કટારો અને લેખોમાં આત્મકથાઓના ટુકડા વાંચવાની ગુજરાતી વાચકો માટે નવાઇ રહી નથી. તમામ સાઇઝના લખનારા માને છે કે કોઇ પણ ઉંમરે સ્વ-કથા લખવી એ તેમનો કોલમસિદ્ધ અધિકાર છે અને સારું વાચન મેળવવાના વાચકોના જન્મસિદ્ધ અધિકારના ભોગે પણ, તે પોતાનો અધિકાર મેળવીને જ જંપશે.
બાકાયદા, સત્તાવાર, આત્મકથા તરીકે આત્મકથા લખવી એક વાત છે, પણ ગૂગલથી ગાંઘીજી સુધીના ને શરદીથી સેક્યુલરિઝમ સુધીના કોઇ પણ વિષય પર લખતી વખતે તેમાં, મરચાંમાં ભેળવાતા લાકડાના વ્હેરની જેમ, આત્મકથાનકનો ભૂકો ભેળવી દેવો એ જુદો ધંધો છે. આ પ્રકારનાં આત્મકથાનકો ‘સત્યના પ્રયોગો’ કે ‘મારી હકીકત’ કે ‘એક્શન રીપ્લે’ જેવાં, પ્રામાણિક અને જાત પ્રત્યે કડક રહીને લખાયેલાં હોય અથવા કોઇ મુદ્દો ઉપસાવવા પૂરતાં હોય તો બરાબર. પણ મોટે ભાગે એવું હોતું નથી.
તેમનો એકમાત્ર આશય એ કહેવાનો હોય છે કે ‘હે વાચકો, તમે આ લેખકની મહાનતાથી કે તેના ફરિશ્તાઇ ગુણોથી પરિચિત થવાનું ચૂકી ગયા હો કે પછી તેનાં લખાણોથી તેની મહાનતાનો અણસાર ન આવતો હોય, તો આ રહી વઘુ એક તક. વાંચો અને અમારી મહાનતાથી પ્રભાવિત થાવ. હજુ મોડું થયું નથી. બલ્કે, તેમાં કદી મોડું થવાનું નથી. અમે જાણીએ છીએ કે તમારામાંથી મોટા ભાગના નાદાન છે. (એ શ્રદ્ધાથી તો અમે લખીએ છીએ અને ચાલીએ છીએ.) ઘણાને એક વાર વાંચેલું યાદ રહેતું નથી. એટલે દર મહિને કે દર અઠવાડિયે અમારે અમારી મહાનતાનાં બેશરમ બયાન આપવાં પડે છે. પણ શું કરીએ? હવે (લેખકોની જેમ) વાચકો પણ પહેલાંના જેવા રહ્યા નથી.’
આગલા જ અઠવાડિયે પોતાના વ્હાલુડા વ્હાલુડા, કાલુડા ઘેલુડા લેખકની સામે જોઇને ગોકુળની ગાય હસી હોય કે ગાંધીનગરના ગોધાએ છીંકોટો નાખ્યો હોય, મંત્રીએ ‘સન્માન’નો ટુકડો ફેંક્યો હોય કે બાવાએ બે મીઠા બોલ કહ્યા હોય - અને લેખકે ફરજપૂર્વક કોલમમાં તેનું વર્ણન કર્યું હોય કે આગ્રહપૂર્વક તેનો ફોટો છપાવ્યો હોય, છતાં ભૂલક્કડ વાચકો બીજું અઠવાડિયું આવતાં સુધીમાં એ ભૂલી જાય તે કેવી નાઇન્સાફી! કેવો કળજુગ! લેખક બિચારો આ સ્થિતિમાં દરેક સપ્તાહે કે બહુ તો આંતરે અઠવાડિયે પોતાની મહાનતાની માળા ન જપે તો બીજું શું કરે?
કેટલાક સ્વાર્થીલા વાચકો માને છે કે ‘અમારે તો લેખકના લખાણ જોડે લેવાદેવા. એ કોનો ખાસ છે, કોનો કોનો‘ગોપીકૃષ્ણ’ છે, કેટલો નામીચો બોલનારો છે, સભામાં જતાં પહેલાં તે કેવું લેસન કરે છે- અને એ લેસન કાચું ને કાચું કોલમોમાં કેવું ઠઠાડે છે, કોની કોની દાઢીમાં તેનો હાથ ખભા સુધી ખૂંપેલો છે, કેવી કેવી સભાઓમાં તેના સંચાલન વિના પાંદડું પણ ફરકતું નથી- અને એનું સંચાલન હોય ત્યારે સમજુ શ્રોતાઓ કેવા પાંદડાની માફક ફફડતા રહે છે, તેની લાયબ્રેરીમાં કેટલા ટન પુસ્તકો છે, એમાંથી તેણે કેટલાં જેકેટથી આગળ વાંચ્યાં છે ને કેટલાં ઉતારો કરવાથી આગળ સમજ્યો છે, ઉત્તરસંડાથી ઉત્તર ઘુ્રવ સુધી તેના ચાહકોની સંખ્યા કેટલી છે- એ બઘું જાણીને અમારે શું કામ? અમે તો એટલા માટે વાંચીએ છીએ કે અમને બે નવી વાત જાણવા મળે. એની બડાઇખોરીમાં અમને શો રસ પડે?’
આવી ટૂંકી દૃષ્ટિ ધરાવતા વાચકોને કારણે આપણા લેખકોને કદી સાહિત્યનું નોબેલ પારિતોષિક મળતું નથી અને તેમને કથાકારોનાં રોકડ સન્માનોથી કૃતકૃત્ય થવું પડે છે. બાકી, તેમની કોલમોમાં તેમણે જાતે જ કરેલાં પોતાના પ્રતાપનાં વર્ણન વાંચીને લાગે કે આમને દર વર્ષે નોબેલ પારિતોષિક મળવું જોઇએ- સાહિત્યનું નહીં તો બેશરમીનું. મહત્ત્વ નોબેલ પારિતોષિકનું છે. કયા ક્ષેત્રમાં મળ્યું તે કોણ જુએ છે?
કમભાગ્યે આ બધાં લખાણ ગુજરાતીમાં છપાય છે. એટલે નોબેલ સમિતિના ઘ્યાનમાં આવતાં નથી. ગુજરાતની અસ્મિતા હજુ થોડી વઘુ જાગ્રત થાય અને બાપુઓ કે મુખ્ય મંત્રીઓ હજુ થોડા વકરે તો ભવિષ્યમાં તે નોબેલ સમિતિની સામે ઉપવાસ કરી શકે અથવા સાહિત્યકારોની હવે પછીની ટુર સ્વીડનમાં યોજી શકે, જેથી નોબેલ નક્કી કરનારાઓને ખબર પડે કે ગુજરાતના લખનારા કંઇ કમ નથી. કોઇ સારો આંગળી પકડનાર મળી જાય તો, એની આંગળી પકડીને તે સ્વીડનની ભૂમિ ખુંદી વળે એમ છે- અને ઘુ્રવ પ્રદેશનાં સફેદ રીંછોની રૂંવાટીની સોગંદ! એક વાર બંદો નક્કી કરી લે કે જમણો હાથ મુખ્ય મંત્રીને અને ડાબો હાથ બાપુઓને સલામી માટે દેવાઇ ગયો છે, તો વાચકરાજ્જાઓને એ પગથી સલામ કરે એવી એની ખુમારી ને વાચકવફાઇ હોય છે! (બાબા રામદેવનાં યોગ-નિદર્શનો તો પછીથી આવ્યાં. પગથી સલામ કરવાની કળા ઘણા વરિષ્ઠો ત્યાર પહેલાં હસ્તગત કે પદગત કરી ચૂક્યા હતા.)
વિખ્યાત મસાલા ફિલ્મ ‘અમર અકબર એન્થની’ના એક દૃશ્યમાં ઘાયલ અમિતાભ બચ્ચન અરીસા સામે બેસીને, તેમાં પોતાનું પ્રતિબિબ જોઇને, પટ્ટીપીંડી અરીસા પર કરે છે. એ દૃશ્ય પહેલી વાર જોયું ત્યારે હસવું આવ્યું હતું, પણ હવે ઘણાં લખાણ વાંચીને એ દૃશ્ય યાદ આવે છે અને વધારે હસવું આવે છે. ફિલમમાં એટલું સારું હતું કે અમિતાભનો નશો પછી ઉતરે છે. ‘મેક બિલીવ’ની દુનિયા ખરીને. બાકી કોલમબહાદુરો એક સીન પૂરતા નહીં, જ્યારે ને ત્યારે અરીસા સામે બેસીને જાતને લાડ લડાવે છે, જાતે ને જાતે, મોટે મોટેથી ‘મૈં હું ડોન, મૈં હું ડોન’ ગાય છે, પોતે જ પોતાની અદાઓ પર ફીદા થઇને ‘હાય મૈં મર જાવાં’ કરે છે અને સમજુ વાંચનારા, ‘અમર અકબર એન્થની’ના સીનનાં ‘અનકટ’ દૃશ્યો જોતા હોય તેમ કરમુક્ત મનોરંજન પામે છે. તેની માત્રા એટલી બધી હોય છે કે ઘણા વાંચનારા લખાણ માટે નહીં, પણ મનોરંજન માટે અમુક લખનારાનું સેવન કરે છે. ત્યાર પછી તેમને અલગથી લાફ્ટર શો જોવાની જરૂર રહેતી નથી. (રતિલાલ બોરીસાગરનો, આ પ્રકારનાં લખાણો -કે લખ્ખણો-ને બંધ બેસે એવો એક પ્રયોગ હતોઃ ‘મારા સમ, મને હું બહુ ગમું.’)
ગામના દારૂડિયા ગૃહસ્થોનો પરિચય ધરાવનારા ઘણા જાણતા હશે કે કેટલાક બચરવાળ લોકો દેશી દારૂ પીને લથડતી ચાલે ઘરે આવે ત્યારે મારઝૂડનો રાઉન્ડ શરૂ થાય તે પહેલાં તે બાળકોને અત્યંત લાડ લડાવે. ભલું હોય તો બહારથી, જૂના જમાનામાં ભજીયાંભૂસું લઇને આવ્યાં હોય, જેથી બાળકો તેમનું પીવાનું અને થોડા વખત પછી શરૂ થનારું ઝૂડવાનું- એ બઘું માફ કરી શકે અથવા કમ સે કમ, પીનારને પોતાને એવું લાગે કે ‘મેં મારાથી બનતું બઘું કર્યું. છતાં તેમને આટલાથી સંતોષ ન હોય તો હું શું કરું?’
આ પ્રકારની માનસિકતા ઘણાં લખાણોમાં પણ જોવા મળે છે. તેમાં વાચકો પર પોતાનાં વખાણનાં વેગન ઠાલવતાં પહેલાં તેમને અવનવાં લાડીલાં સંબોધનોથી લટુડાંપટુડાં કરવામાં આવે છે. પોતાના માહત્મ્યનો કોથળો ઊંધો પાડતાં પહેલાં ભજીયાંભૂસાની અવેજીમાં ઉપનિષદ, ગાંધી ને એવાં બધાં નામ ફેંકવામાં આવે છે, જેથી વાંચનારા પાછળ આવતો મારો ખમી શકે- અથવા ખાસ બૂમાબૂમ કર્યા વિના, બને તો તેને લખનારાના વાચકપ્રેમની જ અભિવ્યક્તિ ગણીને ખમી ખાય. લખનાર આટલો મહાન હોય ને વાંચનારાને તેની ખબર જ ન પડે, તો લખનારની સાથોસાથ વાંચનારા પણ પાપમાં ન પડે? અને વ્હાલા વાચકોને પાપમાં શી રીતે પડાય?
હું પણ વાચકોને મારા થકી પાપમાં પાડવા માગતો નથી, પરંતુ એ બઘું ફરી ક્યારેક. કારણ કે અત્યારે મારી પર બરાક ઓબામાનો ફોન આવી રહ્યો છે...
પ્રશંસા ખુદાને પણ પ્યારી હોય છે એવું આપણે બધાએ સાંભળ્યું જ છે. અમુક લોકોને આત્મપ્રશંસા એથી પણ આધારે પ્યારી હોય છે. યાદ રાખવા જેવી વાત એ છે કે આત્મપ્રશંસા એ ગુનો નથી એ માણસ ની નિર્દોષતા નો નમુનો છે. હા, આત્માપ્રશંસા કોણ અને કયા પ્રકારની વ્યક્તિ કરે છે અને કયા કરે છે એ પર થોડી ટીકા કરી/ ટાળી શકાય. જીવનમાં કોઈપણ મહત્વનું પ્રદાન ના કરનારા બેવકૂફો જયારે આત્મપ્રશંસા કરે ત્યારે તમારા-મારા જેવા માણસ ને હસવું/ગુસ્સો આવે એ સમજયા. પણ જીવનમાં મહત્વનું પ્રદાન કરનારા અનેક વ્યક્તિઓએ આત્માપ્રશંસા પસંદ કર્યા ના દાખલા છે . આત્માપ્રશંસાની બાબત માં મન અને દિમાગ ખુલ્લા રાખીને વ્યક્તિનો વિચાર કરવો રહ્યો. રઘુવીર ચૌધરી એ ચંદ્રકાંત બક્ષીનાં ગુજરાતી સાહિત્યના પ્રદાન અને એમની વાણી-વિલાસની આદત પર વાત કરતા કયાંક લખ્યું હતું કે અમે દૂધ દેતી ગાયોની લાત પણ પ્રેમથી ખાઈ લઈએ છીએ.
ReplyDelete-હિતેશ જાજલ
હાહાહા....જમાવી છે...
ReplyDeleteઆ વાંચતી વખતે કોઈ 'ખાસ' કોલમ રાઈટર જ મગજ માં આવ્યો...આને જોગાનુજોગ કહી શકાય ......કે પછી.....
ReplyDeleteહવે તો સેલફોનનું નવું મોડેલ બહાર પડે એટલે જમાનો બદલાઈ જાય છે. (=રોજેરોજ). એટલે કોઈ પણ કહી શકે કે 'અમારા જમાનામાં તો...' અથવા 'પહેલાના જમાનામાં..!
ReplyDeleteવખત વખતની વાત છે.ટૂંકમાં, આત્મકથાનકો લખવાના ચાન્સ બધા માટે ઉજળા છે. જે લોકો પાસે કલમ હાથવગી છે, એ આત્મકથાનક લખે તો કમ સે કમ એ ન વાચવાનો વિકલ્પ રહે છે, જ્યારે કલમ હાથવગી નથી એવા લોકો તારક મહેતાના શ્રીમતીજીના માસા (રૂપેશના પપ્પા)ની જેમ જે મળે એને આ ટુકડા સંભળાવે છે. ત્યારે ઘડીક થાય કે આવાઓના હાથમાં કલમ પકડાવી દેવી જોઈએ. (પેલા લોકો પાસેથી છીનવીને.)
હિતેશભાઈ જાજલે લખ્યું એમાં થોડો ઉમેરો કરું તો- દૂધ દેતી ગાય લાત મારતી હોય તો ખાઈ લેવાય, પણ એ જોવું રહ્યું કે મળતા દૂધના પ્રમાણની સામે લાતોની સંખ્યા કેટલી છે.
ચાલો ત્યારે, આ મીશેલ(ઓબામા)નો મિસ કોલ છે. મેં ત્રેવીસ વાર લખેલું જ છે કે હું અમેરિકા ગયો ત્યારે....
In our literary world, we found ample writers who use their pen to create FURTHER polarization & increase the degree of PHOBIAs.
ReplyDeleteWhereas those marginalized issues, society feel scarcity of pen / writiers for Truth which prevail as Truth.
We also witnessed a writer who capsulized his mission as a Yatra to de-criminalize to suppress the Truth.
ઘણા વખતથી દર રવિવારે 'બચાવો બચાવો'ના આર્તનાદો સંભળાતા હતા. એ પોકારો સાંભળીને "સિઝોફેનિયા નથી થઈ ગયો ને" એ પ્રકારનો ભ્રમ પણ થઈ આવતો હતો. છેવટે તમે વહારે આવ્યા!! મનોરંજન માટે તે કંઇ આવા સેવનો કરવાના? ને તેય રજાના દિવસે? કળિયુગ આને જ કહેવાય કે હવે આ પ્રકારના આક્રમણોથી બચવા માટે મસીહાઓ શોધવાના દિવસો આવ્યા. હશે...આદરણીય લેખકોને બીજું કહી પણ શું શકાય?
ReplyDelete