ચોમાસાના વર્ણન માટે સંસ્કૃત સાહિત્યથી માંડીને અસંસ્કૃત-ફૂટપાથિયા ‘સાહિત્ય’ સુધીના ઘણા વિકલ્પો ઉપલબ્ધ, જાણીતા અને લોકપ્રિય છે. તેમાં ઘેરાયેલાં વાદળોથી માંડીને પલળેલી પ્રિયતમાઓ સુધીના વિષયોની છણાવટ કરવામાં આવે છે. આ પ્રકારના સાહિત્યની શાશ્વતતાનું પ્રમાણ એ છે કે સદીઓ પછી પણ તેના જોરે લોકોને ગલગલિયાં કરાવીને સસ્તી લોકપ્રિયતા ઉઘરાવી શકાય છે.
શૃંગારરસ - અને તેના કેટલાક ટાંકણીયાઓની અતૃપ્ત વાસના-થી ટપકતા ચોમાસુ સાહિત્યમાં ભાગ્યે જ સ્થાન મળ્યું હોય એવી એક વરસાદી ચીજ છેઃ ખાબોચિયું. ચોમાસું અને વરસાદ કુદરતી લીલાનો હિસ્સો છે, પણ ખાબોચિયાં સંપૂર્ણપણે કાળા માથા માનવીની અને તેમની બનેલી મ્યુનિસિપાલિટીની સરજત છે. ખાબોચિયાં વિશે જનસામાન્યમાં કોઇ જાતનો અહોભાવ નથી. બલ્કે, તુચ્છકારનો ભાવ છે. મોટા ભાગના લોકો માને છે કે રસ્તાના- અને તેના કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા લોકોના- ચારિત્ર્યમાં રહેલાં ગાબડાં ચોમાસામાં ખાબોચિયાંના સ્વરૂપે ફૂટી નીકળે છે.
ખાબોચિયાંનો કોઇ પૌરાણિક-ઐતિહાસિક સંદર્ભ ન હોવાથી, એ રીતે પણ પ્રજાના મનમાં ખાબોચિયાં માટે ભાવ પેદા થઇ શક્યો નથી. તાત્યા ટોપેની પાછળ પડેલા અંગ્રેજ સિપાહીમાંથી આઠ-દસના ઘોડા રસ્તા પરના ખાબોચિયાંને કારણે લડખડી ગયા હોત, સિપાહીઓ જમીન પર પટકાયા હોત અને તાત્યા તેમને હાથતાળી આપીને નાસી છૂટ્યા હોત, તો ઇતિહાસકારોએ ભારતના ‘પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખાબોચિયાંનું પ્રદાન’ જેવા વિષયો પર શોધનિબંધો લખ્યા હોત. તેનાથી એમ પણ સિદ્ધ કરી શકાત કે અંગ્રેજોએ સારા રસ્તા બનાવ્યા એ ખરેખર તો ભારત વિરુદ્ધનું કાવતરું હતું અને વર્તમાન યુગના શાસકોએ અંગ્રેજોની ભૂલમાંથી બોધપાઠ લીધો છે.
ઇતિહાસ કંટાળાજનક લાગતો હોય એવા લોકો માટે પુરાણમાં ખાબોચિયા-વિષયક કથાઓની વ્યવસ્થા હોવી જોઇએ. જેમ કે, ‘એક ખાબોચિયાએ વર્ષો સુધી તપ કર્યું એટલે ભગવાન પ્રસન્ન થયા અને તેને વરદાન આપ્યું. એ ખાબોચિયું એટલે આજનો હિંદ મહાસાગર’. આ પ્રકારની કથાઓ બાળપણથી સાંભળવામાં આવે તો માણસ દરેક ખાબોચિયામાં મહાસાગરના અને દરેક મહાસાગરમાં ખાબોચિયાનાં દર્શન કરવા જેટલી ઉન્નત દૃષ્ટિ પૌર્વાત્ય સહજતાથી છેક બાળપણથી જ કેળવી શકે. પરંતુ આમાનું કશું જ બન્યું નહીં. એટલે ખાબોચિયાંનું માહત્મ્ય કરવાનો પ્રસંગ છેક આજે આવ્યો છે.
શાસ્ત્રીય દૃષ્ટિએ વિચારતાં, સૌથી પહેલો સવાલ એ થાય કે ખાબોચિયું એટલે શું? કોને ખાબોચિયું કહેવાય? વ્યવહારુ જ્ઞાન ધરાવતા સૌ જાણે છે કે ખાબોચિયું એ સાપેક્ષ શબ્દ છે. ભગવદ્ગોમંડળ કે ઓક્સફર્ડ ડિક્શનેરીમાં ખાબોચિયાનું કોઇ ચોક્કસ માપ આપેલું નથી કે અમુક બાય અમુક ફૂટનો, અમુક ઇંચ ઉંડો, તેમાં લધુતમ અમુક સપાટી સુધીનું પાણી ધરાવતો ખાડો જ ખાબોચિયું ગણાય. ગિનેસ બુક કે લિમ્કા બુકના સંચાલકો ખાબોચિયાં જેવી છીછરી ‘સિદ્ધિ’ઓના વિક્રમો નોંધે છે, પણ ખાબોચિયાંના પોતાાના વિક્રમો નોંધતા નથી. એટલે એ અંગેનાં કોઇ નિશ્ચિત ધારધોરણ નક્કી થયાં નથી. વિશાળ દૃષ્ટિ ધરાવતા કે વિમાનમાં મુસાફરી કરતા લોકોને કાંકરિયા કે સૂરસાગર પણ ખાબોચિયાં જેવાં લાગે અને કીડી-મંકોડાને ખાબોચિયું અરબી સમુદ્ર જેવું. પણ સરળતા ખાતર કોસ્મિક કક્ષા ચિંતકો માટે છોડીને, વાતને માણસો પૂરતી અને રસ્તાના ખાબોચિયાં પૂરતી મર્યાદિત રાખીએ.
ખાબોચિયાં પ્રકૃતિગત રીતે પરોપકારી અને પોતાનું અસ્તિત્ત્વ બીજાની હયાતીને ઉજાગર કરવામાં ખર્ચી નાખનારાં છે. દુનિયાની મોહમાયામાં અટવાયેલા લોકો રસ્તા પરનાં ખાબોચિયાં જોઇને મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘તંત્ર’ને, તેમના ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટતાને ભાંડે છે. એમ કરવાથી તબિયત સારી રહેતી હોય અને જમવાનું પચી જતું હોય તો કશું ખોટું નથી. પણ ખાબોચિયાંના સ્તરેથી સહેજ ઉપર ઉઠતાં સમજાશે કે ખાબોચિયાંનું હોવું એ ખરેખર તો રસ્તાના હોવાની નક્કર સાબિતી છે. ઘણા રસ્તા કાળક્રમે- હવે તો બન્યાના થોડા મહિનામાં કે પહેલા વરસાદ પછી- પોતાનું સ્વતંત્ર અસ્તિત્ત્વ સિદ્ધ કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. તેની પરથી પસાર થતા વાહનચાલકોને રસ્તો છે કે નહીં, તેનો ખ્યાલ આવતો નથી. ભલું થજો ખાબોચિયાંનું કે તેમના પ્રતાપે, ‘જ્યાં ખાબોચિયાં નથી ત્યાં રસ્તો છે’ એવા તર્કશાસ્ત્રીય ન્યાયે ચાલકોને રસ્તો હોવાની સાબિતી મળતી રહે છે. એટલું જ નહીં, ચાલકો ખાબોચિયાંના કારણે વચ્ચે વચ્ચે આવતા રસ્તાના ટુકડાની કદર પણ કરી શકે છે અને બે ખાબોચિયાં વચ્ચે આવતા અમુક મીટરના સળંગ રસ્તાનો આનંદ માણીને મ્યુનિસિપલ કોર્પોરેશનને દુવા આપી શકે છે.
ખાબોચિયું-ખાડો-રસ્તા અને કોર્પોરેશનની વાત ચાલતી હોય ત્યારે ઘણા લોકોને ‘દુવા’ને બદલે ‘ભૂવા’ સાંભરે એ બનવાજોગ છે. ભૂવા ખરેખર તો ખાડા-ખાબોચિયાંનું જ વિસ્તરેલું સ્વરૂપ છે. પણ કેટલાક માણસો જેમ ‘મોટા’ થાય પછી કોઇ એક કોમ-જ્ઞાતિ કે પ્રાંતના મટી જાય છે, તેમ ભૂવા પણ ખાડા કે ખાબોચિયા તરીકેની સ્થાનિક-સંકીર્ણ ઓળખાણને બદલે ‘ભૂવા’ તરીકેની શહેરવ્યાપી ઓળખ ધારણ કરે છે. છાપાંમાં તેમના ફોટા છપાય છે, ટીવી પર તેમના સમાચાર આવે છે. એ જોઇ-વાંચીને નવી પેઢીનાં ‘ચિરંજીવી’ ખાબોચિયાં ભૂવા બનવાનાં સ્વપ્નાં જોતાં હશે.
ખાબોચિયાં અને ખાડા વચ્ચે તત્ત્વતઃ પાણીનો ફરક છે. ચોમાસામાં દરેક ખાડા ખીલીને, નિબંધની ભાષામાં કહીએ તો ‘સૌભાગ્યવંતા’ બનીને, ખાબોચિયાંમાં રૂપાંતરિત થાય છે. તે ભૂવાની જેમ અકસ્માતે નહીં, પણ (રસ્તાના) સર્જનહારની લીલાના અભિન્ન ભાગ તરીકે રસ્તા પર વિલસે છે. ખાબોચિયાંમાં કમળ ખીલતાં નથી કે મગર પણ આવતા નથી. તેના કિનારે બેસીને ૠષિઓ તપ કરતા નથી કે કન્યાઓ કિલ્લોલ કરતી નથી. કૃષ્ણ રાસ રમતા નથી કે થોરો ‘વોલ્ડન’ લખતા નથી. છતાં આ વર્ણન પરથી ખાબોચિયાંને સાવ નીરસ ધારી લેવામાં તેમને અન્યાય થશે. ખાબોચિયાં ફક્ત પાણીરૂપી આનંદ સંઘરીને બેસી રહેતાં નથી, પાસેથી પસાર થતા સૌને તેમાંથી આનંદછાંટણાં ઉડાડે છે. વાહનચાલકો તેમના જીવનની અને પરિવહનની કૃત્રિમતાને કારણે ઘણે ભાગે આ લ્હાવો લઇ શકતા નથી, બલ્કે અજાણતાથી કે બેકાળજીથી બીજાને એ લાભ આપવામાં નિમિત્ત બને છે.
ખાબોચિયાંની ખાસિયત નાના હોવામાં છે. એટલે ગૌરવવંતા ગુજરાતીઓ ખાબોચિયાં માટે ઇચ્છે તો ‘નેનો ભૂવા’ જેવો શબ્દ પણ વાપરી શકે છે. ખાબોચિયાંની શરમ અનુભવવાને બદલે, ‘ગૂગલ મેપ્સ’ પાસે ગુજરાતભરનાં ખાબોચિયાંનો ઉપગ્રહની મદદથી વિગતવાર નકશો તૈયાર કરાવી શકાય. મંગળ કે ચંદ્રની સપાટી પર દરેક મહત્ત્વના જણાતા ખાડાને નામ અપાય છે, તેમ ગુજરાતમાં પણ ચોમાસામાં ખીલી ઉઠતા દરેક ખાબોચિયાનું એક નામ હોય તો? ગુજરાત યુનિવર્સિટી પાસેનું સરસ મજાનું ખાબોચિયું ‘ઉપકુલપતિ પરિમલ ત્રિવેદી ખાબોચિયું’ તરીકે ઓળખાતું હોય અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામેનાં ખાબોચિયાંને દર ચોમાસે વારાફરતી તત્કાલીન મેયર, ડેપ્યુટી મેયર અને બીજા હોદ્દેદારોનાં નામ આપવામાં આવે તો?
શરમને ગૌરવમાં પલટાવવાની છેલ્લા દાયકાની ગુજરાતની પરંપરામાં ઉત્તમ ઉમેરો થયો ગણાશે.
પણ કેટલાક માણસો જેમ ‘મોટા’ થાય પછી કોઇ એક કોમ-જ્ઞાતિ કે પ્રાંતના મટી જાય છે, તેમ ભૂવા પણ ખાડા કે ખાબોચિયા તરીકેની સ્થાનિક-સંકીર્ણ ઓળખાણને બદલે ‘ભૂવા’ તરીકેની શહેરવ્યાપી ઓળખ ધારણ કરે છે.
ReplyDeleteમાન્યું કે મારા શહેરમાં ભૂવા જ ભૂવા છે બકા,
તે તારા ગામમાં ક્યાં પેટ્રોલના કૂવા છે બકા !
- અધીર અમદાવાદી
સરસ હાસ્ય લેખ.સુક્ષ્મ હાસ્યકાર તરીકે તમે ગુજરાતી સાહિત્યમાં એક અલગ જ છટા સાથે આગવી ઓળખ ઉભી કરવામાં સફળ થયા છો,એટલું તો સ્વીકારવું જ પડે.ખાબોચિયા જેવા તુચ્છ વિષય પર તમે અદભુત લખ્યું છે.આવી ખૂબી ફક્ત હાસ્ય ના પર્યાય ગણાતા જ્યોતીન્દ્ર દવે માં જ હતી.તમે એ વારસો વરસો સુધી જાળવી રાખો,એવી શુભકામના.
ReplyDeleteઅદભૂત.. ખાબોચિયાંને જીવંત બનાવી નાખ્યું.... :)
ReplyDelete