શિક્ષણનો અસલી હેતુ અને એવું શિક્ષણ શી રીતે આપી શકાય, એ વિશે વર્ષોથી ચિંતા અને ચર્ચા થતી રહી છે. ઇ.સ.૧૮૯૮માં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી’એ પ્રગટ કરેલી પુસ્તિકા ‘શિક્ષણસૂત્ર’ એ દિશામાંનો એક પ્રયાસ છે. આશ્ચર્ય અને ખરેખર તો આઘાત લાગે એવી હકીકત એ છે કે ૧૧૧ વર્ષ પહેલાં વતરણાંના યુગમાં પ્રકાશિત થયેલી એ પુસ્તિકાનાં મોટા ભાગનાં સૂત્રો ‘વિન્ડોઝ ૭’ના જમાનામાં પણ અમલી બની શક્યાં નથી. (વતરણાં એટલે નોટ કે સ્લેટ પહેલાંના જમાનામાં, પાટલી પર પાથરેલી રેતીમાં અક્ષરો પાડવા માટેની લાકડાની સળી. તેના પરથી કહેવત બની હતીઃ ઠોઠ નિશાળીયાને વતરણાં ઝાઝાં)
બે આનાની કિંમત અને મુખપૃષ્ઠ સહિત ૪૮ પાનાં ધરાવતી પુસ્તિકા ‘શિક્ષણસૂત્ર’માં લક્ષ્મણ નારાયણ ફડકેનાં મરાઠી સૂત્રોનો ગુજરાતીમાં અનુવાદ છે. મૂળ સામગ્રીની ગુજરાતી રજૂઆત ઉપર અનુવાદકર્તાઓ - નારાયણ હરિ મોકાશી તથા રવિશંકર જગન્નાથ વ્યાસ-તરફથી વધારાની ટીપ્પણી પણ મૂકવામાં આવી છે. એ સૂચવવા માટે પુસ્તકના શીર્ષક નીચે કૌંસમાં લખ્યું છેઃ ‘સટીક’- એટલે કે ટીકા સહિત.
૧૮૯૮માં જ્યારે શિક્ષકો ‘મેહેતાજી’ તરીકે ઓળખાતા હતા અને આજના શિક્ષણમાં વપરાતી સામગ્રીમાંથી એક પણ ચીજ મોજૂદ ન હતી, ત્યારે શિક્ષણ વિશેના ખ્યાલો ૨૦૦૯માં પણ આઘુનિક લાગી શકે એવા હતા. કેટલાક નમૂના (અસલની ભાષા સાથે)
- હાલ બાળકોને નિરૂપયોગી બાબતો પુષ્કળ શીખવવામાં આવે છે અને તેથી જ ઉપયુક્ત (એપ્રોપ્રીએટ) બાબતો શીખવવાને વખત જ મળતો નથી. ઇતિહાસમાંનું કેવળ તવારીખ વગેરે જ્ઞાન આવા જ પ્રકારનું છે. માટે શિક્ષણપદ્ધતિમાં સુધારો કરવો જોઇએ. એટલું જ નહીં, અભ્યાસક્રમમાં પણ પુષ્કળ સુધારો કરવો જોઇએ. શાસ્ત્રીય જ્ઞાન જેથી કરીને વધારે આપી શકાય અને વળી ઉત્તમ પદ્ધતિથી આપી શકાય...હવે જ્ઞાન પદ્ધતિયુક્ત છે એમ ક્યારે સમજાય? તો જ્યારે તેનો વ્યવહારમાં વધારે વધારે ઉપયોગ થતો નજરે પડે ત્યારે જ. હાલ તો નિશાળ છોડી કે તરત જ ઘણીખરી બાબતો બાળકો ભૂલી જાય છે અને વ્યવહારમાં તેમને ઉપયોગ કરવાનો વખત પણ કવચિત જ આવે છે.
- ઉપયુક્ત જ્ઞાનનો જેઓ પ્રસાર કરશે, તેઓનો જ અર્થ સરશે...દરેકને પ્રત્યેક કારીગરની ડગલે ડગલે જરૂર પડે છે. આજ સુતારની, તો કાલે કડિયાની અને પરમ દિવસે સોનીની વગેરે. હવે આ કારીગર લોક પોતપોતાના કામમાં જો વધારે વધારે પ્રવીણ અને પ્રમાણિક થતા જાય, તો આપણાં સર્વ કામો હાલ કરતાં કેટલી સરળતાથી ચાલે! અને હાલ આ લોકો સાથે બહુધા આપણે જે માથાકૂટ કરવી પડે છે તે કેટલે દરજ્જે કમી થાય! (આ બન્ને મુદ્દાની દિશામાં ૧૧૧ વર્ષ પછી પણ કેટલું ઓછું કામ થયું છે!)
- આપણામાં ઉત્તમ મગજવાળા મનુષ્યો નિપજતા નથી આવી તકરારો વખતોવખત આપણા સાંભળવામાં આવે છે. તેનું કારણ ઘણે અંશે ભૂલભરેલી શિક્ષણપદ્ધતિ જ છે. પ્રથમ આપણું ઘણુંખરૂં સઘળું શિક્ષણ પુસ્તકો દ્વારા જ ચાલે છે. સૃષ્ટિનું અવલોકન ઘણું જ થોડું છે, ઘણે ભાગે નથી જ કહીએ તો પણ ચાલે. બીજી બાબત એ છે કે બાળકોને સર્વ બાબતો શિક્ષકો પોતાની મેળે શીખવે છે કે ચોપડીમાંથી મોઢે કરાવે છે. દાખલાઓની એક ચોપડી હોય તો તેના ખુલાસાવાળી બીજી ચોપડી તૈયાર જ હોય! ઈંગ્રેજી કે ગુજરાતી વાચનમાળા કહી કે તેના શબ્દાર્થનું બીજું પુસ્તક તૈયાર જ હોય! કલાકમાં વધારે દાખલા કરાવે તે શિક્ષક હોંશિયાર. પછી છોકરાં તેમાંનો એકે દાખલો સમજે કે ન સમજે! આવી સ્થિતિ હવણાં થઇ રહી છે. શિક્ષણ સંસ્કાર બાળકોને થવાને બદલે તેમના (માથા) પર શિક્ષણના થર કરવામાં આવે છે અને આ થર તેમણે નિશાળ છોડી કે તરત જેમના (માથા) પરથી ખરી પડી છે, અને તેઓ હતાં તેવાં ને તેવાં થઇ રહે છે. કોઇને તો તે શીખ્યો જ નથી એવી ભ્રાંતિ પણ થાય છે. આવું ઉપરચોટિયું શિક્ષણ ફળદ્રુપ ક્યાંથી થાય અને ઉત્તમ મગજવાળા પુરૂષો ક્યાંથી નિપજે? માટે શિક્ષણપદ્ધતિમાં અને તેની સાથે જ પરીક્ષણપદ્ધતિમાં પણ મૂળમાંથી સુધારો થવો જોઇએ. ગોખણપટ્ટીનું શિક્ષણ કમી કરીને બુદ્ધિનો વધારો કરે, એવું શિક્ષણ ધીમે ધીમે વધારવું જોઇએ. બાળકોની અવલોકનશક્તિ, નિરીક્ષણસામર્થ્ય, અનુમાન યાથાર્થ્ય વગેરે માનસિક શક્તિની વૃદ્ધિ થાય એવી રીતે તેમને શિક્ષણ આપવું જોઇએ. ફક્ત તેમના ગળામાં પરાણે ઘાલવું (ઉતારવું) એ શિક્ષણ કાંઇ ઉપયોગનું નથી. (શિક્ષણ આપવાની આ પદ્ધતિનું વર્ણન અત્યારનું હોય એવું નથી લાગતું?)
- છોકરાં સારાં નિવડતાં નથી તેનું કારણ માબાપ અને શિક્ષક બન્ને, એ આપણે ઘણી વખત અર્થાત્ નિરંતર ભૂલી જઇએ છીએ. છોકરો નઠારો નીકળ્યો કિંવા અભણ રહ્યો, તો તેમાં આખો વાંક છોકરાનો કાઢવામાં આવે છે, અને માબાપને માટે દિલગીરી બતાવવામાં આવે છે...પણ આ બાબતમાં માબાપાનો કિંચિત પણ દોષ હશે એવું કોઇના સ્વપ્નમાં પણ આવતું નથી વા કોઇ કહેતું પણ નથી, પરંતુ ચીઢીઆ સ્વભાવનાં માબાપનાં છોકરાં પ્રસન્ન સ્વભાવનાં ક્યાંથી હોય? પગે પગલે જૂઠું બોલનાર માબાપનાં છોકરાં સત્યવાદી ક્યાંથી નીવડે? તમાકુ દારૂ પીનાર (વ્યસની) માબાપનાં છોકરાં સત્યવાદી ક્યાંથી નીકળે? નિશાળમાં ભણતાં છોકરાં સદગુણી થવાને શિક્ષકોનું શાળામાંનું અને ખાનગી વર્તન શુદ્ધ ન જોઇએ? સારાંશ, છોકરાં નઠારાં નીકળે છે તેનું અર્ઘું કારણ- બલકે તેથી પણ વધારે કારણ- માબાપ અને શિક્ષક જ છે...પોતે તો ગમે તેમ વર્તે અને છોકરાં નઠારાં નીકળે ત્યારે નકામી બૂમો પાડે એવી હાલની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ જ્યાં સુધી કાયમ રહેશે અને જ્યાં સુધી તેની જવાબદારી (માબાપ શિક્ષકો વગેરે) પોતાને માથે રાખશે નહિં, ત્યાં સુધી ધારવા પ્રમાણે સુધારો થવાની આશા રાખવી વ્યર્થ છે. (આ ભવિષ્યવાણીની સચ્ચાઇ આપણી આંખ સામે છે.)
- બાળકોનો સ્વભાવ બનાવવો એ શિક્ષણ પૈકી એક મુદ્દાની વાત છે તે આપણા લક્ષમાં જ નથી. વધારે તો શું? પણ ‘બાળકનો સ્વભાવ બનાવવો’ એ કલ્પના જ ઘણુંખરૂં આપણને અપરિચિત છે. નિશાળોમાં કેવળ જ્ઞાનવિષયક વિષયોમાં છોકરાઓને હોંશિયાર કરવા શિવાય શિક્ષકનું કર્તવ્ય બીજું ઘણું છે, એવું સમજનારા લોકો અને શિક્ષકો ઘણા થોડા જ હશે...સદ્વર્તન દ્વારા જ સદ્મનોવૃત્તિ ઉદ્ભવે છે. માટે તેવી મનોવૃત્તિઓ ઉદ્ભવે એવી તજવીજ કરવી જોઇએ..વગેરે વાતો સમજીને વર્તનારાં માબાપ અને શિક્ષકો કેટલાં હશે તે સમજાતું નથી.
***
શિક્ષણસુધારણા કઇ દિશામાં હોવી જોઇએ તેનો નકશો આટલા વખતથી અંકાયેલો છે, પણ શિક્ષણજગત, સરકાર તથા સમાજ- એ ત્રણે શિક્ષણસુધારાનું મહત્ત્વ આંકવામાં ઓછાં પડ્યાં છે. તેને લીધે શિક્ષણ હવે એવો એકપક્ષી વ્યવસાય બન્યું છે, જેમાં અઢળક રૂપિયા અને સમય ખર્ચનાર ઇચ્છિત વળતર ન મળે તો પણ નુકસાની માગી શકતો નથી. શિક્ષણજગતની વર્તમાન સ્થિતિ જોતાં, ઇ.સ.૧૮૯૮નું ‘શિક્ષણસૂત્ર’ નજીકના ભવિષ્યમાં અપ્રસ્તુત બની જાય એવું લાગતું નથી.