ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના સમયે તેનો ઘ્યેયમંત્ર/મોટ્ટો શું રાખવો એની ચર્ચા ચાલતી હતી, ત્યારે કળાગુરૂ રવિશંકર રાવળે સૂચવ્યું હતું ‘સર્વ ગુણાઃ કાંચનામ્ આશ્રયન્તે’ રાખો. (સંસ્કૃતમાં ભૂલચૂક લેવીદેવી) સઘળા ગુણો કંચન (સોનું-સંપત્તિ)માં સમાઇ જાય છે, એ સત્ય છેલ્લા દોઢેક દાયકામાં શિક્ષણક્ષેત્રે જેટલું સાચું સાબીત થઇ રહ્યું છે તેટલું અગાઉ ક્યારે ન હતું. જૂના જમાનાનું સૂત્ર હતું : ‘ભણેગણે તે નામું લખે ને ના ભણે તે દીવો ધરે.’ નવા જમાનાનું સૂત્ર બનાવવું હોય તો શું બનાવાય? ભણેગણે તે નામું લખે ને ડોનેશન આપે તે સાહેબ બને!
રવિશંકર રાવળે પોતાનાં સંસ્મરણોમાં એક જાપાની યુનિવર્સિટીનો ઘ્યેયમંત્ર ટાંક્યો છેઃ ‘કારકુન કરતાં કારીગર સારો.’ ટેકનોલોજી ક્ષેત્રે જાપાનની પ્રગતિનું રહસ્ય આનાથી વધારે ટૂંકાણમાં વર્ણવી શકાય?
ઓછું ભણતર, સાર્થક ભણતર
એકાદ સદી પહેલાં ઘૂળી નિશાળોમાં પાટલા પર રેતી પાથરીને વતરણાં -લાકડાની સળીઓ- વડે અક્ષરજ્ઞાન મેળવવાનો જમાનો હતો. (‘ઠોઠ નિશાળીયાને વતરણાં ઝાઝાં’ એ કહેવત ત્યારની પડી છે) એ વખતે ‘વર્નાક્યુલર’ - સાત ધોરણ - પાસ ઉમેદવારને સીધી ગુજરાતી નિશાળમાં શિક્ષક તરીકે નોકરી મળી જતી હતી. ‘મહેતાજી’, ‘માસ્તર’, ‘પંતુજી’ જેવાં તુચ્છકારસૂચક વિશેષણોને કારણે શિક્ષકનો દરજ્જો ‘ગુરૂ’થી ઘણો નીચો આવી ગયો હતો, પણ મોટા પ્રમાણમાં નિષ્ઠાવાન શિક્ષકો ગરીબી અને વિષમતાઓ છતાં ભાવિ પેઢીને તૈયાર કરવાની પોતાની જવાબદારી નિષ્ઠાથી નિભાવતા. એટલું જ નહીં, ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય, એ માટે અંગત રસ લેનારા શિક્ષકો પણ મોટી સંખ્યામાં હતા.
શું એ સમયે ભણેલા લોકો ડફોળ હતા? ના, એ સમયે મોટા ભાગના અભ્યાસનો સીધો સંબંધ વ્યવહારૂ ઉપયોગ સાથે હતો. ચોક્કસ કામ માટે જેટલા અભ્યાસની જરૂર હોય, એટલો અભ્યાસ કરવાથી એ કામ મળી જતું હતું અને લોકો જે વિષય ભણતા તેને સેવતા પણ ખરા. આજની જેમ, ગુજરાતીમાં બી.એ. થયેલા વિદ્યાર્થીને બે-પાંચ વર્ષ પછી ‘સરસ્વતીચંદ્ર’ના લેખકનું નામ ખબર ન હોય, એવું ત્યારે બહુ ઓછુ બનતું. એ સમયના સાક્ષરોમાં ઘણા એવું માનતા કે જ્ઞાન સર્વાંગી હોવું જોઇએ. એટલે, જેમને આપણે ફક્ત ગુજરાતી ભાષાના ઘુરંધર તરીકે ઓળખતા હોઇએ, એવા ઘણા વિદ્વાનો ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસમાં પણ ઉંડો રસ ધરાવતા હતા. ગાંધીયુગના જાણીતા વાર્તાકાર-હાસ્યકાર-કવિ રામનારાયણ વિ. પાઠકે નોંઘ્યા પ્રમાણે, તેમના વિદ્યાર્થીકાળમાં એવી છાપ પ્રચલિત હતી કે ઉત્તમ નિબંધ લખવો હોય, તો શુદ્ધ વિજ્ઞાનની જાણકારી હોવી જોઇએ. (આ માન્યતા આગળ જતાં ખોટી પુરવાર થઇ હોવાનું પણ તેમણે લખ્યું છે.)
છેક પચાસ વર્ષ પહેલાં સુધી બી.એ. કે બી.એસસી. કરનારા વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી શકતા હતા. સ્નાતક કક્ષાનો અભ્યાસ અત્યારની જેમ ‘ગુડ ફોર નથિંગ’ કે ‘ટાઇમપાસ’ ગણાતો ન હતો. અંગ્રેજી સાથે બી.એ. થયેલાંનાં અંગ્રેજી ને કેમિસ્ટ્રી સાથે બી.એસસી. થયેલાંની રાસાયણિક બાબતમાં સમજણ ઉત્તમ ગણાતી હતી. (તેમાં ઠોઠ નિશાળીયા રહેવાના, પણ અપવાદરૂપે.) માત્ર બી.એસસી.ના અભ્યાસના જોરે રસાયણશાસ્ત્રમાં નવાં સંશોધનો કરનારા વિદ્યાર્થીઓ પણ ત્યારે ઓછા ન હતા.
આખો સમયગાળો એવો હતો, જ્યારે ગરીબ માતાપિતા પોતાના સંતાનને ભણાવીને, તેને સારા કામે લગાડીને કોટે વળગેલી ગરીબીથી છૂટકારો મેળવવાનાં સ્વપ્ન જોઇ શકતાં હતાં. ફાનસના કે સ્ટ્રીટલાઇટના અજવાળે, ઉછીનાં પુસ્તકો વાંચીને ભણેલા લોકો બોર્ડમાં નંબર ભલે ન લાવે, પણ પોતાનું અને પોતાના પરિવારનું જીવન ઉજાળી શકતા. પોતાની આવડતના બદલામાં રોજગારી મેળવી શકતા.
એનો અર્થ એવો નથી કે જૂના વખતમાં બઘું સમુંસૂતરૂં હતું. રાજ કપૂરની ‘આગ’ કે ‘આવારા’ જેવી ૧૯૫૦ની આસપાસની ફિલ્મોમાં શિક્ષિત બેકાર યુવાનોની વ્યથાને, થોડી ફિલ્મી રંજકતા સાથે, બરાબર વાચા આપવામાં આવી છે. ભણી લીધા પછી પોતાના ભણતરને અનુરૂપ કામ ન મળે, એવી પેઢી સર્જાવાનું શરૂ થઇ ચૂક્યું હતું. વઘુ અભ્યાસ માટે પરદેશ ભણવા જવાની ફેશન હતી, પણ તેનું પોસાણ બહુ ઓછાને હતું.
યાદ છે ત્યાં સુધી, છેક એંસીના દાયકા સુધી ગુજરાતમાં બારમા ધોરણમાં ૭૫ ટકા લાવનાર વિદ્યાર્થીઓની ગણના તેજસ્વી તરીકે થતી હતી. તેમને સહેલાઇથી મેડિકલ લાઇનમાં એડમિશન મળી જતું હતું. સિત્તેર ટકા કે વઘુ માર્ક માટે વપરાતો શબ્દ ‘ડિસ્ટીંક્શન’ ખરેખર સાર્થક હતો. કેમ કે, બારમા ધોરણમાં સિત્તેરથી વઘુ ટકા લાવનારા માટે ઉજ્જવળ કારકિર્દીના દરવાજા ખૂલી જતા હતા. એ વખતે કારકિર્દીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હતી, એ જુદી વાત છે.
સામાન્ય બુદ્ધિના ફુરચા ઉડાડતો મેરિટનો વિસ્ફોટ
‘વિસ્ફોટ’ શબ્દ સમસ્યાના સંદર્ભે મુખ્યત્વે ‘વસ્તીવિસ્ફોટ’માં વપરાય છે, પણ મેરિટનો વિસ્ફોટ વસ્તીવિસ્ફોટ કરતાં જરાય ઉતરતી સમસ્યા નથી. બીજા શબ્દોમાં તેને (આભાસી) મેરિટનો ફુગાવો પણ કહી શકાય. જરા વિગતે વાત કરીએઃ
ગુજરાતમાં જ્યારે સિત્તેર-પંચોતેર ટકા લાવતાં આંખે પાણી આવી જતાં, ત્યારે મહારાષ્ટ્રમાં બારમા ધોરણના વિદ્યાર્થીઓ ૯૦-૯૫ ટકા લઇ આવતા હતા. દર વખતે મહારાષ્ટ્ર બોર્ડનું પરિણામ જાહેર થાય, એટલે ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડના વિદ્યાર્થીઓ આશ્ચર્યથી આંખો ફાડીને જોઇ રહેતાઃ જે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ને મેથ્સમાં ૭૦ માર્ક લાવતાં હાંફી જવાય છે, તેમાં લોકોના ૯૦-૯૫ માર્ક શી રીતે આવતા હશે? શું ખાતા હશે આ લોકો?
પછી સમજાયું કે ‘શું ખાતા હશે?’ એ સવાલ મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે નહીં, મહારાષ્ટ્રની ખાનગી કોલેજોના સંચાલકો માટે પૂછવા જેવો હતો. શિક્ષણને ધમધમતા ધંધામાં ફેરવી નાખવામાં મહારાષ્ટ્ર ગુજરાત કરતાં બે-ત્રણ દાયકા આગળ હતું. ત્યાંના ઘણા રાજકારણીઓ સંખ્યાબંધ ખાનગી કોલેજોના નામે શિક્ષણની દુકાનો સ્થાપીને બેસી ગયા તા. એ દુકાનો ધમધમતી રાખવા માટે વિદ્યાર્થીઓનાં ધાડાં જોઇએ. ગુજરાતના સામાન્ય ધોરણ પ્રમાણે ડિસ્ટિંક્શન લાવનારા વિદ્યાર્થીઓ બહુ થોડા હોય. એટલા વિદ્યાર્થીઓથી ખાનગી કોલેજો શી રીતે ચાલે? એટલે, જેમને દુકાન કહેવામાં દુકાનનું અપમાન થવાની બીક લાગે, એવી ખાનગી માલિકીની શિક્ષણસંસ્થાના લાભાર્થે છૂટા હાથે ટકાની લહાણી કરવામાં આવી. પરીક્ષાલક્ષી શિક્ષણવ્યવસ્થામાં ટકાને ‘મેરિટ’ ગણીએ, તો મેરિટમાં જબ્બર ફુગાવો આવ્યો. ગુજરાતમાં જે વિદ્યાર્થીના સિત્તેર ટકા આવે, તે મહારાષ્ટ્રમાં પંચ્યાશી-નેવુ ટકા લાવી શકે એવું ગણિત રચાયું. તેના કારણે તબીબી અને ઇજનેરી શાખામાં સરકારી કોલેજ ઉપરાંત ખાનગી શિક્ષણસંસ્થાઓ પણ છલકાવા લાગી.
ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જુદાં જુદાં નામે, સીટો વેચવાની પણ જોગવાઇ હોય છે. ઓછા ટકા આવ્યા હોય, પણ રૂપિયાનો તોટો નથી? તો આ સંસ્થાઓમાં પ્રવેશ તૈયાર છે! કમનસીબે, મહારાષ્ટ્રમાં જે બે-ત્રણ દાયકા પહેલાં બન્યું, તે એટલા જ કે કદાચ વધારે વરવા સ્વરૂપે અત્યારે ગુજરાતમાં બની રહ્યું છે.
કહેવાતી મેરિટનો ફુગાવો એવો વઘ્યો છે કે ૮૦ ટકા લાવનારને શું કરવું એ મૂંઝવણ થઇ પડે છે. ફક્ત ૭૦ કે ૮૦ ટકા હોય અને ખર્ચવાના બે-પાંચ-સાત લાખ રૂપિયા ન હોય, તો વિદ્યાર્થીના ટકા ૬૫ છે, ૭૦ છે કે ૮૦- એમાં ઝાઝો ફરક પડતો નથી. પરંતુ રૂપિયા ખર્ચવાની તાકાત હોય તો ખાનગી સંસ્થાઓની લાલ જાજમ સદા બિછાવાયેલી છેઃ આપનાં પુનિત પગલાં પાડો અને ખિસ્સાનો જ નહીં, તિજોરીનો ભાર પણ હળવો કરો.
‘અનામત’ વિશે સમજ્યા વિના ઝૂડાઝૂડ કરતા અને દલીલો તળે પોતાનાં દ્વેષ કે અજ્ઞાન છૂપાવવામાં નિષ્ફળ જતા લોકોને અનામતના આ પ્રકાર વિશે ભાગ્યે જ કંઇ કહેવાનું હોય છે. રૂપિયાવાળા માટે બેઠકો અનામત રહે, એમાં ‘મેરિટ’ની કે તેજસ્વી લોકોને થતા અન્યાયની બૂમો ભાગ્યે જ પડે છે, પરંતુ સદીઓ જૂના અન્યાય સામે માંડ સાઠ વર્ષથી અનામતની ભાંગીતૂટી ટેકણલાકડી ધરનારા છાશવારે ‘હવે ક્યાં સુધી સહન કરવાનું?’ એવી બૂમો પાડે છે. તેમની સ્વાર્થી અણસમજ દયનીય છે. હાડમાં જ્ઞાતિઆધારિત ભેદભાવ ધરાવતા ભારતમાં કેવળ ભણતરથી સમાનતા સ્થાપી શકાશે, એવું માનનારા ભ્રમમાં જીવે છે. આઇ.આઇ.ટી.-આઇ.આઇ.એમ.થી માંડીને સરકારી નોકરીઓમાં કાર્યરત દલિતો પ્રત્યે તેમના સરેરાશ બિનદિલત સહકર્મીઓના ભેદભાવના કિસ્સા એકલદોકલ નહીં, અસંખ્ય છે.
દલિતો-આદિવાસીઓની અનામત અને અન્ય પછાત વર્ગોની અનામત માટેની મૂળભૂત ભૂમિકા જુદી છે. પણ મેરીટપ્રેમના નામે દલિત અનામતના દ્વેષમાં ભાન ભૂલી જતા દલીલબાજો ક્યારે નસમાં વહેતા જ્ઞાતિગત ભેદભાવ પર ઉતરી આવે છે અને પૂરૂં સમજ્યા વિના દલિતોની અનામતનો વિરોધ કરવા માંડે છે, તેની ખુદ એમને પણ સરત રહેતી નથી.
સામાજિક ભેદભાવો જેમના માટે પૂર્ણ ભૂતકાળ નહીં, પણ ચાલુ વર્તમાનકાળ છે એવા દલિતોને મળતી અનામત સાથે રૂપિયાના જોરે એડમિશન ખરીદનારાની ‘અનામત’ એક વાર સરખાવી જોજો. મન ખુલ્લું હશે તો વિચારોની દિશા બદલાય પણ ખરી!