પોઝિટિવ થિકિગ ઉર્ફે અર્ધજાગ્રત મનની શક્તિ ઉર્ફે પોઝિટિવ ઇમેજિગ ઉર્ફે માઇન્ડ પાવર ઉર્ફે ‘યસ, આઇ કેન’ ઉર્ફે...
લેબલ કોઇ પણ હોય, બજારમાં ચાલતા આ શબ્દોનો મુખ્ય સાર છેઃ લોકોની અવાસ્તવિક ઇચ્છાઓ-મહત્ત્વાકાંક્ષાઓને ભડકાવવી, તેમને ઉજ્જવળ ભવિષ્યનાં સ્વપ્નાં દેખાડવાં, એ માટે ભાષણો-વાર્તાલાપો-લખાણોમાં અધકચરા વિજ્ઞાન-મનોવિજ્ઞાનનો વઘાર કરીને વિશ્વસનીયતાનો આભાસ ઉભો કરવો, પોતે ‘ગુરૂ’, ‘મોટીવેટર’, ‘મેનેજમેન્ટ ગુરૂ’ કે ‘સ્પિરિચ્યુઅલ ગુરૂ’ ની ભૂમિકામાં આવી જવું, લોકોને ચગડોળે ચડાવવા, હવામાં ઉડતા કરી દેવા અને એ નીચે પટકાય તે પહેલાં અઢળક કમાણી કરવી.
પટકાયેલાની ચિતા કરવાની જરૂર નથી. એ મોટે ભાગે પોતાની અણઆવડત કે પોતાના તકદીરનો દોષ કાઢવાના છે. દરમિયાન, બીજા સમુહો ઉડવા અને પટકાવા માટે આતુર છે.
આઘુનિક શેખચલ્લીગીરી
વાત આગળ વધારતાં પહેલાં એક તાજો બનાવ યાદ કરી લઇએ. થોડા સમય પહેલાં અમદાવાદનો અભય ગાંધી લોકોના કરોડો રૂપિયા ઓળવીને (‘ફુલેકું ફેરવીને’) અદૃશ્ય થઇ ગયો. ‘એકના ડબલ’ અને ઊંચા વ્યાજની લાલચ આપીને તેણે લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. લોકોનો લોભ એવો કે ત્રણ મહિનામાં રૂપિયા ડબલ થતા હોય તો ઉછીના રૂપિયા લઇને કે જમીન-મકાન ગીરવે મુકીને પણ એ નાણાં ડબલ કરવા મુકે.
અભય ગાંધીએ આ કેવી રીતે કર્યું એ તો જાણે સમજાઇ ગયું. એમાં કશી લાંબી તરકીબ કે યુક્તિને બદલે સીધોસાદો વિશ્વાસઘાત અથવા છેતરપીંડી હતાં.
લોકો શા માટે વઘુ ને વઘુ ને વઘુ એક વાર છેતરાયા, એ સમજાવા માટે ‘લોભીયા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે’ અને ‘લોભે લક્ષણ જાય’ એવી કહેવતો હાથવગી છે.
પરંતુ અભય ગાંધીએ આ શા માટે કર્યું? પ્રાથમિક જવાબ છેઃ ‘ટૂંકા રસ્તે રૂપિયા કમાવા.’ પણ એ જવાબ પૂરતો નથી. આખો જવાબ અભય ગાંધીના ફ્લેટ પર પોલીસે દરોડો પાડ્યો, ત્યારે તેની વોલપેનલ પરથી મળ્યો.
લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરવાની અભય ગાંધીની યોજના પાછળ કેવળ તેનું ગુનાઇત માનસ નહીં, તેની ભડભડતી મહત્ત્વાકાંક્ષા પણ એટલી જ કે વઘુ હદે જવાબદાર હતી. ફ્લેટની વોલપેનલ પર અભય ગાંધીએ શબ્દો, આંકડા અને ચિત્રો દ્વારા વર્ષવાર પોતાના લક્ષ્યની આ પ્રમાણે યાદી બનાવી હતીઃ
લીનોવો લેપટોપ : ૨-૩-૨૦૧૧ (એચીવ્ડ)
દીપીકા પદુકોણે (વાઇફ) : ૫-૭-૨૦૧૧
ઓડી કાર : ૫-૯-૨૦૧૨
રૂ.૧ કરોડ : ૫-૯-૨૦૧૩
માય ડ્રીમ હોમ, ડ્રીમ કાર : ૫-૯-૨૦૧૪
(અમિતાભ બચ્ચનનો) જલસા બંગલો : ૫-૯-૨૦૧૪
એ સિવાય કાગળ પર નક્કી કરેલું લક્ષ્યાંક
રૂ.૧૦ હજાર કરોડ : ૫-૯-૨૦૩૦
રૂ.૨૫ હજાર કરોડ ડોલર : ૫-૯-૨૦૪૦
***
પચીસ વર્ષ પહેલાં આવી યાદી વાંચીને અભય ગાંધી માટે એક જ વિશેષણ વાપરવાનું થાત : શેખચલ્લી. પરંતુ બદલાયેલા સમયમાં અભય ગાંધીઓને ‘શેખચલ્લી’ કહી દેવાથી વાત પૂરી થઇ જતી નથી. કારણ કે નીતિમત્તાને નેવે મૂકીને શેખચલ્લી બનાવવાનું બજાર અનેક નામે ધમધમી રહ્યું છે. એવું એક રૂપાળું નામ છે :અર્ધજાગ્રત મનની શક્તિનો વિકાસ.
અર્ધજાગ્રત મનની શક્તિ : વિકાસ અને વિકૃતિ
અર્ધજાગ્રત મન/સબકોન્શ્યસ માઇન્ડને કેવી રીતે તૈયાર કરીને તેની શક્તિની મદદથી જીવનમાં ધાર્યાં લક્ષ્યાંક પ્રાપ્ત કરવાં, તેની ચાવીઓની એક યાદી અહીં આપી છે. તે વાંચીને, ગમે તે રસ્તે- ગમે તે ભોગે પૈસાદાર બનવા ઉત્સુક લોકોને કેવાં ગલગલિયાં થતાં હશે અને પોતાનાં સ્વપ્નાં પૂરાં કરવાનું કેવું સહેલું લાગતું હશે એ કલ્પી શકાય છે. આ જાતની યાદી બે પૂંઠા વચ્ચે મુકાઇને આવે ત્યારે એ ‘મહાન સિદ્ધાંત’માં કે ‘બેસ્ટસેલર’ તરીકે ખપી જાય, પણ તેની વરવી અસલિયતનો કે કાળાં પરિણામોનો ખ્યાલ કોઇ અભય ગાંધીના ફ્લેટ પર દરોડો પડે ત્યારે આવે છે.
શું હોય છે મનના સ્પેશ્યલિસ્ટ કહેવાતા ગુરૂઓ- મોટીવેટરો- સ્પીકરોની ‘પ્રેરક’ યાદીમાં?
૧) (વાસ્તવિકતા ભૂલીને) ઊંચી મહત્ત્વાકાંક્ષાનો કાલ્પનિક પુલ બાંધો. (અભય ગાંધીએ એમ જ કર્યું હતું.) તેને ‘સંકલ્પ’, ‘લક્ષ્ય’ કે ‘ઘ્યેય’ જેવું હકારાત્મક નામ પણ આપી શકાય. એમ કરવાથી અપરાધભાવથી બચી શકાય છે અને આખી કવાયત જાણે પોતાના સ્વાર્થ માટે નહીં, પણ દુનિયાના ભલા માટે કે માનવજાતના કલ્યાણ માટે કરવાની હોય એવો ભવ્ય દેખાવ ઉભો થાય છે.
૨) તમારી મહત્ત્વાકાંક્ષા ફળવાની જ છે, એવું માનવાનું શરૂ કરો અને દૃઢતાપૂર્વક માનતા રહો. સાદા ગુજરાતીમાં કહીએ તો, શેખચલ્લી બનો. અભય ગાંધી માનતો જ હતો કે તેની મહત્ત્વાકાંક્ષા ફળવાની છે. એટલું જ નહીં, એ પ્રક્રિયાની શરૂઆત પણ ‘લીનોવો’ના લેપટોપથી થઇ ચૂકી છે.
૩) તમારી બીજી બધી માન્યતાઓ પણ તમારી પાળેલી-પંપાળેલી મહત્ત્વાકાંક્ષાઓને અનુકૂળ દિશામાં વાળો. નહીંતર, મોટીવેટરો કહે છે તેમ, તમારી મહત્ત્વાકાંક્ષા એક તરફ ખેંચતી હશે ને માન્યતાઓ બીજી તરફ, તો તમારો ‘સંકલ્પ’ સિદ્ધ નહીં થાય. મોટીવેટરોની વાતો એટલી ગળચટ્ટી, ગોળગોળ અને લલચામણી ભાષામાં રજૂ થયેલી હોય છે કે તે ગુજરાતીમાં હોવા છતાં તેનો અનુવાદ કરવો પડે.
ઉપર જણાવેલી વાતનો ગુજરાતીમાં એક અનુવાદ એવો થાય કે તમે કરોડપતિ બનવાનો ‘સંકલ્પ’ કર્યો હોય અને તમારી નૈતિકતા, પ્રામાણિકતા, સચ્ચાઇ જેવી માન્યતાઓ અડચણરૂપ બનતી હોય તો? સિમ્પલ. એ બધી માન્યતાઓને તમારા સંકલ્પને અનુરૂપ બનાવી દો, જેથી મનમાં કોઇ જાતની અવઢવ ન રહે. શું થાય અને શું થાય, શું સારું અને શું ખરાબ, શું ઇષ્ટ અને શું અનિષ્ટ- એવાં કોઇ દ્વંદ્વ ન રહે. સંકલ્પ સિદ્ધ કરવા માટે એકચિત્તે કોઇ પણ હદે સુધી નીચે ઉતરી શકાય, ગમે તેનો વિશ્વાસઘાત કરી શકાય, ગમે તેનો ઉપયોગ કરીને ફેકી શકાય.
અભય ગાંધીનો સંકલ્પ બહુ મજબૂત હતો. એટલે તેણે પોતાના ઓફિસના કર્મચારીઓથી માંડીને કુટુંબીજનો અને ભાવિ જીવનસાથી સહિતનાં બધાંનો પોતાની સંકલ્પસિદ્ધિ માટે ઉપયોગ કરી નાખ્યો અને પોતાની છેતરપીંડી પકડાશે ત્યારે એ લોકોને વિના વાંકે કેવું નીચાજોણું થશે તેનો વિચાર સુદ્ધાં ન કર્યો. કારણ? મહત્ત્વાકાંક્ષાઓને અનુકૂળ બનેલી માન્યતાઓ!
૪) મહત્ત્વાકાંક્ષાને કેવળ માન્યતાઓ સાથે જોડીને બેસી રહેવાને બદલે, તેમને લાગણી સાથે પણ જોડો. એટલે કે, જ્યારે પણ ભવ્ય મહત્ત્વાકાંક્ષાના વિચારો આવે ત્યારે મનમાં લાગણીના ફુવારા ઉડવા જોઇએ. આખી વાતને વિજ્ઞાનનો ટચ આપવો હોય તો ઉત્તેજના સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવ એડ્રિનલિનનું નામ પણ નાખી શકાય.
તમારું ઘ્યેય મોંઘીદાટ કાર મેળવવાનું હોય તો, મોટીવેટરો કહે છે કે, એ કારનો ફોટો જોઇને કે તેને રસ્તા પર દોડતી જોઇને તમારા ધબકારા વધી જવા જોઇએ અને તમને એવું લાગવું જોઇએ કે જાણે તમે એ કારના માલિક છો.
ખરેખર એવું જ બન્યું હતું. થોડા મહિના પહેલાં અમદાવાદમાં ‘ઓડી’કારના શો-રૂમમાંથી એક કારની ટેસ્ટ-ડ્રાઇવ દરમિયાન ચોરી થઇ. કંપનીના માણસને યુક્તિપૂર્વક નીચે ઉતારીને, ટેસ્ટ ડ્રાઇવના બહાને માણસે ઓડી કારના સ્ટીયરંિગનો કબજો લઇને કાર મારી મૂકી. ગયા અઠવાડિયે એ ચોરીનો ભેદ ખુલ્યો ત્યારે ખબર પડી કે આ રીતે ઉઠાંતરી કરનાર મહિને રૂ.૪૭ હજારનો પગાર ધરાવતો એક સમૃદ્ધ યુવાન છે, પણ તેને ઓડી કાર બહુ ગમી ગઇ હતી અને ‘ઓડી’ પ્રત્યેના આકર્ષણે- મોટીવેટરોની ભાષામાં કહીએ તો, ‘ઓડી’ને કારણે એનામાં થયેલા એડ્રિનલિનના સંચારે અને વધી ગયેલા ધબકારાએ- તેને ચોરી માટે પ્રેર્યો.
બને કે મોટીવેટરોની વાતોથી પ્રેરાઇને ‘ઓડી’માં બેઠા પછી તેને લાગ્યું હોય કે ‘આ કારનો માલિક તો હું જ છું.’ (એક આડવાતઃ અભય ગાંધીની મહત્ત્વાકાંક્ષાઓની યાદીમાં પણ ‘ઓડી’ કારનો સમાવેશ થતો હતો.)
૫) અર્ધજાગ્રત મનની શક્તિના નિષ્ણાત તરીકે ધંધો ચલાવનારા કહે છે કે અર્ધજાગ્રત મન ફક્ત ચિત્રોની ભાષા સમજે છે. એટલે જાગ્રત મનને શાંત કરીને રોજ તેમાં સંઘરાયેલાં આપણી મહત્ત્વાકાંક્ષાનાં ચિત્રો રોજ અર્ધજાગ્રત મનને બતાવતા રહેવાનું. ક્યાં સુધી? જ્યાં સુધી ઇચ્છા સંતોષાય નહીં ત્યાં સુધી. આ કામ માટે જ અભય ગાંધીએ ફ્લેટની વોલ પર કેવળ આંકડા અને તારીખોને બદલે તસવીરો પણ લગાડી હોવી જોઇએ. કારણ કે અર્ધજાગ્રત મનને બતાવવા માટેનાં ચિત્રો પહેલાં જાગ્રત મનમાં તો બરાબર સંઘરવાં પડે- અને એ માટે વારંવાર જોવાં પણ પડે. ભલે ને એ ચિત્રો અમિતાભ બચ્ચનના બંગલાનાં હોય કે દીપિકા પાદુકોણનાં.
૬) મનને વારંવાર કહ્યા કરવું કે તારી મહત્ત્વાકાંક્ષા પૂરી થવાની જ છે. જેથી તેના મનમાં ભૂલેચૂકે નીતિમત્તા, પ્રામાણિકતા, સીધો રસ્તો કે એવી અગાઉનાં પગથિયામાં માળીયે મુકી દીધેલી અવઢવો ફરી ન જાગે. આ પદ્ધતિને ‘ઓટો સજેશન’ પણ કહેવામાં આવે છે.
આગળ જણાવેલાં પગથિયાં શબ્દો-અભિવ્યક્તિના ફેરફારો સાથે ભાષણો અને પુસ્તકો અને સેમિનારોમાં વાંચવા-સાંભળવા મળશે, પરંતુ તેનો ‘ગુજરાતી અનુવાદ’ અહીં પહેલી વાર રજૂ કરવામાં આવ્યો છે.
તેનો અર્થ એવો બિલકુલ નથી કે અર્ધજાગ્રત મનની શક્તિઓના ઉપયોગની વાત નિતાંત અને સદંતર છેતરપીંડી છે. મન પર કાબૂ મેળવવાથી, માણસ પોતાની ક્ષમતામાં અમુક હદ સુધી વધારો કરી શકે છે, પહેલી નજરે અશક્ય જણાતાં કામ પાર પાડી શકે છે.
પોતાના મનની શક્તિઓ અને મર્યાદાઓથી પરિચિત ન હોય એવા લોકો, બીજાની મદદથી પોતાના મનને વઘુ ઓળખતા થાય અને તેની પાસેથી વઘુ અસરકારક રીતે કામ લેતા થાય, ત્યાં સુધી ઠીક છે. પરંતુ જનીનશાસ્ત્ર, વારસાઇ, ઉછેરનું વાતાવરણ જેવાં અનેક પરિબળો સાથે નીતિમત્તા જેવાં મૂલ્યોની ધરાર અવગણના કરીને, કેવળ પોઝિટિવ થિકિગનાં-મનની શક્તિનાં ચોપડાં વાંચવાથી, તેની સીડી સાંભળવાથી કે તેના સેમિનારો ભરવાથી ધાર્યાં નિશાન પાડી શકાશે, એવું માનનારા ભીંત ભૂલે છે. એવા લોકો પોતાની છે એટલી શક્તિ-બુદ્ધિનો પણ સદુપયોગ કરવા માગતા નથી એમ કહી શકાય.
- અને એમને એવા ચાળે ચડાવનારા ગુરૂ-મોટિવેટરો? એમની અને અભય ગાંધીની ‘કાર્યપદ્ધતિ’ વચ્ચે પ્રકારનો નહીં, પ્રમાણનો અને લેબલનો જ ફરક ગણાય.
Its a nice Article.
ReplyDeleteWe are waiting a nice article on government's educational policy.government gives u platform through its rubbish ideas means sarkari tamasha.we are expecting you to write on it.its today's demand.when will u..?
ReplyDeleteઆવા લોકોના બીજા થોડા લક્ષણો (લઘુત્તમ સાધારણ લક્ષણો;-)
ReplyDeleteડેલ કર્નેગીની(અને એવી) ચોપડીઓ વાંચવી
કોઇ પણ "નવી સ્કીમ"ની વાત સાંભળી ને આંખો પહોળી થવી
અસ્વાભાવિક 'કડક' હાથ મેળવવો
પૈસાદાર માણસ માટે સફળ - successful શબ્દ વાપરવો
"હોવા" કરતા "લાગવા"ને વધુ મહત્વ આપવું
રૂઢી પ્રયોગોને શબ્દસ: લેવા
વગેરે ...
pitch perfect observation
ReplyDeletevery nice article....
ReplyDeleteપોઝિટિવ થિંકિંગ શીખવનારી આખી ટોળકી ઉર્ફે ગેંગ વચ્ચે અત્યારે ભૂતકાળમાં કોણ કોના ચેલા હતા અને ગુરુ હતા એ સાબિત કરવાની ગેંગવોર ફાટી નીકળી છે. અમદાવાદમાં આ ગેંગના એક ડઝન નંગ ઉપલબ્ધ છે.
ReplyDeleteNice Article on Current Economic Fraud.
ReplyDeleteReminded : 'There is no short-cut'.
Abhay, Imtiyaz + Harshad Mehta+ Dalal Street + Wall Street & Printing Dollar:
+10% Scheme was in existence for more than 4 years in Gujarat with all mouth publicity.
Recently, Muslim Scholars also forwarned about illegal within Economic aspects, because most end-victimized-customers belonged to urban & rural poor either who have no access to appropriate economic activities / opportunities in this polarized re-structure. Or they do not want to experience 'labour' while earning the bread.
Surprisingly, allowing individual, institution, process which may lead to catastrophe is our own fault.
Muslim & Minority should re-learn to create a space in society for its solution. Merely, carrying hierarchial-legacy notion would not help. Besides, Religious Institutions Formal Institutions unlike AMU, JNU, Technical ITI would save them from 'ping-pong' theory from Black Swan people & Institutions & process which lead them towards catastrophe (2002) & recent economic frauds.
Urvishbhai, thanks, your valuable article remind me the novel 'The Black Swan' written by Nissim Taleb,who has novelized all unpredictable events and process the entire world is experiencing.
દરેક વસ્તુની બે બાજુ હોય છે. તમે કેવી રીતે તેનું મૂલ્યાંકન કરો તેની ઉપર આધાર હોય છે. ઝેર કાતિલ છે. મારવા માટે પણ વપરાય અને દવા માટે પણ વપરાય. કેવી રીતે ઉપયોગ કરો છો તે તમારી ઉપર આધાર રાખે છે.
ReplyDeleteપોઝેટીવ થીન્કર્સ તો સારું જ શીખવે છે. પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અગત્ય નું છે.