Tagore- Gandhi |
રાષ્ટ્રવાદની ચાલુ મોસમમાં--કે ચાલુ રાષ્ટ્રવાદની આ મોસમમાં--આશરે
એકાદ સદી પહેલાં રવીન્દ્રનાથ ટાગોરે વ્યક્ત કરેલા વિચાર તપાસવા જેવા છે. તેમણે
લખ્યું હતું,‘આ રાષ્ટ્રપરાયણ
દેશભક્તિ...ટોળીવાદનો છેલ્લામાં છેલ્લો અને જંગલીમાં જંગલી આવિર્ભાવ છે. એને જો
નિયંત્રિત કરવામાં નહીં આવે, પાછો હઠાવવામાં
નહીં આવે અને અંતે તેનો નાશ કરવામાં નહીં આવે તો એ જરૂર માનવજાતનો નાશ કરશે.’
રાષ્ટ્રવાદનાં લક્ષણ રવીન્દ્રનાથે પારખ્યાં ત્યારે તેમની
મુખ્ય ટીકા રાષ્ટ્રવાદના નામે સામ્રાજ્યવાદનો ફેલાવો કરનારાં કે હિંસક લોભના ચરણે
બેસનારા દેશો સામે હતી. ‘પોતાનું રાષ્ટ્ર
મહાન અને તેની મહાનતાને વધારવા માટે યુદ્ધ કરવાં પડે તો એ યુદ્ધ નૈતિક-આધ્યાત્મિક
પ્રવૃત્તિ ગણાય’ એવી માન્યતા
ત્યારે પ્રચલિત હતી. અંગ્રેજોનો લોભિયો હિંસક સામ્રાજ્યવાદ, જાપાનનો ઘાતકી હિંસક શાહીવાદ, ઇટાલીના મુસોલિનીનો ફાસીવાદ, જર્મનીમાં હિટલરનો નાઝીવાદ--આ બધાના ભયંકર
ચહેરા પર રાષ્ટ્રવાદનું રૂપાળું મહોરું હતું. પોતાનાં બધાં પાપને, બધાં અનિષ્ટોને તે રાષ્ટ્રવાદના નામે વાજબી
ઠેરવતા, એટલું જ નહીં, તેની નવા ધર્મની માફક ઉજવણી કરતા. એટલે
રવીન્દ્રનાથે લખ્યું, ‘જે પ્રજાઓ
દેશભક્તિના ધર્મ તરીકે ખંતપૂર્વક નૈતિક અંધતા કેળવે છે તેઓ એકાએક કમોતે
મરશે...જ્યાં પશ્ચિમના રાષ્ટ્રવાદની ભાવના પ્રવર્તે છે ત્યાં આખી પ્રજાને બાળપણથી
બધી જાતનાં સાધન દ્વારા, ઇતિહાસમાં
અર્ધજૂઠાણાં ઊભાં કરીને, બીજી પ્રજાઓની
ચાલુ ખોટી રજૂઆતો કરીને અને તેમની પ્રત્યે પ્રતિકૂળ લાગણીઓ કેળવીને દ્વેષ અને
મહત્ત્વાકાંક્ષાઓ પોષવાનું શીખવવામાં આવે છે...એ રીતે પોતાથી ભિન્ન પ્રજાઓ અને
પડોશીઓ પ્રત્યે સતત અનિષ્ટની ધમકી ચાલુ રાખવામાં આવે છે. આ તો માનવતાના મૂળમાં ઝેર
દીધા બરાબર છે.’
ગુલામ ભારતના બંગાળ પ્રાંતમાં સામાજિક જાગૃતિની ઝુંબેશો પછી
બંગાળના ભાગલા નિમિત્તે અંગ્રેજોનો વિરોધ, ‘સ્વદેશી’ ચળવળ અને બૉમ્બનો
સંપ્રદાય શરૂ થયો (જેને એ સમયે અધ્યાપક એવા અરવિંદ ઘોષનું પણ સમર્થન હતું.) ‘પૂર્વનું--ભારતનું બઘું મહાન અને પશ્ચિમનું
બઘું અનિષ્ટ’ એ પ્રકારની
મિથ્યાભિમાની લાગણીને ભારતમાં જાગેલા નવા રાષ્ટ્રવાદથી પોષણ મળવા લાગ્યું.
અંગ્રેજી શાસનને બદલે અંગ્રેજોનો વિરોધ ભારતીય રાષ્ટ્રવાદનો હિસ્સો બનવા લાગ્યો.
તેની સામે રવીન્દ્રનાથને વાંધો હતો. કારણ કે, તે સમગ્રપણે માનવજાતની એકતાનું સ્વપ્ન જોતા હતા.
ભાવનાશાળી અને હાડોહાડ બૌદ્ધિક એવા રવીન્દ્રનાથે લખ્યું
હતું,‘હું ભારતને ચાહું છું
તેનું કારણ હું ભૌગોલિક મૂર્તિપૂજામાં માનું છું અથવા હું ભાગ્યવશાત્ એની ભૂમિ
ઉપર જન્મ્યો છું, એ નથી. પણ એનું
કારણ એ છે કે એના ૠષિમુનિઓએ ઉચ્ચારેલી વાણીને એણે શતાબ્દીઓની અશાંતિ દરમિયાન સાચવી
રાખી છે....ભારતની સાચી પ્રાર્થના આ છે -- ‘જે એક છે, વર્ણવિહીન છે, અને જે વિવિધ વર્ણની પ્રજાઓનો નિહિતાર્થ જાણીને
બહુ પ્રકારની શક્તિથી પૂરો પાડે છે,
જે આદિથી તે અંત
સુધી આખા વિશ્વને વ્યાપેલો રહે છે,
તે આપણને શુભ
બુદ્ધિથી સંયુક્ત કરો.’
ભારતીય સંસ્કૃતિ અને તેના વારસા વિશે મોટા ભાગના ‘રાષ્ટ્રવાદીઓ’કરતાં રવીન્દ્રનાથ વધારે જાણતા હતા. સ્વામી વિવેકાનંદની જેમ તેમને પણ ભારતીય
સંસ્કૃતિની ખરી તાકાત તેની વૈવિઘ્યપૂર્ણ એકતામાં લાગતી હતી. એટલે, ૧૯૧૫માં નવા નવા ભારત આવેલા ગાંધીજીના વિચારોથી
આકર્ષાયા છતાં, તેમની આગેવાની
હેઠળ શરૂ થયેલા અસહકારના આંદોલન સાથે
ટાગોર સંમત ન હતા. તેમને લાગ્યું કે આ પ્રકારનાં ‘નકારાત્મક’ આંદોલન અનિષ્ટ
પ્રકારના, સંકુચિત રાષ્ટ્રવાદને
પોષણ આપશે. અહિંસક રસ્તે અને અંગ્રેજો સામે નહીં, અંગ્રેજી સત્તા સામે આંદોલન ઉપાડનારા ગાંધીજી તેમની વાત સાથે સંમત ન હતા.
બહિષ્કારના દેખીતી રીતે નકારાત્મક લાગતા આંદોલન સાથે ગાંધીજીએ જે રીતે રચનાત્મક
કાર્યો જોડી દીધાં હતાં, તે ટાગોરના મનમાં
વસ્યાં નહીં. આ નિમિત્તે બન્ને વચ્ચે લાંબો અને જાહેર પત્રવ્યવહાર થયો. ગાંધીજીની
દલીલ હતી કે તેમનો રાષ્ટ્રવાદ એકાન્તિક-સંકુચિત નહીં, પણ સર્વસમાવેશક છે.
ટાગોરના વિરોધ સામે ગાંધીજીએ આદરપૂર્વક પોતાના વિચાર
મૂકવાનુ ચાલુ રાખ્યું અને તેમને વિરોધી ગણવાને બદલે પૂરક ગણાવ્યા. ‘રાષ્ટ્રવાદી’ ઝોકને કારણે ટૉલ્સ્ટૉય પણ ગાંધીજીથી દુઃખી થયા હોવાનું ગાંધીચરિત્રકાર રાજમોહન ગાંધીએ નોંધ્યું છે.
અલબત્ત, ટૉલ્સ્ટૉયે તેમની
મર્યાદિત જાણકારીના આધારે તેને ‘હિંદુ રાષ્ટ્રવાદ’ ગણી લીધો અને રશિયાના મિત્રોને કહ્યું કે ‘(ગાંધીના) આ રાષ્ટ્રવાદે બઘુ બગાડી નાખ્યું.’ અહિંસક માર્ગે પરિવર્તન અને સુધારા કરવા ઇચ્છુક
ગાંધીનું એક મહત્ત્વનું ધ્યેય રાજકીય આઝાદીનું પણ હતું. એ માટે રાષ્ટ્રવાદ તેમને
જરૂરી લાગ્યો. રાજમોહન ગાંધીએ લખ્યું છે કે અંગ્રેજી રાજ પહેલાં અને તેના ગયા પછી
પણ ભારતમાં રહેલી હિંસા પર ગાંધીજીએ ઢાંકપિછોડો કર્યો અથવા તેને નજરઅંદાજ કરી તેની
પાછળ તેમની રાષ્ટ્રવાદી લાગણી કારણભૂત હતી. ગાંધીજીએ તેમના આ (રાષ્ટ્રવાદી) ‘ભ્રમ’નો સ્વીકાર કરીને કહ્યું હતું કે એ ‘ભ્રમ’ વિના ભારત આઝાદીની નજીક ન
પહોંચ્યું હોત.
ટાગોરે ચીતરેલાં રાષ્ટ્રવાદનાં અનિષ્ટો ભલે વૈશ્વિક એકતાની
લાગણી જગાડવા માટેનાં હોય, પણ તેમણે દર્શાવેલાં
ભયસ્થાન દેશની અંદર--દેશના લોકો માટે સાચાં પડી રહ્યાં છે. તેમણે કહ્યું હતું, ‘અથડામણ રાષ્ટ્રવાદનો પ્રાણ છે. પશ્ચિમના
રાષ્ટ્રવાદના મૂળમાં અને કેન્દ્રમાં વિરોધ અને બીજાને જીતવાની ભાવના રહેલી છે અને
તેનો પાયો સામાજિક સહકાર નથી...જેને શિકાર વગર ચાલે જ નહિ એવાં શિકારી વરૂઓનાં
ટોળાં જેવો એ છે...(રાષ્ટ્રવાદની લ્હાયમાં) ન્યાયી માણસો પણ પોતાના વિચારોમાં અને
કાર્યોમાં ક્રૂર થઇ શકે છે...પ્રામાણિક માણસો પણ પોતાનો સ્વાર્થ સાધવા માટે બીજાના
માનવ અધિકારો આંધળા થઇને હરી શકે છે.’
સંદર્ભ :
1. રવીન્દ્રનાથ અને વિશ્વમાનવવાદ - સૌમ્યેન્દ્રનાથ
ઠાકુર, અનુવાદ- ભોગીલાલ ગાંધી.
2. महात्मा और कवि- सव्यसाचि भट्टाचार्य -अनुवाद-तालेवर गिरि
3. The Good Boatman - Rajmohan Gandhi