સંયુક્ત રાષ્ટ્રસંઘની સત્તાવાર જાહેરાત પ્રમાણે, ગયા સોમવારે ૩૧ ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ વિશ્વની વસ્તી સાત અબજનો આંકડો પાર કરી ગઇ. ૧૯૯૯માં દુનિયાની કુલ વસ્તી છ અબજે પહોંચ્યાની જાહેરાત થઇ, ત્યારે છ અબજમા બાળક અદનાન નેવિકનું સ્વાગત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ/United Nationsના તત્કાલીન મહાસચિવ કોફી અન્નાના બોસ્નિયાના સારાજેવો શહેરમાં હાજર રહ્યા હતા, પરંતુ સાત અબજમા બાળકના જન્મ વખતે આવો કોઇ દાખડો રખાયો નહીં.
એટલા માટે નહીં કે સાત અબજમા બાળકનો જન્મ એ બહુ રાજી થવા જેવા સમાચાર ન કહેવાય. પણ મુખ્ય કારણ એ કે કયું નવજાત બાળક સાત અબજમું કહેવાય તે શી રીતે નક્કી કરવું? એ સવાલ છ અબજમા બાળક વખતે પણ હતો. છતાં, પ્રતીકાત્મક પ્રસંગ તરીકે સારાજેવોના એક બાળકને એ ‘માન’ મળ્યું હતું. દાવા તો સાત અબજમા બાળક માટે પણ થયા. કોઇકે ચલાવ્યું કે ઉત્તર પ્રદેશમાં સાત અબજમું બાળક જન્મશે, તો કોઇકે વળી રશિયાનું ને બીજાએ આફ્રિકાના કોઇ દેશનું નામ ગબડાવ્યું. પરંતુ સાત અબજની સાચી ગણતરી શી રીતે કરવી, તેનો સાચો, ખુલાસાવાર જવાબ કોઇ પાસે ન હતો. તેમના દાવામાં ‘ચોક્સાઇની માથાકૂટ મૂકો ને સાત અબજના આંકડાની ઉજવણી કરો’ એવો ભાવ વધારે હતો.
૩૧ ઓક્ટોબર, ૨૦૧૧નો આંકડો પાડનાર સંયુક્ત રાષ્ટ્રસંઘના અફસરો પણ વિના સંકોચે કબૂલે છે કે સાત અબજમું બાળક આ દિવસે જન્મશે એ ચોક્કસ ગણતરી પરથી નહીં, પણ ૨૦૧૦માં કમ્પ્યુટરના પ્રોજેક્શન (ભૂતકાળના આંકડાના આધારે ભાવિના અનુમાન)પરથી વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાં એક-બે ટકા જેટલી ભૂલ હોવાની સંભાવના ખરી. મતલબ, ખરેખર સાત અબજમું બાળક ૩૧ ઓક્ટોબરના ચાર-છ મહિના પહેલાં કે પછી પણ જન્મ્યું હોય. ૧૯૯૯માં કોફી અન્નાન સારાજેવો જઇને છ અબજમા બાળકનો જન્મ ઉજવી આવ્યા તેના થોડા વખત પછી સંયુક્ત રાષ્ટ્રસંઘના વસ્તીવિભાગે યોગ્ય આંકડાકીય માહિતીના આધારે જાહેર કર્યું હતું કે છ અબજમું બાળક ૧૯૯૯માં નહીં, પણ ૧૯૯૮માં જન્મી ચૂક્યું હશે. ત્યાર પછી વસ્તીની ઇતિહાસરેખામાં સુધારો કરવામાં આવ્યો અને છ અબજની વસ્તી સામે ૧૯૯૯ને બદલે ૧૯૯૮નું વર્ષ લખવામાં આવ્યું. કંઇક એવી જ રીતે, અમેરિકન સરકારના વસ્તીવિભાગના અંદાજ પ્રમાણે, માર્ચ ૨૦૧૨ની આસપાસ દુનિયાની વસ્તી સાત અબજના આંકડે પહોંચશે. બીજા કેટલાક અભ્યાસીઓ ફેબુ્રઆરી ૨૦૧૨થી જુલાઇ ૨૦૧૪ સુધીના ગાળામાં સાત અબજનો આંકડો પાર થવાની ધારણા કરે છે.
આ બધી પણ ધારણાઓ જ છે. કારણ કે વિકસતા અને ગરીબ દેશોમાં ચોક્સાઇપૂર્વક વસ્તીગણતરી થઇ શકે એવી સાધનસુવિધાઓ નથી. અફઘાનિસ્તાન, મ્યાંમાર (બર્મા), લેબનોન જેવા કેટલાક દેશોમાં ઘણાં વર્ષોથી વસ્તીગણતરી થઇ નથી, તો સોમાલિયા જેવા કેટલાક દેશ એવા પણ છે જેના તરફથી સંયુક્ત રાષ્ટ્રસંઘને વસ્તીવિષયક માહિતી મળી શકી નથી. ચીન જેવા એક બાળકનો નિયમ ધરાવતા દેશમાં સરકારી રાહે સાચી માહિતી છુપાવવાનું વલણ પણ જોવા મળે છે. આ બધાં પરિબળોને કારણે વસ્તીનો વર્તમાન આંકડો જ નહીં, ભવિષ્યનાં અનુમાનો પણ ભૂલવાળાં નીકળે છે.
કાંટાકસ ચોક્સાઇનો મુદ્દો બાજુ પર રાખીએ તો પણ એ હકીકત છે કે આજે નહીં તો છ-બાર મહિના પહેલાં કે પછી, દુનિયાની વસ્તી સાત અબજે પહોંચી હશે કે પહોંચશે. સાત અબજનો આંકડો સંખ્યાની રીતે નહીં, પણ તેની સાથે સંકળાયેલી ચિંતાની રીતે અગત્યનો છે. વસ્તીવધારાનાં વિપરીત પરિણામો વિશેની ચર્ચા છેક અઢારમી સદીમાં થોમસ માલ્થસના જમાનાથી થઇ રહી છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં ‘પોપ્યુલેશન બોમ્બ’ની થિયરી પણ ચલણી બની હતી, જેમાં બેફામ વસ્તીવધારાને કારણે ૧૯૭૦ના દાયકામાં મોટા પાયે ભૂખમરાની સ્થિતિ સર્જાશે, એવું ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું. વિશ્વના વસ્તીવધારાની ઝડપ જોતાં એ થિયરીમાં દમ પણ લાગે. કારણ કે માણસજાતની ઉત્પત્તિ થયા પછી પહેલી વાર ૧૮૦૪માં- એટલે કે હજારો વર્ષ પછી- તેની વસ્તી એક અબજે પહોંચી. તેમાં બીજા એક અબજ માણસોનો ઉમેરો થતાં બીજાં ૧૨૩ વર્ષ નીકળી ગયાં. ત્યાર પછી એક અબજ માણસો ઉમેરાવાનો સમયગાળો ઘટી ગયો. ફક્ત વીસમી સદીમાં વિશ્વની વસ્તીનો આંકડો ૧૯૨૭માં બે અબજથી (૧૯૫૯-ત્રણ અબજ, ૧૯૭૪- ચાર અબજ, ૧૯૮૭- પાંચ અબજ) ૧૯૯૮માં છ અબજે પહોંચી ગયો. વસ્તીવધારાનાં કારણ ઘણાં હતાં: વિજ્ઞાનની પ્રગતિને કારણે વધેલું આયુષ્ય, પરિવારને મર્યાદિત રાખવા માટે જરૂરી શિક્ષણ-સમજણ-સુવિધાઓનો અભાવ, સંખ્યાબળની બોલબાલા ધરાવતા જૂના જમાનાના સંસ્કારને કારણે સંખ્યાને ‘બળ’ ગણવાની વૃત્તિ...
પરંતુ એક જ સદીના ટૂંકા ગાળામાં ઉમેરાઇ ગયેલા ચાર અબજથી પણ વધારે માણસોને ટકાવી રાખવા માટે પૃથ્વી પર પૂરતાં સંસાધનો છે કે નહીં, તે ઉગ્ર ચર્ચાનો મુદ્દો બન્યો. ‘વસ્તીવધારાને કારણે સઘળું રસાતાળ જશે’ એવું માનનારા ઘણા લોકો હતા- અને હજુ છે, પરંતુ વિજ્ઞાનની પ્રગતિ અને ખેતીમાં ક્રાંતિને લીધે વાસ્તવિક પરિસ્થિતિ જુદી છે. છેક ૧૬૭૯માં એક ડચ માઇક્રોબાયોલોજિસ્ટે પોતાના દેશ હોલેન્ડની સ્થિતિ પરથી અંદાજ માંડ્યો હતો કે પૃથ્વી ૧૩.૪ અબજ માણસોની વસ્તી ખમી શકે છે. ત્યાર પછી આ દિશામાં ઘણી કસરતો થઇ છે અને જુદા જુદા આંકડા નીકળ્યા છે. પરંતુ વસ્તીક્ષેત્રના અભ્યાસીઓને આ આંકડામાં વિજ્ઞાન કરતાં રાજકારણ વધારે લાગે છે. ક્યાંક ‘વસ્તી બહુ વધી ગઇ છે’ એવું ઠસાવવા માટે કે પછી ‘હજુ વસ્તી વધશે તો વાંધો નથી.’ એવું સિદ્ધ કરવા માટે આ આંકડાનો ઉપયોગ થતો જોવા મળે છે. અંદાજને બદલે વાસ્તવિકતાની વાત કરીએ તો, વિશ્વભરમાં ૧૧ અબજ માણસોને રોજની બે હજાર કેલરી મળે એટલું અન્ન અત્યારે પેદા થાય છે. એટલે વસ્તીવિસ્ફોટના પરિણામે અપૂરતું અન્ન અને ભૂખમરાની માલ્થસ જેવાએ કરેલી આગાહી ખોટી પડી છે. તેમ છતાં, મોટી સંખ્યામાં લોકો ભૂખમરાથી અને બાળકો કુપોષણથી પીડાઇ રહ્યાં છે એ પણ હકીકત છે.
પ્રશ્ન સંસાધનોની ઉપલબ્ધિનો નહીં, પણ તેમની વહેંચણીનો અને તેમાં રહેલી અસમાનતાનો છે. સાત અબજની વસ્તીમાંથી અંદાજે ૧.૮ અબજ લોકો ૧૦ થી ૨૪ વર્ષના વયજૂથના છે. પરંતુ આ ‘યુવાશક્તિ’માંથી ૯૦ ટકા લોકો વિકસી રહેલા દેશોમાં રહે છે અને તેમાંથી ઘણાખરાને એકવીસમી સદીને છાજે એવી વિકાસની તકો મળી રહી નથી. વસ્તીવધારાનું એક મોટું કારણ ગરીબ રાષ્ટ્રોના ઊંચા જન્મદર છે. આર્થિક પ્રગતિથી વસ્તીવધારો અંકુશમાં આવશે કે વસ્તીવધારા પર અંકુશથી આર્થિક પ્રગતિ સધાશે, તે ચર્ચાનો સનાતન મુદ્દો છે. બીજી તરફ અમેરિકા જેવો સમૃદ્ધ દેશ વિશ્વની વસ્તીમાં પાંચ ટકાનો હિસ્સો ધરાવતો હોવા છતાં, વિશ્વમાં પેદા થતી કુલ એનર્જીના આશરે ૨૫ ટકા વાપરી ખાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના આંકડા પ્રમાણે, ઔદ્યોગિક દેશો ભેગા મળીને વર્ષેદહાડે ૨૨.૨ કરોડ મેટ્રિક ટન ખોરાક વેડફી મારે છે. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, વર્ષ ૨૦૦૯-૧૦ દરમિયાન વિશ્વમાં ૨.૩ અબજ મેટ્રિક ટન અનાજ પેદા થયું હતું, જે ઓછામાં ઓછા ૯ અને વઘુમાં વઘુ ૧૧ અબજ જેટલા લોકોને ટકાવી રાખવા માટે પૂરતું ગણાય. પરંતુ આ જથ્થામાંથી ફક્ત ૪૬ ટકા અનાજ માણસના મોઢે ગયું, પાલતુ જાનવરોને ૩૪ ટકા મળ્યું અને ૧૯ ટકા ઔદ્યોગિક ઉપયોગો (બાયોફ્યુઅલ, પ્લાસ્ટિક, સ્ટાર્ચ વગેરેના ઉત્પાદનમાં) વપરાઇ ગયું.
સાત અબજની વસ્તીનો આંકડો ‘પોપ્યુલેશન બોમ્બ’નો ભય ફેલાવવાને બદલે કે વિચાર્યા વગરની ઉજવણીઓને બદલે, અસમાન વહેંચણી જેવા મૂળભૂત મુદ્દાને ઉપસાવવાનું અને તેના નિવારણની દિશામાં આગળ વધવાનું નિમિત્ત બની રહે તેમાં જ એની સાર્થકતા છે.
ફ્લેશબેક
વસ્તીવધારા સાથે થોડી વાત વસ્તીઘટાડાની
પહેલું વિશ્વયુદ્ધ(૧૯૧૪-૧૯૧૮) થયું તેના એક દાયકા પછી ૧૯૨૭માં વિશ્વની વસ્તી બે અબજે પહોંચી. પરંતુ પહેલા વિશ્વયુદ્ધમાં મોટા પાયે સૈનિકો અને નાગરિકોની ખુવારી થઇ હતી. એક અંદાજ પ્રમાણે, આશરે ૮૫ લાખ સૈનિકો સહિત કુલ દોઢ કરોડ લોકો પહેલા વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામ્યા. આ જ અરસામાં રશિયાના ગૃહયુદ્ધમાં (૧૯૧૭-૨૨) ૯૦ લાખ લોકોનાં મોત થયાંનું મનાય છે. આ હિંસાચાર ન થયો હોત તો વિશ્વની વસ્તી કદાચ ૧૯૨૭ને બદલે વહેલી બે અબજનો આંકડો પાર કરી ગઇ હોત. બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯-૪૫)માં પાંચથી છ કરોડ લોકો અને ચીનમાં માઓના રાજમાં (૧૯૪૯-૧૯૭૫) ચાર-પાંચ કરોડ લોકો હિંસામાં માર્યા ગયા હોવાનું ઇતિહાસકારો માને છે.
પૃથ્વી ઉપર વસ્તી ૭ અબજની થાય કે ૧૭ અબજ. કાંઈ ફરક નહીં પડે. હજી તો કરોડો વર્ષ સુધી પૃથ્વી જીવતી રહી સુર્યની આસપાસ ચક્કર મારતી રહેશે.
ReplyDeleteWell, it does seem we have already reached a stage (unlike what Gandhi said), when there isn't be enough to satisfy everyone's need, leave alone everyone's greed!
ReplyDeleteસાચી વાત છે ઉર્વિશભાઇ તમારી....
ReplyDelete- ઝાકળ