અમદાવાદના દ્વિચક્રી અખબારી સામ્રાજ્યમાં ‘દિવ્ય ભાસ્કર’ના પ્રવેશ સાથે શરૂ થયેલો કૂપનયુગ હવે અસ્તાચળે છે. અમારા ફેરિયાએ કહ્યું કે ગુજરાત સમાચારે કૂપનનું નવું ફોર્મ છાપ્યું નથી, દિવ્ય ભાસ્કરે અમદાવાદમાં ફેરિયાઓને કહી દીઘું છે કે આ વખતનું ફોર્મ છેલ્લું છે અને સંદેશ તરફથી હજી કશી જાહેરાત કરવામાં આવી નથી. પણ બે છાપાં કૂપન બંધ કરે, તો ત્રીજાને એ ચાલુ રાખવાનું કોઇ કારણ નથી.
દિવ્ય ભાસ્કરના માર્કેટિંગ હલ્લા સામે વ્યૂહરચના તરીકે ગુજરાત સમાચારે છાપાંમાં કૂપન આપવાની શરૂઆત કરીઃ એક ફોર્મ, ત્રીસ (કે એકત્રીસ) કૂપન. મહિના પછી કૂપન ચોંટાડેલું ફોર્મ નક્કી કરેલી જગ્યાએ જમા કરાવો અને તમારી ફ્રી ગિફ્ટ મેળવો, જે છાપાનાં બિલ કરતાં વધારે રકમની હોય. છાપાંએ સસ્તા, નાખી દેવાના ભાવે અથવા દબડાવીને કે જાહેરખબર છાપવાના સાટામાં એ ચીજ પડાવી હોય, તે જુદી વાત થઇ.
અખબારો કંઇક આપી પણ શકે, એવો અહેસાસ અમદાવાદના વાચકો માટે સુખદ આંચકો આપનારો હતો. જોતજોતાંમાં અમદાવાદની જનતા છાપાં છોડીને કૂપનની કાયલ થઇ. કૂપન સામે ગિફ્ટ તરીકે પ્લાસ્ટિકની બાલદીથી માંડીને તકલાદી બેગ, તકલાદી ઓશિકાં, અથાણાં, કપડાં ધોવાના સાબુ, ચ્યવનપ્રાશ અને એક મહિને એક અખબારે ઓન ધ સ્પોટ આઇસક્રીમની સ્કીમ પણ રાખી હતીઃ કૂપન ભરેલું ફોર્મ લઇને આવો અને આઇસક્રીમ ખાઇને જાવ. જરા કલ્પી જુઓઃ ભરઉનાળામાં કૂપનકેન્દ્ર પર લાંબી લાઇન લાગી હોય અને બંકાઓ-બંકીઓ કૂપન ભરેલાં ફોર્મ ચેક કરાવે, એકાદ કૂપન ન હોય તો તે ચલાવવા માટે રકઝક કરે, કંઇ ન ચાલે તો છેવટે કૂપનકેન્દ્રો પર કૂપનનું બ્લેકમાર્કેટિંગ કરતા- અને ઇચ્છિત તારીખની કૂપન બે-પાંચ રૂપિયામાં આપતા- માણસો પાસેથી કૂપન ખરીદે, ચોંટાડે અને આ રીતે મહેનતની કમાણીથી મળેલો, ઓગળું-ઓગળું થતો આઇસક્રીમ ખાઇને ટાઢક અનુભવે, ત્યારે દેવોને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવાનું મન ન થાય?
દરેક વિસ્તારમાં શરૂ થયેલાં કૂપનકેન્દ્રો પર મહિનાની શરૂઆતની તારીખોમાં, ભરઉનાળે પચાસ-સો માણસ લાઇનમાં ઉભેલાં હોય એ દૃશ્ય સામાન્ય હતું. સાયકલથી ઓપેલ એસ્ટ્રા સુધીનાં વાહનો લઇને ઉત્સાહીઓ ગિફ્ટ લેવા આવતા હતા. પત્રકારોથી માંડીને પોલીસ સુધીના સૌને અમદાવાદમાં લાઇનમાં ઉભેલા જોઇને વિચાર આવતો કે આવાં દૃશ્યો અને આટલી લાંબી લાઇનો રેશનની દુકાને પણ જોઇ નથી.
ગૃહસ્વામિનીઓના એક -અથવા વારંવારના- આદેશથી ભલભલાને કૂપનની લાઇનમાં ઉભવું પડતું હતું. (જાણકારીઃ મહેમદાવાદમાં આવી લાઇનો થતી ન હતી. ફેરિયો કૂપન કાપે, ચોંટાડે અને ગિફ્ટ ઘરે આપી જાય, એવી યોજના હતી! કૂપન ચોંટાડવા સામેનો મારો આરંભિક વિરોધ ઘરમાં ટક્યો ન હતો.)
એકવીસમી સદીનું અમદાવાદ વીસમી સદીના અમદાવાદથી ઘણું અલગ પડી રહ્યું હતું. ક્યાં પોતાના નાના ભાઇને ખોળામાં બેસાડીને તેની બસની ટિકીટ બચાવી લેતાં મિલમાલિકોનાં છોકરાં અને ક્યાં બાપાના પૈસે પેટ્રોલના ઘુમાડા કરતાં નવધનિકોનાં ઉડાઉ છોકરાં! પણ કૂપનયુગે ફરી જૂના અમદાવાદમાં મારા જેવા ઘણાની શ્રદ્ધા દૃઢ કરી આપીઃ અમદાવાદમાં કંઇ પણ મફત આપો, તો ભલભલા લાઇનમાં ઉભા રહેવા તૈયાર થઇ જાય! અમદાવાદના અને ગુજરાતના અખબારી ઇતિહાસમાં જ નહીં, સામાજિક ઇતિહાસમાં પણ કૂપનની નોંધ લેવી પડશે.
ઉર્વિષભાઇ,
ReplyDeleteખાલી અમદાવાદની પ્રજાને જ કોસવાની જરૂર નથી. મફતિયું મળતું હોય તો દુનિયાની કોઇ દેશની પ્રજા મફતિયું છોડે એમ નથી. મેં મારા સિંગાપોરનો અનૂભવ લખ્યો છે નીચેની લિંક પર
http://krunalc.wordpress.com/2009/03/15/સિંગાપોર-ફ્લાયર
હમમ. આ તો ખોટું થયું. નવરી પડેલ ઉચ્ચ-મધ્યમવર્ગની ગૃહિણીઓ હવે શું કરશે?
ReplyDeleteહવે 'જીદ કરો' કહેનારા અખબારની કુપન યુગ પછીની નકલોનો આંકડો જાણવા માટે જીદ કરવી પડશે
ReplyDeleteઅમદાવાદના અને ગુજરાતના અખબારી ઇતિહાસમાં જ નહીં, સામાજિક ઇતિહાસમાં પણ કૂપનની નોંધ લેવી પડશે.
ReplyDeleteVery True !
વાહ રે ઉર્વીશ કોઠારી તમારા લેખનની આધારભૂતતા
ReplyDeleteવાહ રે ઉર્વીશ કોઠારી તમારા લેખનની સત્યતા
વાહ રે ઉર્વીશ કોઠારી તમારું જજમેન્ટ
વાહ રે ઉર્વીશ કોઠારી પ્રવાહો પર તમારી પકડ
કૂપન ગુજરાત સમાચારમાં આજે પણ ચાલુ છે, સંદેશ અને દિવ્યભાસ્કરમાં ય ચાલુ છે. તમે જૂનમાં કૂપન યુગનો અંત એવું શીર્ષક માર્યું એના ચાર મહિના પછીય ચાલુ છે. તમારા લેખની આવી છે વિશ્વસનીયતા.
bhai ramesh amin, i'm not anwering to any of your silly blames. This is just to put the record straight : GS stopped the coupons & restarted it.
ReplyDeleteટીકા કરતી કોમેન્ટ સાથે સંમત હોવ કે ન હોવ પણ આપ પબ્લીશ કરો છો એ બદલ આપને ઘણી ખમ્મા ઉર્વીશભાઈ. આ બાબતે આપને સલામ કરવી જ પડે.
ReplyDelete