બજારમાં ફટાફટ પોતાનો માલ વેચાતો થઇ જાય, એ માટે ‘રેનબેક્સી’/Ranbaxyએ અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ/FDA સમક્ષ ઘણું જૂઠાણું ચલાવ્યું. ખોટા રીપોર્ટ રજૂ કર્યા. ગુણવત્તામાં ઘાલમેલ કરી. તપાસ અધિકારીઓને ઊઠાં ભણાવ્યાં. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને અંધારામાં રાખ્યો. છેવટે, અમેરિકાની અદાલતમાં કેસ ચાલ્યો. દેર તો થઇ. થોડું અંધેર પણ ચાલ્યું હોય એમ લાગ્યું. કારણ કે ગયા મહિને કંપનીએ ૫૦ કરોડ ડોલર ભરીને સિવિલ અને ફોજદારી એમ બન્ને પ્રકારના ગુનામાંથી છૂટકારો મેળવી લીધો. એક જ વર્ષમાં ફક્ત અમેરિકામાં ૧૦૦ કરોડ ડોલરનો ધંધો કરી નાખતી કંપનીનાં વર્ષોનાં ‘પાપ’ માટે ૫૦ કરોડ ડોલરનો દંડ ઓછો જ ગણાય- ખાસ કરીને કંપનીના એક પણ જવાબદાર માણસ સામે ફોજદારી કાર્યવાહી ન થઇ હોય ત્યારે.
‘રેનબેક્સી’ અમેરિકામાં ઝડપાઇ, પણ વિશ્વના દોઢસો દેશમાં દવાઓનું સામ્રાજ્ય ધરાવતી આ કંપની સામે બીજા દેશોમાં કશી કાર્યવાહી થઇ હોય એવું જણાતું નથી. ભારતમાં મુંબઇની ‘જસલોક હોસ્પિટલ’ દ્વારા ડોક્ટરોને ‘રેનબેક્સી’ની દવાઓ ન વાપરવાની સલાહ અપાઇ હોવાના અહેવાલ મળ્યા હતા. એવી જ રીતે, ભારતના સૌથી મોટા દવાઓના ચેઇન સ્ટોર ‘એપોલો’માં થોડા દિવસ માટે ‘રેનબેક્સી’ની દવાઓનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ‘રેનબેક્સી’ તરફથી ખાતરી મળ્યા પછી ફરી વેચાણ શરૂ થઇ ગયાના અહેવાલ છે.
વર્ષ ૨૦૦૮માં ‘રેનબેક્સી’ના ભારતીય માલિકો પાસેથી જાપાની કંપની ‘દાઇચી સાન્ક્યો’એ કંપનીનો મોટો હિસ્સો ખરીદી ૪.૨ અબજ ડોલરની કિંમતે ખરીદી લીધો. ત્યાર પછી કંપનીના ગોરખધંધા માટે જાપાની કંપની જૂના માલિકો ભણી આંગળી ચીંધે છે ને જૂના માલિકો જાપાની કંપની ભણી. હકીકત એ પણ છે કે ૨૦૧૨માં ‘રેનબેક્સી’ની અમેરિકાના બજારમાં વેચાયેલી દવામાંથી કાચના ટુકડા નીકળ્યા, ત્યારે બધો કારભાર જાપાની કંપનીને હસ્તક હતો. એટલે જાપાની કંપની તરફથી અત્યારે અપાતી ગુણવત્તાની ખાતરી-બાંહેધરી કેટલી વિશ્વસનીય કહેવાય એ સવાલ છે. અમેરિકાનું ફુડ એન્ડ ડ્રગ્સ ખાતું કંપનીઓએ રજૂ કરેલા અહેવાલ અને આંકડા પર વિશ્વાસ મૂકવાની ભૂલ વારંવાર કરી ચૂક્યું છે.
અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે છેક ૨૦૦૮માં ‘રેનબેક્સી’ના બે પ્લાન્ટની તપાસ પછી ત્યાં બનેલી દવાઓ અને દવાઓમાં વપરાતી સામગ્રીની અમેરિકામાં આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હિમાચલ પ્રદેશમાં આવેલા પાંવટાસાહેબ પ્લાન્ટ અને મઘ્ય પ્રદેશમાં આવેલા દેવાસ પ્લાન્ટ સામેના આવા કડક પગલાને કારણે, અમેરિકામાં મંજૂરી ધરાવતી હોવા છતાં, ‘રેનબેક્સી’ની ત્રીસ દવાઓના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકાયો. આ બધો સમય ભારત સરકારના સંબંધિત વિભાગો આંખ આડા કાન કરતા રહ્યા. ભારતમાં આ બન્ને ફેક્ટરી ચાલુ હોય, પણ માલ અગાઉની જેમ અમેરિકા જતો ન હોય, ત્યારે એ માલ ક્યાં- કયા બજારમાં જાય છે અને તેની ગુણવત્તા અમેરિકાને કેમ વાંધાજનક લાગી, એવી કશી તપાસ કરવાની જરૂર ભારતના આરોગ્યખાતાને જણાઇ નહીં. અમેરિકાની અદાલતમાં ‘રેનબેક્સી’એ ગુનો કબૂલી લીધા પછી પણ ભારતના આરોગ્યસચિવ અદાલતી ચુકાદાના ઝીણવટપૂર્વક અભ્યાસની વાત કરતા હતા. હવે મોડે મોડેથી ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલે ‘રેનબેક્સી’ના દેવાસ અને પાંવટા સાહેબ પ્લાન્ટની તપાસ કરવાનું ઠરાવ્યું અને કંપનીને એ મતલબની જાણ કરી. ભારતની સર્વોચ્ચ અદાલતમાં ‘રેનબેક્સી’ની દવાઓ પર પ્રતિબંધ મૂકવા માટે જાહેર હિતની એક અરજી દાખલ થઇ છે, પણ અદાલતે અરજદાર વકીલને તતડાવીને પુરતા પુરાવા રજૂ કરવા કહ્યું છે.
‘રેનબેક્સી’ના કેસમાં ઢીલાશ અંગે અમેરિકાના સરકારી તંત્રની ભૂમિકા પણ વખાણવા જેવી રહી નથી. ૨૦૦૫માં ‘રેનબેક્સી’નાં ભોપાળાં જાણ્યા પછી અને કંપની દ્વારા પોર્નોગ્રાફિક વેબસાઇટ જોવાના વાહિયાત આરોપ મુકાયા પછી, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગમાં કામ કરતા દિનેશ ઠાકુરે ‘રેનબેક્સી’ની નોકરી છોડી. પરંતુ પોતાની અને પરિવારની સલામતી માટે તેમને ખાનગી સુરક્ષા રાખવાનું જરૂરી લાગ્યું. નોકરી છોડ્યા પછી ચારેક મહિના સુધી દિનેશ ઠાકુર ચૂપ બેસી રહ્યા. પણ પછી તેમને પોતાનું મૌન અકારું લાગવા માંડ્યું. તેમને લાગ્યું કે સેંકડો લોકોના આરોગ્યનો સવાલ હોય ત્યારે આ રીતે ચૂપ રહી શકાય નહીં.
આખરે તેમણે ‘યાહુ’ મેઇલ સર્વિસમાં ભળતા નામે એક મેઇલ એકાઉન્ટ ખોલ્યું અને તેમાંથી અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સંબંધિત અધિકારીઓને ‘રેનબેક્સી’નાં કરતૂતોની વિશે જાણ કરી. શરૂઆતમાં તેમણે પોતાની ઓળખ કંપનીના સંશોધક તરીકેની આપી અને સચ્ચાઇ છતી ન થઇ જાય એ માટે ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં રજૂઆતો કરી. પરંતુ તેનો ક્યાંયથી જવાબ મળ્યો નહીં. આ રીતે ઉપરછલ્લા, ખોટા નામવાળા ઇ-મેઇલથી કામ નહીં સરે એવું લાગતાં, તેમણે નામજોગ અને વિગતોજોગ અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનરને લખ્યું કે ‘રેનબેક્સી યોગ્ય ચકાસણી કર્યા વગરની, બનાવટી અને બિનઅસરકારક દવાઓ વેચે છે.’
ઠાકુરને હતું કે તેમની રજૂઆતથી સરકારી તંત્ર કામે લાગી જશે અને પોતાને એક હદથી વઘુ સામેલ થવું નહીં પડે. પણ એ શક્ય બન્યું નહીં. કઠણાઇ એવી થઇ કે ઠાકુરે ફોન પર ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી, એના દસ જ દિવસ પછી ‘રેનબેક્સી’ની વઘુ એક દવાને અમેરિકામાં વેચાણની મંજૂરી આપવામાં આવી. ઠાકુરે આ બાબતે આઘાત વ્યક્ત કરતાં તેમને જણાવવામાં આવ્યું કે આ દવાની મંજૂરીપ્રક્રિયા ઠાકુરની રજૂઆત પહેલાં પૂરી થઇ ચૂકી હતી. એટલે કોઇ નક્કર કારણ કે આધાર વિના તેની મંજૂરી રદ કરી શકાય એમ ન હતી.
અમેરિકાની સરકારી તપાસની કથા લાંબી છે, પણ ટૂંકી વાત એટલી કે છેક ૨૦૦૫માં શરૂ થયેલો ‘રેનબેક્સી’ની તપાસનો સિલસિલો લાંબો ચાલ્યો. બે વર્ષ પછી દિનેશ ઠાકુર આવા કેસમાં ‘વ્હીસલ બ્લોઅર’ને મદદ કરતી એક સંસ્થાના પરિચયમાં આવ્યા. ત્યાર પછી છાનાછપના વિગતો આપવાને બદલે તે સત્તાવાર ધોરણે ‘વ્હીસલ બ્લોઅર બન્યા’ અને સરકાર જે રકમ વસૂલ કરે તેના લગભગ ત્રીજા ભાગ જેટલી રકમ મેળવવાના હકદાર પણ બન્યા. ‘રેનબેક્સી’ની ગેરરીતિના પુરાવા મળવા છતાં, તેનાં તમામ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનું પગલું અમેરિકામાં કદી ન લેવાયું. ભારતના બે પ્લાન્ટમાં બનેલી દવાઓ ગુણવત્તાની રીતે અયોગ્ય જણાઇ, ત્યારે અમેરિકાએ એ પ્લાન્ટમાંથી આયાત પર પ્રતિબંધ મૂક્યો, પણ એ જ પ્લાન્ટમાં બનેલી અને અમેરિકાનાં બજારમાં ખડકાઇ ચૂકેલી દવાઓ પાછી ખેંચવાનું પગલું ન લીઘું.
‘રેનબેક્સી’ પ્રકરણમાંથી ઉઠતા સવાલો તો અનેક છેઃ કંપનીના ભૂતપૂર્વ માલિક મલવિન્દરસિંઘ સહિતના જવાબદાર લોકો વિશે ‘ફોર્ચ્યુન’ સામયિકના અહેવાલમાં નામજોગ આરોપ મુકવામાં આવ્યા છે. પરંતુ આ લોકોએ આરોપોને રદિયો આપવા સિવાય બીજું કોઇ પગલું ભર્યું નથી. અહેવાલ પ્રગટ કરનાર સામયિક સામે તેમણે કાયદેસર કાર્યવાહીની કે બદનક્ષીની નોટિસ મોકલી હોય, એવું જાણવા મળતું નથી. ‘રેનબેક્સી’ દ્વારા અપાયેલી ખાતરીઓ કે તેના દ્વારા થતા દાવા કેટલા સાચા માનવા, એ પણ મોટો સવાલ છે.
ફક્ત ‘રેનબેક્સી’ જ શા માટે, તેના જેવી આંતરરાષ્ટ્રિય કંપની નફાખોરી ખાતર આવા ગુનાઇત ગોરખધંધા કરતી હોય ત્યારે દવા બનાવતી બાકીની કંપનીઓ પ્રત્યે સંશય જાગે એ પણ સ્વાભાવિક છે. દવાઓનાં યોગ્ય પરીક્ષણ કર્યા વિના તેનાં અગાઉથી નક્કી થયેલાં પરિણામ લખી પાડવામાં આવે, એવા કિસ્સા બીજી કંપનીઓમાં નહીં બનતા હોય, એવું શી રીતે માની લેવાય? ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા ‘રેનબેક્સી’ના દાખલામાંથી ધડો લઇને, મોટી કંપનીઓ પર આડેધડ ભરોસો મૂકવાનું બંધ કરશે?
જીભે ઉગતા જવાબ આપવા જેવા નથી ને મનમાં ઉગતી આશાઓ ફળે એવી લાગતી નથી.
(નોંધઃ ત્રણ હપ્તાની આ લેખમાળાનો મુખ્ય આધાર ‘ફોર્ચ્યુન’ સામયિકમાં પ્રગટ થયેલો કેથરીન ઇબનનો લેખ છે. આશરે ૯૮૦૦ શબ્દોના આ લેખનું મથાળું છેઃ ડર્ટી મેડિસીન.)

"જીભે ઉગતા જવાબ આપવા જેવા નથી ને મનમાં ઉગતી આશાઓ ફળે એવી લાગતી નથી".
ReplyDeleteઉપરના વાક્યમાં બધું જ આવી ગયું.