1990ના દાયકાના છેલ્લા વર્ષોમાં મુંબઇ અન્ડરવર્લ્ડમાં મોટાપાયે શૂટ આઉટ થતાં હતાં. મુંબઇ પોલીસ અને ક્રાઇમ રીપોર્ટરોમાં શૂટ આઉટ વિશે જ ચર્ચાઓ થતી હતી. આવી જ એક ચર્ચા વખતે એક ક્રાઇમ રીપોર્ટરે બીજા ક્રાઇમ રીપોર્ટરને મજાકમાં કહ્યું કે, ‘સાલા યે શૂટ આઉટ મેં ધ્યાન રખના પડેગા, કભી ભી કહીં ભી હો જાતા હૈ, હમ કહીં ખડે હો તો એક ગોલી હમેં ભી લગ સકતી હૈ’.
ક્રાઇમ રીપોર્ટરની મજાકના જવાબમાં અન્ય ક્રાઇમ રીપોર્ટરે પણ મજાક કરતાં કહ્યું કે, ‘ઉસ મેં ક્યા, ખાના ખાતે હૈ, વેસે ગોલી ખા લેને કા...’ . આ જવાબ આપનારા રીપોર્ટર બીજા કોઇ નહીં પરંતુ મિડ-ડે ના જાંબાઝ રીપોર્ટર જ્યોતિર્મય ડે. જે. ડે તરીકે ઓળખાતાં જ્યોતિર્મયની હાલમાં જ મુંબઇના પવઇ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
જે. ડેના ગયા પછી ઉપરછલ્લી અને ઓછી માહિ તી ધરાવતા લોકો તેમના વિશે ગમેતેવી આક્ષેપાત્મક વાતો કરી રહ્યા છે, પણ ક્રાઇમ રીપોર્ટર સિવાયના જે. ડેને બહુ ઓછા લોકો ઓળખે છે. કલમથી જ પોતાના મિજાજનો પરચો આપનારા જે. ડેની કેટલીક ઓછી જાણીતી અને અજાણી વાતો દ્વારા તેમને યાદ કરવાનો આ પ્રયાસ છે.
1995ની વાત છે. હિંદુસ્તાન લીવર કંપનીમાં સારા પગારની નોકરી છોડીને પત્રકારત્વમાં પ્રવેશ કર્યા બાદ જે. ડેએ પહેલા એન્વાયર્મેન્ટ અને રીયલ એસ્ટેટ વિષય પર કેટલીય સ્ટોરી કરી. બાદમાં તેમણે ક્રાઇમ રીપોર્ટિંગ શરૂ કર્યું. જોકે ક્રાઇમ રીપોર્ટિંગની સાથે જે. ડેએ શિપિંગ જેવી મહત્વની બીટ પર કામ કર્યું. શિપિંગ બીટમાં જે. ડે જેવું નેટવર્ક કોઇનું ન હતું. મુંબઇની ગુનાખોરીની દુનિયા દરિયા સાથે જોડાયેલી હોઇ કોઇ પણ અખબાર કે પત્રકાર માટે બીટ તરીકે દરિયો બહુ મહત્વનો હતો. મુંબઇમાં સ્મગલિંગ કેવી રીતે થાય છે તેની ઘણી વિગતો દરેકે જૂની-નવી ફિલ્મોમાં જોઇ જ હશે.
જે. ડેએ મુંબઇના ગુનાખોરીના આ દરિયાને ખરા અર્થમાં ખેડ્યો હતો. દરિયાછોરુની જેમ મધદરિયે જઇને તેઓ વિવિધ સ્ટોરીઓ લઇ આવતાં હતાં. નેવી, કસ્ટમ્સ, ઇન્ટેલીજન્સ, રો, સીબીઆઇ, ડીઆરઆઇ, એર ઇન્ટેલીજન્સ, નાર્કોટિક્સ, પોર્ટ, ડોક વગેરે કેટલીય મહત્વની એજન્સીઓ-ખાતાનાં નાના-મોટા અધિકારીઓ સાથે જે. ડેનાં સારા સંપર્કો હતાં. દમણ અને કચ્છના દરિયાઓની ગતિવિધિઓથી પણ તેઓ વાકેફ રહેતા હતાં. જે. ડેની ક્રાઇમ રીપોર્ટર તરીકેની સફળતામાં શિપિંગ બીટ પર તેમણે કરેલું કામ ખૂબ જ મહત્વનું ગણી શકાય. દરિયાની ગતિવિધિઓની જાણને કારણે જ કદાચ તેઓ 10,000 કરોડનાં ઓઇલ કૌભાંડને બહાર પાડી શક્યા હતાં. શિપિંગ બીટનો એક અનુભવ યાદ કરતાં જે. ડેના એક મિત્ર કહે છે, એક વખત કોઇ જહાજમાં આગ લાગી હતી. જહાજમાં આગ લાગતાં અંદર અમુક પક્ષી ફસાઇ ગયા હતાં. નેવીના કેટલાક કમાન્ડોએ આ અબોલ જીવોને બચાવવા ભારે જહેમત ઉઠાવી અને તેમને બચાવી પણ લીધા. જોકે બચાવમાં નેવીને સારો એવો ખર્ચો થતાં, તેના ઉચ્ચ અધિકારીએ નીચેના કર્મચારીઓને ઠપકો આપ્યો.. જે. ડેને આ વાતની ખબર પડતાં તેમણે આર્ટિકલ કર્યો. બાદમાં પેલા ઉચ્ચ અધિકારીને ભારે તકલીફ પડી ગઇ હતી.
જે. ડેને કુદરત પ્રત્યે અપાર લગાવ હતો. જે. ડે વિશે એવું કહેવાતું કે જો તે ક્યાંય ન મળે તો જંગલમાં ફરતા હશે. મોબાઇલ જ્યારે બહુ પ્રચલિત ન હતાં ત્યારે જે. ડેના મિત્રોને તેમને શોધવા માટે નેશનલ પાર્ક કે પછી થાણેના વાડાના જંગલમાં જવું પડતું હતું. નેશનલ પાર્કમાં જંગલનાં સ્થાનિકો સાથે બેસે, એટલું જ નહીં તેમના માટે નાસ્તો પણ લઇ જાય. જંગલોમાં ચાલતા ગોરખધંધા વિશે કેટલીય સ્ટોરી કરનારા જે. ડેને જંગલના સ્થાનિક લોકો પોતાના માનતા. તેમને એવી તો માહિતી મળતી હતી કે જંગલના ઉચ્ચ અધિકારીઓ પણ તે જાણીને ગોથા ખાઇ જતા હતા.
કસાયેલું શરીર ધરાવતાં જ્યોતિર્મય ક્યારેક માથેરાન પણ ઉપડી જતાં હતાં. રસ્તો હોવા છતાં તેઓ ટ્રેનમાં નેરલ સ્ટેશને ઉતરીને તે ડુંગરા ખુંદીને જ માથેરાન પહોંચતા હતા. મિત્રો મજાકમાં એવું કહે છે કે કેમેરો આપીને તેમને જંગલમાં છોડી દો તો તેમને કંઇ ન જોઇએ. સવારે ઉઠીને ગાર્ડનિંગ અને વોક પર પણ તેઓ જતા. તે સારા બોક્સર અને વેઇટલિફ્ટર હતા. મુંબઇ પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે તે આ સ્પોર્ટસ અજમાવતાં પણ હતા.
પોલીસ તંત્રમાં ઉચ્ચ અધિકારીથી લઇને કોન્સ્ટેબલ સુધીના કર્મચારી સાથે તે ખૂબ જ સૌમ્યતાથી વર્તતા હતાં. 6 ફૂટથી વધુ ઉંચાઇ ધરાવતા જ્યોતિર્મયને કેટલાક પોલીસવાળા પોલીસ ઓફિસર જ માની લેતા હતા. એક વખત થાણે જેલમાંથી એક ગુનેગારને જે. જે. હોસ્પિટલ લવાયો હતો. પોલીસ પર હુમલો કરીને ગુનેગાર ભાગી જતાં સમગ્ર હોસ્પિટલને કોર્ડન કરી લેવાઇ. કોઇને અંદર પ્રવેશ ન હતો. જે. ડે ત્યાં પહોંચ્યા તો કોન્સ્ટેબલને એમ કે કોઇ મોટો સાહેબ આવ્યો છે. તેણે સેલ્યુટ મારીને જે.ડેને અંદર જવા દીધા હતા. પોલીસ કમિશનરની એક પ્રેસ કોન્ફરન્સમાં જેસીપી કક્ષાના એક પોલીસ અધિકારીએ જે. ડેને પોલીસ સમજીને `ગુડ જોબ’ કહીને પીઠ થાબડી હતી.
જોકે જે. ડે પ્રેસ કોન્ફરન્સોથી દૂર જ રહેતા હતા. પોલીસવાળા જેવા દેખાતા જે. ડેનું પોલીસ કર્મચારીઓ સાથેનું વર્તન હંમેશા માનવતાભર્યું રહેતું હતું. કેટલાય ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ તેમજ કર્મીઓને સમજાવીને તેમના પરિવારો બરબાદ થતાં તેમણે બચાવ્યા છે. સંજોગોવશાત્ નાનીમોટી ચોરી કે ગેરરીતિ કરનાર પોલીસ હોય કે બીજું કોઇ, ડે તેમને સમજાવતા, બચાવતા અને સુધરવાની તક આપતા હતા. કોઇ નાની લૂંટનો આરોપી જે. ડેની પ્રેરણાથી બાદમાં બટાટાવડા વેચીને ઇમાનદારીની જિંદગી જીવતો થઇ ગયો હોવાનું પણ એક મિત્ર નોંધે છે. મોટે ભાગે ડિસિપ્લીનમાં રહેતા આ ક્રાઇમ રીપોર્ટરથી ક્યારેક ભૂલથી ટ્રાફિક રૂલ તોડાઇ જાય તો તે 50 કે 100નાં દંડની પાવતી પણ ફડાવી લેવામાં અચકાતા ન હતા. તેમના માથા પર ક્યારેય તેમનું નામ સવાર થયું ન હતું.
ઓફિસમાં ક્રાઇમ રીપોર્ટરોના હેડ હોવા છતાં ક્યારેય તે સાહેબગીરી કરતાં નહીં. હંમેશા મિડ-ડેની કેન્ટિનમાં રીપોર્ટરો સાથે ચર્ચા કરતાં જોવા મળતા હતા. ઓફિસમાં કોઇ પણ નાનો રીપોર્ટર કંઇ પણ માહિતી લેવા જાય તો, હા બતાઇંયે, ક્યા ચાહિએ, અચ્છા એસા હૈ, યે નંબર પર બાત કર લીજીએ.... વગેરે નમ્ર જવાબ આપીને રીપોર્ટરનો જુસ્સો તે વધારતા જોવા મળતાં હતાં. પોતાની પાસે જે-તે સ્ટોરીની માહિતી હોય તે પણ લખાવી દેતાં ખચકાતા નહીં. કેટલાક સિનિયર, નબળા કે અદેખા પત્રકારો ક્યારેક જે-તે પોલીસ અધિકારી કે વ્યક્તિનો ફોન નંબર આપતાં કતરાતા હોય છે, જ્યોતિર્મય, પોતાની પાસે ફોન નંબર હોય તો તરત લખાવી દેતા. નંબર બાબતે તેમની દલીલ રહેતી ‘મેં નહીં દેગા, તો દો દિન કે બાદ કહીં સે મિલ હી જાયેગા’.
જે. ડે ક્યારેય ઊંચા અવાજમાં બોલતાં નહીં. મિત્રો કહે છે કે, ખુશ હોય કે ટેન્શનમાં હોય તેમનો મૂડ અને મુદ્રા સરખી જ દેખાય. ગુસ્સો કે મિજાજ પણ ક્યારેય બતાવે નહીં. હા, તેમનો મિજાજ માત્ર તે પોતાની સ્ટોરી દ્વારા જ વ્યક્ત કરતાં હતાં. તેમના `ઝીરો ડાયલ’ પુસ્તકનાં બે ચેપ્ટર વિશે એક રીપોર્ટરે તેમણે પૂછ્યું કે આ બંને ચેપ્ટરો વિશે તમે વધુ લખી શક્યા હોત. જેના જવાબમાં જે. ડેએ કહ્યું હતું કે, આ બંને ચેપ્ટર વિશે મારી પાસે એટલી માહિતી છે કે બંને પર અલગ પુસ્તક થઇ શકે. પાછળથી વિગતે લખવાનું હોવાથી જ મેં અમુક માહિતી લખીને તે ચેપ્ટર છોડી દીધા હતાં. જ્યોતિર્મયની સ્ટોરીઓ કે પુસ્તકમાં હંમેશા નોવેલની છાંટ જોવા મળતી હતી. લેખન વિશેના તેમના વિશેષ પ્રેમનો ખ્યાલ એ પરથી આવે છે કે, થોડા સમય પહેલા તેઓ 2 દિવસની સ્ક્રીનપ્લે રાઇટિંગની વર્કશોપમાં ભાગ પણ લઇ આવ્યા હતાં. બીજું કે મિડ-ડે, ઇન્ડિયન એક્સપ્રેસ અને હિંદુસ્તાન ટાઇમ્સની 16 વર્ષની કારકિર્દી દરમિયાન વચ્ચે તેઓ અમુક દિવસ એક ચેનલ (લગભગ ચેનલ 7) માં પણ જઇ આવ્યા હતાં, જ્યાં ફાવ્યું ન હતું..
રીપોર્ટર તરીકે હંમેશા તે એલર્ટ રહેતા હતા. કોઇ પીછો કરે છે તેવું લાગે તો રસ્તામાં સાઇડમાં ઊભા રહી જતા હતા. હંમેશા બાઇક પર જ જતા હતા. મુંબઇની લાઇફલાઇન તેની લોકલ ટ્રેન કહેવાય છે, પરંતુ જે. ડે માટે તો તેમનું બાઇક જ લાઇફ લાઇન હતી. મુંબઇના એક છેડેથી બીજે છેડે જવું હોય તો પણ તેઓ બાઇક પર જ જતા હતા. ઘરની આસપાસ પણ દુકાનવાળાને ત્યાં કે ક્યાંય પણ તેઓ 'જે. ડે' નો રોફ મારતાં નહીં.. કારણ કે, તેમને ખબર હતી કે તેઓ કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છે.
ખરેખર, જે. ડે જમીનનાં માણસ હતાં. પાર્ટી, ક્લબ, હોટેલ, ઢાબા કે ગમે ત્યાં, વેઇટર જેવા નાનામાં નાના માણસને ભેટવું, તેની સાથે વાત કરવી, તેમની માંદગી કે અન્ય સમસ્યા ઉકેલવી, તેની સાથે વડાપાઉં ખાઇ લેવા, ચા પીવી તે તેમની ફિતરત હતી. માહિમમાં એક જગ્યાના ઢોંસા તેમને પ્રિય હતાં. એક વખત, ઓફિસમાં એક પત્રકાર રોજ કરતાં અલગ કપડાંમાં આવ્યો તો જે. ડેએ તેને હેપ્પી બર્થડે વિશ કરી. તે પત્રકાર ચોંકી ઉઠ્યો કે અને કહ્યું કે, આજે તો મારો જન્મદિન નથી. જે. ડેએ જવાબમાં કહ્યું કે, તમે અલગ કપડાં પહેર્યા તો મને લાગ્યું બર્થડે હશે. કેમ કે બર્થ ડેના દિવસે જ લોકો કંઇક અલગ પહેરે છે ને. કંઇ નહીં, તમારી વર્ષગાંઠ જ્યારે પણ હોય, આ મારી એડવાન્સમાં વિશ સમજી લેજો...
ખાસ મિત્રોને મળતા તો બે ઉચ્ચ પોલીસ અધિકારી કમર પાસે મુઠ્ઠીવાળીને સાવધાનની મુદ્રામાં એકબીજાને સેલ્યુટ કરે તે રીતે, સેલ્યુટ કરતાં હતા. મિત્રો અને પત્રકારોમાં તેઓ ‘કમાન્ડર’ તરીકે જાણીતાં હતાં. સામેવાળાને જે. ડે સરજી, સરજી કહીને બોલાવતાં. તો કેટલાક તેમને જે. ડે દાદા (વડિલ તરીકે) સંબોધતાં. ગુજરાતમાં પણ તેઓ ઘણી વાર ઇન્વેસ્ટીગેશન અને તેમજ સામાજિક કામો માટે આવેલા છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન તેમણે અહીંની પગી (ગામનું રક્ષણ કરતા પગી) પરંપરા વિશે જાણ્યું હતું અને તેના વિશે આર્ટિકલ પણ કર્યો હતો. 12 વર્ષ પહેલા તેમના મિત્રના લગ્નમાં બે દિવસ અમદાવાદના મહેમાન બન્યા હતા અને જાનમાં કલોલ ગયા હતા. એ લગ્નની જ્યોતિર્મય ડેએ ભરપૂર ફોટોગ્રાફી કરી હતી. ફોટોગ્રાફી તેમનો શોખ હતો. જોકે તેમના પોતાના બહુ જૂજ ફોટા (ઇન્ટરનેટ પર) જોવા મળે છે..
ક્રાઇમ રીપોર્ટર ઉપરાંત અને સંવેદનશીલ-મદદગાર માણસ તરીકે મિસાલ કાયમ કરનાર જે.ડે.ને અલવિદા અને છેલ્લી સલામ.
wonderful Vishal.
ReplyDeleteસારું થયું વિશાલે લખ્યું. જે ડેના આવસાન ના સમાચાર વખતે વિશાલ અમારી સાથે જ ચા પી રહ્યો હતો. મેં એને સમાચાર આપ્યા કે જે ડેની હત્યા થઇ છે. ત્યારે તેણે કહ્યું કે ઓહ મેં તો એની સાથે કામ કર્યું છે! ત્યારે જ આફ્સોસ વ્યક્ત કર્યો કે એક સારો પત્રકાર આપની વચ્ચેથી જતો રહ્યો. થોડા મહિના પહેલા મેં એમનું પુસ્તક વાંચેલું - ખલ્લાસ. મને બહુ મજા પડી એટલે એમનું મેઈલ આઈડી શોધીને એમને મેઈલ પણ કર્યો. ત્યારે એમને જવાબ આપેલો કોઈ પત્રકારે મારું પુસ્તક વાંચીને વખાણ કર્યા એમાં બહુ મજા પડી ગઈ. સંપર્કમાં રહેજો... જોકે એમનો બીજી વખત સંપર્ક થાય એ પહેલા જ એ આપણા બધાના કવરેજની બહાર નીકળી ગયા...
ReplyDeleteવિશાલભાઈ અને ઉર્વિશભાઈ આભાર...
ReplyDeleteથોડોક સમય તો વાંચતાં-વાંચતાં સારા પત્રકાર અને સારો માણસ ગુમાવ્યાનું ભાન પણ ભૂલાઈ ગયું એટલું સરસ રીતે જે.ડે.નું સ્મરણ લખાયું છે.
ઉર્વીશભાઈ,
ReplyDeleteહું વિચારતો જ હતો કે જે.ડે. જેવા જાંબાઝ ક્રાઇમ રીપોર્ટર વિષે આપ ક્યારે લખશો.
વિશાલ નો લેખ ઘણો જ સરસ.
જાણી ને ઘણું દુખ થયું કે આપના દેશ માં સત્ય ના અવાજ ને કોઈ પણ રીતે રોકી શકે તેવી દુષ્ટ "શક્તિઓ" પણ છે.
જે.ડે. ને અલવિદા.
વિશાલ, ખૂબ જ સરસ વર્ણન તે જે.ડે. વિશે કર્યુ છે...
ReplyDeleteજે.ડે.ના સ્વાભાવનો અને એક ક્રાઇમ રીપોર્ટર તરીકેની તેમની ભૂમિકાનો જે રીતે તે વર્ણન કર્યુ છે તે વાંચતા મને મારૂ ક્રાઇમ રીપોર્ટીંગ યાદ આવી ગયુ. શરૂઆતના તબક્કામાં મને મારા સિનિયર ક્રાઇમ રીપોર્ટર મનોજ કારીઆની આજ આવી ગઇ પણ તેમના ગયા બાદ હું ક્રાઇમ રીપોર્ટીંગમાં લૂલો બની ગયો. કારણકે હું મનોજ કારીઆની સરખામણી જે.ડે. સાથે કરતા જરા પણ અચકાઈશ નહી. ત્યાર બાદ મારા નવા બનેલા સિનિયરોએ તો મારુ પત્તુ જ કાપી નાખ્યુ અને મારુ ક્રાઇમ ક્રાઇમ રીપોર્ટર બનવાનું સ્વપ્ન...
જે.ડે.ને સલામ...
મિત્ર વિશાલે એક નીડર પત્રકારની કાર્યશૈલી વર્ણવી એમાં ઘણું બધું આવી જાય છે અને સમજી પણ શકાય છે. એક સારા પત્રકારને ખોયાનું દુઃખ પણ લાગ્યું. પોતાને કાયમ સિનિયરની કેટેગરીમાં મૂકવામાં વ્યસ્ત (કામમાં તો સાવ પાછા જુનિયર શબ્દને માઠું લાગી જાય એવા) પત્રકારોની લેખનશૈલી અને જ્ઞાનથી અવગત થઈએ ત્યારે તેમના પર દયા પણ આવે અને દાઝ પણ ચડે. સંદેશમાં થોડા અનુભવે ઘણું શીખવ્યું છે. દોસ્ત મનીષના અસંતોષમાં હું પણ થોડો સહભાગી ખરો.
ReplyDeletesuresh gavaniya
વિશાલ.. જે ડેનું સ્મરણ સંભારણું બની જાય તે રીતે તે મુક્યું છે. ઘણી બાબતોથી અજાણ હતો.. જાણવા મળી..
ReplyDeleteBahuj sachi anjli..bahosh patrkar j.day ne salam
ReplyDeleteખરેખર, તેમની કારકિર્દી જાણી આશ્રય થયું કે સમાજ ને ઉપયોગી થવા માં અ વ્યક્તિ એ gati ની વિરુધ દિશા માં jan ગુમાવી. Salute & Salam.
ReplyDeleteવિશાલ, ખુબ સરસ લખ્યું છે દોસ્ત.. જાણે એક નવી ઓળખાણ થઇ.. અને એક મિત્ર ગુમાવ્યાનું દુખ...
ReplyDeleteમિડ-ડે ના જાંબાઝ રીપોર્ટર જ્યોતિર્મય ડે. જે. ડે વિષે ઘણી રસપ્રદ માહિતી મળી.તેમના અણધાર્યા મૃત્યુ નું દુ:ખ રહી ગયું.
ReplyDeletegujarati patrakaratva man ava jivta k muva reporter chhe khara ?
ReplyDeleteજે.ડેના 'વિશાલ' વ્યક્તિત્વનું આબેહૂબ વર્ણન કરતો લેખ પ્રસંશાપાત્ર.
ReplyDelete