ કે, તેનો ફેલાવો ડેન્ગ્યુ જેટલો નથી, પણ
ઘણાં આરંભિક લક્ષણ ડેન્ગ્યુ જેવાં જ છે. શરૂઆતના તબક્કે લૅબોરેટરીના ટેસ્ટમાં પણ ‘ઝિકા’ની
હાજરી પકડવી અઘરી છે. કસોટી કરનારને એવું જ લાગે કે મળેલાં પરિણામ ડેન્ગ્યુની કે
વેસ્ટ નાઇલ પ્રકારના વાઇરસની હાજરી દર્શાવે છે. પરંતુ બીજા મુખ્ય વાઇરસની ઓળખ પાકી
ન થતાં અને કેટલાંક લક્ષણ જુદાં પડતાં, છેવટે તપાસમાં અસલી આરોપી ‘ઝિકા’નો પત્તો લાગ્યો.
સામાન્ય ખ્યાલ એવો હતો કે ઝિકાના ચેપની
ચિંતા કરવાની જરૂર નથી,
પણ બે ચિંતાજનક સંભાવનાઓએ ઝિકા પ્રત્યે
સંશોધકો-અભ્યાસીઓ-તબીબોનું વલણ બદલી નાખ્યું. ઝિકાનો ઉપાડો ધરાવતા દક્ષિણ
અમેરિકાના દેશ બ્રાઝિલમાં છેલ્લા થોડા વખતમાં માથું શરીરના પ્રમાણમાં નાનું હોય
એવા બાળકો વધારે પ્રમાણમાં જન્મવા લાગ્યાં. આ બાળકો એક એવી ખામીનો ભોગ બનેલાં
મનાતાં હતાં, જેમાં તેમના મગજનો વિકાસ અધૂરો રહી જાય. તબીબી પરિભાષામાં માઇક્રોસેફલી/Microcephaly તરીકે ઓળખાતી આ સ્થિતિ અગાઉ વર્ષે ૧૫૬ બાળકોમાં જોવા
મળતી હતી, પરંતુ ઑક્ટોબર, ૨૦૧૫થી જાન્યુઆરી ૨૦૧૬ વચ્ચેના ટૂંકા ગાળામાં નાના માથા સાથે જન્મેલાં બાળકોની
સંખ્યા આશરે સાડા ત્રણ-ચાર હજારે પહોંચી ગઇ. આ ઉછાળો અસાધારણ અને ચિંતા ઉપજાવનારો
હતો અને તેને ઝિકા વાઇરસના ફેલાવા સાથે સાંકળવામાં આવ્યો.
બ્રાઝિલમાં મર્યાદિત પ્રયોગો પરથી એવું
પણ જણાયું કે સગર્ભા સ્ત્રીઓને ઝિકા વાઇરસનો ચેપ લાગ્યા પછી, સંભવતઃ
તેની અસરને કારણે બાળકો નાના માથાંવાળાં જન્મ્યાં. એવી જ રીતે, થોડા
વખત પહેલાં એવું જાણવા મળ્યું કે ઝિકાનો ભોગ બનેલા દર્દીઓ રોગપ્રતિકારકશક્તિને
લગતી એક બિમારીનો ભોગ બની શકે છે, જે છેવટે લકવા નોતરે છે. તબીબી પરિભાષામાં તે ગિલન
બેરે/ Guillain Barre
સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. આ અધકચરાં તારણોના પરિણામે નવેસરથી ઝિકાનો હાઉ ઊભો થયો. તેને ‘મર્યાદિત
નુકસાન’ કરનારને બદલે સંભવિત ખતરનાક વાઇરસ ગણવાનું શરૂ થયું. બ્રાઝિલ ઉપરાંત કોલંબિયા, જમૈકા
અને અલ સાલ્વાડોર જેવા દેશની સરકારોએ મહિલાઓને હાલપૂરતી સગર્ભાવસ્થા ટાળવા માટે
અપીલ કરી છે. અમેરિકામાં વિજાતીય શારીરિક
સંબંધ થકી આ વાઇરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં દાખલ થયાનો કિસ્સો જાહેર થયો, એટલે
ઝિકા વિશેની બીક ઓર વધી.
મામલો વાઇરસનો હોય ત્યારે સાવચેતીથી, ફૂંકી
ફૂંકીને ચાલવું સલાહભરેલું છે. પરંતુ ઝિકાના મામલે તેના સંભવિત પ્રકોપની અમંગળ
કલ્પનાઓથી ઘાંઘા થઇ જવાની જરૂર નથી. ઝિકાને ખતરનાક બનાવતી બન્ને બાબતો - મગજના
અપૂરતા વિકાસની બિમારી ‘માઇક્રોસેફલી અને લકવા નોતરતો ‘ગિલન બેરે સિન્ડ્રોમ’ - હજુ અટકળનો ભાગ છે. ઝિકા વાઇરસ
સાથે તેમનો સીધો સંબંધ સ્થાપિત થઇ શક્યો નથી. જેની બીક સૌથી વધુ બતાવવામાં આવે છે
તે ‘માઇક્રોસેફલી’ ના ડરામણા આંકડા ઘડીભર બાજુ પર રાખતાં એવું જાણવા મળે છે કે આ વાઇરસ વીસથી વધુ
દેશોમાં ફેલાયેલો છે. છતાં, બાળકોમાં નાના માથાનો પ્રશ્ન ફક્ત બ્રાઝિલમાં જોવા
મળે છે. વધારે ગંભીર અને વિચારવાલાયક બાબત એ છે કે બ્રાઝિલમાં નાના માથાંવાળાં
બાળકોની સંખ્યામાં થયેલા વધારાનો મોટો આંકડો આપવામાં આવે છે. પરંતુ, પ્રમાણમાં
નાનું માથું ધરાવતું દરેક બાળક ‘માઇક્રોસેફલી’નો ભોગ બનેલું જ હોય એવું જરૂરી
નથી. બાળકનું માથું નાનું હોવાનાં અનેક કારણ હોઇ શકે. સંશોધકો હજુ સુધી ઝિકા અને
માઇક્રોસેફલી વચ્ચે કાર્યકારણનો સીધો સંબંધ સ્થાપિત કરી શક્યા નથી. એવું જ ‘ગિલન
બેરે સિન્ડ્રોમ’ માટે પણ છે.
પરંતુ અમેરિકામાં કેસ નોંધાયા પછી, વૈશ્વિક
સ્તરે પ્રસાર માઘ્યમોમાં ચર્ચાયા પછી અને તેનું કોઇ મારણ (રસી) ન હોવાને કારણે
ઝિકા વાઇરસ માનવજાતને કનડનારા બીજા વાઇરસની હરોળમાં અત્યારે હાઉભર્યું સ્થાન
પામ્યો છે. અલબત્ત, આ લખાય છે ત્યારે હૈદરાબાદની ‘ભારત
બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ’ દ્વારા સૌ પ્રથમ વાર ઝિકાની રસી શોધાઇ હોવાનો દાવો
થયો છે. ડેન્ગ્યુ-ચિકુનગુનિયાના વાઇરસના પ્રતાપની પાછળ છુપાઇ રહેલા આ વાઇરસનો
નમૂનો તેમણે આઠ મહિના પહેલાં સત્તાવાર રીતે મંગાવ્યો હતો. તેની પરથી ઝિકા વાઇરસનું
મારણ તૈયાર કર્યું હોવાનો તેમનો દાવો છે. આ દાવાની ચકાસણી અને જરૂરી વિધી સરકારી
રાહે થવાને બદલે, બિનજરૂરી વિલંબ વિના થાય તો ચાર મહિનામાં રસીના ૧૦ લાખ ડોઝ તૈયાર કરી શકાય એવી
તૈયારી કંપનીએ બતાવી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઝિકાને વૈશ્વિક
ખતરો જાહેર કર્યો હોય ત્યારે તેની રસીના કામકાજમાં કરોડો રૂપિયાના કારોબારની
સંભાવના છે. સાથોસાથ,
‘વા વાયો ને નળિયું ખસ્યું’ની જેમ, ઝિકાને લઇને થયેલો હોબાળો
તલસ્પર્શી તપાસ પછી સાવ સૂરસૂરિયું થઇ જાય એવું પણ શક્ય છે. વાઇરસના મામલે ગાફેલ
રહેવા જેવું નથી હોતું તેમ, હોલિવુડની ફિલ્મોના અંદાજમાં, સીધેસીધા
વિશ્વવ્યાપી રોગચાળાની કલ્પના સુધી પણ જવા જેવું નથી હોતું. સરકારોએ લીધેલાં
સાવચેતીનાં પગલાં આવકાર્ય છે અને તેની રસી ભારતમાં શોધાયાનો દાવો સાચો નીવડે તો એ
દેશને જશ અપાવનારો છે. પરંતુ ઝિકા વિશેની ઝીંકાઝીંક ટાળવા જેવી છે.
ઝિકા વિશેની ઝીંકાઝીંક! Nice
ReplyDelete