ગુજરાતના મુખ્ય મંત્રીએ ઘણા વખત પહેલાં દુનિયાનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવવાની જાહેરાત કરી હતી. કોના હિસાબે ને જોખમે એ ચર્ચામાં ન પડીએ તો, વિક્રમો સર્જવાનો તેમને શોખ છે. અગાઉ તે એક દિવસમાં સૌથી વઘુ વૃક્ષો વાવવાના કાર્યક્રમ અને એક સાથે સૌથી વઘુ થ્રી-ડી અવતારે ‘દર્શન’ આપવા જેવા મહાન વિક્રમ નોંધાવી ચૂક્યા છે. એમ તો, પોતાના ખાતા (ગૃહવિભાગ)ના રાજ્યકક્ષાના મંત્રી જેલનશીન હોય ને મોટા પોલીસ અફસરો જેલમાં હોય, એવો વિક્રમ પણ તે નોંધાવી શકે એમ હતા.
આવા વિક્રમોથી ‘ગુજરાત’નું (એટલે કે ગુજરાતના મુખ્ય મંત્રીનું) નહીં, પણ ખરેખરા ગુજરાતનું (એટલે કે ગુજરાતના લોકોનું) શું ભલું થયું? એવા સુશાસન કે દુઃશાસનને લગતા સવાલ પૂછવા નહીં. અને પૂછવા હોય તો ‘ગુજરાતવિરોધી ટોળકી’ તરીકે ઓળખાવાની તૈયારી રાખવી. કેમ કે, મુખ્ય મંત્રી ધારે તો મોટી સંખ્યામાં લોકોને સૌથી લાંબા સમય સુધી સંમોહિત દશામાં રાખવાનો વિક્રમ પણ નોંધાવી શકે છે. અલબત્ત, ‘અમારી મદદ વિના આ વિક્રમ શક્ય બન્યો ન હોત, એવો દાવો કરીને, કોંગ્રેસ ઇચ્છે તો (ધંધાની જેમ) આ જશમાં ભાગીદાર બની શકે છે.
મુખ્ય મંત્રીના વિક્રમપ્રેમી રાજકારણનું પરિણામ એટલે દુનિયાનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવવાનો નિર્ણય. આ પૂતળું સરદાર પટેલનું હોય એમાં બિચારા સરદારનો કશો વાંક નથી. એ ખરેખર નિર્દોષ છે. કારણ કે જાહેર જીવનમાં આવ્યા પછી એમણે ક્યારેય પૂતળાં પાછળ કે બીજી કોઇ પણ રીતે રૂપિયાનો ઘુમાડો કરવાનું કહ્યું ન હતું.
સરદારે પોતાના જીવનમાંથી એવો સંદેશ આપ્યો કે ‘દેશની સેવા કરવા માટે વડાપ્રધાન બનવું જરૂરી નથી’ અને આ જ સરદારનું સૌથી ઊંચું પૂતળું બનાવવા માગતા ગુજરાતના મુખ્ય મંત્રી માટે વડાપ્રધાન બનવું એ પ્રાથમિકતા છે. દેશની સેવા વડાપ્રધાન બન્યા વિના થઇ જ ન શકે, એવું તેમની કહેણી-કરણી પરથી લાગે. મુખ્ય મંત્રી જેના નામે પોતાના ડંકા વગાડવા કોશિશ કરી રહ્યા છે એ સરદાર પટેલે ગાંધીજીના એક જ ઇશારે વડાપ્રધાનપદ જતું કરી દીઘું હતું, જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી વડાપ્રધાનપદ સુધી પહોંચવા માટે કંઇ પણ કરવા તૈયાર છે. પૂતળાબાજીથી સંતોષ ન થતાં, મુખ્ય મંત્રીએ ભારતભરના પાંચ લાખ કિસાનો પાસેથી ખેતીકામમાં વપરાતું લોખંડનું એક ઓજાર પૂતળામાં તેમના સહયોગ તરીકે માગ્યું છે.
આવા તાયફા વિશે સરદાર પટેલ શું વિચારતા હોત? એવી તીવ્ર જિજ્ઞાસાનો પ્રતિભાવ આપતો હોય એમ ફોન રણક્યો.
ફોન કાને માંડીને ‘કોણ?’ પૂછ્યું, એટલે જવાબ મળ્યોઃ ‘હું સરદાર.’
પ્રઃ કોણ સરદાર? કેવા સરદાર? કોના સરદાર? છોટે? ખોટે? મોટે?
સરદારઃ અરર, મારી આટલી બધી નકલો બજારમાં છે એની મને ખબર જ નહીં. પણ હું તો માત્ર સરદાર છું- તમે બધા જેમને ‘લોહપુરૂષ’ કહો છો તે.
પ્રઃ સોરી, પણ તમારી કંઇક ભૂલ થતી લાગે છે. ‘લોહપુરૂષ’ તો બધા અડવાણીને કહેતા હતા.
સરદારઃ એમ? પછી?
પ્રઃ પછી ચોમાસું બેસી ગયું. લોખંડને કાટ ચડી ગયો ને થાંભલાનો ભૂકો થઇ ગયો. પણ એ બધી વાત છોડો. તમે અસલી સરદાર છો? કાટપ્રૂફ સરદાર? ખરેખર?
સરદારઃ (હસીને) અલ્યા, ફોનમાંથી બહાર નીકળીને પુરાવો આપું?
પ્રઃ ના, ના. એવું નથી પણ એકદમ વિશ્વાસ ક્યાંથી પડે? અને થોડી ચિંતા પણ થાય.
સરદારઃ ચિંતા શાની? મેં તો સાંભળ્યું છે કે તમે બધા મને બહુ ભાવથી યાદ કરો છો. કહો છો કે હું લાંબું જીવ્યો હોત તો દેશમાં કોઇ સમસ્યા જ ન હોત. મને એમ કે મારો અવાજ સાંભળીને તમે ખુશખુશાલ થઇ જશો. મારા પુનરાગમનને વધાવી લેશો.
પ્રઃ ભાવ ને બધી વાત સાચી, પણ એ તો તમે ત્યારે લાંબું જીવ્યા હોત કે વડાપ્રધાન બન્યા હોત તો. હવે તમે પાછા આવો કે આમ ફોનો કરવા માંડો તો તકલીફ ન પડે? તમારા વગર માંડ બઘું સરસ ગોઠવાઇ ગયું હોય ને..
સરદારઃ મારા વગર કે મારા નામે?
પ્રઃ હવે તમે સરદાર ખરા..મારો કહેવાનો મતલબ હતો કે વડાપ્રધાન બનું બનું કરી રહેલા અમારા સાહેબે એક લોહપુરૂષને માંડ ઠેકાણે પાડ્યા હોય ને પાછા બીજા આવે તો એમને નવેસરથી દાવપેચ ગોઠવવા ન પડે?
સરદારઃ તે પેલી કહેવત તો સાંભળી જ હશેઃ ‘કુંવારા કોડે મરે ને પરણેલા પસ્તાય.’ તારા સાહેબને પણ સંભળાવજે.
પ્રઃ સાહેબ તો કુંવારા જ છે.
સરદારઃ મને તેમના વૈવાહિક દરજ્જાની પંચાતમાં રસ નથી. મારો મતલબ મારા નામે ચરી ખાનારા પૂરતો છે. અત્યાર લગી લોકો ફક્ત બાપુનું નામ વટાવી ખાતા હતા. મેં સાંભળ્યું છે કે તમે લોકોએ બાપુના નામે બિઝનેસ સેન્ટર બનાવી કાઢ્યું છે. એમાં શું વેચશો? બાપુની આબરૂ? કે તમારી નફ્ફટાઇ?
પ્રઃ જૂની પેઢીના લોકોની આ જ તકલીફ છે.
સરદારઃ એ ભાઇ, જરા સરખી રીતે વાત કર. તું ગુજરાતનો મુખ્ય મંત્રી નથી કે તારી ઉદ્ધતાઇને ભક્તો તારી હોંશિયારીમાં ખપાવી દે અને હું અડવાણી નથી કે આવું બઘું ચૂપચાપ સાંભળી લઉં. આપણે મુદ્દાની વાત કરીએ. મારા પૂતળાનો શો મામલો છે?
પ્રઃ અરે, સરદારસાહેબ, પાર્ટી આપો પાર્ટી. અમારા મુખ્ય મંત્રી તમારું પૂતળું બનાવવાના છે. એ દુનિયાનું ઊંચામાં ઊંચું પૂતળું હશે. ખ્યાલ આવે છે કંઇ? વર્લ્ડ રેકોર્ડ...તમારા નામે..અને એ પણ અવસાનનાં ૬૩ વર્ષ પછી...
સરદારઃ તે એમાં હું શું કરવા પાર્ટી આપું? પાર્ટી આપશે આ પૂતળાના કોન્ટ્રાક્ટ મેળવનારા અને એમાંથી કટકીઓ કરનારા... ખરી કમાણી તો એમને થવાની છે. જોકે, તમે બધા બીજી એટલી કટકીઓ કરીને બેઠા છો કે કદાચ મારા પૂતળામાંથી કટકીનો વર્લ્ડ રેકોર્ડ નહીં બનાવી શકો.
પ્રઃ અરર, તમે સરદાર ઉઠીને આવું છીછરૂં વિચારો છો?
સરદારઃ હું અસલી સરદાર છું. મૂરખનો સરદાર કે એન્કાઉન્ટર કરનારાનો સરદાર નથી. ઉદ્યોગપતિઓ જોડે તારા સાહેબને છે એના કરતાં વધારે નજીકના સંબંધો મારે હતા. પણ એનો મેં કદી મારી સત્તા માટે ઉપયોગ કર્યો નથી. એટલે મારા પૂતળાની પાર્ટીઓ મારી પાસેથી માગવા જેટલો બુદ્ધુ તું મને ન ગણીશ.
પ્રઃ તમને વાતમાં પહોંચી વળવું અઘરું છે...
સરદારઃ અને તમને બેશરમીમાં...મારી જોડે નહીં લેવા, નહીં દેવા ને મારા નામે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પૂતળું ઠઠાડી દેવાનું? ખરા છો તમને લોકો...
પ્રઃ એમાં કોઇ વ્યક્તિનો વાંક નથી. કોંગ્રેસે બાપુને વટાવ્યા તો અમે સરદારને વટાવીશું. હિસાબ સરભર.
સરદારઃ પણ એમાં મારી આબરૂની ધજા થશે એનો વિચાર કર્યો છે? મારા પૂતળા પાછળ બે હજાર કરોડ રૂપિયાનો ઘુમાડો તમે કરશો ને કિંમત મારી થશે. આવાં પૂતળાંથી રમવા-રમાડવાનો બહુ શોખ હોય તો ડિઝનીલેન્ડ બનાવો. પણ મહેરબાની કરીને અમને બધાને રેઢા મૂકી દો. નહીંતર પછી મારે...
(અઘૂરા વાક્યેથી ફોન કપાઇ ગયો, પરંતુ આખો સંવાદ ભ્રામક વાસ્તવિકતા હતી કે વાસ્તવિક ભ્રમ, હજુ એ નક્કી થઇ શક્યું નથી.)