અસત્ય પર સત્યના, અંધકાર પ્રકાશના, શાંતિ પર ઘોંઘાટના, બચત પર ખર્ચના, આરોગ્ય પર જીભના ચટાકાના અને દિવાળી કાર્ડ પર એસ.એમ.એસ.-ઇ-મેઇલના વિજયનો તહેવાર એટલે દિવાળી. પ્રેમીઓ જેમ વિરહની પહેલી ક્ષણથી જ પ્રિયતમા ફરી ક્યારે મળશે તેની પ્રતીક્ષામાં સરી પડે છે, તેમ ઉત્સાહીઓ દિવાળી પસાર થઇ જાય અને લાભપાંચમનો છેલ્લો ડબ્બો જતો દેખાય ત્યારથી જ ફરી દિવાળી ક્યારે આવશે તેની રાહ જુએ છે.
દિવાળી માટે લોકોને વિશેષ ભાવ હોવાનું સૌથી મોટું કારણ એ છે કે વિદ્યાર્થીઓને તેમાં વેકેશન મળે છે, નોકરિયાતોને એકથી વધારે સળંગ રજાઓ મળે છે, કેટલાક લોકોને બોનસ પણ મળે છે અને બાકીના મોટા ભાગના લોકોને કમ સે કમ વર્ષમાં એક વાર પૂજા કરતા બૉસનું ધાર્મિક-પવિત્ર-માયાળુ સ્વરૂપ જોવા મળે છે. વર્ષમાં એક વાર એવું બને છે, જ્યારે સામે મળતા બૉસ ધૂરકિયાં કરવાને બદલે સ્મિતથી કર્મચારીને શુભેચ્છા પાઠવે છે.
દિવાળીના આધારે નોકરિયાતોને કેટલાક મુખ્ય ભાગમાં વહેંચી શકાય. ૧) મીઠાઇનાં પડીકાં મેળવતાં કર્મચારીઓ ૨) મીઠાઇનાં પડીકાં વહેંચતાં કર્મચારીઓ ૩) મીઠાઇનાં પડીકાં ખરીદનારાં કર્મચારીઓ ૪) મીઠાઇનાં પડીકાં જોતાં કર્મચારીઓ. આ વર્ગીકરણ કોઇને મીઠાઇકેન્દ્રી અને એટલે જ મૂડીવાદી લાગી શકે છે. પણ તેમાં રહેલી વાસ્તવિકતા વિશે ભાગ્યે જ શંકા કરી શકાય.
બાબુ-અફસર-સાહેબ લોકો માને છે કે ખાઇ ન શકાય એટલા જથ્થામાં અને જેના લીલા દુકાળ વિશે મીઠી ફરિયાદ કરવી પડે, એટલી માત્રમાં મીઠાઇનાં પડીકાં મેળવવાં એ તેમનો જન્મસિદ્ધ અધિકાર છે. ઘણા સાહેબો પોતાની મહત્તાનું માપ દિવાળી દરમિયાન મળેલાં મીઠાઇ-ડ્રાયફ્રુટનાં પડીકાંથી કાઢે છે. દિવાળી નિમિત્તે મળતાં પડીકાંની સૌથી મીઠી બાજુ એ છે કે તે લાંચ ગણાતાં નથી. યાદ રહે કે અહીં લખ્યું છે, ‘તે લાંચ ગણાતાં નથી.’ એટલે કે તે લાંચ નથી, એવું પ્રમાણિત કરવામાં આવ્યું નથી. પરંતુ સામાન્ય રીતે દિવાળીપ્રસંગે અપાતાં પડીકાંને સારા રેપર વડે શબ્દાર્થમાં અને ‘શુભેચ્છાના પ્રતીક’ જેવા શબ્દો વડે ઘ્વન્યાર્થમાં વીંટાળવામાં આવે છે. તેનાથી પ્રામાણિકતા વિશે આગ્રહી લોકો પણ તેનો ઇન્કાર કરતાં ખચકાટ અનુભવે છે.
‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ અને અન્ના-આંદોલનના જમાનામાં દિવાળીની મીઠાઇનાં પડીકાં લાંચ ગણાય કે નહીં તેની મીમાંસા ખરેખર અસ્થાને ન ગણાત, પણ હજુ સુધી એ આંદોલનમાં નેતાઓના ભ્રષ્ટાચારને જ કેન્દ્રસ્થાને રખાયો હોવાથી, આપણા ભ્રષ્ટાચાર વિશે ચિંતન કરવાનો સમય હજુ પાક્યો નથી. કમ સે કેમ, ટીમ અન્ના સાથે દૈહિક, બૌદ્ધિક, આઘ્યાત્મિક કે મનોવૈજ્ઞાનિક રીતે જોડાયેલા લોકો એવું માને છે.
પડીકાં ભેટ ગણાય કે લાંચ, એ પ્રશ્નની ચર્ચા માટે પહેલાં ભેટ અને લાંચ વચ્ચેની ભેદરેખા પાડવી પડે. આ ભેદરેખા આયોજનપંચની ગરીબીરેખાની વ્યાખ્યા જેટલી જ ચર્ચાસ્પદ, વિવાદાસ્પદ અને સાપેક્ષ છે. સામાજિક દૃષ્ટાંત આપવું હોય તો કહી શકાય કે બન્ને વચ્ચે કન્યાદાન અને દહેજ જેટલો ફરક છે. દીકરીને પરણાવતી વખતે સામેના પક્ષની અપેક્ષા ન હોવા છતાં, આપણને પોષાય એટલું આગ્રહપૂર્વક આપીએ તે ‘કન્યાદાન’ અને આપણને ન પોષાય છતાં સામેવાળો પક્ષના આગ્રહને તાબે થઇને આપવું પડે તે ‘દહેજ.’
સોહરાબ મોદી શૈલીમાં કહીએ તો, ‘તુમ્હારા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની’ એવા નાટકીય સંવાદની જેમ, આપણે લઇએ તે ભેટ અને આપીએ તે લાંચ. મોટા ભાગના લોકોની સમજણ આ પ્રકારની સીધીસરળ હોય છે. બને કે જાહેરમાં બધા પોતાની આ સમજણ પોતાનાં હિતોની જાળવણી ખાતર વ્યક્ત કરતા ન હોય અને આપનાર તરીકે કહેતા હોય કે ‘આમાં ક્યાં તમને કશું આપી દીઘું છે? આ તો બાળકો માટે મીઠાઇ છે.’ પરંતુ આવું કહેનારા મનોમન શું વિચારતા હશે, એવું આપણે જ્યારે લેનારને બદલે આપનારની ભૂમિકામાં હોઇએ ત્યારે સહેલાઇથી કલ્પી શકીએ.
મીઠાઇનાં પડીકાં લાંચ ન ગણી શકાય, એવી દલીલ કરનારા બે પક્ષ છેઃ આપનાર પક્ષ અને સ્વીકારનાર પક્ષ. (અહીં ‘લેનાર’ જેવો શબ્દ જરા અપમાનસૂચક લાગી શકે છે) આપનાર પક્ષ પાસે તેને લાંચ નહીં ગણવાનાં એકાધિક કારણ છે. જેમ કે, ‘હું ઓફિસરોનો, સાહેબોને, દલાલોને, ફિક્સરોને, પત્રકારોને, પોલીસને, મંત્રીઓને એમ આખા ગામને મીઠાઇઓ આપતો હોઉં ત્યાં તમને એક પડીકું આપવામાં મને શું જોર પડવાનું છે? અને આપણા સંબંધ તો છે જ! અરે, સંબંધ નહીં હોય તો આ પડીકાથી કમ સે કમ નામનો પરિચય તો ઊભો થશે. મીઠાઇનો એના વજન કરતાં જરાય વધારે ભાર રાખવાની જરૂર નથી.’
‘ફૂલ તુમ્હેં ભેજા હૈ ખતમેં, ફૂલ નહીં મેરા દિલ હૈ’ અંદાજમાં પડીકાં મોકલનારા નમ્ર થઇને કે ‘ઇસમેં ક્યા બડી બાત હૈ’ જેવી છટાથી શરમાઇને કહી શકે છે, ‘તમે એવું માનજો કે મેં આટલું મોટું અને આરોગ શકાય એવું વિઝિટિંગ કાર્ડ છપાવ્યું છે. હવે કાજુકતરીની દરેક કતરી પર કે બુંદીના દરેક લાડુ પર કે મોહનથાળના દરેક ચકતા પર મારું નામ-સરનામું છપાવું તો એ મને પણ અઘરું પડે ને તમને પણ. એના કરતાં એ બધી સામગ્રી એક પડીકામાં સરસ પેક કરાવીને તેની ઉપર જ મારું એક વિઝિટિંગ કાર્ડ મૂકી દઉં, એટલે આપણને બન્નેને નિરાંત.’
આ પ્રકારની તાર્કિક સમજણ પાછળ અપાતું છૂપું આશ્વાસન એ હોય છે કે ભવિષ્યના આપણા વ્યવહારોમાં મેં આ પડીકું મોકલાવ્યું હતું, એ હું તમને નહીં ગણી બતાવું. વધારે અગત્યનો સંદેશ તો એ પણ છે કે ‘તમારા વિશે મારો અભિપ્રાય એટલો નીચો નથી કે તમે દિવાળીમાં મીઠાઇ-ડ્રાયફ્રુટના એક પડીકાથી ‘સમજી’ જશો, એવું હું માની લઉં. એટલે તમે ચિંતા ન કરશો. આ પડીકું તમારા સતને ડગાવવા માટે કે તમારી પ્રામાણિકતાને ખરીદવા માટે નથી.’
આપનાર પક્ષની જેમ સ્વીકારનાર પક્ષને પણ પોતાના ‘સિદ્ધાંત’ હોય છે. ‘આમ તો હું આવા પડીકાં-બડીકાંમાં પડું નહીં. પણ આ જમાનામાં આટલાં પડીકાંથી કંઇ થાય નહીં. એટલે જ હું આનાકાની કર્યા વિના તેને રાખી લઉં છું. કેટલીક વાર તો એવું પણ લાગે છે કે પડીકાં મોકલનારા આપણને પડકાર ફેંકે છે કે તમારામાં તાકાત હોય તો આ પડીકાંની મીઠાઇઓ ખાધા પછી પણ દિવાળી પછી સાજાસમા રહી બતાવો અને તમે જાણો છો કે આપણે પડકાર ઉપાડવામાં તો કદી પાછા પડતા નથી.’
દિવાળીમાં મીઠાઇનું પેકેટ આપવાથી કે લેવાથી કેટલા રૂપિયાનો દંડ અથવા કેટલા મહિનાની સજા થશે, એવું જનલોકપાલ ખરડામાં સૂચવાયું હોવાનું જાણમાં નથી અને જનલોકપાલને વ્યક્તિગત કે પ્રજાકીય નૈતિકતા સાથે ખાસ સંબંધ નથી. એટલે, દિવાળીમાં આપેલી-લીધેલી (અને આટલા દિવસ પછી પચી ગયેલી) મીઠાઇઓને સૌ ભૂલી જાય, તેમાં જ પ્રજાનું હિત અને દેશની આબરૂ સમાયેલાં છે.
ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ અને અન્ના-આંદોલનના જમાનામાં દિવાળીની મીઠાઇનાં પડીકાં લાંચ ગણાય કે નહીં તેની મીમાંસા ખરેખર અસ્થાને ન ગણાત, પણ હજુ સુધી એ આંદોલનમાં નેતાઓના ભ્રષ્ટાચારને જ કેન્દ્રસ્થાને રખાયો હોવાથી, આપણા ભ્રષ્ટાચાર વિશે ચિંતન કરવાનો સમય હજુ પાક્યો નથી. કમ સે કેમ, ટીમ અન્ના સાથે દૈહિક, બૌદ્ધિક, આઘ્યાત્મિક કે મનોવૈજ્ઞાનિક રીતે જોડાયેલા લોકો એવું માને છે.
ReplyDeleteવાહ વાહ....મિઠાઈ ની મજા કે મીઠાઈ (આપવા-લેવા)ની સજા!!!!
nice..presentation!
ReplyDelete