ગુજરાત-મહારાષ્ટ્રનો સ્થાપના દિન ૧ મે બન્ને રાજ્યોની સત્તાવાર ઉજવણીના માહોલમાં વીતી જાય છે. પરંતુ ૧ મે, ૧૯૬૦ પહેલાં અને ત્યાર પછી પણ ભાષાના આધારે રાજ્યોની વહેંચણીનો મુદ્દો તીવ્ર પ્રતિક્રિયા જગવતો રહ્યો છે.
ગુજરાત આઝાદી વખતે મુંબઇ રાજ્યનો હિસ્સો હતું, એ વાત છેલ્લી એકાદ-બે પેઢીને ‘હા, એવું કંઇક સાંભળ્યું છે ખરું’ પ્રકારની લાગી શકે. ભાષાકીય બહુમતી માટે જુદું રાજ્ય માગવાના મુદ્દે દલીલો અને આક્ષેપો, રાજકારણ ને અર્થકારણના કેવા આટાપાટા ખેલાયા હશે, તેનો અત્યારે ભાગ્યે જ અંદાજ આવે.
પરંતુ લેવાનારા નિર્ણયો વિશેની ગરમાગરમ ચર્ચા અને અભિપ્રાયો, એ નિર્ણયો અમલમાં મૂકાયાના પાંચ-છ દાયકા પછી ફરી તપાસવાની જુદી જ મઝા છે.
આઝાદીની આસપાસ
આઝાદી પહેલાંના મુંબઇ રાજ્યમાં હાલના ગુજરાત-મહારાષ્ટ્રના ઘણા પ્રાંતનો સમાવેશ થતો હતો, પણ રજવાડાંથી છવાયેલું સૌરાષ્ટ્ર અને કચ્છ તેમાંથી બાકાત હતાં. મુંબઇ રાજ્યમાંથી ગુજરાતીભાષી ગુજરાત અને મરાઠીભાષી મહારાષ્ટ્રના અલગ પડવાનો પ્રશ્ન આઝાદી પછીના દાયકામાં ઉભો થયો. તેની સાથેનો, બલ્કે વધારે સળગતો સવાલ હતોઃ મુંબઇને મહારાષ્ટ્ર સાથે જોડવું કે તેને અલગ ‘સીટી સ્ટેટ’ બનાવવું?
મુંબઇ રાજ્યના વિભાજનો વિખવાદ જાગ્યો તેના દાયકાઓ પહેલાં, ૧૯૧૩થી ભાષા આધારિત પ્રાંતોનો ખ્યાલ માથું ઉંચકવા લાગ્યો હતો. તેલુગુભાષીઓને પોતાનું અલગ આંધ્ર જોઇતું હતું. કોંગ્રેસનો એ વખતે ચડતો સિતારો હતો. ગાંધીજીના આગમન પછી નાગપુર અધિવેશન (૧૯૨૦)માં ફક્ત વકીલો-બેરિસ્ટરોને બદલે આમજનતા માટે પણ કોંગ્રેસના દરવાજા ખુલી ગયા. એ અધિવેશનમાં કોંગ્રેસે પક્ષના વહીવટની સરળતા ખાતર આખા દેશને ભાષા આધારિત ૨૧ ભાગ (રાજ્યો)માં વહેંચ્યો. અખંડ ભારતના એ સમયના નકશામાં બર્મા (અત્યારના મ્યાંમાર)નો સમાવેશ પણ થતો હતો.
તેલુગુભાષીઓની ૧૯૧૩થી શરૂ થયેલી માગણી સમય જતાં મોળી પડવાને બદલે મજબૂત બની, પરંતુ અંગ્રેજોનું રાજ હતું ત્યાં સુધી સિધ અને ઓરિસ્સા સિવાય બીજો કોઇ નવો પ્રાંત રચાયો નહીં. આઝાદી હાથવેંતમાં હતી અને ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભા નીમાઇ ત્યારે ભાષાકીય પ્રાંતોની રચના માટેની માગણી સતત ચાલુ રહી. કોંગ્રેસ એ માગણીનો સ્પષ્ટ વિરોધ કરી શકે એમ ન હતી. કારણ કે તેણે પોતે એ સિદ્ધાંતના આધારે પ્રાંતો પાડીને પ્રાદેશિક સમિતિઓ નીમી હતી. એટલું જ નહીં, અંગ્રેજી શાસનમાં થયેલી પહેલી ચૂંટણી (૧૯૩૫)ના ઢંઢેરામાં કોંગ્રેસે જાહેર કર્યું હતું કે ‘રાષ્ટ્રમાં દરેક જૂથ અને પ્રાદેશિક વિસ્તારની સ્વતંત્રતા જળવાઇ રહે તથા રાષ્ટ્રના વિશાળ માળખામાં તેનો વિકાસ થાય...એ માટે ભાષાકીય અને સાંસ્કારિક ધોરણે આ પ્રકારના પ્રદેશો અને પ્રાંતોનો વિચાર થવો ઘટે.’
ગાંધીજીને પ્રાંતોની પુનઃરચના માટે ભાષાકીય પાયો સાચો લાગતો હતો. પણ આઝાદીની આસપાસના અરસામાં તેમનું વલણ એ જાતનું હતું કે ‘અત્યારની અશાંત પરિસ્થિતિ પ્રાંતોની પુનઃરચના કરવાનો યોગ્ય સમય નથી.’ રાજ્યો લડવા-ઝઘડવાને બદલે અંદરોઅંદર સમજીને સરહદો નક્કી કરે એવું તેમનું સૂચન હતું. (જેનો અમલ ત્યારે પણ અશક્ય લાગે એટલી હુંસાતૂંસીનું વાતાવરણ હતું.)
આઝાદી પછી ભાષાઆધારિત પ્રાંતોની લોકલાગણી-માગણી સંતોષવા માટે એસ.કે.ધારની આગેવાની હેઠળ ભાષાવાર પ્રાંત પુનઃરચના માટેનું ‘ધાર કમિશન’ રચાયું. તેનો અહેવાલથી અસંતોષમાં ઘટાડો ન થતાં, એ જ વર્ષે, ૧૯૪૮માં કોંગ્રેસે જવાહરલાલ, વલ્લભભાઇ અને પટ્ટાભિ સીતારમૈયા- એમ ત્રણ વરિષ્ઠ નેતાઓનું બનેલું ‘જેવીપી કમિશન’ નીમ્યું. ૧૯૪૯માં આ કમિશને રજૂ કરેલા અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે ‘ભાષા કેવળ એકતાનું નહીં, વિખવાદનું કારણ પણ છે.’ અને ‘કોંગ્રેસે ભાષાવાર પ્રાંતોના સિદ્ધાંતને બહાલી આપી ત્યારે તેના વ્યવહારુ સવાલોનો અને બધાં પરિણામોનો ખ્યાલ કર્યો ન હતો.’ ભાષા આધારિત વિભાજનની વાત કરતી વખતે દેશની એકતા, સુરક્ષા અને આર્થિક સ્થિતિને પ્રાથમિકતા આપવી જોઇએ, એવું જાહેર કરવા છતાં, લોકલાગણીને માન આપવાનો વિકલ્પ તેમાં રખાયો હતો.
એ દિવસ માટે ઝાઝાં વર્ષ રાહ ન જોવી પડી. ૧૯૫૨માં તેલુગુભાષી આંધ્રપ્રદેશની માગણી સાથે પોટ્ટી સીરામુલુએ આમરણ ઉપવાસ કર્યા. ૫૬ દિવસના ઉપવાસ પછી તેમનું મૃત્યુ થતાં તોફાનો ફાટી નીકળ્યાં, પરિસ્થિતિ બેકાબૂ બની અને કેન્દ્ર સરકારે તરત અલગ આંધ્ર પ્રદેશનું વચન આપી દીઘું. તેનો અમલ પણ કરી દીધો.
આઝાદ ભારતમાં ભાષા આધારિત પ્રાંતરચનાનો આ પહેલો પ્રસંગ હતો.
ગુજરાતીઓ, મુંબઇ અને ડો.આંબેડકર
બંધારણની ડ્રાફિ્ટંગ કમિટીના અઘ્યક્ષ, પ્રખર વિદ્વાન અને તેજસ્વી ધારાશાસ્ત્રી ડો.આંબેડકરે ૧૯૪૮માં રચાયેલા ધાર કમિશન માટે એક અભ્યાસપૂર્ણ આવેદનપત્ર તૈયાર કર્યું હતું. ‘મહારાષ્ટ્ર એઝ એ લિગ્વિસ્ટિક પ્રોવિન્સ’ મથાળું ધરાવતી એ રજૂઆતમાં મુખ્ય બે વિવાદાસ્પદ મુદ્દા ચર્ચવામાં આવ્યા હતાઃ મરાઠીભાષીઓના મહારાષ્ટ્રમાં કયા પ્રદેશો લેવા અને મુંબઇને મહારાષ્ટ્રથી અલગ રાખવું કે સાથે.
અલગ ગુજરાતની રચનામાં વિખવાદો હતા- ખાસ કરીને ડાંગ અને આબુને ગુજરાતમાં ભેળવવા બાબતે. પરંતુ ગુજરાતીઓ-મરાઠીઓ વચ્ચેનો વઘુ આકરો સંઘર્ષ મુંબઇના મુદ્દે જાગ્યો. ભૂગોળની રીતે મુંબઇને ગુજરાત સાથે ભેળવવાનું શક્ય ન હતું. પણ ગુજરાતીઓમાં પ્રવર્તતી સામાન્ય છાપ એવી હતી કે ‘મુંબઇની જાહોજલાલીમાં ગુજરાતીઓનો મોટો હિસ્સો છે. મુંબઇ મહારાષ્ટ્રમાં ભળી જશે તો મુંબઇના ગુજરાતીઓને વેઠવાનું આવશે.’ તેમની માગણી હતી કે મુંબઇનું અસ્તિત્ત્વ મહારાષ્ટ્ર અને ગુજરાત બન્નેથી અલગ રહેવું જોઇએ, જેથી ગુજરાતીઓનું હિત અને ખાસ તો તેમની મુંબઇ પરની પકડ જળવાઇ રહે.
આ હિલચાલથી મરાઠીભાષીઓ ઉકળી ઉઠ્યા હતા. ડો.આંબેડકરે નેતાના ઉકળાટને બદલે વકીલની ટાઢકથી ૧૯૪૮માં ભાષાવાર પ્રાંત પુનઃરચના કમિશન સમક્ષ પોતાની દલીલો રજૂ કરી. આગળ જતાં ૧૯૫૫માં તેમણે ‘થોટ્સ ઓન લિગ્વિસ્ટિક સ્ટેટ્સ’ નામે અભ્યાસલેખ દ્વારા ફરી એક વાર આંકડા સહિત દાખલાદલીલો ટાંકીને પોતાની સજ્જતા-વિદ્વત્તાનો પરિચય આપ્યો. ભાષાવાર પ્રાંતો અંગે પોતાના અગાઉના કેટલાક વિચારો, પૂરતી માહિતી અને વિગતો મળ્યા પછી બદલાયા છે, એવું જાહેર કરીને ડો.આંબેડકરે લખ્યું હતું કે ‘ભાષાવાર રાજ્યો જરૂરી છે, પણ તે ધાકધમકી કે મવાલીગીરીથી નક્કી થવાં ન જોઇએ. એ જ પ્રમાણે, સાંકડાં પક્ષીય હિતોને ઘ્યાનમાં રાખીને પણ આ સવાલ ઉકેલાવો ન જોઇએ.
પ્રાંત પુનઃરચના કમિશન મુંબઇ રાજ્યને ‘આદર્શ’ પ્રકારનું મિશ્રભાષી રાજ્ય ગણાવતું હતું, પરંતુ ડો.આંબેડકરના મતે ગુજરાતી-મરાઠી ભાષીઓના મિશ્રણ જેવું મુંબઇ સદંતર નિષ્ફળ હતું. તેમણે લખ્યું હતું કે ‘છેલ્લાં વીસ વર્ષમાં ગુજરાતીઓ અને મરાઠીઓ વચ્ચે જે જાતની શત્રુવટ ઉભી થઇ છે, એ જોતાં ભાગ્યે જ મુંબઇ રાજ્યને કોઇ આદર્શ ગણી શકે.’
‘એક ભાષા લોકોને જોડે છે અને બે ભાષા તેમના ભાગલા પાડે છે’ એમ જણાવીને ડો.આંબેડકરે કહ્યું હતું કે ભાષાવાર રાજ્યો ભલે અલગ પડે, પણ તેમની સત્તાવાર ભાષા એક જ (હિદી) હોવી જોઇએ...જે ભારતીય આ દરખાસ્તને ભાષાવાર પ્રાંતના અભિન્ન અંગ તરીકે સ્વીકારે નહીં, તે કદાચ સો ટકા મરાઠી, સો ટકા ગુજરાતી કે સો ટકા તમિલ હોઇ શકે, પણ સો ટકા ભારતીય કદાપી ન હોય.’ ભાષાવાર રાજ્યોમાં સ્થાનિક ભાષાને સત્તાવાર દરજ્જો આપવાનું પગલું તેમને ભારતની અખંડિતતા માટે વિઘાતક લાગ્યું હતું.
‘મુંબઇ ગુજરાતીઓનું છે’ એવી દલીલને ડો.આંબેડકરે અનેક તાર્કિક જવાબો સાથે ફગાવી દીધી હતી. મુંબઇને મહારાષ્ટ્રથી અલગ રાખવાના મુદ્દે એ કહેતા હતા કે મદ્રાસ કે કલકત્તા અલગ ‘સીટી સ્ટેટ’ ન હોય તો ફક્ત મુંબઇ જ શા માટે? ગુજરાતીઓના દાવાનો અસ્વીકાર કર્યા પછી જોકે, તેમણે મુંબઇને અલગ રાખવું જ હોય તો તેની આર્થિકથી માંડીને વીજળી સહિતની કઇ જરૂરિયાતોનો વિચાર થવો જોઇએ, તેની વાત કરી હતી. ‘એક રાજ્ય, એક ભાષા’નો ખ્યાલ તેમને મંજૂર હતો, પણ ‘એક ભાષા, એક (જ) રાજ્ય’ તેમને કબૂલ ન હતું. તેમણે મુંબઇ રાજ્યમાંથી અલગ પડેલા મરાઠીભાષી મહારાષ્ટ્રને ચાર ભાગમાં વહેંચવાની યોજના રજૂ કરી હતી. તેમના મતે એક જ ભાષા ધરાવતા પ્રદેશને કેટલાં રાજ્યોમાં વહેંચવો જોઇએ, એ નક્કી કરવા માટે વહીવટી અસરકારકતા, વિવિધ વિસ્તારોની ખાસ જરૂરિયાતો, જુદા જુદા વિસ્તારોની લાગણી અને બહુમતી-લધુમતીનું પ્રમાણ ઘ્યાનમાં લેવાં જોઇએ. ભાષાકીય લધુમતીના હકો જોખમાય નહીં એ માટે તેમણે બંધારણમાં ફેરફાર કરવાનું પણ સૂચવ્યું હતું.
મુંબઇને મહારાષ્ટ્રથી અલગ રાખવા સામે મરાઠીઓનો વાંધો દૂર કરવા માટે તેમણે મુંબઇને ‘મહારાષ્ટ્ર સીટી સ્ટેટ’ જેવું નામ પણ સૂચવ્યું હતું, જેથી તે મહારાષ્ટ્રનો જ ચોથો હિસ્સો બની રહે. તેમની દૃઢ પ્રતીતિ હતી કે એક ભાષા બોલતા રાજ્યના જુદા જુદા હિસ્સા વચ્ચે પણ અનેક પ્રકારની અસમાનતા હોય છે. (ગુજરાતમાં પણ તે અનુભવી શકાય છે.) તેમને એક છત્ર નીચે લાવવાથી પ્રભુત્વ ધરાવનારા પ્રદેશના લોકો વધારે મજબૂત બનશે અને વંચિત પ્રદેશના લોકો વધુ ને વઘુ ખૂણામાં ધકેલાશે. ડો.આંબેડકરે તો આખા દેશ માટે એક પાટનગર અપૂરતું ગણાવીને, હૈદ્રાબાદ-સિકંદરાબાદ વિસ્તારમાં બીજું પાટનગર સ્થાપવાનું સૂચવ્યું હતું. તેનાથી બીજા ફાયદા ઉપરાંત ‘ઉત્તર ભારતીયો અમારી પર રાજ કરે છે’ એવી દક્ષિણના લોકોની ફરિયાદ પણ દૂર થશે એવી તેમની દલીલ હતી.
આશા અને આશંકા
ભાષાવાર પ્રાંતરચનાનાં જોખમોથી પૂરેપૂરા વાકેફ એવા ડો.આંબેડકર મુંબઇના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાત-મહારાષ્ટ્ર છૂટાં પડી જાય એમ ઇચ્છતા હતા, ત્યારે ઉમાશંકર જોશી કે દાદા ધર્માધિકારી જેવા અગ્રણીઓએ ભાષા આધારિત પ્રાંતોનો કડક વિરોધ કર્યો હતો. ભાષા પુનઃરચના પંચની કામગીરીની આકરી ટીકા કરીને, ડો. આંબેડકરે જે સંયુક્ત મુંબઇ રાજ્યને ‘સદંતર નિષ્ફળ’ નિષ્ફળ ગણાવ્યું હતું, તેના વિશે ઉમાશંકરે લખ્યું હતું, ‘(પંચ) દ્વારા રાજકારણીઓએ દેશની રહીસહી એકતાને છેક ચૂંથી નાખી. તેમાંથી મુંબઇનું બૃહદ રાજ્ય એક આશાસ્પદ અપવાદરૂપે બચી જવા પામ્યું છે. ભવિષ્યમાં પશ્ચિમ મંડળ (વેસ્ટર્ન ઝોન) તરીકે એ વિકસશે અને હિદમાં એવાં બીજાં બેચાર મંડળોની રચના માટે પ્રેરણારૂપ બનશે, એવી આશા રાખીએ. (સંસ્કૃતિ, નવેમ્બર, ૧૯૫૬)
ગુજરાત અને મુંબઇ સહિતનું મહારાષ્ટ્ર ૧ મે, ૧૯૬૦ના રોજ અલગ પડ્યાં, તેના પછીના વર્ષે કંઠી વગરના ગાંધીવાદી વિદ્વાન દાદા ધર્માધિકારીએ કહ્યું હતું, ‘આજે આપણે બહુરાજ્યવાદ અને બહુરાષ્ટ્રવાદમાં ચકચૂર છીએ...આજે દેશમાં...નર્યો ઉદ્દંડ ભાષાવાદ છે. એમાંથી ભાષાવાર રાજ્યોનો જન્મ થયો છે. અહીંનું એ દુર્ભાગ્ય છે કે અહીંની સંસ્કૃતિ, ઇતિહાસ, ભાષા, લિપિ બઘું સંપ્રદાય સાથે ચાલે છે.’
ભાષાવાર પ્રાંતરચનાનો મુદ્દો મોટા ભાગના પ્રાંતો પૂરતો હવે ઉકલી ગયો છે. પરંતુ ‘સંસ્કૃતિ’ (ઓગસ્ટ, ૧૯૫૬)માં ઉમાશંકર જોશીએ આપેલી ચેતવણી, વર્તમાન ગુજરાતના શાસકોના વલણને ઘ્યાનમાં રાખતા યાદ રાખવા જેવી લાગે છે. તેમણે લખ્યું હતું,‘અત્યારે આપણો સૌથી મોટો દુશ્મન છે ઉપરાષ્ટ્રવાદ (સબનેશનાલિઝમ). તેને દૂર કરવા માટે જે કંઇ કરીએ તે ઓછું છે.’
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના પક્ષીય ઝઘડામાં પ્રાંતવાદ અને ઉપરાષ્ટ્રવાદનું ઝેર રેડવાથી સરવાળે રાષ્ટ્રનું હિત થશે કે અહિત, તે સૌએ વિચારવાનું છે.
સરસ લેખ થયો છે. આ મુદ્દે એક વાર હું 'અધીકાર'માં વક્તવ્ય આપવા ગયેલો એટલે આંબેડકર ના વીચારોનો અભ્યાસ કરેલો. એમની કેટલીક વાતો મને આજના સંદર્ભે ખુબ જ પ્રભાવી લાગેલી, તો કેટલીક ઝનુની (overly passionate) પણ! ભાષાવાર રાજ્યો બન્યા તે, તે સમયના સંદર્ભે યોગ્ય નીર્ણય હું પણ માનું છું. ઉમાશંકર કે ધર્માધીકારી જે કહે છે તે 'આદર્શ' ની વાત છે. પરંતુ આદર્શની મંઝીલ સીદ્ધ કરવા માટે વ્યવહારુ રસ્તાઓ લેવા પડતા હોય છે તે તો જાહેર જીવનમાં પડેલા લોકો જ સમજી શકે. હવે એ આદર્શ સીદ્ધ કરવો આપણા હાથમાં છે. ચાલો, આપણે આપણા મનગમતા રાજ્યોમાં જઈ-વસીને ભાષાવાર બનેલા રાજ્યોને એની ભાષા ઓળખ ભુલાવી દઈએ! આ દ્રષ્ટીકોણથી જ ભારતમાં વસનાર નાગરીકને કોઈ પણ રાજ્યમાં જઈને વસવાનો અધીકાર આપેલો છે ને. - કીરણ ત્રીવેદી
ReplyDeleteખરેખર માહિતીપ્રદ ઉર્વીશભાઈ. બી.આર.આંબેડકર વિશે ક્યાંય ગુજરાતી લેખ માં આટલું વાંચ્યું નથી. ગુજરાત અને બૃહદ મુંબઈ નો ઈતિહાસ પણ ઘણો માહિતીપ્રદ છે.અંતિમ ફકરા માં કહેલી ઉપરાષ્ટ્રવાદ (સબનેશનાલિઝમ) ની વાત પણ ઘણી સચોટ અને સૂચક છે.કાશ લોકો સમજી સકતા હોત.જયારે સમજણ પડશે ત્યારે પસ્તાવા નો પણ સમય નહિ હોય.
ReplyDeleteTq so much my preparation in your knowledge
ReplyDelete