છેલ્લાં એકાદ-બે અઠવાડિયાંમાં સૌથી વધારે રમૂજો કદાચ રૂપિયાના અવમૂલ્યન વિશે થઇ છે. દા.ત. ‘ડીઝનીલેન્ડમાં છેક ઉપરથી છેક નીચે પડવાની નવી રાઇડ શરૂ થવાની છે, જેનું નામ છે : ‘ધ ઇન્ડિયન રૂપી’. ‘ભારતે શૂન્યની શોધ ન કરી હોત તો એક પાઉન્ડ બરાબર એક રૂપિયાનો ભાવ હોત.’
એક પાઉન્ડનો અને એક ડોલરનો વિનિમય દર અનુક્રમે રૂ.૧૦૦ અને રૂ.૬૫ની સપાટી આંબી ગયો. રાજકીય ગરમાગરમીના માહોલમાં રૂપિયાના સતત અવમૂલ્યનને સીઘું સરકારની નિષ્ફળતા અને તેના ગેરવહીવટ સાથે જોડી દેવામાં આવ્યું. ગનીમત છે કે હજુ સુધી વિપક્ષોએ રૂપિયાના અવમૂલ્યન બદલ મનમોહન સિંઘનું રાજીનામું માગ્યું નથી કે સંસદ ખોરવી નથી.
રૂપિયાના અવમૂલ્યનની વાસ્તવિકતા શી છે? એ જાણવાનો બિનરાજકીય (એટલે કે પ્રામાણિક) પ્રયાસ.
યે ક્યા હો રહા હૈ?
રૂપિયાના અવમૂલ્યનનાં ભડકામણાં મથાળાં જોઇને આપણામાંથી ઘણાને આ સવાલ થતો હશે. અર્થશાસ્ત્રમાં ટપ્પી પડતી ન હોય, દેશના અર્થતંત્રની હાલત કથળી હોય અને દેશના વડાપ્રધાન એક અર્થશાસ્ત્રી હોય- આ ત્રણે હકીકતોને એકસાથે ઘ્યાનમાં લેતાં ગુંચવાડો ઘટવાને બદલે વધે.પરંતુ અર્થશાસ્ત્ર માટેનું નોબેલ મેમોરિયલ સન્માન મેળવી ચૂકેલા અઘ્યાપક પોલ ક્રગમેન/ Paul Krugmanને પણ રૂપિયાના અવમૂલ્યનની રડારોળથી આશ્ચર્ય થાય ત્યારે શું સમજવું?
ક્રગમેને ૨૦ ઑગસ્ટ, ૨૦૧૩ના ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં ‘રૂપી પેનિક’ એવા મથાળા હેઠળ ટૂંકી નોંધ લખી છે. તેમના મુખ્ય બે મુદ્દા છે : ભારતીય રૂપિયાનું ઝડપથી અવમૂલ્યન થયું છે, પણ બ્રાઝિલના ચલણના અવમૂલ્યનની સરખામણીમાં એ ઘણું ઓછું છે. (બ્રાઝિલ સાથે ભારતની સરખામણીનું કારણ : ઝડપથી વિકસી રહેલાં અર્થતંત્રો ધરાવતા ચાર દેશો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચીનને આંતરરાષ્ટ્રિય અર્થકારણમાં ‘બ્રિક/BRIC કન્ટ્રીઝ’ના એક જૂથ તરીકે ઓળખવામાં આવે છે.)
ક્રગમેનનો બીજો મુદ્દો : (અમેરિકા જેવા) વિકસિત દેશોના અર્થતંત્રમાં લાંબા સમય સુધી મંદી ચાલી. ત્યાં વ્યાજદર ઓછા હતા, એટલે વઘુ વળતર મેળવવા રોકાણકારો નવાં ઉભરી રહેલાં (ભારત જેવાં) અર્થતંત્રો તરફ વળ્યા. પરિણામે એ અર્થતંત્રોનાં ચલણનું મૂલ્ય વઘ્યું. પરંતુ થોડા સમય પછી, એ (ભારત જેવાં) અર્થતંત્રોનાં બજાર વઘુ પડતાં ઉંચકાઇ ગયાનો અહેસાસ જાગ્યો. સાથોસાથ, વિકસિત દેશોમાં મંદી દૂર થવાની શક્યતા દેખાઇ. વ્યાજદરમાં વધારો થયો અથવા એવી શક્યતા ઊભી થઇ. એટલે રોકાણકારો નવાં ઉભરી રહેલાં અર્થતંત્રોમાંથી પાછા હઠવા લાગ્યા. તેના કારણે ફરી બજારો ગગડ્યાં અને ઉભરી રહેલા દેશોના ચલણનું અવમૂલ્યન થયું.
ક્રગમેનને લાગે છે કે રૂપિયાના અવમૂલ્યનથી ‘પેનિક’ (હાંફળાફાંફળા) થઇ જવાની જરૂર નથી. ૧૯૯૭-૯૮માં એશિયાના દેશોની આર્થિક કટોકટી વખતે આવું જ બન્યું હતું. પરંતુ એ વખતે ઘણાખરા દેશોનાં દેવાં વિદેશી ચલણમાં હતાં. તેનું પરિણામ શું આવે? ધારો કે દેવું થયું હોય ત્યારે ૧ ડોલરનો ૨૫ રૂપિયા ભાવ ચાલતો હોય, પણ અવમૂલ્યન પછી એ રૂ.૩૫ થઇ જાય. એ ભાવે રૂપિયામાંથી ડોલર ખરીદીને દેવું ચૂકવવાનું થાય એટલે દેવું સીઘું ૪૦ ટકા વધી જાય. દેવું હદ બહાર વધી જવાને કારણે એશિયન દેશોને પોતાના ચલણનું અવમૂલ્યન બહુ વસમું પડી ગયું હતું.
અત્યારે ભારત સરકાર એવી સ્થિતિમાં નથી કે તેને મોંઘા ભાવના ડોલરમાં દેવાં ચૂકવવાના થાય અને અર્થતંત્રની કમર તૂટી જાય. (ડોલરમાં દેવું ધરાવતી કેટલીક ભારતીય કંપનીઓને આ ચિંતા થઇ શકે છે.) ક્રગમેને લખ્યું છે કે ‘સમાચારોનાં મથાળાં ગમે તે કહે, પણ પહેલી નજરે જોતાં રૂપિયાના અવમૂલ્યનમાં કંઇ બહુ મોટી વાત હોય એવું લાગતું નથી.’ અને છેલ્લે તેમણે ઉમેર્યું છે, ‘હું કયો મુદ્દો ચૂકી ગયો?’ (કે જેથી મને રૂપિયાનું અવમૂલ્યન ગંભીર લાગતું નથી.)
અમેરિકાનો ‘હાથ’
રૂપિયાનું અવમૂલ્યન આર્થિક કરતાં અનેક ગણી વધારે રાજકીય સમસ્યા છે, એવો મત પણ અભ્યાસીઓ પાસેથી મળે છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર ભણેલા કટારલેખક મિહિર શર્માના મતે, ભારતની રીઝર્વ બેન્કે આ દેશમાંથી નાણાં બહાર લઇ જવાનું અઘરૂં બને એવાં પગલાં લીધાં. તેના કારણે રોકાણકારોમાં ગભરાટ પેદા થયો. તેમને થયું હશે કે રૂપિયા બહાર લઇ જવા પર રીઝર્વ બેન્કનો સંપૂર્ણ અંકુશ આવી જાય તે પહેલાં રોકાણ બીજે ખસેડી લેવું -એટલે કે થોડો બંધ થયેલો દરવાજો સાવ ભીડાઇ જાય તે પહેલાં બહાર નીકળી જવું. આવું ફક્ત વિદેશી જ નહીં, દેશી રોકાણકારોને પણ લાગ્યું હશે. તેના કારણે રોકાણની ધડાધડ રોકડી થવા લાગી. શેરબજારમાં વેચાણ વધે એટલે ભાવ ઘટે. એટલે સેન્સેક્સ અને રૂપિયાના ભાવ ઘટ્યા.
ડોલર-પાઉન્ડની સામે રૂપિયાનું મૂલ્ય વધવા માટે ઘણાં કારણ જવાબદાર છે- અને તેમાં સરકારી નીતિ કે સરકારી ગેરવહીવટનું કારણ બહુ પાછળના ક્રમે આવે છે. ભારત ઉપરાંત બ્રાઝિલ, ઇન્ડોનેશિયા જેવાં ઉભરતા બજારમાં સ્થાનિક ચલણનું મૂલ્ય ઘટ્યું, એ માટે અમેરિકાની રીઝર્વ બેન્ક (ફેડરલ રીઝર્વ)ને જવાબદાર ગણવામાં આવે છે. અત્યાર લગી ફેડરલ રીઝર્વે અમેરિકાના મંદ અર્થતંત્રને ખોટકાઇ જતું અટકાવવા માટે અબજો ડોલરના સરકારી બોન્ડ ખરીદવાની નીતિ અપનાવી હતી. ખુદ રીઝર્વ બેન્ક સરકારી રાહે નહીં, પણ ખુલ્લા બજારમાંથી સરકારી બોન્ડ જથ્થાબંધના હિસાબે ખરીદે, એટલે તેના ભાવ ઊંચકાય અને તેમાં રોકાણ કરવાથી મળતું વળતર ઘટે. એટલે રોકાણકારો ખાનગી બોન્ડ સહિત બીજે રોકાણ કરે અને મૂડીબજારમાં જરા હરકત આવે. મંદીના લાભાર્થે ચાલતો આ ખરીદીકાર્યક્રમ બંધ કરવાના સંકેત અમેરિકાના ફેડરલ રીઝર્વ તરફથી મળ્યા છે. તેની અસર વૈશ્વિક બજારો પર અને ઉભરતાં અર્થતંત્રો પર સવિશેષ થઇ છે. ત્યાંથી રોકાણ પાછાં ખેંચાવા લાગ્યાં છે.
રૂપિયાનો પ્રશ્ન અને ડૉ.આંબેડકર
બંધારણના ઘડવૈયા અને સમાનતાના લડવૈયા ડૉ.આંબેડકર કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સની પ્રતિષ્ઠિત ડિગ્રી ધરાવતા અર્થશાસ્ત્રી હતા, એ જાણીતી છતાં વિસારે પડી જતી વાત છે. ૧૯૨૩માં પ્રગટ થયેલા તેમના પીએચ.ડી.થીસીસ ‘ધ પ્રોબ્લેમ ઑફ રૂપી : ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન’માં ડૉ.આંબેડકરે ચલણના મૂલ્ય અને અવમૂલ્યન વિશે પણ ચર્ચા કરી હતી.
પ્રશ્ન એ હતો કે રૂપિયાના અવમૂલ્યનની કેવી અસર થાય? સરકારે (રીઝર્વ બેન્કે) ચલણનું અવમૂલ્યન અટકાવવા માટે પ્રયાસ કરવા? કે એ બાબતમાં માથું મારવાને બદલે, રૂપિયાને બજારનાં પરિબળોના હવાલે કરી દેવો? બ્રિટિશ રાજમાં શાસકો ભારતીય રૂપિયાનો વિનિમય દર ઊંચો રાખવા ઇચ્છતા હતા. કારણ કે એમ કરવાથી બ્રિટનમાંથી ભારતમાં માલની આયાત કરવામાં ફાયદો રહેતો હતો. ભારતીય ઉદ્યોગપતિઓ વતી કોંગ્રેસ રૂપિયાનું અવમૂલ્યન થાય એમ ઇચ્છતી હતી. કારણ કે એ સ્થિતિમાં માલની નિકાસ કરનારા ભારતીય ઉદ્યોગોને વિદેશી ચલણના પ્રમાણમાં ઓછા રૂપિયા ચૂકવવાના થાય.
એ વખતે તેમ જ અત્યારે લાગુ પડતી વાસ્તવિકતા એ છે કે રૂપિયો વધારે ‘મજબૂત’ હોય એટલે કે ૧ ડોલર બરાબર જેટલા ઓછા રૂપિયા હોય, એટલો નિકાસમાં-ઉદ્યોગધંધાવાળાને- ઓછો ફાયદો થાય, પણ રૂપિયાની ખરીદશક્તિ વધારે હોય, રૂપિયાનું મૂલ્ય ‘ગબડે’, એટલે ઉદ્યોગપતિઓને-નિકાસકારોને ફાયદો થાય. અલબત્ત, સામાન્ય લોકોને મુશ્કેલી પડે. કારણ કે રૂપિયાની ખરીદશક્તિ ઘટે, કિંમતો વધે, ફુગાવો થાય અને એ પ્રમાણે લોકોની આવકમાં વધારો ન થયો હોય. ડૉ.આંબેડકર માનતા હતા કે રૂપિયાનું ‘લિમિટેડ ડીવેલ્યુએશન’- માપસરનું અવમૂલ્યન થવું જોઇએ, જેથી કોઇ એક વર્ગને ફાયદો અને બીજાને નુકસાન થવાને બદલે સૌને ફાયદો (અથવા ઓછું નુકસાન થાય). ડૉ.આંબેડકરે એવી દલીલ મુકી હતી કે રૂપિયાના અવમૂલ્યનને કારણે જે વર્ગને ફાયદો થાય છે તે બિનશરતી નથી. તેમને થતો ફાયદો બીજા (સામાન્ય) વર્ગના ભોગે થાય છે.
રૂપિયાનું સડસડાટ અવમૂલ્યન થાય એટલે સૌથી પહેલો બોજ આયાતી ચીજોના ભાવ પર પડે. આયાતી ક્રુડ ઓઇલ અને બીજી પેટ્રોલિયમ પેદાશો મોંઘી બને. ભારતનું આયાતનું બિલ વધે. એટલે વધેલું બિલ ચૂકવવા માટેનાં બજેટમાં નાણાંની જોગવાઇ કરવાની થાય. એ માટે બીજે ક્યાંક કાપ મૂકવો પડે. ફુગાવો, મોંઘવારી અને રૂપિયાનું અવમૂલ્યન સ્વતંત્ર પરિબળો હોવા છતાં અને સંપૂર્ણપણે એકબીજા પર આધારિત નહીં હોવા છતાં, તે પરસ્પર અસર કરે છે. રૂપિયાનું અવમૂલ્યન થતાં વિદેશમાં અભ્યાસથી માંડીને વિદેશપ્રવાસો મોંઘા બને છે, તો વિદેશમાંથી ભારત આવતા પ્રવાસીઓ કે મેડિકલ ટુરિઝમ માટે આવતા લોકોનું પ્રમાણ વધી શકે છે. નિકાસમાં વધારાની ઉજળી તકો રહે છે. પરંતુ આ હદે રૂપિયાનું અવમૂલ્યન થાય ત્યારે ફાયદા કરતાં ખોટ થાય એવા મોરચા વધી જાય છે.
તો સરકારે શું કરવું જોઇએ? રીઝર્વ બેન્કે કોઇ પણ રીતે રૂપિયાનું અવમૂલ્યન અટકાવવું જોઇએ? આ સવાલનો બહુમતી અભ્યાસીઓ પાસેથી મળતો જવાબ છે ઃ ના. રૂપિયાનું અવમૂલ્યન સરકારી પ્રયાસોથી અટકાવવામાં આવે તો એ અર્થતંત્ર માટે નુકસાનકારક નીવડે. કારણ કે એ ‘મજબૂતી’ કૃત્રિમ હોય. એને બદલે રૂપિયો આંતરરાષ્ટ્રિય પરિબળોના પ્રવાહમાં તણાતો-અથડાતો-કૂટાતો પોતાનું સાચું સ્થાન પ્રાપ્ત કરે, એ વધારે ઇચ્છનીય અને તંદુરસ્ત વિકલ્પ છે.
બાકી, અર્થશાસ્ત્ર સિવાય આડેધડ આક્ષેપબાજીની અને ખુલ્લા આકાશમાં પતંગો ઉડાડવાની જ વાત કરવી હોય તો, એક ‘થીયરી’ એવી છે કે રૂપિયાનું નવું પ્રતીક વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ અયોગ્ય અને ખોટા દિવસથી અમલમાં આવ્યું, એટલે રૂપિયાની દશા બેઠી છે. બીજી અને અર્થશાસ્ત્રના આલેખો સાથે રજૂ થયેલી ખુફિયા બાતમી એવી કે ચૂંટણી નજીક આવે ત્યારે રૂપિયાનું અવમૂલ્યન થાય છે, જેથી નેતાઓ તેમનાં વિદેશમાં ખડકાયેલાં નાણાં ભારતમાં વાપરવા માટે લાવે તો તેમને પ્રતિ ડોલર વઘુ રૂપિયા મળી શકે.
નાગરિક તરીકે આપણે ગાંઠે બાંધી રાખવા જેવી હકીકત એ છે કે અર્થશાસ્ત્રીય નીતિની બાબતમાં કોંગ્રેસ અને ભાજપ એક જ પંગતમાં બેઠેલાં છે અને રૂપિયાનું અવમૂલ્યન એ રાષ્ટ્રિય ગૌરવનો મુદ્દો નથી- ન હોવો જોઇએ.