ગ્લોબલ વૉર્મિંગ એટલે કે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું હોવાની ઘટના વિજ્ઞાનજગતમાં ચિંતાજનક અથવા ચર્ચાસ્પદ બાબત તરીકે જાણીતી છે. ઘણાખરા અભ્યાસીઓ ગ્લોબલ વૉર્મિંગને અફર સચ્ચાઇ માને છે અને તે માટે ઔદ્યોગિક ક્રાંતિ પછી માણસજાતે પેદા કરેલા પ્રદૂષણને દોષી ગણે છે. કેટલાક અભ્યાસીઓ આ દાવાનો વિરોધ કરીને, ગ્લોબલ વૉર્મિંગના નામે ચાલતી પ્રલયકારી ભવિષ્યવાણીઓને હળાહળ જૂઠી કે ભારે અતિશયોક્તિભરી ગણાવે છે.
વિજ્ઞાનજગતમાં સ્થાપિત હિતો કામ કરે છે, એવું સ્વીકાર્યા પછી પણ ગ્લોબલ વૉર્મિંગની સચ્ચાઇને સ્વીકારવી પડે એમ છે. તેનાં કારણો-પરિણામોનાં ઝડપ કે ગંભીરતા વિશે વિવાદ હોઇ શકે, પણ વધી રહેલા તાપમાનની અસરો વઘુ ને વઘુ સ્પષ્ટ બની રહી છે. ગયા મહિને પ્રતિષ્ઠિત વિજ્ઞાન સામયિક ‘નેચર’ / Nature (૨૫ જુલાઇ, ૨૦૧૩)માં ત્રણ અભ્યાસીઓએ ગ્લોબલ વૉર્મિંગના આર્થિક પાસા વિશે અનુમાન આપ્યાં હતાં. તેમના મતે, આર્કટિક મહાસાગરનો- ઉત્તર ધ્રુવનો બર્ફીલો થર તૂટશે-ઓગળશે, તો તેમાં કેદ થયેલો મિથેન વાયુનો જથ્થો વાતાવરણમાં ભળશે. મિથેન ગ્લોબલ વૉર્મિંગ માટેના ગંભીર ગુનેગાર વાયુઓમાંનો એક છે. તેનો એકસામટો ઉમેરો થવાને કારણે, ધ્રુવપ્રદેશનો બરફ ઓગળવાની પ્રક્રિયા ઝડપી બનશે અને તેનાં વસમાં આર્થિક પરિણામ ભોગવવાનાં આવશે.
‘નેચર’ના અભ્યાસલેખમાં જણાવ્યા પ્રમાણે, આખા ઉત્તર ધ્રુવનાનહીં, તેના એક હિસ્સા જેવા પૂર્વ સાઇબીરીયાના સમુદ્રી પ્રદેશમાં જામેલા બરફના થર ઓગળવાથી, તેમાં પુરાયેલો ૫૦ ગીગાટન જેટલો મિથેન વાયુ વાતાવરણમાં ભળશે. તે સમગ્ર ઉત્તર ધ્રુવના બરફને ઘનમાંથી પ્રવાહી બનાવવાની ઘાતક પ્રક્રિયાને ઝડપી બનાવશે. પૂર્વ સાઇબીરીયાના બર્ફીલા દરિયાઇ થરમાંથી છૂટા પડેલા મિથેનને વાતાવરણમાં ભળતો અટકાવવાનાં કોઇ પગલાં નહીં લેવાય, તો વર્ષ ૨૦૩૫ સુધીમાં પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો નોંધાશે. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંના પૃથ્વીના સરેરાશ તાપમાનની સરખામણીમાં આ વધારો બે અંશ સેલ્સિયસ કે તેથી પણ વધારે હોઇ શકે છે. અઢળક પ્રદૂષણ કરતા દેશો પોતપોતાની ધુમાડિયા પ્રવૃત્તિઓ થોડી કાબૂમાં રાખે, તો આ સ્થિતિ પાંચેક વર્ષ મોડી (૨૦૪૦ની આસપાસ) આવે.
બે અંશ સેલ્સિયસના તાપમાનવધારાથી ફક્ત પર્યાવરણની સમતુલા ખોરવાશે એવું માની લેવાની જરૂર નથી. અભ્યાસીઓના મતે, વધેલા તાપમાનને કારણે વૈશ્વિક સ્તરે ૬૦ ટ્રિલિયન ડોલરનું જંગી આર્થિક નુકસાન થવાનો સંભવ છે - અને યાદ રહે, આ આંકડો ફક્ત પૂર્વ સાઇબીરીયાનો બરફમાંથી છૂટા પડતા મિથેનની અસરનો છે. આખા ઉત્તર ધ્રુવના બર્ફીલા પોપડામાં કેદ મિથેન પૃથ્વીના વાતાવરણમાં ભળે તો ક્યાંય વધારે નુકસાન થાય.
કેટલાક સંશોધકો માને છે કે ‘નેચર’માં આપવામાં આવેલો ૫૦ ગીગાટન મિથેનનો જથ્થો વઘુ પડતો છે અને ‘જરા વાજબી રાખવું જોઇએ’. મિથેનના જથ્થાની ગણતરીમાં ભૂલ કે અતિશયોક્તિ હોય તો પણ એક વાત ભૂલવા જેવી નથીઃ ઉત્તર ધ્રુવનો બર્ફીલો થર ઓગળી રહ્યો છે, એ નિર્વિવાદ હકીકત છે. ઉપગ્રહોના જમાનામાં ઉત્તરોત્તર ઘટતો બરફના થરનો વિસ્તાર ચોક્સાઇપૂર્વક જાણી શકાય છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે, ૧૯૭૯માં ઉત્તર ધ્રુવનો બર્ફીલો થર ૨૭.૮ લાખ ચોરસ માઇલ વિસ્તારમાં પથરાયેલો હતો. વર્ષ ૨૦૦૦ સુધીમાં તે ઘટીને ૨૪.૩ લાખ ચોરસમાઇલ થયો અને ગયા વર્ષના ઉનાળામાં તેનો વિસ્તાર ૧૩.૨ લાખ ચોરસ માઇલ જેટલો રહ્યો છે. આ વિસ્તાર મોટો લાગે તો તેમાં થયેલો ઘટાડો અને એ ઘટાડાની ઝડપ ઘ્યાનમાં રાખવા જેવાં છે.
થીજેલા આર્કટિક સમુદ્રમાં બરફનો જથ્થો પીગળે અને પાણીમાં ફેરવાય, તેના કેટલાક ફાયદા પણ છે. ટૂંકા ગાળાની અને વ્યાપારી દૃષ્ટિથી એ ફાયદા આકર્ષક છે. સૌથી મોટો ફાયદો દરિયાઇ માર્ગનો છે. (જુઓ નીચે આપેલો નકશો) હાલમાં રશિયા કે જાપાનથી દરિયાઇ રસ્તે યુરોપ માલ મોકલવો હોય તો, નકશામાં બતાવ્યા પ્રમાણે, જાપાનના યોકોહામા બંદરેથી હિંદ મહાસાગરમાં થઇને સુએઝ કેનાલ વટાવીને યુરોપ પહોંચવું પડે. આ રસ્તે જાપાનના યોકોહામાથી નેધરલેન્ડના રોટ્રડેમનો રસ્તો ૧૨,૮૯૪ માઇલનો થાય છે. એ પાર કરતાં જહાજને ૩૩ દિવસ લાગે છે. પરંતુ દક્ષિણે હિંદ મહાસાગર તરફ આવવાને બદલે માલવાહક જહાજો ઉત્તરે આર્કટિક મહાસાગરનો માર્ગ લે તો? એ રસ્તો ૮,૪૫૨ માઇલનો છે અને ફક્ત ૨૦ દિવસમાં જાપાનથી નેધરલેન્ડ પહોંચી શકાય છે. એવી જ રીતે, ચીનના શાંઘાઇથી રોટ્રડેમનું અંતર ઉત્તજી જળમાર્ગે ૧૨,૧૦૭ માઇલથી ઘટીને ૯,૨૯૭ માઇલ થાય છે અને કેનેડાના વાનકુવરથી રોટ્રડેમનો દરિયાઇ માર્ગ ૧૦,૨૬૨ માઇલને બદલે ૮,૦૩૮ માઇલનો થઇ જાય છે.
‘ધ નોર્થઇસ્ટ પેસેજ’ તરીકે ઓળખાતો, ઉત્તર ધ્રુવના આર્કટિક મહાસાગરમાંથી પસાર થતો રસ્તો નવો કે પહેલી વારનો નથી. ૨૦૦૯માં એક જર્મન જહાજી કંપનીનાં બે જહાજે આ રસ્તો હેમખેમ પસાર કર્યો ત્યારે તેને મહાન સિદ્ધિ ગણાવવામાં આવી હતી. આ સમાચારમાં દેખીતી રીતે પીઆરનો વઘાર થયેલો હતો. પરંતુ એ હકીકત છે કે ૨૦૦૯ પછી વઘુ ને વઘુ પ્રમાણમાં વ્યાપારી જહાજો આર્કટિક મહાસાગરનો જળમાર્ગ પસંદ કરી રહ્યાં છે. અલબત્ત, ધ્રુવપ્રદેશનો બર્ફીલો પોપડો સદંતર ઓગળી જાય તો પણ વર્ષના મોટા ભાગના સમય દરમિયાન ઠારબિંદુથી નીચું તાપમાન રહેતું હોવાને કારણે, એ જળમાર્ગ લગભગ બંધ રહે. ગ્લોબલ વૉર્મિંગને કારણે બર્ફીલો પોપડો ઘટ્યા પછી ઉનાળામાં આ માર્ગ વપરાશ માટે સુલભ અને પ્રમાણમાં ઘણી ઓછી અડચણવાળો બને છે. તેની પર જહાજોની અવરજવર પણ વધી રહી છે. રશિયાની સરકારી સમાચાર સંસ્થાના આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૧૨માં આર્કટિક સમુદ્રના જળમાર્ગેથી ૫૦ લાખ ટન માલની હેરફેર થઇ, જે વર્ષ ૨૦૨૦ સુધીમાં ૬.૪ કરોડ ટન સુધી પહોંચવાની ધારણા છે.
દરિયાઇ વાહનવ્યવહાર વધે એટલે અત્યાર લગી કુદરતી શાંતિ ભોગવતા આર્કટિક સમુદ્રની જીવસૃષ્ટિ પર તેની માઠી અસર પડે એવી પૂરી સંભાવના રહે છે. એમાં પણ ઓઇલ લઇ જતા એકાદ જહાજને અકસ્માત થાય અને એ મહાસાગરમાં ઓઇલ ઢળે તો થઇ રહ્યું. આવી અમંગળ કલ્પના કરવી ગમતી નથી, પણ જહાજી વ્યવહાર શરૂ થયા પછી શક્યતાના સ્તરે એ વિચારવું પડે. ‘નેચર’ના લેખમાં નોંઘ્યું છે તેમ, પૃથ્વી પર બોટાયા વગરના કુદરતી વાયુનો ૩૦ ટકા જથ્થો અને એવા ક્રુડ ઓઇલનો ૧૩ ટકા જથ્થો ઉત્તર ધ્રુવમાં ધરબાયેલો હોવાનો અંદાજ છે.
બર્ફીલી ચાદર અદૃશ્ય થયા પછી ઉત્તર ધ્રુવ જેમ વધારે ને વધારે ખુલ્લો થતો જશે, તેમ પર્યાવરણના ભોગે વ્યાપારી ફાયદા માટે થનારી પ્રવૃત્તિઓનું જોખમ ત્યાં વધતું જશે. બ્રિટનની વિખ્યાત વીમા કંપની લોઇડ્ઝના અંદાજ પ્રમાણે, આવતાં દસ વર્ષોમાં ઉત્તર ધ્રુવમાં થનારા રોકાણનો આંકડો ૧૦૦ અબજ ડોલર સુધી પહોંચી શકે છે.
ઉત્તર ધ્રુવ સાથે ભૌગોલિક સરહદ ધરાવતા અમેરિકા, રશિયા, કેનેડા, ડેન્માર્ક અને નોર્વે જેવા દેશોએ હવે તેના કેટલાક હિસ્સા પર પોતાનો દાવો પણ નોંધાવ્યો છે. એન્ટાર્કટિક (દક્ષિણ ધ્રુવ)ની જેમ આર્કટિક માટે કોઇ ચોક્કસ આંતરરાષ્ટ્રિય નીતિ નક્કી કરવામાં આવી નથી. હાલમાં ઉત્તર ધ્રુવના પાડોશી દેશોની બનેલી આર્કટિક કાઉન્સિલ તેનો વહીવટ કરે છે, પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં પાડોશી ન હોય એવા બીજા દેશોને કાઉન્સિલના સભ્ય તો નહીં, પણ ‘નિરીક્ષક’ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ વર્ષે (૧૫ મે, ૨૦૧૩ના રોજ) ભારત ઉપરાંત ચીન, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા અને સિંગાપોરને ‘નિરીક્ષક’પદું આપવામાં આવ્યું. તેમને સલાહસૂચનથી વિશેષ સત્તા નથી. છતાં, આ કાઉન્સિલમાં સામેલગીરી થાય તે આવકાર્ય છે. કારણ કે ભારત ઉત્તર ઘુ્રવમાં બે સંશોધનકેન્દ્રો (‘મૈત્રી’ અને ‘ભારતી’) ચલાવે છે.
ઉત્તર ધ્રુવનો બરફ ઓગળવાથી થનારા ભૌગોલિક પરિવર્તનો વ્યાપારી તકોની સાથે પર્યાવરણીય પડકારો અને આંતરરાષ્ટ્રિય ખેંચતાણ પણ ઊભી કરી શકે એમ છે. પીગળેલા બરફને કારણે થનારા ફાયદાની ગણતરી માંડતી વખતે હંમેશાં એ યાદ રાખવું જોઇએ કે બરફ ન પીગળે એ સૌથી આદર્શ સ્થિતિ હતી. એટલે કે જે ફાયદો છે તે ચોખ્ખો નથી. આ ગણતરી નુકસાનમાં નફાની રહેવાની છે.
No comments:
Post a Comment