ઇંદિરા ગાંધીના કટોકટી કાળના સાથીદાર અને યુપીએ સરકારના કટોકટીભર્યા સમયગાળાના મંત્રી પ્રણવ મુખર્જીની કેબિનમાં ઠેકઠેકાણે ચ્યુઇંગ ગમ કે ટચૂકડાં રેકોર્ડર ચોંટાડાયેલાં હોવાનું બૂમરાણ ગયા અઠવાડિયે મચ્યું. દેશના નાણાં મંત્રી હોવાના નાતે ચ્યુઇંગ ગમ (પ્રચલિત બોલીમાં ‘ચિંગમ’) વહેંચવી એ પ્રણવ મુખર્જીની કામગીરીનો હિસ્સો છે. તેમના દ્વારા છૂટા હાથે વહેંચાતી જીડીપી, ગ્રોથ રેટ જેવી ચ્યુઇંગ ગમો ચાવવાથી દાંત અને દેશ મજબૂત થવાની ઉજળી આશા રહે છે. એકાદ સારી ચ્યુઇંગ ગમ કંપનીએ હજુ સુધી મુખર્જીમોશાયને કેમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા નથી એ નવાઇની વાત છે. અગાઉના અવતારમાં પ્રણવ મુખર્જી ચુંગી (પાઇપ)થી ઓળખાતા હતા, પરંતુ તેમની ઓફિસમાં ચોંટાડાયેલી ચ્યુઇંગ ગમોના વિવાદ પછી, નવી પેઢી તેમને ચુંગીથી નહીં, પણ ચ્યુઇંગ ગમથી યાદ રાખે એવી શક્યતા વધારે છે.
પ્રણવ મુખર્જીની કેબિનમાં જાસૂસી થતી હતી કે નહીં એની અનંત ચર્ચામાં પડવાને બદલે, ધારો કે ત્યાં ખરેખર ટચૂકડાં રેકોર્ડર મુકાયેલાં હોત તો? અને એ જ રૂમમાં થોડા દિવસો પહેલાં યુપીએ સરકારની અગત્યની ખાનગી બેઠકો પણ થઇ હોત તો? કેવા સંવાદ તેમાં ઝીલાયા હોત તેની કાલ્પનિક ઝલકઃ
સોનિયા ગાંધીઃ આજે બધાને મોડી રાત્રે અને આ જગ્યાએ બોલાવવા પડ્યા છે. પણ છૂટકો ન હતો. બાબાનું આપણે શું કરવાનું છે?
દિગ્વિજયસિંઘઃ વડાપ્રધાન બનાવી દો. આમ ને આમ તો એ જીવનમાં ને રાજકારણમાં- બેય રીતે કોડભર્યો કુંવારો રહી જશે ને એનું પાપ અમને લાગશે.
ચિદમ્બરમઃ પાપના હિસાબો ના કાઢશો. ગણવા બેસીશું તો રાત આખી પૂરી થઇ જશે ને હિસાબ અધુરો રહેશે.
મનમોહનસિંઘઃ (ગણગણાટ જેવા અવાજે) બરાબર છે.
સોનિયા ગાંધીઃ (ઉંચા અવાજે) વોટ? ડોક્ટર શું વાત કરો છો તમે?
મનમોહનસિંઘઃ મેડમ, મેં તો દિગ્વિજયસિંઘની વાતમાં ટાપસી પૂરી હતી. હું ક્યારનો તૈયાર છું. તમે ઇશારો કરો એટલે બાબા માટે જગ્યા ખાલી કરી આપું. એમાં આટલું વિચારવાનું કેવું? અને અરધી રાત્રે ગુપ્ત બેઠક બોલાવવાની શી જરૂર? મેં તો જાહેરમાં કહેલું છે.
સોનિયા ગાંધીઃ અરે, પણ હું તો રાહુલબાબાની નહીં, રામદેવબાબાની વાત કરું છું.
પ્રણવ મુખર્જીઃ કેમ? એમને પણ વડાપ્રધાન બનવું છે?
કપિલ સિબ્બલઃ આમ તો એ ના પાડે છે, પણ એમને શીર્ષાસન કરતાં કેટલી વાર? સવાલ વડાપ્રધાનપદનો નથી. એ રામલીલા મેદાનમાં ઉપવાસ ચાલુ કરવાના છે.
ચિદમ્બરમઃ તો એમની પાસેથી કાર્યક્રમ પેટે મનોરંજન વેરાની આગોતરી વસૂલાતની નોટિસ કાઢો. વગર આસને સીધાદોર થઇ જશે.
રાહુલ ગાંધીઃ પણ આમાં મનોરંજન વેરો ક્યાં આવ્યો?
ચિદમ્બરમઃ (મનમાં) બાબાઓની આ જ તકલીફ છે (જાહેરમાં) બાબા ઉપવાસ કરશે, એટલે ટીવીવાળા ઉમટી પડશે અને ચોવીસે કલાક ટીવી પર બાબાના ઉપવાસ ને એમનો ઉપદેશ ચાલ્યા કરશે. આ બન્નેમાંથી લોકોને ભરપૂર મનોરંજન મળશે અને બાબાની ચેનલ સહિત બીજી ચેનલોને તગડી કમાણી થશે.
મનમોહનસિંઘઃ (ઉંડો શ્વાસ લઇને) અત્યારે બાબા સામે કોઇ પણ પગલાં લઇશું તો આપણું ખરાબ દેખાશે.
દિગ્વિજયસિંઘઃ ડોક્ટર, તમે બાબાની યોગશિબિરમાં બેઠા હો તેમ ઉંડા શ્વાસ લેવાનું પ્લીઝ બંધ કરો. આપણું ખરાબ એટલે કેટલું ખરાબ દેખાશે? સ્પેક્ટ્રમ કૌભાંડ ને કોમનવેલ્થ કૌભાંડ કરતાં પણ વધારે ખરાબ?
મનમોહનસિંઘ પ્રાર્થનાભરી નજરે સોનિયા ગાંધી સામે જુએ છે. જાણે કહેતા હોય, ‘આ દિગ્વિજયસિંઘને કંઇક કહો.’ પણ સોનિયા ગાંધી કપિલ સિબ્બલ તરફ જોઇને સવાલ કરે છે.
સોનિયા ગાંધીઃ શું લાગે છે? શું કરવું જોઇએ? શું કરી શકાય? શું થઇ શકે?
દિગ્વિજયસિંઘઃ વાહ. શું તમારી ભાષા પરની પકડ છે. હવે તમને સરસ રીતે બોલતાં આવડી ગયું છે. ખરેખર તો તમારે જ વડાપ્રધાન બની જવું જોઇએ.
પ્રણવ મુખર્જીઃ આપણે વડાપ્રધાન કોને બનાવવા એની નહીં, પણ બાબા રામદેવના ઉપવાસની જાહેરાતનું શું કરવું એની ચર્ચા કરવા ભેગા મળ્યા છીએ. મહેરબાની કરીને વાત આડા પાટે ચડાવશો નહીં.
દિગ્વિજયસિંઘઃ આડા પાટે જનારાં રેલવે મંત્રી હવે બંગાળના મુખ્ય મંત્રી થઇ ગયાં. તમે થોડી વધારે મહેનત કરી હોત અને આપણી વધારે બેઠકો આવી હોત તો એમની જગ્યાએ તમે મુખ્ય મંત્રી થયા હોત.
આ વખતે મનમોહનસિંઘ- પ્રણવ મુખર્જીની સાથે બીજા થોડા નેતાઓ પણ સોનિયા ગાંધી સામ પ્રાર્થનાભરી નજરે જુએ છે. સોનિયા ગાંધી રાહુલ ગાંધી સામે અને રાહુલ દિગ્વિજયસિંઘ સામે જુએ છે. એટલે તે બોલતા બંધ થાય છે.
સિબ્બલઃ મારી પાસે એક બ્રિલિયન્ટ આઇડીયા છે. આઇ.આઇ.એમ. ને આઇ.આઇ.ટી.ના અધ્યાપકોને ન આવે એવો.
પ્રણવ મુખર્જીઃ એમ ના કહેતા કે બાબા રામદેવની ધરપકડ કરી લો.
સિબ્બલઃ ઓહ નો. તમને કેવી રીતે ખબર પડી ગઇ? તમે પરદેશમાં ભણેલા છો?
સોનિયા ગાંધીઃ એ ભણેલા ગમે ત્યાં હશે, પણ મારાં સાસુમા સાથે ‘ગણેલા’ છે... કોઇ નક્કર, અમલમાં મૂકી શકાય એવી યોજના વિચારો.
સિબ્બલઃ મારી જોડે બીજો આઇડીયા તૈયાર જ છે. બાબાને આવતી લોકસભામાં કોંગ્રેસની ટિકિટ આપી દો.
પ્રણવ મુખર્જીઃ આ કેસ ટિકિટથી પતે એવો લાગતો નથી અને આપણે સહેજ પણ ચૂક કરીશું તો આપણી સરકારની ટિકિટ ફાટી જશે.
સિબ્બલઃ તો ત્રીજો આઇડીયા...અન્ના હઝારેને જ બાબા રામદેવનું શું કરવું એ પૂછી જોઇએ તો?
સોનિયા ગાંધીઃ હવે ચોથો આઇડીયા ન આપતા. નહીંતર મને પાંચમો આઇડીયા તમારું શું કરવું એ વિશેનો આવશે... બાબા દિલ્હી કેવી રીતે આવવાના છે? યૌગિક શક્તિઓથી ઉડીને કે કમર્શિયલ ફ્લાઇટમાં?
દિગ્વિજયસિંઘઃ ચાર્ટર પ્લેનમાં.
સોનિયા ગાંધીઃ ફાઇન. તો ચાર મંત્રીઓ એમને એરપોર્ટ લેવા જાવ. સિબ્બલ, તમે ખાસ જજો. તમારી પાસે બહુ આઇડીયા છે અને પ્રણવદા, તમે સિબ્બલના આઇડીયા કાબૂમાં રાખવા માટે...
મનમોહનસિંઘઃ પણ ચચ્ચાર પ્રધાનો એરપોર્ટ જશે તો લોકો શું વિચારશે?
દિગ્વિજયસિંઘઃ એ જ કે ડોક્ટર બહુ નબળા વડાપ્રધાન છે... પણ મને નથી લાગતું કે એનાથી કંઇ ફરક પડે...
મનમોહનસિંઘઃ (સહેજ શરમાતાં) થેન્ક્સ.
દિગ્વિજયસિંઘઃ ...કારણ કે લોકો તો ક્યારના આવું માને છે. આપણને એનાથી કંઇ ફરક પડ્યો?
ફરી એક વાર મનમોહન સિંઘ સોનિયા ગાંધી સામે, સોનિયા રાહુલ સામે અને રાહુલ દિગ્વિજયસિંઘ સામે જુએ છે અને એ જ અવસ્થામાં મિટિંગ પૂરી થયેલી જાહેર કરવામાં આવે છે.