31 ઓક્ટોબર, સરદાર જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ સ્મારક, કરમસદમાં પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ અને વર્તમાન મંત્રી ફકીરભાઇ વાઘેલાની ઉપસ્થિતિમાં આપેલું વક્તવ્ય.
સામાન્ય સંજોગોમાં આ પ્રકારનાં મારાં વક્તવ્ય હું બ્લોગ પર મૂકતો નથી, પણ કેટલાક મિત્રોને એવી ચટપટી હતી કે હું સરકારી મંત્રીની હાજરી હોય એવા ભાજપબ્રાન્ડ સમારંભમાં શું કામ ગયો.
મારે એટલું જ કહેવાનું કે જે બોલવું હોય તે બોલવા મળે તો કોઇની હાજરીની આભડછેટ પાળવાની જરૂર હું જોતો નથી.
આપણી સ્વરાજત્રિપુટી ગાંધીજી-સરદાર-નેહરુમાંથી બે નેતાઓ ગુજરાતી હતા એ આપણું અહોભાગ્ય. કારણ કે એ બન્ને જણને આપણે માતૃભાષામાં સાંભળી ને વાંચી શક્યા. તકલીફ એ થઇ કે આપણે કાચુંપાકું વાંચી-સાંભળીને, એમના ગુજરાતી હોવાનું ગૌરવ લઇને સંતુષ્ટ થઇ ગયા. એમને સમજવાનું કામ ચાલુ જ ન થયું અથવા અધુરું રહી ગયું.
આજે સાઠેક વર્ષના ગાળા પછી ગાંધીજી અને સરદારને એકસાથે યાદ કરતાં કેવી લાગણી થાય? પત્તાં ટીચતા અને સિગરેટના ધુમાડા કાઢતા ફોજદારી વકીલ વલ્લભભાઇ મોટા ભાઇ વિઠ્ઠલભાઇના પગલે રાજકારણમાં ન આવ્યા, પણ ગાંધીજીની પછવાડે ખેંચાયા. કોઇની શેહમાં ન આવે એવા વલ્લભભાઇને આકર્ષી શકવાની ગાંધીજીની શક્તિ અત્યારે ઘણી વાર ભૂલાવી દેવાય છે. અહીં આવીને લોકલાડીલા નેતાઓ એવું પણ બોલી જાય છે કે સરદાર વિના ગાંધી અધૂરા છે.
જે ગાંધીજીને સરદારે આજીવન ગુરુ માન્યા તેમની લીટી ટૂંકી કરીને સરદારને મહાન બનાવવાના? હું પૂછું છું, સરદાર એટલા નબળા નેતા હતા કે તેમને મહાન ચિતરવા માટે ગાંધીજી અને નેહરુની લીટી નાની કરવી પડે? બિલકુલ નહીં. સરદારનું પ્રદાન પોતાના જોરે ઉભું રહી શકે એટલું નક્કર છે. તેને રાજકીય પક્ષોના તકલાદી અને તકવાદી ટેકાની જરૂર નથી.
ગાંધીજી પ્રત્યે સરદારનો આદરભાવ એટલો ઉંડો હતો કે ક્યારે વૈભવશાળી જીવન છોડીને સરદારે સાદગી અપનાવી લીધી તેનો ખ્યાલ પણ ન આવે. છોકરાંની હોસ્ટેલ ફી પાછળ સો રૂપિયા જેવી મોટી રકમ ખર્ચનારા અને ઓફિસમાં મોંઘામાં મોંઘું ફર્નિચર વસાવનારા સૂટબૂટધારી બેરિસ્ટર વલ્લભભાઇએ સહજતાથી ખાદીની ધોતી ને પહેરણ અપનાવી લીધાં. કોઇ જાતને ઢંઢેરો પીટ્યા વગર.
સાથે એ પણ ખરું કે એમનો ગાંધીટોપી પહેરેલો એક પણ ફોટો જોવા મળતો નથી. અમદાવાદ રહેવા છતાં એ કદી આશ્રમવાસી બન્યા નહીં. લોકો આ બધો બહારનો રંગ જોઇને છેતરાય- ખાસ કરીને ગુજરાતના લોકો. આખો દેશ સરદારને ગાંધીજીના અંધ અનુયાયી માનતો હતો ત્યારે ગુજરાતના ઘણા લોકો વલ્લભભાઇને ગાંધીજીના અનુયાયી જ માનતા ન હતા, એવું જુગતરામ દવેએ નોંધ્યું છે. પણ નેહરુએ 1935-36માં આત્મકથામાં લખ્યું હતું કે ગાંધીજીના આદર્શો પ્રત્યે વલ્લભભાઇ જેટલી આદરભક્તિ બીજા કોઇ સાથીની નહીં હોય. ને એવું પણ લખ્યું હતું કે એવો દાવો તો મારાથી- એટલે કે જવાહરલાલથી- પણ થાય એમ નથી.
ગાંધીજી અને સરદાર વચ્ચેનો સંબંધ ફક્ત રાજકીય ન હતો.એમની વચ્ચે ગુજરાતીમાં થતા પત્રવ્યવહારોમાં એમના સંબંધોની ઉષ્મા જોવા મળે છે. ગાંધીજીએ સરદારને એક પત્રમાં લખ્યું હતું કે તમારામાં માતાનો પ્રેમ ભર્યો છે અને એ ગુણ તમારા કાગળોમાં જ્યાંત્યાં ઝર્યા કરે છે ને એ ગુણ સર્વવ્યાપી છે.
વલ્લભભાઇ આખા દેશના સરદાર બન્યા ત્યાર પછી પણ ગાંધીજીના સિપાહી જ રહ્યા. એમાં ઉંચાનીચા દરજ્જાનો નહીં, પણ કામ કરવાની ગોઠવણનો સવાલ હતો. બારડોલી સત્યાગ્રહનો વિજય તાજો હતો ત્યારે ગાંધીજીએ એક અંગ્રેજ પત્રકારને કહ્યું હતું કે વલ્લભભાઇ તો સૈનિક છે. એ જાતને ભૂંસી નાખવામાં માને છે. એવું નથી કે એમના પોતાના વિચારો નથી. પણ એ માને છે કે મૂળભૂત બાબતોમાં સંપૂર્ણ સંમતિ હોય તો વિગતોના પ્રશ્નો ઉઠાવવાનો કોઇ અર્થ નથી.
ગાંધીજીના સંદર્ભે જાતને ભૂંસી નાખવાની વાત આવે એટલે સ્વાભાવિક રીતે જ કેટલીક અકળાવનારી યાદો તાજી થાય. ગાંધીજીના ઇશારે સરદાર ચાર-ચાર વાર કોંગ્રેસના પ્રમુખપદની હરીફાઇમાંથી ખસી ગયા. તેમાં છેલ્લો કિસ્સો સૌથી ચર્ચાયેલો અને ખરડાયેલો છે. એમાંથી કોઠી ધોઇને કાદવ કાઢવાનું કામ અત્યાર સુધી રાજકીય પક્ષોએ સરસ રીતે કર્યું છે. આપણે અસલિયતની નજીક જવાનો પ્રયાસ કરી જોઇએ.
ગાંધીજીએ સરદારને બદલે નેહરુની પસંદગી કેમ કરી એ સવાલનો જવાબ આપી શકે એવાં તમામ પાત્રો હયાત નથી. પરંતુ કેટલીક હકીકતો અને અવતરણો પરથી આપણે અનુમાનો તારવી શકીએ. એ પહેલાં આપણે એટલું સ્વીકારવું પડે કે ગાંધી-સરદાર-નેહરુ આપણા બધા કરતાં વધારે દેશભક્ત અને દેશની ચિંતા કરનારા હતા.
1946માં કોંગ્રેસના પ્રમુખની ચૂંટણી વખતે સરદારની ઉંમર 71 વર્ષ હતી, જ્યારે નેહરુ 57 વર્ષના હતા. સરદાર ભલે લોખંડી પુરુષ તરીકે ઓળખાતા હોય- એ વિશેષણ વળી જુદી ચર્ચાનો મુદ્દો છે. પણ સરદારની તબિયત ઘણી લથડી ચૂકી હતી. એ ગાળાની ઘણી તસવીરોમાં સરદાર વ્હીલચેરમાં બેઠેલા જોવા મળે છે.
ઉંમરમાં તફાવત એક મુદ્દો. બીજો મુદ્દો નેહરુની પ્રકૃતિનો. ગાંધીજીને બરાબર ખ્યાલ હતો કે નેહરુ ફક્ત નં.1 તરીકે કામ કરી શકે એમ છે, જ્યારે સરદાર એવી માનસિકતા ધરાવતા નથી. ગાંધીજીના શબ્દો ટાંકું છું-
જવાહરલાલ બીજું સ્થાન સ્વીકારશે નહીં. વિદેશોમાં તે સરદાર કરતાં વધારે જાણીતા હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તે ભારતને મહત્ત્વનું સ્થાન અપાવી શકશે, જ્યારે સરદાર દેશની આંતરિક બાબતોની દેખરેખ રાખશે. સરકારનો ભાર બન્ને સાથે મળીને જ ખેંચશે.
અત્યારે આત્યંતિક નેહરુભક્તિ અને આત્યંતિક નેહરુદ્વેષ વચ્ચે ચાચા નેહરુ તો જાણીતા છે, પણ સાચા નેહરુ ખોવાઇ ગયા છે. એટલે કોઇને પણ એવો સવાલ થાય કે નેહરુ બીજું સ્થાન ન સ્વીકારે તો તેમને વહેતા મૂકવા જોઇએ. પણ એ સમયે દેશવિદેશમાં નેહરુની લોકપ્રિયતા અને આદર અત્યારે કલ્પી પણ ન શકાય એટલાં મોટાં હતાં.
ગાંધીજી અને સરદાર એ બન્નેનો અભિગમ કોમી હુલ્લડો અને કોમવાદના પ્રશ્ને જુદો હતો, પણ એ ફક્ત જુદો હતો. વિરોધી નહીં. કોમી હુલ્લડો થાય ત્યારે મહાત્મા તરીકે ગાંધીજી સઘળો દોષ પોતાના માથે ઓઢીને આત્મશુદ્ધિ માટે ઉપવાસ શરૂ કરી દેતા હતા. વલ્લભભાઇ નખશીખ વહીવટકર્તા હતા. ગૃહપ્રધાન તરીકે તેમની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા જાળવવાની હતી. સરદારના વલણ વિશે અનેક ગેરસમજણો ફેલાવવામાં આવી છે. વિરોધીઓ સરદારને બદનામ કરવા તેમને મુસ્લિમદ્વેષી ગણાવે છે અને કેટલાક પ્રેમીઓ સરદારને મુસ્લિમદ્વેષી તથા હિંદુહિતરક્ષક તરીકે ખપાવવાનો પ્રયાસ કરે છે. હકીકત શી હતી? એક જ દાખલો જોઇએ.
ભાગલાને કારણે પશ્ચિમ પંજાબ પાકિસ્તાનમાં ગયું ને પૂર્વ પંજાબ ભારતમાં રહ્યું. પાકિસ્તાનમાં શીખો અને હિંદુઓ પર થતા અત્યાચારના સમાચાર સાંભળીને પૂર્વ પંજાબમાં પણ હિંસાનો દોર ચાલ્યો. મુસ્લિમ નિરાશ્રિતોને લઇ જતી ટ્રેનો પૂર્વ પંજાબમાંથી પસાર થતી હતી. એ ટ્રેનો પર હુમલા થતા હતા. ઘણા ગામોમાં પાટા ઉખાડી નાખવામાં આવતા હતા. એ વખતે ગૃહપ્રધાન તરીકે સરદાર પટેલે શું કર્યું? ન્યૂટનનો નિયમ યાદ કર્યો? શીખોને 72 કલાક આપ્યા? ના, સરદારે હુકમ કાઢ્યો કે દિવસે ને રાત્રે પહેરો ભરવા ગામના લોકોની ચોકિયાત ટુકડી ઉભી કરવી. જે ગામના સીમાડામાં રેલવેના પાટાને નુકસાન થશે અથવા ટ્રેનો પર હુમલા થશે, એ ગામ પર સામુહિક દંડ નાખવામાં આવશે. ફક્ત હુકમ કાઢીને બેસી રહેવાને બદલે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દરેક વખતે હુમલા થાય કે તરત જ આવો દંડ નાખવો. આવા સરદારનું નામ લેવાની લાયકાત ને પાત્રતા આપણા કયા રાજકીય પક્ષમાં ને કેટલા શાસકોમાં છે?
ગાંધીજી અને સરદાર વચ્ચેનો સૌથી કમનસીબ સંબંધ ગાંધીજીની હત્યા નિમિત્તે ઉભો થયો. સરદારના કેટલાક ટીકાકારોએ ગાંધીહત્યા માટે ગૃહમંત્રી તરીકે સરદારને જવાબદાર ઠેરવ્યા. સરદાર અને ગાંધીજી વચ્ચેના સંબંધોનું ઉંડાણ જાણનાર કોઇ પણ વ્યક્તિ સ્વપ્નમાં પણ વિચારી ન શકે એવો આરોપ હતો. તેનો આડકતરો પણ જડબાતોડ જવાબ ઉમાશંકર જોશીએ સંસ્કૃતિના અંકમાં નોંધ્યો હતો. એમની નોંધ પ્રમાણે સરદારના મૃત્યુ પછી હિંદુ મહાસભાનું વાર્ષિક અધિવેશન ભરાયું, ત્યારે સરદારના અવસાનનો શોકઠરાવ પસાર કરવો કે નહીં એ વિશે ઘણી ચર્ચા થઇ. અંતે હિંદુ મહાસભાએ નક્કી કર્યું કે સરદારના મૃત્યુનો શોકઠરાવ પણ પસાર કરવો નહીં. સરદારને તેમણે ઔપચારિક શોકઠરાવને લાયક પણ ન ગણ્યા.
ગાંધી અને સરદારની છેલ્લી એક વાત. ગાંધીજીને કોઇ વાણિયા તરીકે ઓળખવે અને તેમના નામે વણિક સમાજની પાટિયાસંસ્થાઓ ઢગલામોઢે શરૂ થઇ જાય તો કેવું લાગે? ગાંધીજી પર વણિકોનો ને સરદાર ઉપર પટેલોનો કોઇ વિશેષાધિકાર કે ખાસ દાવો ન હોઇ શકે. એવો દાવો કોઇ કરે તો એ માન્ય રાખી શકાય નહીં. કારણ કે ગાંધીજી અને સરદાર જેવા નેતાઓને જ્ઞાતિની સંકુચિત ઓળખમાં બાંધવા એ તેમનું અને તેમના જીવનકાર્યનું ઘોર અપમાન કર્યા બરાબર છે.
700 પાનાંના કોઇ પુસ્તકમાં સરદારના માંડ છ-સાત ઉલ્લેખ હોય, એ વાંચ્યા વિના જ તેનાથી દુભાઇ જઇને આપણે પ્રતિબંધો મૂકી શકીએ, હડતાળ પાડી શકીએ, વિરોધ કરી શકીએ, પણ છાશવારે થતા સરદારના નામના દુરુપયોગની આપણી ઉપર કશી અસર થતી નથી. એ જોઇને સરદાર જ્યાં હશે ત્યાં મૂછમાં મરકતા મનોમન શું વિચારતા હશે? એની કલ્પના કરવાનું કામ તમારા સૌ પર છોડું છું.
Excellent speech indeed!
ReplyDeleteThis is a kind of answer to people who only know to favor Sardar by ignoring Gandhiji,i was also one of them but now i have decided to read biography of both of them.
ReplyDeleteThanks for unprejudiced opinions