Gandhi With Narottam Moraraji, Sindhia House, Mumbai
courtesy: Shatnikumar Moraraji/'ગાંધીજીનાં સંસ્મરણો અને બીજી સાંભરણો'
ગરીબમાં ગરીબ અને છેલ્લામાં છેલ્લા માણસની ચિંતા કરનાર ગાંધીજીના તેમના સમયના ઉદ્યોગપતિઓ સાથેના ગાઢ સંબંધ જાણીતા અને કંઇક અહોભાવ- કંઇક આશ્ચર્ય જન્માવે એવા હતા. બિરલાહાઉસના પ્રાંગણમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. જમનાલાલ બજાજ તેમના ‘પાંચમા પુત્ર’ હતા. ‘સિંધીયા સ્ટીમ નેવિગેશન’ના નરોત્તમ મોરારજી પરિવાર સાથે પણ તેમને ઘરોબો હતો. જૂહુ પર આવેલા મોરારજી પરિવારના બંગલે તે એકથી વઘુ વાર લાંબા સમય માટે રોકાયા હતા. માલેતુજારો સાથે રહીને ગાંધીજીને વૈભવનો રંગ ન લાગ્યો, પણ શેઠોને યથાવૃત્તિ ગાંધીજીનો સંગ જરૂર લાગ્યો. અલબત્ત, તે પૂરેપૂરા ગાંધીવાદી કે ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતો પ્રમાણે ચાલનારા થઇ ગયા હતા, એવું માની લેવાય નહીં. ‘લાઇફ’ સામયિકનાં વિખ્યાત તસવીરકાર માર્ગારેટ બોર્ક-વ્હાઇટે ગાંધીજીના માનીતા ઉદ્યોગપતિઓના વ્યવસાયોમાં કામદારોના થતા શોષણનો ઉલ્લેખ કરીને, એ વિશે ગાંધીજી શું વિચારતા હશે એવો સવાલ પણ પોતાના પુસ્તકમાં મૂક્યો છે.
નરોત્તમ મોરારજી (ડાબે, ગાંધીજી સાથે, સિંધીયા હાઉસ, મુંબઇ) નું અકાળે અવસાન થયા પછી તેમના પુત્ર શાંતિકુમાર મોરારજીને ગાંધીજીએ ‘અપનાવ્યા.’ સ્વામી આનંદ જેવા મોરારજી પરિવારના સ્નેહી, ભગવાં વગરના સન્યાસી, ગાંધીજીના સ્વતંત્ર મિજાજ સાથીએ લખ્યું છે તેમ, ‘(ગાંધીજીએ શાંતિકુમારને) ભાઇ મહાદેવ, મથુરાદાસ, દેવદાસની હરોળના પુત્રવત્ ગણ્યા.’ (સ્વામીના લખાણમાં આવતા ‘પુત્રો’નો ક્રમ અનાયાસે આવ્યો હોય તો પણ ઘ્યાન ખેંચે એવો છે. તેમાં સગા પુત્ર દેવદાસ ગાંધી મહાદેવ દેસાઇ અને મથુરાદાસ ત્રિકમજી પછી આવે છે.)
સ્વામી આનંદના જાનદાર ગુજરાતીમાં રસાઇને આવેલાં શાંતિકુમારનાં સંભારણાં ‘નવજીવન’ સિવાયની પ્રકાશન સંસ્થાએ આપેલાં મહત્ત્વનાં ગાંધીવિષયક પુસ્તકોમાં સ્થાન પામે એવાં છે. ‘બાલગોવિંદ પ્રકાશન’ દ્વારા ૧૯૬૩માં પ્રકાશિત આ પુસ્તક ‘ગાંધીજીનાં સંસ્મરણો અને બીજી સાંભરણો’માં ગાંધીજીના વ્યક્તિત્વની અનેક રેખાઓ ઝીલાઇ છે. ગાંધીજી ઉપરાંત દાદાભાઇ નવરોજી, રવીન્દ્રનાથ ટાગોર, ગોપાલકૃષ્ણ ગોખલે, જસ્ટિસ નારાયણ ચંદાવરકર, એની બેસન્ટ, લોકમાન્ય તિલક, પંડિત મદનમોહન માલવીય, સરદાર વલ્લભભાઇ, સરોજિની નાયડુ જેવાં મહાનુભાવો વિશે પણ તેમાં કેટલાક પ્રસંગો છે. તેમનું સૌથી મોટું મૂલ્ય એ ગણી શકાય કે મોટા ભાગના બનાવો શાંતિકુમારે સાંભળેલા કે જાણેલા નહીં, પ્રત્યક્ષ જોયેલા છે. કેટલાકમાં તે સાક્ષી છે તો કેટલાકમાં પાત્ર. આ ભૂમિકાની મર્યાદાઓ સહિત, તેમાંથી છેવટે જે છતું થાય છે તે ગાંધીજી અને તેમના સમયમાં રસ ધરાવનાર કોઇ પણ વ્યક્તિ માટે ઘણું મહત્ત્વનું છે.
શાંતિકુમાર લખે છે કે એક વાર તેમણે ગાંધીજી પાસે તેમના હાથ-પગને કંકુમાં બોળીને તેના થાપા આપવા વિનંતી કરી અને કહ્યું, ‘હથેળી જોનારા પામિસ્ટો (જોશીનજૂમીઓ)ને તે બહુ ઉપયોગી થશે.’ ગાંધીજીએ કહ્યું, ‘હાથના કદાચ આપું. પણ હું પામિસ્ટ્રીમાં માનતો નથી. તેથી ન આપું.’
‘તો પગના આપો.’
‘તે પણ ન બને. લોકો પાછળથી તેની પૂજા ચલાવે.’ અને પછી ના પાડવાના વિકલ્પે ગાંધીજીએ કહ્યું, ‘ચાર લાખ રૂપિયા હરિજનો માટે આપો, તો એક થાપો દઉં.’
એટલે શાંતિકુમારે ‘ના જી. એવડા સોદાની ત્રેવડ નથી.’ એમ કહીને વાત પૂરી કરી.
ગાંધીજી વિશે પ્રચલિત વાયકાઓમાંની એક એ છે કે (૧૯૪૩માં આવેલી) ‘પ્રકાશ પિક્ચર્સ’ની ‘રામરાજ્ય’ ફિલ્મ તેમણે જોયેલી એકમાત્ર હિંદી ફિલ્મ હતી અને એ તેમને બહુ ગમી હતી. એટલે ફક્ત અડધો કલાક જોવા કબૂલ થયા છતાં તેમણે એ ફિલ્મ આખી જોઇ. આ બનાવની હકીકત એવી છે કે મીરાબહેનના આગ્રહથી ગાંધીજીને ‘મિશન ટુ મોસ્કો’ નામની અંગ્રેજી ફિલ્મ બતાવવા માટે શાંતિકુમારના બંગલામાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. પણ ફિલ્મ ગાંધીજીના બરની ન હતી. એટલે અકળાયેલા ગાંધીજીએ બીજા દિવસે, પોતાના મૌન વારે, શાંતિકુમારને ચબરખીમાં લખ્યું, ‘આવા નાગા નાચ મને દેખાડવાનું શું સૂઝ્યું?’ શાંતિકુમારે લખ્યું છે,‘હું આભો બની ગયો. મને તો કશી ખબર જ નહોતી. પાછળથી માલમ પડ્યું કે એક પારસી ફોટોગ્રાફરે ઘાલમેલ કરીને મીરાંબહેનને પાણીમાં ઉતારેલાં.’
આ ઘટના પછી ચિત્રકાર કનુ દેસાઇએ ગાંધીજીને ‘દેશી ફિલમ’ બતાવવા આગ્રહ કર્યો. ‘રામરાજ્ય’માં કનુભાઇ આર્ટ ડાયરેક્ટર હતા. ગાંધીજીને પૂછવામાં આવ્યું એટલે એ કહે, ‘એક વિલાયતી ફિલમ જોવાની ભૂલ કરી. એટલે હવે બીજી કરવી જ પડશે ને?’ શાંતિકુમાર લખે છે, ‘અંતે કનુભાઇના આગ્રહથી જોઇ. ફિલમમાં બધી ઘાંટાઘાંટ. ગાંધીજીને મુદ્દલે ના ગમી.’
એક વાર વી.શાંતારામે ગાંધીજી ચરખો કાંતતા હોય એવું દૃશ્ય ફિલ્મમાં લેવા તેમના મિત્ર-ઉદ્યોગપતિ વાલચંદ હીરાચંદને વાત કરી. વાત ફરતી ફરતી શાંતિકુમાર પાસે આવી. તેમણે હિંમત કરીને ગાંધીજીને કહ્યું, ‘જો તમે એક વાર રેંટિયાની બધી ક્રિયાઓનું ડેમોન્સ્ટ્રેશન તમારી કોમેન્ટ્રી સાથે આપો, તો શાંતારામજી તેની ફિલમ મફત ઉતારી આપે ને ગામડે ગામડે બતાવે.’
ગાંધીજીએ રોકડો જવાબ આપતાં કહ્યું,‘આ દરખાસ્ત તમારી નથી, પણ લાવ્યા છો તો એ બહાને સાંભળી લ્યો. હું ક્યાં આખા હિંદુસ્તાનને એકેએક ગામડે ફર્યો છું? છતાં લોકો મને ઓળખે છે ને રેંટિયો ચલાવવાનો મારો સંદેશો પણ મને ન ભાળ્યા કે ન સાંભળ્યા છતાં લાખો લોકોએ ઉપાડી લીધો છે. હું તો દરિદ્રનારાયણનો પ્રતિનિધિ છું. મારાથી એક જબરી ભૂલ વિલાયતમાં થઇ ગઇ કે ત્યાં મેં એક રેકર્ડ ઉતરવા દીધી. આ પાપનું પૂરું પ્રાયશ્ચિત મારાથી કદી થઇ નહીં શકે. એમાં મને બીજાઓએ સંડોવેલો. તેમ આમાં પણ મારી આસપાસનાંઓએ જ તમને ચડાવ્યા છે.’ (પ્રસાર માઘ્યમો-ટીવી ચેનલો પર ‘લાર્જર ધેન લાઇફ’ -અપ્રમાણસરનું માહત્મ્ય ધરાવતી છબી ઉપસાવીને નેતાગીરી સિદ્ધ કરવાના વર્તમાન સમયમાં આ વાત ‘સતયુગ’ની લાગે)
ગમે તેવા સંબંધો છતાં પોતાના ઘણા આગ્રહો બાબતે ગાંધીજી અવિચળ રહેતા. કસ્તુરબાની સ્મૃતિમાં ઉઘરાવેલો રૂ.૧ કરોડ ૨૦ લાખનો ફાળો અર્પણ કરવાનો સમારંભ સેવાગ્રામમાં યોજાયો ત્યારે જમનાલાલ બજાજનાં પુત્રી મદાલસાબહેને મંડપમાં સુશોભન માટે દીવડા ગોઠવ્યા. સમારંભ પહેલાં ગાંધીજીની નજર પડી એટલે તેમણે મદાલસાબહેનને ‘મોટું ભાષણ’ આપતાં કહ્યું, ‘ગામડાંમાં હજારો લાખો લોકોને તેલ ખાવાય નથી મળતું ને તમે અહીં શોભા-શણગાર કરવા પાછળ આટલાં તેલ બાળો એ શું કહેવાય?’ શાંતિકુમારે નોંઘ્યું છે કે ‘કોડિયાં-દીપમાળાઓ પ્રગટી નહીં.’ ‘કસ્તૂરબા ટ્રસ્ટ’ની ઓફિસ નરોત્તમ મોરારજીના આલિશાન સિંધીયા હાઉસમાં હતી. એક વાર સિંધીયા હાઉસની મુલાકાતે ગયેલા ગાંધીજીએ ‘કસ્તૂરબા ટ્રસ્ટ’ની ઓફિસ જોવાની ઇચ્છા વ્યક્ત કરી. ‘સિંધીયા હાઉસ’ના ઉપલા માળે આલીશાન ઓફિસ જોઇને ગાંધીજીએ તરત કહ્યું, ‘કસ્તૂરબા ટ્રસ્ટની ઓફિસ આવા મહેલમાં ન શોભે. ખાલી કરો ને સેવાગ્રામ આવો.’ એટલે ‘બાપાને (નરોત્તમ મોરારજીને) સિંધીયા હાઉસવાળી જગા ફાવી ગયેલી, પણ જવું પડ્યું.’
શરીરશ્રમના આગ્રહી અને યંત્રોના વિરોધી તરીકે જાણીતા ગાંધીજીના એ વિચારો પાછળ પણ ચોક્કસ સમજણ હતી. એટલે શાંતિકુમારે આશ્રમમાં કુવા પર પંપ ને કાગળ બનાવવામાં વીજળી વપરાય છે એ વિશે ખુલાસો પૂછ્યો ત્યારે ગાંધીજીનો જવાબ હતો, ‘હાથઉદ્યોગનો અર્થ એ નથી કે અંગમહેનત ઓછી કરવી પડે એવાં સાધન ન શોધવાં. મહીસૂરમાં છે તેમ જ્યારે દેશમાં ગામડે ગામડે ને ઝૂંપડે ઝૂંપડે વીજળી પહોંચશે ત્યારે ઘરધંધાઓમાં કે ખેતરોમાં તે વાપરવા સામે મારો વાંધો નહીં રહે.’
(ગાંધીજી અને બીજા રાષ્ટ્રિય નેતાઓનાં વઘુ સંભારણાં: આવતા સપ્તાહે)
Nice informative article.
ReplyDeletePoverty is worst form of violence ...Rural India is real India...Bapu.
bahu saras.Khub maja aavi, aavu aachman karavta rahejo
ReplyDeletenice one.If you intend to write more on Gandhiji you pls. visit Gandhi Smruti Bhavnagar. The facts which have been kept in display will be readily available to new generation who like to know about him but no one is there to give it in easily understandable form.
ReplyDeleteThanks for this one.
Riddhi Pandya
Mahatmaji was a Karma Yogi, he never wanted any one to change by mental force he always allowed other to change them through understanding or message. Arth Shastra is part of Vedic life style, why he has to oppose rich people. He was for poor that does not mean he was against Rich people. Lots of time, every stay with rich people was to generate some money for poor.
ReplyDeleteઆપણે ત્યાં ઉત્સવો અને મહોત્સવોની ઉજવણીના નામે જ્યાં સરકારી ઇમારતો પર લાખો રૂપિયાની રોશની સરકારી ખર્ચે (મારા તમારા ખિસ્સામાંથી ટેક્ષમાં અપાતા પૈસામાંથી જ તો...) કરવામાં આવે છે એવા આજના સમયમાં ગાંધીજીનું આ દીવામાં ખોટું તેલ બાળવાની વાત વિષે ભાષણ અને અસહમતીનો ઉલ્લેખ વાંચીને આનંદ થયો... આજના નેતાઓ આમાંથી કૈક શીખ લે અને સરકારી રૂપિયો ખરા અર્થમાં લોકવિકાસ અર્થે ખર્ચાય તો ગાંધીના સર્વોદયના સપના તરફનું પગલું ગણાય..
ReplyDeleteShri Urvishbhai,
ReplyDeleteI am interested in the incidents quoted by Shantikumar Morarji about his encounters with Tagore. I have done some work on Tagore and Ahmedabad and am pusuing Tagore and Gujarat where this may be helpful. Could you pl respond to shaileshparekh@gmail.com ?
Shailesh Parekh,
Paritosh, Krishna Society, Ahmedabad -380006
Phone: 98250 68918
સ્વામીના લખાણમાં આવતા ‘પુત્રો’નો ક્રમ અનાયાસે આવ્યો હોય તો પણ ઘ્યાન ખેંચે એવો છે. તેમાં સગા પુત્ર દેવદાસ ગાંધી મહાદેવ દેસાઇ અને મથુરાદાસ ત્રિકમજી પછી આવે છે.)
ReplyDeleteસરસ observation ....
સ્વામી આનંદ ની "કુલ કથાઓ" માં પણ શાંતિ કુમાર અને મોરારજી કુટુંબ તથા બીજા અનેક ઔદ્યોગિક કુટુંબો વીશે પ્રકરણો છે અને ખુબજ રસપ્રદ માહિતી આપી છે...એક આખો યુગ છતો થાય છે....અને ગાંધી વીશે તોહ શું કહેવાનું.....એ અને એમની લાક્ષણીકતાઓ....જિંદગીભર અભ્યાસ કરીએ તોહ પણ એ ગાંધી ને ના ઓળખી શકીએ.....
Thank you for such wonderful piece Urvishbhai....
Urvishbhai,
ReplyDeleteYour this article link to the funda of King & King-Maker process which this great Nation has experienced in pre & post independence and recently we could witness the MNC access to Govt Procedure as well as its effect to common-man.
Good Article.
Jabir A. Mansuri
Nice article...I always like to read articles on Gandhiji's Humor.
ReplyDelete