અન્ના હજારેની ગુજરાત-મુલાકાત એકંદરે સુખદ રીતે પૂરી થઇ.
ગુજરાતના મુખ્ય મંત્રીના ચાહકોની છાવણી એ વાતે રાજી થઇ કે જાહેરસભામાં- લોક સુનાવણીમાં અન્નાએ મુખ્ય મંત્રીનું નામ પાડીને ટીકા ન કરી.
અન્નાએ કરેલાં ગુજરાતના ‘વિકાસ’નાં વખાણથી ક્ષુબ્ધ થનારા એ વાતે ખુશ થયા કે અન્નાએ ગુજરાતના બહુપ્રચારિત ‘વિકાસ’ની બીજી બાજુ સાંભળી, એ ક્ષેત્રમાં કામ કરતા લોકોને મળ્યા અને તેમની લાક્ષણિક શૈલીમાં કહ્યું કે આ તો ‘ગોટાળા’ છે.
ગુજરાતના વિકાસ અંગે અન્નાનો ‘યુ-ટર્ન’ ઠીક ઠીક ચર્ચાનો વિષય બન્યો. ‘મુખ્ય મંત્રી એટલે ગુજરાત એટલે ગુજરાતની પ્રજા’ એવા સમીકરણમાં રાચતા ઘણા લોકોને, ગુજરાતમાં ગોટાળાની વાત કરતા અન્નાના નિવેદનથી ચચરાટ થયો. ‘કોઇ મુખ્ય મંત્રીનાં વખાણ કરે ત્યારે એનું પ્રમાણપત્ર ગળે લટકાવવું ને ટીકા કરે ત્યારે એને ગુજરાતવિરોધી/ ડામાડોળ માનસિકતા ધરાવનારનો શિરપાવ આપવો’- આવી વિશિષ્ટ માનસિકતા છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પાંગરી છે. તેમાં ‘કોઇ’ તરીકે ‘ઇંગ્લિશ મીડિયા’ પણ હોય ને અન્ના હજારે પણ હોઇ શકે.
અન્નાએ ગુજરાતનાં વિકાસકાર્યો સંદર્ભે કરેલું ‘ગોટાળા’વાળું નિવેદન બેશક ઉતાવળીયું અને અધકચરું છે. એક જનસુનાવણી સાંભળીને કે સ્વૈચ્છિક સંસ્થાના થોડા પ્રતિનિધિઓને મળીને એકદમ આત્યંતિક પ્રકારનું નિવેદન બહાર પાડી દેવામાં અન્નાના પક્ષે ઠરેલપણાની ખોટ કે બિનજરૂરી ઉતાવળ વરતાઇ આવે છે. મઝા એ વાતની છે કે અગાઉ અન્નાએ આથી પણ વધારે ઉભડક રીતે- વગર વિચાર્યે- કેવળ મીડિયાના અહેવાલોના આધારે- ગુજરાતના મુખ્ય મંત્રીની પ્રશંસા ફટકારી દીધી, ત્યારે અન્નાના વર્તમાન ટીકાકારોને તેમના ઠરેલપણા કે ઉતાવળ વિશે શંકા જાગી ન હતી.
ગાડી ચલાવતાં આવડતું ન હોય એવો માણસ પૂરપાટ ગાડી હંકારીને, આપણા અળખામણા પાડોશીના કમ્પાઉન્ડની દીવાલ તોડીફોડી નાખે ત્યારે આપણે હરખાઇએ, પણ એ જ ગાડી આપણા કમ્પાઉન્ડ ભણી ધસી આવતી દેખાય, ત્યારે આપણે ડ્રાઇવરની માનસિક સ્વસ્થતા વિશે કકળાટ કરીએ- એવી આ વાત છે. તેમાં પ્રાથમિક પ્રશ્ન આપણી પોતાની માનસિક સ્વસ્થતા અને વિવેકબુદ્ધિ વિશે ન થવા જોઇએ?
અન્નાનાં આડેધડ નિવેદનનો સીધો અર્થ એટલો જ થાય કે એ સારા ચળવળકાર હોઇ શકે છે- સારા વ્યૂહકાર નહીં. તે ચળવળનો ચહેરો (‘મેસ્કોટ’) બની શકે, પણ આંદોલનના પ્રવક્તા નહીં. કદાચ એ જ કારણથી તેમને હવે પત્રકારો સાથે સીધા સંપર્કમાં આવતા રોકવામાં આવે છે. સાથાસાથ, હકીકત એ પણ છે કે અન્ના વિનાનું આંદોલન એકડા વગરનું મીંડું બની જાય એમ છે. એ એક એવી પરિસ્થિતિ છે, જે ગમે કે ન ગમે, પણ તેનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી.
જમીની વાસ્તવિકતા
‘ગાંધીના ગુજરાતમાં દૂધ કરતાં દારૂ વધારે મળે છે’ એવું અન્નાનું અવતરણ મથાળા તરીકે ચટાકેદાર લાગે, પણ તેનાથી અનેક ગણી વધારે ગંભીરતા તેમની સમક્ષ રજૂ થયેલા જમીનના પ્રશ્નની હતી. મહારાષ્ટ્રમાં સ્થાનિક ગ્રામસભા પરવાનગી ન આપે ત્યાં સુધી રાજ્ય સરકાર જમીન સંપાદિત કરી શકે નહીં, એવો કાયદો લાવવાની ફરજ પાડનાર અન્ના ગુજરાતમાં એવા કાયદાના અભાવે સર્જાતી સ્થિતિ ઝડપથી સમજી શક્યા. લોકસુનાવણીમાં થયેલી રજૂઆતો અન્ના જેવા તૃણમૂલ (ગ્રાસરૂટ) સ્તરે કામ કરી ચૂકેલા કાર્યકર્તાને દ્રવિત કરવા માટે પૂરતી હતી. તેમણે રાબેતા મુજબના ઉત્સાહથી જાહેર કરી દીઘું કે જનલોકપાલનું કામ પૂરું થાય, એટલે સરકારની જમીન સંપાદન (અ)નીતિ અંગેનો મુદ્દો હાથ પર લઇશું અને એ આંદોલનની શરૂઆત ગુજરાતથી કરીશું.
ગુજરાતમાં કોઇ પણ મુદ્દાની ચર્ચાને મુખ્ય મંત્રીની તરફેણ કે વિરોધના સંદર્ભે જોવા-મૂલવવામાં આવે છે. એને કારણે વ્યાપક મુદ્દો અને તેમાં રહેલી શક્યતાઓ ઘણી વાર ચૂકી જવાય છે. (આ મુશ્કેલી તેમના પ્રશંસકોની જ નહીં, ટીકાકારોની પણ છે.)
સરકારના ઘણા નિર્ણયો એવા હોય, જેમાં મુખ્ય મંત્રી તરીકે ગમે તે હોય- ગમે તે પક્ષનો હોય, સરકારી તંત્રના વડા તરીકે તેમની ટીકા કરવાની થાય. લોકશાહીમાં આ બાબત બહુ સામાન્ય ગણાય. દસ વર્ષથી એક જ મુખ્ય મંત્રી હોય, ત્યાં સત્તાધીશવિરોધી વલણ અને મુખ્ય મંત્રીની નીતિરીતિની ટીકા પુનરોક્તિ કે પુનરાવર્તનમાં ખપી જવાની આશંકા રહે છે. ગુજરાતમાં મુખ્ય મંત્રીની ટીકા આપોઆપ રાજ્યની અને તેના અમુક કરોડ પ્રજાજનોની ટીકા બની જાય છે અને એ કરનારને ‘ગુજરાતવિરોધી ટોળકી’માં ખપાવી દેવામાં આવે છે.
અન્ના હજારે અમદાવાદ આવ્યા, રીવરફ્રન્ટની મુલાકાતે ગયા અને જમીનના પ્રશ્ને લોકસુનાવણી સાંભળી, એ માટે પણ રાબેતામુજબ ‘ગુજરાતવિરોધી ટોળકી’ની વાતો ઉછાળવામાં આવી રહી છે. ‘અન્ના સારા માણસ છે, પણ તે ગુજરાતવિરોધીઓથી ઘેરાઇ ગયા’ એવો પ્રચાર જોરમાં છે. આખી ચર્ચાને એકાદ સાથીદારની પ્રસિદ્ધિભૂખ-અંગત ગેરરીતિના સાચાખોટા આક્ષેપોમાં કે મુખ્ય મંત્રીના વિરોધ તરીકે ઉતારી પાડવામાં, કેટલીક નવી-નોંધપાત્ર સંભાવનાઓ ચૂકી ન જવાય તે જોવું રહ્યું. કોઇ એક વ્યક્તિ પ્રત્યેના ગમે તેટલા વાજબી અણગમાને લીધે સમગ્ર ચિત્ર પર કાળો કુચડો ફેરવી દેવાનું યોગ્ય નથી. અન્નાએ ગુજરાતમાં ગોટાળાની અને જમીનનું આંદોલન ગુજરાતમાંથી શરૂ કરવાની જાહેરાત કરી, તેમાંથી અન્નાસહજ આવેગનું મોટું ડિસ્કાઉન્ટ કાપી લઇએ, તો પણ કેટલીક નવી હકીકતો-શક્યતાઓ ઘ્યાન ખેંચે એવી જણાય છે.
સ્થાનિક (છતાં) રાષ્ટ્રિય આંદોલન
શક્ય છે કે અન્નાને જમીનના મુદ્દાથી પરિચિત કરાવવા પાછળ આયોજકોનો આશય ગુજરાતના મુખ્ય મંત્રી પ્રત્યેનો તેમનો અભિપ્રાય બદલવાનો હોય. છતાં જમીનના પ્રશ્નની રજૂઆતનું અંતીમ ઘ્યેય કેવળ મુખ્ય મંત્રીને નીચા પાડવા જેટલું સીમિત કે સંકુચિત ન હોઇ શકે. કારણ કે મૂળભૂત મુદ્દો વંચિતતા વધારે એવા વિકાસના મોડેલનો છે- અને એ બાબતે કોંગ્રેસ કે ભાજપ, મુખ્ય મંત્રી કે વડાપ્રધાન- સૌ એક નાવમાં સવાર છે.
અત્યાર સુધી ભ્રષ્ટાચાર સામે જનલોકપાલની માગણી અંગેની અન્નાની લડત વિશે અનેક સવાલ થતા રહ્યા છે- ખાસ કરીને, એ લડતમાં રહેલા વ્યાપક દર્શનના અભાવ અંગે. ભ્રષ્ટાચારનો મુદ્દો અગત્યનો છે, પરંતુ તે કેવળ રાજકીય કે વહીવટી (નેતાઓ-અફસરોને સ્પર્શતો) નહીં, સામાજિક પ્રશ્ન પણ છે. ભ્રષ્ટાચારનો વિરોધ કરતા નાગરિકોમાંથી પણ કેટલા પોતે ભ્રષ્ટાચારમાંથી બાકાત હોવાનો દાવો કરી શકશે? આ પરિસ્થિતિમાં જનલોકપાલ જેવી સંસ્થાથી થોડોઘણો ફરક પડી શકે, પણ દેશના લાખો સામાન્ય લોકોના અસ્તિત્ત્વ સાથે તેને કેટલી લેવાદેવા હોય એ સવાલ.
પરંતુ અન્ના જેવા લોકોને આંદોલિત કરવાની ક્ષમતા ધરાવતા આગેવાન રાજ્ય કે પક્ષના બાધ વિના, દેશભરના લોકોના વર્તમાન અને ભવિષ્યને સ્પર્શતો જમીનનો મુદ્દો હાથ ધરે તો?
અને એ તરફ આંગળી ચીંધવાનો જશ અન્નાની અમદાવાદ મુલાકાતને મળે તો ?
આ રીતે વિચારતાં, જમીનમુદ્દામાં અન્નાએ લીધેલો રસ આંદોલનના ભટકાવ તરીકે નહીં, પણ વિસ્તાર તરીકે જોઇ શકાય - અને ગુજરાત ફરી એક વાર ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને નવી, વ્યાપક જનહિત ભણીની દિશા આપનારું રાજ્ય બની રહે એવી આશા પણ સેવી શકાય. કેમ કે, અમદાવાદ મુલાકાતમાંથી ફૂટેલા નવા ફણગાના પરિણામે, ભ્રષ્ટાચારવિરોધની આખી ઝુંબેશમાં પહેલી વાર વંચિતોના સીધા હિતનું તત્ત્વ ઉમેરાય એમ છે. કેવળ એક (કેન્દ્ર) સરકારના વિરોધ પર અટકી ગયેલું આંદોલન ત્યાર પછી રાજ્યોમાં ફેલાય, જમીનને લગતા સ્થાનિક સવાલો હાથમાં લે અને ખરા અર્થમાં તે પ્રજાકીય આંદોલન બની રહે. એ આંદોલન માટે મનમોહન, માયાવતી કે મોદી- બધાં સરખાં જ હોય. કારણ કે તેની નિસબત આડેધડ વિકાસનો ભોગ બનતા લોકો પ્રત્યે હોય.
અત્યારે આ શક્યતા દીવાસ્વપ્ન કે આશાવાદ જેવી લાગી શકે, પણ તેને વાસ્તવિક સ્વરૂપ આપવાનું કામ એકલા અન્ના હજારે કે સાથીદારોનું નથી. વઘુ ને વઘુ લોકો આંદોલન સાથે સંકળાય, અત્યાર લગી સંકળાયેલા લોકોમાંથી સ્વચ્છ-નિર્વિવાદ છબી ધરાવતા લોકો મોખરે રહીને વઘુ લોકોને -વઘુ સમુદાયોને- કેટલીક બાબતોમાં મતભેદ ધરાવતા લોકોને પણ જમીનહકના મુદ્દે આંદોલનમાં સાંકળવા પ્રયાસ કરે, તો અન્નાનું આંદોલન નવા, વિસ્તરેલા સ્વરૂપે ફક્ત ગુજરાતના જ નહીં, બીજાં ઘણાં રાજ્યોના વંચિતોનું, સ્થાનિક છતાં રાષ્ટ્રિય આંદોલન બની રહે.
નવું નવનિર્માણ
ભ્રષ્ટાચારવિરોધી આંદોલન દ્વારા નવી દિશા પૂરી પાડવાની ભૂમિકા અગાઉ પણ એક વાર ગુજરાત ભજવી ચૂક્યું છે. ૧૯૭૪માં થયેલું નવનિર્માણ વિદ્યાર્થી આંદોલન ભલે ધાર્યાં પરિણામ ન લાવી શક્યું, પણ તમામ મર્યાદાઓ સહિત, જયપ્રકાશ નારાયણ જેવા દિગ્ગજ નેતાને તે આંદોલને નવી દિશા-નવી આશા પૂરી પાડી હતી. ખુદ જયપ્રકાશ નારાયણે નોંઘ્યું હતું, ‘ ગુજરાતના આ (નવનિર્માણ) આંદોલને મને પ્રકાશ દેખાડ્યો. દેશની પરિસ્થિતિ વિશે હું ભારે ચિતિત હતો. પણ મને કોઇ માર્ગ સૂઝતો ન હતો. હું અંધારામાં ખંખોળતો હતો, ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ આ આંદોલનની મશાલ ચેતાવી અને તેમાંથી મને પ્રકાશ મળ્યો. પછીથી દેશમાં જે નવી જાગૃતિ આવી, તેનો આરંભ કરવાનું શ્રેય ગુજરાતના વિદ્યાર્થીઓને છે.’
એવી તો કઇ ખૂબી હતી ગુજરાતના આંદોલનની? જેપીના જ શબ્દોમાં : ‘ગુજરાતના આ આંદોલને ભારતમાં પ્રથમ વાર લોકશાહી તંત્રમાં લોકોનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું અને તેય સંગઠિત એવા તમામ રાજકીય પક્ષોની ઉપરવટ જઇને, સામાન્ય લોકોની ઇચ્છાનું પ્રતિપાદન તેણે કર્યું. આમાં સૌથી મુખ્ય વાત એ હતી કે જનશક્તિ રાજ્યશક્તિ કરતાં સર્વોપરી છે, રાજ્યશક્તિ જનશક્તિને આધીન છે.’
ચારેક દાયકા પહેલાં ગુજરાતને મળી હતી- કે ગુજરાતે લીધી હતી- એવી તક ફરી એક વાર અન્નાની મુલાકાતના પગલે ગુજરાત પાસે આવીને ઉભી છે. જરૂર છે ‘રાજ્યશક્તિ’ની વ્યક્તિવાદી-સાંકડી વ્યાખ્યામાંથી નીકળીને, તેની સામે પ્રજાશક્તિની વ્યાપક-વિશાળ વ્યાખ્યાને અપનાવવાની.