વાત અમેરિકાની છે. છતાં જગતભરના દેશોને લાગુ પડે એવી છે. સપાટી પરથી જોતાં તો મુદ્દો સાદો ને સીધો છે, પણ તેની આંતરિક આંટીધૂંટીનો પાર નથી.
વાત આટલી જ છેઃ ૧ ટકા લોકોના લોભ અને ભ્રષ્ટાચારનો ભોગ બાકીના ૯૯ ટકા લોકો બન્યા છે. આવું વિશ્વની ભૂતપૂર્વ મહા સત્તા અમેરિકાના લોકો માને છે. એ લોકોની સંખ્યા ૯૯ ટકા જેટલી મોટી ભલે ન હોય, પણ ‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’ - વૉલસ્ટ્રીટને કબજે કરો- જેવા સૂત્ર હેઠળ તેમણે બાંયો ચડાવી છેઃ વૉલસ્ટ્રીટ કહેતાં અમેરિકાના શેરબજાર સાથે સંકળાયેલા મોટા ખેલાડીઓ- કંપનીઓના લોભ સામે, બેંકો તથા બેંકરોની ગેરરીતિઓ સામે, સરકારની અમીરોતરફી નીતિ સામે...‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’ની સત્તાવાર વેબસાઇટ પર ‘૧ ટકા લોકોના લોભ અને ભ્રષ્ટાચાર’ નભાવી લઇશું નહીં, એવી હાકલ કરવામાં આવી છે.
વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં નષ્ટ ટાવરથી એક તરફ જ્યાં મુસ્લિમોનું કમ્યુનિટી સેન્ટર બનાવવા અંગે ઉગ્ર વિવાદ થયો હતો, એ જ જગ્યાથી થોડે દૂર બીજી દિશામાં, ‘ઝુકાટી પાર્ક’ નામે બગીચામાં ‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’ ઝુંબેશના ચળવળકારોએ ધામા નાખ્યા છે- અને તેમનો પ્રેરણાસ્ત્રોત છેઃ ‘આરબ સ્પ્રિગ’ તરીકે ઓળખાતી આરબ (મુસ્લિમ) દેશોમાં થયેલી લોકચળવળ. ઝુકાટી પાર્કની સરખામણી ઇજિપ્તના તહરીર ચોક સાથે કરવામાં આવે છે. ઇજિપ્તના સરમુખત્યાર મુબારક સામે સફળ ઝુંબેશ કરી ચૂકેલા ઇજિપ્તના કેટલાક ચળવળકારો હવે ઝુકાટી પાર્કમાં આવીને ‘ઑક્યુપાય વોલસ્ટ્રીટ’માં સામેલ લોકોને સંબોધે છે. આખી ચળવળ કાયદાની હદમાં અને હિસાથી દૂર રહીને ચલાવવામાં આવે છે. ચળવળના મુખ્ય સંચાલક તરીકે કોઇ એક નેતા કે ટીમ નથી. સંપૂર્ણપણે લોકશાહી ઢબે ચળવળ અંગેના નિર્ણયો લેવામાં આવે છે. તેમ છતાં, એકાદ મહિના જેટલા સમયમાં ચળવળ એટલું જોર જમાવી ચૂકી છે કે અમેરિકાના રાજકારણ અને પ્રસાર માઘ્યમોના મુખ્ય પ્રવાહમાં તેના વિશે ચર્ચા થવા લાગી છે. એ ચળવળથી પેદા થયેલી ગતિશક્તિનો લાભ કેવી રીતે લેવો તેની ગણતરીઓ મંડાવા લાગી છે.
સ્થાનિક બૂમ, વૈશ્વિક પડઘા
ન્યૂયોર્કના ઝુકાટી પાર્કમાં ચાલતી એક ચળવળ વિશે આપણે શા માટે વાત કરવી જોઇએ? તેનો જવાબ છેઃ ‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’ ચળવળ કેવળ અમેરિકાનાં રાજ્યોની સાથોસાથ બીજા દેશો અને બીજા ખંડોમાં પણ પ્રસરી છે: સિડની, ટોકિયો, ટોરન્ટો, રોમ...ડીફોલ્ટના આરે આવીને ઊભેલા ગ્રીસના રોમ શહેરમાં અપવાદરૂપે એ ચળવળ તોફાની બની હતી. પરંતુ એ સિવાય ચળવળનું સ્વરૂપ, તેનું આયોજન અને તેની સાથે સંકળાયેલી ભાવના વૈશ્વિક અપીલ ધરાવે એવી છે.
સપ્ટેમ્બર ૧૭, ૨૦૧૧થી શરૂ થયેલી આ ચળવળમાં શરૂઆતમાં પચરંગી પ્રજા જોડાઇ હતી. તેમાં ગંભીર કરતાં બિનગંભીર લોકોનું પ્રમાણ વધારે હતું. પરંતુ ધીમે ધીમે ચળવળ જોર પકડતી ગઇ. પોલીસે ધરપકડો કરી છે. એક પોલીસ અફસરે કેટલાક દેખાવકારો સામે ‘પેપર સ્પ્રે’ (મરીના સ્પ્રે)નો પ્રયોગ કરતાં તેના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા. ઓક્ટોબર ૧ના રોજ દેખાવકારોએ મોટી સંખ્યામાં ઝુકાટી પાર્કથી રેલી કાઢીને બુ્રકલિન બ્રિજ પાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે ૭૦૦ જણની ધરપકડ કરી હતી. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ચળવળના નેતાઓને વિવિધ કામદાર સંગઠન (યુનિયન)નો ટેકો મળતાં, યુનિયનને ચળવળ થકી પેદા થયેલી લોકપ્રિયતા અને લોકોની સામેલગીરીનું બળ મળ્યાં છે અને ચળવળને યુનિયનોનું સંખ્યાબળ તથા નાણાંકીય પીઠબળ.
વ્યક્તિગત અસંતોષ અને સ્થાનિક કારણોથી માંડીને ‘૧ ટકા લોકોના લોભ’નો વિરોધ જેવાં અનેક પરિબળોએ લોકોને ‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’ ઝુંબેશ તરફ ધકેલ્યા છે. તેમની સ્પષ્ટ માન્યતા એવી છે કે અમેરિકાના ૧ ટકા લોકો બાકીના ૯૯ ટકા લોકોના ભોગે જલસા કરે છે અને પૈસાદાર થયા છે. આ માન્યતા અમેરિકા સિવાયના દેશોમાં ‘ઓક્યુપાય’ પ્રકારની ચળવળ ચલાવતા સૌને રાખવી ગમે એવી છે. તેની આંકડાકીય સચ્ચાઇમાં ફરક હોઇ શકે છે, પરંતુ દુનિયાભરમાં ધનિક વર્ગ થોડો છે અને બહુમતી લોકો ગરીબ છે, એ જૂની અને જાણીતી સચ્ચાઇ છે. ‘ગરીબો વઘુ ગરીબ બની રહ્યા છે અને અમીરો વઘુ અમીર’ એવું કોઇ પણ વ્યક્તિ સલામત રીતે કહી શકે છે.
અમેરિકાની અવદશાઃ ફ્લેશબેક
છેક ૧૯૩૦ના દાયકામાં, અમેરિકાની મહામંદી ‘ધ ગ્રેટ ડીપ્રેશન’ પછી અમેરિકાના પ્રમુખ ફ્રેન્ક્લિન રૂઝવેલ્ટે ‘બીજા લોકોની સંપત્તિ, બીજા લોકોનાં નાણાં, તેમની મજૂરી અને તેમની આખેઆખી જિદગીનો કબજો લઇને બેઠેલા થોડા લોકોના સમુહ’ને નિશાન બનાવીને ‘ન્યૂ ડીલ’ તરીકે ઓળખાતી નીતિ અખત્યાર કરી હતી. આ ન્યૂ ડીલ, બીજા વિશ્વયુદ્ધને ધમધમતાં થયેલાં કારખાનાં, તેમાં પેદા થયેલી રોજગારીની તકો જેવાં પરિબળોને લીધે અમેરિકાનું અર્થતંત્ર મહામંદીમાંથી બહાર આવીને ફરી ચેતનવંતું- ધબકતું બન્યું.
‘ધ પ્રાઇસ ઓફ સિવિલાઇઝેશન’ના લેખક જેફરી ઝાક્સે થોડા સમય પહેલાં લખ્યું હતું કે ૧૯૭૦ના દાયકા સુધી અમેરિકાની સરકારની નીતિઓને કારણે ધનિક અને ગરીબ વર્ગની આર્થિક સ્થિતિ વચ્ચેનો તફાવત ખરેખર ઓછો થતો હતો, પરંતુ ૧૯૭૦ના દાયકાથી વિવિધ કારણોસર અમેરિકાના અર્થતંત્રની અવળી ગતિનો આરંભ થયો. વૈશ્વિકીકરણના પરિણામે અમેરિકાની કંપનીઓને વેઠવી પડેલી હરીફાઇ (જેમ કે ઓટોમોબાઇલ ક્ષેત્રે જાપાની કંપનીઓની સફળતા) એક કારણ હતું, તો તત્કાલીન પ્રમુખ રોનાલ્ડ રેગની કેટલીક નીતિઓ (ટેક્સમાં કપાત, સામાજિક સુરક્ષા જેવાં ક્ષેત્રોમાંથી સરકારની પીછેહઠ) પણ ફળી નહીં.
ઉત્પાદન ક્ષેત્રે અમેરિકા બીજા દેશોના આક્રમણ સામે ટકી શક્યું નહીં, એટલે અમેરિકાના ગ્રાહકોને ચીન અને બીજા દેશોમાં બનેલી સસ્તી ચીજોનો લાભ મળ્યો, પણ ફેક્ટરી કામદારોની રોજી પર તરાપ વાગવા લાગી. આટલું ઓછું હોય તેમ, લશ્કરી કાર્યવાહીઓને કારણે સતત ચડતા આસમાની દેવાને લીધે અમેરિકાનું અર્થતંત્ર વઘુ ને વઘુ પોલું થતું ગયું. છતાં ઓછી આવક ધરાવતા નાગરિકોને નાણાંભીડ વેઠવી ન પડે એટલે સરકારે લાયકાત કે સદ્ધરતા જોયા વિના આડેધડ હાઉસિગ જેવાં ક્ષેત્રોમાં લોન આપવાની નીતિ અપનાવી, જે અંતે ૨૦૦૮માં સબપ્રાઇમ ક્રાઇસિસના વિકરાળ સ્વરૂપે સામે આવી. પરંતુ પાઘડીનો વળ છેડે આવ્યો ત્યાં સુધી રેટિગ એજન્સીઓથી માંડીને સરકારી તંત્ર અને વૉલસ્ટ્રીટનાં કાળાંધોળાં પર દેખરેખ રાખનારા બધા ચૂપ બેઠા હતા અને એકલદોકલ અર્થશાસ્ત્રીઓના અવાજ ત્યારે અરણ્યરુદન સમા જણાતા હતા.
તહરીર સ્ક્વેર, રામલીલા મેદાન અને ઝુકાટી પાર્ક
ઝુકાટી પાર્કમાં ‘૧ ટકા લોકોના લોભ અને ભ્રષ્ટાચાર સામે’ લડવા ભેગા થયેલા લોકોને આ બધી વાતોમાં રસ પડતો નથી. તેમને એટલી જ ખબર છે કે અત્યારે આપણી ભૂંડી હાલત છે અને તેના માટે સરકાર-કોર્પોરેટ જગતની સાંઠગાંઠ, સરકારની ધનિકોતરફી નીતિ અને વૉલસ્ટ્રીટના ખેલાડીઓનો બેહિસાબ લોભ જવાબદાર છે. આ નિદાન અંશતઃ સાચું હોવા છતાં તેમાં કશું નવું કે ક્રાંતિકારી નથી. ‘દેશમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે અને તેને દૂર કરવો જોઇએ’ એવી આ વાત છે. પણ સૌથી મહત્ત્વનો સવાલ છેઃ કેવી રીતે?
હજુ સુધી ‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’ના દેખાવકારોએ પોતાની માગણીઓ વિશે ફોડ પાડીને વાત કરી નથી. તેમના વિરોધનું સાધારણ હાર્દ એવું છે કે અત્યંત ધનાઢ્ય લોકો પાસેથી તેમની અઢળક આવકના પ્રમાણમાં (ખાસ્સો વધારે) ટેક્સ ખંખેરવો જોઇએ, બેન્કોને તેમણે આપેલાં આડેધડ ધીરાણો બદલ અને તેમના ગરબડગોટાળા બદલ જવાબદાર ઠેરવવી જોઇએ, બેકારોને રોજગારી પૂરી પાડવામાં ઘ્યાન અપાવું જોઇએ.. પરંતુ આ બઘું કોણે અને કેવી રીતે કરવું જોઇએ તે હજુ સુધી નક્કી થઇ શક્યું નથી.
આ પ્રકારની વ્યાપક જનસમર્થન ધરાવતી, શિસ્તબદ્ધ, કાયદામાં રહીને અને અહિસાના રસ્તે વિરોધ કરતી, પરિણામ સુધી કેવી રીતે પહોંચવું તેની લગભગ દીવાસ્વપ્ન કક્ષાની આદર્શ સમજણ ધરાવતી ચળવળની સરખામણી કેટલીક બાબતોમાં અન્ના હજારેના આંદોલન સાથે કે ઇજિપ્તના તહરીર સ્ક્વેરમાં થયેલી લોકઝુંબેશ સામે થઇ શકે. પરંતુ તેમની વચ્ચેના કેટલાક મુખ્ય તફાવત ઉલ્લેખનીય છે. તહરીર સ્ક્વેરની લોકઝુંબેશમાં જુદી જુદી વિચારસરણી અને ગંભીરતા ધરાવતા લોકોને ભેગા કરનાર સૂત્ર હતું: ‘મુબારક હટાવો.’ સરમુખત્યારવિરોધી લાગણીને ચળવળકારોની પ્રાથમિક એકતાનું મુખ્ય કારણ હતી.
સાથોસાથ, એ પણ નોંધવું રહ્યું કે મુબારકતરફી દળો દ્વારા અત્યાચાર અને જાનના જોખમની સંભાવના હોવા છતાં દેખાવકારો ડગ્યા નહીં. ભારતની ભ્રષ્ટાચારવિરોધી લોકઝુંબેશમાં નિશાન પર એકંદરે બધા રાજકીય પક્ષો હોવા છતાં, મુખ્ય નિશાન સત્તાધીશો પર હતું. પરંતુ તેમાં જોડાયેલા મોટા ભાગના લોકો જનલોકપાલ ખરડાની આંટીધૂંટીને બદલે ભ્રષ્ટાચારના વિરોધની સાદી સમજણથી માંડીને પોતપોતાની સમસ્યાઓ-અપેક્ષાભંગ વગેરે કારણે તેમાં જોડાયા હતા. બીજા તબક્કામાં પહેલા દિવસથી એ નક્કી થઇ ગયું હતું કે સામા પક્ષેથી બળપ્રયોગની સંભાવના નથી. એટલે ચળવળમાં જોડાનાર માટે કશું ગુમાવવાનો કે ખુવારીનો ભય ન હતો. તે નિશ્ચંિત રહીને બીજી આઝાદીના કે બીજી ક્રાંતિના આંદોલનમાં જોડાયાનો સંતોષ લઇ શકે એમ હતા.
‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’ આંદોલનની એક વિશિષ્ટતા એ છે કે તે વર્તમાન સરકારની વિરોધી નથી. હજુ સુધી તો તેમાં સરકારવિરોધનો રંગ ઉમેરાયો નથી. બલ્કે, ટેક્સમાં કપાતનો આગ્રહ રાખતા અંતિમવાદી જમણેરી ‘ટી પાર્ટી’ના સભ્યો કે તેમની સરખામણીમાં થોડા ઓછા જમણેરી એવા રીપબ્લિકન પક્ષના સભ્યો ‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’ ચળવળનો વિરોધ કરે છે અને તેને ‘ટોળાંશાહી’ તરીકે ગણાવે છે. બીજી તરફ, પ્રમુખ ઓબામા અને ઉપપ્રમુખ બિદેનથી માંડીને સત્તાધારી ડેમોક્રેટિક પક્ષના સભ્યો, આ ચળવળથી ઊભી થયેલી હવાનો, ચળવળ સાથે સત્તાવાર રીતે જોડાયા વિના પોતાના ફાયદામાં ઉપયોગ કરવા માગે છે (જેમ ભાજપે અન્ના હજારેના આંદોલનથી સર્જાયેલો પવન પોતાના સઢમાં ભરવાનો પ્રયાસ કર્યો અને અમેરિકામાં રીપબ્લિકનો ટી પાર્ટીની લોકપ્રિયતાનો આ રીતે ઉપયોગ કરવા આતુર છે.)
આ રીતે લોકપ્રિયતા અને મીડિયા કવરેજ તો મળી શકે, નાગરિકોમાં બહુ આવકાર્ય એવી જાગૃતિ આવે, પણ લાંબા ગાળાની નીતિવિષયક સમસ્યાઓથી પેદા થયેલા અને લાંબા ગાળાના ઉકેલ માગતા પ્રશ્નો કેવળ ધનાઢ્યોને વખોડી કાઢવાથી, તેમની સામે આકરાં પગલાં સૂચવવાથી કે ‘મુડીવાદ મુર્દાબાદ’ બોલવાથી હલ થઇ શકે નહીં. ‘ઑકયુપાય વૉલસ્ટ્રીટ’ના ઝુંબેશકારો હવે સફળતાના પહેલા પગથિયાથી આગળ કઇ દિશા પકડે છે, પહેલા પગથિયાની સફળતાથી સંતુષ્ટ થઇ જાય છે કે પછી તેમની ચળવળથી પેદા થયેલી ગતિનો રાજકીય ઉપયોગ થઇ જવા દે છે તે જોવાનું રહે છે. કેમ કે, હવેની ગતિ માટે જુસ્સા જેટલી જ અથવા તેનાથી પણ વઘુ જરૂર ઠંડા કલેજાના આયોજનની રહેવાની છે.
Good analysis with one technical error. Athens is capital of Greece and not Rome. Rome is in Italy
ReplyDeleteduniya chhelaa be varshmaa ghani badlaaya che ..Positive Vibe..let's hope we all succeed for better future..:))
ReplyDelete