લગભગ અઢી દાયકાના ઉતારચઢાવ પછી, જુલાઇ ૧૩, ૨૦૧૩ની રાત્રે ૧૧:૦૫ વાગ્યે તામિલનાડુના કૂદનકૂલમ / Kudankulamમાં અણુવીજળીમથકનું પહેલું રીએક્ટર ધમધમતું (‘ક્રિટિકલ’) બન્યું. ટૂંક સમયમાં ત્યાં વીજળીનું ઉત્પાદન શરૂ થશે.
પરંતુ ચળવળકારોનો એક સમુહ આ સમાચાર માનવા તૈયાર નથી. તેમને લાગે છે કે અણુવીજમથકનો વિરોધ કરતા લોકોને ઉશ્કેરવા- હતોત્સાહ કરવા માટે સરકારે આવા સમાચાર વહેતા કર્યા છે. કૂદનકુલમનાં કુલ છ રીએક્ટરમાંથી ૧ હજાર મેગાવૉટ ઉત્પાદન ક્ષમતા ધરાવતું પહેલું રીએક્ટર શરૂ કરાયું, એ વિશે સરકારે પત્રકારોને પ્રાથમિક વિગતો પૂરી પાડી છે. તેના અને સંબંધિત અધિકારીઓએ વ્યક્ત કરેલાં ઉત્સાહ-રાહતના આધારે માનવું રહ્યું કે રીએક્ટર ખરેખર શરૂ થઇ ચૂક્યું છે. થોડાં અઠવાડિયામાં વીજળીનું ઉત્પાદન શરૂ થશે, એટલે બીજા કોઇ પુરાવાની જરૂર નહીં રહે.
રીએક્ટર કામ કરતું થયું કે નહીં, એવી સાદીસીધી વાત માટે પરસ્પર આ હદનો અવિશ્વાસ હોય, તો અણુવીજળીના ફાયદા-નુકસાન બાબતે શી રીતે એકમત સધાય? તેની તરફેણમાં અને વિરોધમાં વાજબી લાગે એવા ઘણા મુદ્દા છે.
અણુવીજળી : વૈશ્વિક ચિત્ર
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના અહેવાલ પ્રમાણે, વિશ્વભરમાં પેદા થતી કુલ વીજળીમાંથી આશરે ૪૦ ટકા કોલસાથી, ૨૨ ટકા નેચરલ ગેસથી, ૧૬ ટકા જળવિદ્યુત મથકોથી અને આશરે ૧૩ ટકા અણુશક્તિથી પેદા થાય છે. અણુશક્તિ દ્વારા પેદા થતી વીજળીને આકર્ષક બનાવનારાં ઘણાં કારણ છે. તેમાં સૌથી પહેલું કારણ : વીજળીની સતત વધતી જરૂરિયાત. ભારત અને ચીન સહિતના ‘વિકાસશીલ’ દેશો પણ હવે અમેરિકા જેવા વિકસીત દેશોની જેમ અઢળક વીજળી વાપરે છે. કોઇ એક સ્રોતથી વીજળીની માગને પહોંચી વળવું અઘરૂં છે. કોલસાથી ચાલતાં વીજમથકો ભારે પ્રદૂષણ કરે છે, નેચરલ ગેસના જથ્થાનો પ્રશ્ન હોય છે અને જળવિદ્યુત મથકો માટે પાણીનો વિશાળ જથ્થો આવશ્યક હોવાથી, તેમની સંખ્યાની મર્યાદા રહે છે. સૂર્યની અને પવનની શક્તિને વીજળીમાં ફેરવવાનું શક્ય છે, પણ એ રીતે પેદા થતી વીજળીનો જથ્થો ‘અન્ય પ્રકારો’માં ગણવો પડે એટલો ઓછો છે. કારણ કે અત્યારે એ વિકલ્પો ખર્ચાળ અને ઓછી કાર્યક્ષમતા ધરાવતા ગણાય છે.
સરખામણીમાં અણુશક્તિનો વિકલ્પ ભારત સહિતના ઘણા દેશોને આકર્ષક લાગે છે. ૧૯૫૦ના દાયકામાં અમેરિકાએ અણુશક્તિના શાંતિમય ઉપયોગ દ્વારા વીજળી પેદા કરી ત્યારથી આ ટેકનોલોજી સિદ્ધ અને સ્વીકૃત ગણાય છે. અણુવીજળી મથકો સામાન્ય સંજોગોમાં બિલકુલ પ્રદૂષણ પેદા કરતાં નથી. અલબત્ત,‘સામાન્ય સંજોગોમાં’ - એ શબ્દો ચાવીરૂપ છે. કારણ કે અસામાન્ય સંજોગોમાં તે અસામાન્ય પ્રદૂષણ અને જોખમો પેદા કરે છે. રશિયાની ચેર્નોબિલ (૧૯૮૬) અને જાપાનની ફુકુશિમા દુર્ઘટના (૨૦૧૧) તેનાં ઉદાહરણ છે. નિયમિત રીતે ચાલતા અણુવીજમથકમાં અણુકચરાનો નિકાલ મુદ્દો મહત્ત્વનો હોય છે. તેની ચોક્કસ સલામત પદ્ધતિ છે. અત્યાર સુધી એ વિશે મોટી બૂમ ઉઠી નથી, પણ તેનાં દૂરગામી પરિણામ વિશે ભવિષ્યમાં જ જાણવા મળી શકે.
વીજળી પેદા કરવાની ગરજ અને ગંભીર અકસ્માતોની સાવ ઓછી સંખ્યાને કારણે ઘણા દેશો વઘુ ને વઘુ પ્રમાણમાં અણુવીજળી તરફ વળી રહ્યા છે. ન્યૂક્લીઅર એનર્જી ઇન્સ્ટિટ્યુટના જુલાઇ, ૨૦૧૩ના આંકડા પ્રમાણે, ભારત સહિત વિશ્વના ૩૦ દેશોમાં ૪૩૦ રીએક્ટર અણુવીજળીના ઉત્પાદનમાં સક્રિય છે અને ૧૪ દેશોમાં બીજાં ૭૧ અણુવીજળી મથક ઊભાં થઇ રહ્યાં છે. અણુવીજળી માટેની દોડમાં મોખરે રહેનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
જાપાનમાં થયેલા ફુકુશિમા અકસ્માત અને તેના પગલે થયેલી ઢાંકપિછોડાની કોશિશો પછી, વિશ્વભરનાં અણુશક્તિવિરોધી સંગઠનોમાં નવી ચેતના આવી છે. ફક્ત સ્વૈચ્છિક સંસ્થાઓ કે ચળવળકારો જ નહીં, કેટલીક સરકારો પણ વીજળી માટે અણુઉર્જા સિવાયના વિકલ્પ વિચારી રહી છે. તેમાં સૌથી નોંધપાત્ર ઉદાહરણ જર્મનીનું છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં જર્મની બધાં અણુવીજમથકો બંધ કરી દેવા માગે છે. સૌરઊર્જા જેવા વૈકલ્પિક સ્રોતોને ત્યાં મોટા પાયે સરકારી મદદ- સબસીડી આપવામાં આવે છે. (તેની તરફેણમાં એવી દલીલ થાય છે કે પરંપરાગત સ્રોતોથી પેદા થતી વીજળીમાં પણ સરકાર અઢળક સબસીડી આપે જ છે, તો વધારે ફાયદાકારક એવા વૈકલ્પિકમાં શા માટે નહીં?) ઇટાલીએ જાપાનની દુર્ઘટના પછી અણુવીજળી પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતમાં સરકાર અણુવીજળીના માર્ગે આગળ વધવા મક્કમ છે, પણ સ્થાનિક વિરોધ સતત વધી રહ્યો છે. તામિલનાડુના કૂદનકુલમ ઉપરાંત મીઠી વીરડી (ગુજરાત), જૈતાપુર (મહારાષ્ટ્ર), કોવાડા (આંધ્ર પ્રદેશ), ગોરખપુર (હરિયાણા), ચુટકા (મઘ્ય પ્રદેશ), હરિપુરા (પશ્ચિમ બંગાળ) જેવાં અણુવીજળીનાં ભાવિ સરનામાં વર્તમાનમાં સરકાર અને સ્થાનિક લોકો વચ્ચે સંઘર્ષનાં કેન્દ્ર બન્યાં છે.
સામસામી દલીલો
અણુવીજમથક માટે ‘ફુટવાની રાહ જોતો અણુબોમ્બ’ જેવો શબ્દપ્રયોગ ભયાનક ચિત્ર વ્યક્ત કરવા માટે બહુ અકસીર છે, પરંતુ તેનાથી આંટીધૂંટીવાળું વાસ્તવિકતા જાણી શકાતી નથી. ખરૂં જોતાં, અકસ્માતની સંભાવના અણુવીજળીને એક જ ઝાટકે નાપાસ કરે છે. ગમે તેટલી કાળજી લીધા પછી પણ અકસ્માત નહીં થાય એવી ખાતરી કોઇ માનવસર્જિત ચીજ માટે આપી ન શકાય. હા, અકસ્માત કયા સંજોગોમાં થઇ શકે તેની આગોતરી ધારણા (ત્રાસવાદી કે વિદેશી હુમલો, ત્સુનામી, ધરતીકંપ, પ્લાન્ટના સંચાલનમાં માનવીય ભૂલ, ખામીયુક્ત પૂરજો) વિચારીને, એ સ્થિતિને પહોંચી વળવા માટે યોજાયેલા ટેકનોલોજીના ઉપાય લોકોને સમજાવી શકાય.
ભારતમાં અણુવીજમથકો સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકો વચ્ચેના તીવ્ર ખેંચતાણનો વિષય બન્યાં છે. એ માટે અકસ્માતનો ભય મુખ્ય મુદ્દો હોવા છતાં, બીજા ઘણા મુદ્દા તેમાં ઉમેરાય જાય છે. તેમાં લોકોનો સરકાર પરનો (વાજબી) અવિશ્વાસ પણ અગત્યનો ભાગ ભજવે છે. કૂદનકુલમની વાત કરીએ તો, દરિયાકિનારે સ્થપાયેલા આ અણુવીજળી મથકને કારણે આસપાસનાં ગામના લોકોના મનમાં અનેક શંકાઓ છે. જેમ કે, રીએક્ટરમાંથી બહાર નીકળતા ગરમ પાણીને કારણે દરિયાનાં માછલાં નષ્ટ થઇ જશે અને માછીમારી આધારિત વસ્તીને ભારે ફટકો પડશે. ઘણા સ્થાનિક લોકો માને છે કે સરકાર વઘુ જમીન સંપાદિત કરીને થોડાં વઘુ ગામડાં ખાલી કરાવશે. અણુકચરાના નિકાલ અને તેના પ્રદૂષણથી માંડીને અકસ્માતનો ડર પણ ખરો.
કૂદનકુલન પ્લાન્ટના વિરોધ માટે સ્થપાયેલી સંસ્થા ‘પીપલ્સ મુવમેન્ટ અગેઇન્સ્ટ ન્યુક્લીઅર એનર્જી’ અને તેના સંયોજક ઉદયકુમાર સામેની આકરી સરકારી કાર્યવાહી લોકોના મનની શંકાઓને દૃઢ કરે છે. અણુવીજળી મથકનો વિરોધ કરનારા સામે સરકારે રાજદ્રોહના કેસથી માંડીને વિદેશી ભંડોળના જોરે અને તેમના ઇશારે પ્લાન્ટનો વિરોધ થતો હોવાના ગંભીર આરોપ મૂક્યા છે. અનેક વાર તેમની પર બળપ્રયોગ કરવામાં આવ્યો છે.
સામા પક્ષે, ‘પીપલ્સ મુવમેન્ટ અગેઇન્સ્ટ ન્યુક્લીઅર એનર્જી’ (PMANE) સહિતનાં સંગઠનોએ સરકાર પાસે મુકેલી માગણીઓમાં વૈજ્ઞાનિક માહિતીના અભાવની સાથોસાથ સરકાર પરનો અવિશ્વાસ સ્પષ્ટ રીતે છતો થાય છે. સરકારે ઓક્ટોબર, ૨૦૧૧માં પંદર સભ્યોની બનેલી એક સમિતિ નીમી હતી. તેના અહેવાલમાં ઘણી સ્પષ્ટતાઓ કરવાનો પ્રયાસ થયો હતો. અહેવાલમાં જણાવાયું હતું કે રીએક્ટરમાંથી દરિયામાં છોડવામાં આવતા ગરમ પાણીનું તાપમાન દરિયાના પાણીના તાપમાન કરતાં પાંચ અંશ સે. જેટલું વધારે હશે. તેનાથી માછલીઓના અસ્તિત્ત્વ સામે કોઇ પ્રકારનો ખતરો ઊભો થવાનો નથી. આ દાવાના ટેકામાં અણુશક્તિ વિભાગે સાત યુનિવર્સિટીઓ પાસે કરાવેલું સર્વેક્ષણ ટાંકવામાં આવ્યું. તેમાં કહેવાયું છે કે હાલમાં દરિયાકાંઠે કાર્યરત એવા કલ્પક્કમ અને તારાપુર જેવાં અણુવીજળી મથકોને કારણે માછલીની આવકમાં જરાય ઘટાડો નોંધાયો નથી કે તેમના અસ્તિત્ત્વ સામે કોઇ ખતરો ઊભો થયો નથી. દરિયાના પાણીની સાથોસાથ માછલીઓ કૂલિંગ પ્લાન્ટમાં ન આવી જાય એની વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.
કૂદનકુલમ પ્લાન્ટ નિમિત્તે સરકાર હવે વઘુ જમીન સંપાદિત કરવાની નથી કે ગામડાં ખાલી કરાવવાની નથી, એ પણ અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. રીએક્ટરમાં અકસ્માત થાય તો તેનો રેડિયોએક્ટિવ મલીદો ખુલ્લામાં કે પાણીમાં ન પ્રસરે એ માટે ડીઝાઇનમાં અનેક તકેદારી લેવાઇ છે. દરિયાકાંઠે આવેલા આ મથકને ત્સુનામીનાં મોજાંની પહોંચથી ખાસ્સું ઊંચું (દરિયાની સપાટીથી ૭.૫ મીટર ઊંચું) રાખવામાં આવ્યું છે. અગાઉ ત્રાટકેલા ત્સુનામીનાં મોજાં ૫ મીટર સુધી પહોંચ્યાં હતાં, જ્યારે કૂદનકુલમ અણુમથકના ટર્બાઇન દરિયાની સપાટીથી ૮.૧ મીટર ઊંચે, રીએક્ટરનું બાંધકામ ૮.૭ મીટર ઊંચાઇ પર અને અનિવાર્ય સંજોગોમાં વીજળી પુરવઠો ચાલુ રાખીને પ્લાન્ટને બચાવતા ડીઝલ પમ્પના સેટ ૯.૩ મીટર ઊંચાઇ પર રાખવામાં આવ્યા છે.
સરકારને લાગે છે કે દેશની આગેકૂચ માટે અણુવીજળી વિના ઉદ્ધાર નથી અને સલામતીનાં બધાં પગલાં લીધા પછી પણ જો તેનો વિરોધ થતો હોય તો, વિરોધ કરનારા દેશહિતના વિરોધી છે. તેમની સામે સખ્તાઇથી કામ લેવાવું જોઇએ.
વિરોધ કરનારાને સરકારના દાવા પર ભરોસો નથી અને ‘નીવડ્યે વખાણ’ જેવી નીતિ અણુ રીએક્ટર માટે રાખી શકાતી નથી. કારણ કે કંઇક ઊંઘું વેતરાય ત્યારે બહુ મોડું થઇ જતું હોય છે. આ સ્થિતિમાં પોતાના નાગરિકો સામે દેશદ્રોહના આરોપો મૂકીને કે લાઠીચાર્જ-ગોળીબાર કરીને તેમને લાઇનમાં આણવાને બદલે, તેમને સાથે રાખીને સમજાવવા એ સરકારની ફરજ અને નાગરિકોનો હક બને છે.
ભોપાલ દુર્ઘટનાના લગભગ ત્રણ દાયકા પછી પણ કાનૂની કાર્યવાહી અને કચરાના નિકાલ બાબતે સરકારોની અક્ષમ્ય ઢીલાશ ઘ્યાનમાં રાખતાં, નાગરિકોની ગમે તેટલી ચિંતા વઘુ પડતી લાગતી નથી અને તેમને વિશ્વાસમાં લેવાના - સમજાવવાના સરકારના પ્રયાસો ઘણા અપૂરતા લાગે છે. સરકાર અણુવીજળી મથકો બનાવવા માટે કૃતનિશ્ચયી હોય અને ચર્ચામાં ઉતરવા ન માગતી હોય, તો પણ નાગરિકોના સીધા હિત અને તેમના અસ્તિત્ત્વને લગતાં જોખમો વિશે તો તેણે સંતોષકારક ખુલાસા અને વ્યવસ્થા કરવાં રહ્યાં.

No comments:
Post a Comment