ગૂગલ જેવી ખ્યાતનામ કંપનીએ ગુજરાતીમાં વિવિધ સેવાઓ આપવાનું શરૂ કર્યું, ત્યારે આનંદની સાથોસાથ થોડો ફડકો પણ હતો. અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય બ્રાન્ડ પ્રાદેશિક ભાષાઓમાં આવે, ત્યારે ભાષાનો તે જબરો કબાડો કરે છે. જેમ કે, કોઇ ઈંગ્લીશ એડ કેમ્પેઇન ગુજરાતી ભાષામાં રીલીઝ થાય, ત્યારે તેની પ્રીમિયમ બ્રાન્ડનાં કપડાં ઉતરી જાય એવી રેઢિયાળ ગુજરાતી ભાષા જાહેરખબરમાં મૂકાય છે. (હિમાંશુ કીકાણી જેવા કોપીરાઇટર અપવાદ!) આવી જાહેરખબરો તમારા લમણે પણ અથડાઇ હશે. યાદ આવે તો લખી મોકલશો.
કંપનીઓના સદનસીબે ગુજરાતીઓ ભાષા બાબતે બહુ ટચી નથી. એટલે તેમનું ગાડું નભી જાય છે. આટલી ભૂમિકા સાથે વાત ‘ગૂગલ’ની.
તેની ‘જી-મેઇલ’ સાઇટ પરનું ગુજરાતી વાંચીને ઘણા સમયથી રમૂજ થતી હતી. છેવટે આજે થયું કે તેનો મોક્ષ કરી જ નાખવો જોઇએ.
Gmail ની રચના એ ખયાલને આધારે કરવામાં આવેલી છે કે, ઇમેઇલ વધુ અંતઃપ્રજ્ઞાવાળા, પ્રભાવી અને ઉપયોગી હોઈ શકે છે. અને સાથેસાથે મજેદાર પણ હોઈ શકે છે. તેમ છતાં, Gmail માં:
આ અંતઃપ્રજ્ઞા એટલે શું, કોઇ કહેશે? (અંગ્રેજી સાઇટ પરનો શબ્દ છેઃ ઇન્ટ્યુટીવ. )
અંગ્રેજીમાં લખે છેઃ આફ્ટરઓલ, જીમેઇલ હેઝ...
સાવ વિરોધાભાસી એવું ગુજરાતી થયું છેઃ તેમ છતાં, જીમેઇલમાં...
ઝડપી શોધો
તે ક્યારે મોકલ્યો હતો કે પ્રાપ્ત થયો હતો તે લક્ષ્યમાં લીધા વિના, તમે ઇચ્છતા હોવ તે ચોક્ક્સ સંદેશ શોધવા Google શોધનો ઉપયોગ કરો. :-)))))
‘લોટ્સ ઓફ સ્પેસ’નું ગુજરાતી છેઃ ઘણી બધી જગ્યા અને
‘ઓવર 7390.727254 ’નું ગુજરાતી છે વધુ 7390.727254 !
અને આ નમૂનો ગૂગલ સર્ચના ગુજરાતીનો
તમને વધુ સુસંગત પરિણામ દેખાડવા,અમે પહેલાંથી જ પ્રદર્શિત 12 જેવી કેટલીક સમાન એન્ટ્રિ કાઢી નાખી છે. જો તમને ઇચ્છા હોય, તો તમે કાઢી નાખેલા શોધ પરિણામ વળે ફરી શોધ કરી શકો છો
કવિ આ વાક્ય ‘વળે’ (એટલે કે વડે) શું કહેવા માગે છે, તે સમજવા કેટલું વળવું પડે છે!
ગૂગલનું ગૂગલી ગુજરાતી વાંચ્યા પછી કંઇ સમજાયું નહિ ત્યારે બે ઘડી એમ લાગ્યું કે આપણું ગુજરાતી તો બરાબર છે ને?
ReplyDeleteઆપણા ગુજરાતીની સ્વસ્થતા પર સંશય જાગે તેવા ભેદી ગુજરાતી તરજુમા ઘણી વાર વાંચવા મળતા હોય છે. દાખલા તરીકે કેટલાંક વર્ષ પહેલાં એક મોબાઇલ ફોન કંપની પોતાની જાહેરાતમાં પન્ચલાઇન તરીકે 'Go mobile' એવી લીટી લખાતી હતી. થોડા વખત પછી જાહેરાતનું ગુજરાતીકરણ કરાયું ત્યારે પન્ચલાઇનનો તરજુમો આમ હતોઃ થઇ જાવ મોબાઇલ!
આ ધોરણ 'Go green' ને લાગૂ હજી પડ્યું નથી એટલી ગનીમત.
ભાષાંતર હંમેશાં સેન્સિબલ ઢબે થવું જોઇએ અને વધુ મહત્ત્વની વાત એ કે ભાષાંતર થયા બાદ વાંચનારને પણ તે સેન્સિબલ લાગવું જોઇએ. આ બીજો મુદ્દો કોપીરાઇટર્સ કદાચ ભૂલી ગયા છે.
ઘણી બધી એડ એજન્સીઓ પોતાના બિનગુજરાતી સ્ટાફર્સ પાસે તરજુમો કરાવતા હોય એમ મોટા ભાગની મોટી એડની કોપી વાંચ્યા પછી લાગ્યા વિના રહે નહીં. એક જાણીતી એડ એજન્સીના વડાએ કહેલું કે એડની દુનિયામાં ગુજરાતી ભાષાને કોઇ ગણતું નથી. આ જ ધોરણ અન્ય પ્રાદેશિક ભાષાઓને પણ લાગુ પડે છે કે કેમ તેની ખબર નથી. નવાઇ એ લાગે કે આટલું જંગી બજેટ ફાળવવા છતાં કંપનીને કોપીની ન પડી હોય!
ReplyDeleteThere is no need for such famous companies like google to provide services in any regional language. Because it does not increase its users and it does not help anyone as much as it is projected.
ReplyDeleteહમણાં એક જાણીતી ગુજરાતી ચેનલ પર સમાચાર જોયેલા તેમાં હિન્દીનો અનુવાદ હશે તે, હિન્દીમાં, 'સારા' કે 'સારે' એટલે ગુજરાતીમાં સમગ્ર, આખા, બધા એવો અનુવાદ થાય, પણ એ ચેનલ પર ગુજરાતીમાં પણ 'સારા' શબ્દનો જ પ્રયોગ થયો હતો!
ReplyDelete- જયવંત પંડ્યા