કોઇ શહેર માટે છ સદી જોયાનો સૌથી મોટો ફાયદો કયો? એક જવાબ છેઃ પલટાતી પરંપરાઓની વચ્ચેથી પસાર થતો સાતત્યનો સૂક્ષ્મ દોરો. સુલતાનો જાય ને મોગલો આવે, મરાઠા જાય ને અંગ્રેજો આવે, દુકાળ જાય ને પૂર આવે, કોલેરા જાય ને મરકી (પ્લેગ) આવે, મિલ જાય ને મોલ આવે- છતાં ‘કુછ બાત હૈ કિ મીટતી હસ્તી નહીં હમારી’- એ રીતે અમદાવાદ ઊભું છે.
અમદાવાદના મુસ્લિમ ઇતિહાસ સૂગ ધરાવનારો એક વર્ગ પણ અમદાવાદમાં-ગુજરાતમાં મોજૂદ છે. તે નજીકના ભૂતકાળની અશાંતિનાં મૂળ દૂરના ભૂતકાળમાં શોધવા અને બને તો રોપવા મથે છે. અમદાવાદને મૂળભૂત રીતે હિંદુ સાબીત કરવાનો અને તેનું નામ બદલીને કર્ણાવતી કરવાનો પ્રયાસ એ જ માનસિકતાનું પરિણામ હતો. એ ઘ્યાનમાં રાખતાં મુસ્લિમ તિથી પ્રમાણે અમદાવાદનો સ્થાપના દિવસ ઉજવવાનો નિર્ણય આવકાર્ય પરિવર્તન છે- ભલે તે સૌહાર્દ કે સમજણને બદલે ઉત્સવપ્રિયતાથી લેવાયો હોય.
છસો વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદના માહત્મ્યની ગાથાઓ ગવાતી રહેશે. તેનું મહત્ત્વ તેની જગ્યાએ. પણ રાબેતા મુજબ, ઉજવણું કરી લીધા પછી સૌ સૌના રસ્તે પડી જાય, તેનો કશો અર્થ નહીં. મેગાસીટી અમદાવાદની પ્રગતિથી સમાજનો બોલકો વર્ગ પૂરતો અંજાયેલો છે. પરંતુ ઉજવણી અને અહોભાવની ઝાકઝમાળથી સહેજ દૂર ઉભા રહીને, અમદાવાદની અત્યાર સુધીની સફર અને હવે પછીના માર્ગ પર નજર નાખતાં શું દેખાય છે? બીજા શબ્દોમાં કહીએ તો, ચકાચક રસ્તા, ફ્લાયઓવર અને મોલ-મલ્ટીપ્લેક્સ, રીવરફ્રન્ટ-કાંકરિયાના અમદાવાદ પાસેથી હજુ કઇ અપેક્ષા બાકી રહે છે?
યાદી લાંબી છે. અગત્યની હોવા છતાં પરચૂરણ લાગે એવી છે. થોડી ઘૂળવાળી પણ ખરી. કારણ કે આડા હાથે (કે સીધા હાથે જ) મૂકાઇ ગયેલી છે. પરંતુ અશક્ય બિલકુલ નથી. અમદાવાદ સાવ મુંબઇ થઇ જાય - એટલે કે તેનો વહીવટ એક દુઃસ્વપ્ન સમાન બની જાય તે પહેલાં સામુહિક હિતનો વિચાર કરીને સૌ - ખાસ કરીને બોલકા વર્ગ સિવાયના લોકો- પોતપોતાની રીતે યાદી બનાવે અને જૂથમાં પોતપોતાના પ્રતિનિધિઓને આપે, એ પણ અમદાવાદનાં ૬૦૦ વર્ષ ઉજવવાની એક રીત હોઇ શકે છે.
અસામાન્ય ઉપેક્ષા, સામાન્ય અપેક્ષા
- અમદાવાદનો વિકાસ એટલે રસ્તા પર ડામર-કપચીના થર ઉપર થર ને એની ઉપર બીજા થર- એટલું જ? અત્યારની વિકાસવ્યાખ્યા કંઇક એવી જ બંધાઇ ગઇ છે.
રસ્તા એટલે? વાહનો માટેના રસ્તા! અમદાવાદ શહેરમાં તમામ ઊંમરના રાહદારીઓ છે, સાયકલ ચલાવનાર બહુ મોટો વર્ગ છે. તેમની જરૂરિયાત અને મુશ્કેલીને છેલ્લાં થોડાં વર્ષોમાં સદંતર વિસારે પાડી દેવામાં આવી છે. નવા રસ્તા બને છે, જૂના રસ્તા પહોળા થાય છે, પણ મહત્તમ જગ્યા વાહનોને ફાળવવામાં આવે છે. ‘જનમાર્ગ’ (બી.આર.ટી.) જેવી આવકારદાયક બસસેવા શરૂ થઇ છે, પણ તેનાં બસસ્ટેન્ડ સુધી પહોંચવાના કે બસમાંથી ઉતર્યા પછી રસ્તો ઓળંગીને સામે બાજુ જવાના પ્રશ્નો ગંભીર છે. કારણ કે ચાલનારનું અમદાવાદમાં ક્યાંય સ્થાન નથી. ચાલવું જાણે ફક્ત જોગિંગ પૂરતું મર્યાદિત થઇ ગયું હોય એવું વ્યાપક વલણ જોવા મળે છે. ફક્ત અંધજનો કે શારીરિક મર્યાદા ધરાવતા લોકો માટે જ નહીં, સામાન્ય, સ્વસ્થ-તંદુરસ્ત ચાલનાર માટે પણ અમદાવાદની સડકો પર ચાલવું ‘એડવેન્ચર સ્પોર્ટ્સ’નો એક પ્રકાર છે. ૬૦૦મા વર્ષ નિમિત્તે શહેરમાં ૬૦૦ નહીં તો ૬૦ ગીચ વિસ્તારોમાં પણ ચાલનારા માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી શકાય. તેનાથી રાહદારીઓની કે ટ્રાફિકની સમસ્યા તો હળવી થાય, પણ વઘુ મોટો સંદેશ એ મળે કે આયોજનકર્તાઓ પગે ચાલનારાને અમદાવાદના નાગરિક ગણે છે.
- અમદાવાદમાં જૂના વખતથી હિંદુ અને મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારો હતા, પરંતુ બન્ને કોમના રહેણાક સંપૂર્ણપણે અલગ થઇ જાય અને શહેર ‘આપણા’ અને ‘એમના’ વિસ્તારોમાં વહેંચાઇ જાય, એ અસહ્ય છે. આ રીતે શહેરની નવી પેઢીનો સ્કૂલના સ્તરેથી જ સામાજિક સંપર્ક પોતાના વર્તુળ અને પોતાના સમાજ પૂરતો મર્યાદિત બની જાય છે. અમદાવાદની સહિયારી સંસ્કૃતિ રથયાત્રા જેવા એકલદોકલ તહેવારમાં સમેટાઇને રહી જાય છે. હિંદુ-મુસ્લિમ ભાઇ-ભાઇ જેવાં ઠાલાં આદર્શ સૂત્રો પોકારવાની વાત નથી, પણ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઘસાતા સંપર્કના વઘુ ને વધુ સેતુ ઉભા કરવા જરૂરી છે.ખરૂં અમદાવાદ કોમ આધારિત વિસ્તારોમાં નહીં, પણ બન્નેના સહઅસ્તિત્ત્વમાં વસે છે. અમદાવાદના હેરિટેજની ચિંતા કરનારા અને એ દિશામાં કામ કરનારા લોકો નિર્જીવ મકાનોની સાથોસાથ અમદાવાદના એક સમયે ધબકતા-સજીવ એવા સહઅસ્તિત્ત્વનો સાંસ્કૃતિક વારસો પુનઃસ્થાપિત કરવામાં પણ થોડું ઘ્યાન આપે.
- અમદાવાદમાં મેગાસીટીના દરજ્જાને છાજે એવાં જાહેર શૌચાલયો કેટલાં છે? અને તેની સામે, સડકના કિનારે ફૂટી નીકળેલાં ધર્મસ્થાનો કેટલાં છે? પરંતુ જાહેર શૌચાલયો બોલકા વર્ગની જરૂરિયાતમાં આવતાં નથી. એટલે આ મૂળભૂત સવલતનો વિકાસની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી.
- ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાના અને નવરાત્રિમાં અડધી રાત્રે પણ બહેન-દીકરીઓ સલામત પાછી ફરી શકે છે એવાં બણગાં બહુ સાંભળવા મળે છે, પણ અમદાવાદ જેવા મેગા સીટીમાં રાત્રે અગિયાર વાગ્યે પોલીસની જીપ ફરી વળે અને ચાની લારીઓ સુદ્ધાં બંધ કરાવી દે, તેની પાછળનો તર્ક સમજાય એવો નથી. મેગાસીટી મોડી રાત સુધી ધમધમતું રહે કે અગિયાર વાગ્યે ગોદડું ઓઢીને ઊંઘી જાય?
અમદાવાદમાં બૌદ્ધિક કે મનોરંજક, કોઇ પણ પ્રકારની ચર્ચા થઇ શકે એવાં કોફીહાઉસની સંસ્કૃતિ નથી. એક સમયે અમુક રેસ્ટોરાં આ જાતની બેઠકો માટે જાણીતાં હતાં. તેમનું સ્થાન ધીમે ધીમે ચાની કીટલીએ લીઘું. પરંતુ હવે કાયદો-વ્યવસ્થાનાં ગૌરવગાન ગાતા તંત્રમાં મેગાસીટીના નાગરિકોએ પોતાની મરજી મુજબ રાત્રે ચાની કીટલી પર બેસીને ગપ્પાંગોષ્ઠિ કરવી હોય તો એ શક્ય નથી. પોલીસતંત્ર આ એક બાબતમાં ભારે સક્રિયતા દાખવે છે અને ચાની કીટલીવાળો ગ્રાહકો પાસેથી ચાના પૈસા પણ લેવા ઉભો ન રહી શકે, એ રીતે તેને ભગાડી મૂકીને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંતોષ લેવામાં આવે છે.
મોડી રાત્રે બહાર બેસી રહેવાની શી જરૂર છે, એવો સવાલ ‘નિશાળેથી ઘેર ને ઘેરથી નિશાળે’ જતા સજ્જન નાગરિકોને થઇ શકે છે. પરંતુ એ વ્યક્તિગત પસંદગીનો મુદ્દો છે અને બહાર બેસીને ટોળટપ્પાં કરનારા જ્યાં સુધી કોઇ પણ પ્રકારનું દૂષણ-પ્રદૂષણ પેદા ન કરે, ત્યાં સુધી તેમને ઉભા થવાનું કહેવું કે વિખેરી નાખવા, એ મૂળભૂત સ્વતંત્રતા પર તરાપ છે. મેગાસીટીમાં બઘું વિસ્તરતું હોય ત્યારે વ્યક્તિગત સ્વતંત્રતાનો દાયરો સંકોચાતો જાય, તો એ શરમજનક ‘પ્રગતિ’ છે.
- એક-બે અપવાદોને બાદ કરતાં અમદાવાદમાં જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમો માટેનાં સારાં સભાગૃહોનો શરમજનક અભાવ છે. ‘એક વાર રીવરફ્રન્ટ થઇ જવા દો. ત્યાં આ બઘું બનવાનું જ છે’- એવો વાયદો આપી શકાય છે, પણ હવેનું અમદાવાદ સાબરમતીથી ઘણું દૂર નીકળી ગયું છે. બાપુનગર કે રખિયાલ કે નરોડા રહેનાર કોઇને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા હોય કે તેમાં હાજરી આપવી હોય તો? એ પણ વિચારવું પડે.
- એ સાથે જ મુદ્દો આવે છેઃ અમદાવાદ એટલે કયું અમદાવાદ? એક સમયે ભદ્રનો કિલ્લો અમદાવાદનું કેન્દ્રસ્થાન હતો. વીસમી સદીમાં મણિનગર સ્ટેશન બન્યું ત્યારે કાંકરિયા તળાવ અને મણિનગર ‘શહેરથી દૂર’ હતાં. કારણ કે શહેર એટલે કોટની અંદરનો વિસ્તાર અને પોળો- એવી વ્યાખ્યા હતી. નદીની પેલે પાર પશ્ચિમમાં લોકો રહેવા લાગ્યા, એટલે આશ્રમ રોડ શહેરનું કેન્દ્ર બન્યો. ત્યાર પછીના સમયમાં શહેરનું કેન્દ્રબિંદુ ઝડપથી ખસવા લાગ્યું અને અનેક સ્વરૂપે વ્યક્ત થવા લાગ્યું. આશ્રમ રોડ પછી સી.જી.રોડ અને હમણાં સુધી ‘છેક દૂર’ લાગતો સરખેજ-ગાંધીનગર હાઇ વે...
અમદાવાદની વાત આવે એટલે સી.જી.રોડથી એસ.જી.હાઇવેનો હનુમાનકૂદકો વાગે છે, પણ નદીની પૂર્વ બાજુએ વસેલું જૂનું અમદાવાદ અને તેના વિસ્તારો અમદાવાદની ઓળખમાં ભાગ્યે જ સ્થાન કે ગણના પામે છે. મેગાસીટીમાં બધા વિસ્તાર એકસરખા સમૃદ્ધ ન હોય, એ સમજી શકાય એવું છે. પરંતુ સંસાધનો અને આયોજનની દૃષ્ટિએ સમૃદ્ધ વિસ્તારો કરતાં ગીચ અને ગરીબ વિસ્તારો પર અનેક ગણું વધારે ઘ્યાન આપવાની જરૂર હોય છે. એને બદલે થાય છે સાવ ઊંઘું.
- વિકાસ કે ‘બ્યુટીફિકેશન’ માટે લેવાતાં પગલાંથી જે લોકો વિસ્થાપિત બને છે, તે પણ અમદાવાદી જ છે. મેગાસીટીમાં તેમનો હિસ્સો ફક્ત સરકારી આતશબાજી જોઇને તાળીઓ પાડવાનો ન હોઇ શકે. વિસ્થાપિતોને નાગરિકોને બદલે ‘સમસ્યા’ તરીકે જોવાના વલણને કારણે, તેમને શહેરના એવા ખૂણે ધકેલી દેવામાં આવે છે, જ્યાં કમ સે કમ તે દેખાતા બંધ થઇ જાય. દેખવું નહીં ને દાઝવું નહીં, એ વિકાસના વર્તમાન મોડેલનો ધ્રુવમંત્ર છે.
ઘણી લંબાઇ શકે એવી આ યાદી ફક્ત અમદાવાદ માટે જ નહીં, ‘વિકસી’ રહેલાં તમામ શહેરોને અને તેના નાગરિકોને કામની છે. તેના અમલ માટે પોતપોતાના શહેર કે નગરને ૬૦૦ વર્ષ પૂરાં થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.
Urvish, congrats for the nice piece.
ReplyDeleteYou are right in listing the need of walking space for common people,particularly most important for the aged, children and physically challenged- who are worst effected among all others.
Reg. Temple & wash room - for the first, people are responsible and second, Govt machinery. Truely, ours is the only country in world after middle eastern like Saudi, which has no insight for the most important necessity but go with open or blind eye for religious places.
Most points you have highlighted needs attention of all people including 'press'-which has more responsibility as per me to compel Govt. to act on.
The point about two commu's going seperate way, if possible, I will discuss this at length with you (if U R interested) coz, I have lived in such area for my entire chid life.
sir ,
ReplyDeletewhy you messup RIVER FRUNT ,HINDU MUSLIM EKTA , etc in each & every article from you ??
From last about 2-3 yrs , each & every article from you seems tobe full of your prejudices & personal offences..
you are very good writer /columnist of Gujarat(VIBRANT!!!!!)...plz plz plz dont waste ur precious efforts in writing monotonously in opposing to the some ppl who are contributing more than their seniors.....
________your loyal reader
my dear loyal reader, what prevents you from writing your name in the first place?
ReplyDeleteand I'm not messing up. I'm pointing at the mess. Also, you should understand the difference between monotony & constitency. If nothing changes, how can I stop writing? and where is personal offence & prejudice in this article? Why form a general opinion about my articles and apply to any of my article you don't agree with?
pl let me know, with your name.
ઉર્વિશભાઈ, ૧૦૦% સહમત - ખાસ કરીને પોતાનાં પગ પર ચાલતા રાહદારીઓની સમસ્યા તરફ ધ્યાન દોરવા માટે. ઓફિસ આવવા માટે મારે ગણીને ૮ રસ્તા ક્રોસ કરવા પડે છે (જો બસમાં આવું તો..) એકેય માણસને અહી ઝીબ્રા ક્રોસિંગ કે ફૂટપાથ (કે ઝૂંપડપટ્ટીપાથ) એટલે શું તે ખબર નથી..
ReplyDeleteઉર્વીશભાઈ..તમારી વાત સાચી છે..અમદાવાદ ની અત્યારની પરિસ્થિતિ માટે આપણે પણ જવાબદાર છીએ..અમદાવાદીઓ ની મોટી ખામી છે..શિસ્તનો અભાવ,અને બીજાના પહેલા પોતાનો વિચાર!!!જયારે અમદાવાદીઓ જાગશે ત્યારે બધું જ સારું થઇ જશે અને અમદાવાદ ને દરવર્ષે ચોમાસા પહેલા ખાડાઓ નો સામનો નહિ કરવો પડે...!!!
ReplyDeleteread more- on rajmistry2.wordpress.com
ઉર્વીશભાઈ,
ReplyDeleteબહુ જ સરસ લેખ! અમદાવાદ જયારે મેગા પ્રોજેક્ટ્સ કરી રહ્યું છે ત્યારે એ સમજાતું નથી કે ફૂટપાથ જેવી મૂળભૂત વસ્તુઓ કેમ બનાવી નથી શકાતી? ઘણી વાર મ્યુનીસીપલ ઇજનેરો અને કોર્પોરેટરો તરફથી એવો જવાબ મળે છે કે ફૂટપાથ બનાવીએ તો તેની પર દબાણ થાય છે, લારી-ગલ્લા વાળા આવી જાય છે. બોલો? આમને કોણ સમજાવે કે ભાઈ, તમે ફૂટપાથના બનાવો તો પણ દબાણ તો થાય છે ને! આપણે બધા એવું ધારી લઈએ છીએ કે શિસ્તનો અભાવ છે લોકોમાં. શિસ્તનો અભાવ તો basic infrastructure વગર ઉભી થયેલી સમસ્યા છે. અમદાવાદના કોઈ પણ રસ્તા પર ફૂટપાથ હોય અને ચાલી શકાય તેવી હોય તો પછી લોકોને તેમની જીંદગી બચાવવી હોય છે, ફૂટપાથ પર ચાલે જ ને. અમદાવાદમાં લગભગ દરરોજ એક વ્યક્તિ રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. (૩૬૫/વર્ષ - આ આંકડો એવા અકસ્માતોનો છે કે જે પોલીસ પાસે રજીસ્ટર થાય છે. જે ભારતના બીજા શહેરો કરતા ઓછું પ્રમાણ છે) અને તેમાં લગભગ અડધા લોકો રાહદારીઓ હોય છે જે રસ્તો cross કરતી વખતે અકસ્માતનો ભોગ બને છે. આ બહુ જ ગંભીર સમસ્યા છે. આ મુદ્દો ઉઠાવવા બદલ અભિનંદન. રસ્તે ચાલવા વાળા મિત્રો ધ્યાન રાખે, બીજું શું? પણ કાર વાળા લોકોને ક્યારેક તો ચાલવું પડતું હશે ને. :)
Urvishbhai, A cogent roundup on the city marking its 600th birth day.I wish to add only one point.Ahmedabad probably is the only city in the country that has refused icon worship.Gandhiji is adorned but the city does not go on depending of the brand Gandhi's city.For a while,it was the Mahatma's city,sardar Patel's city, Indulal Yagnik's city,textile mills city,etc.It has a terrific self-reliance.It never identified solely with anybody.It refused to be an economic widow of textile industry.The jobless textile hands mostly self-rehabilitated themselves.The city did not go into decline when the textile industry went down.This has been so for a long time.Tushar Bhatt
ReplyDeleteUrvishbhai,
ReplyDeleteExcellent Piece. I just feel so much touched. I just left Ahmedabad for 15 days tour and I am already missing it very much.
This is wonderful article. Every word is precious.
પલટાતી પરંપરાઓની વચ્ચેથી પસાર થતો સાતત્યનો સૂક્ષ્મ દોરો.
Very true!
Kind Regards,
Pinal
ઉર્વિશભાઈ
ReplyDeleteબહુ સુંદર રજુઆત કરી પણ બહેરા સરકારી તંત્રને સંભળાશે ?