photo: 1) AB, Dhaivat, Jayesh 2) Neetibhabhi- AB 3) Lto R Lalit-Ketan-Lalji-Kintu-Himmat-brother 4) Binit (bearded) - Himanshu 5) Tanna (talking) 7) AB-divyesh-ketan 8) Group- Pranav (with 'rajneesh beard')
અશ્વિનીભાઇને મળ્યા ન હોય એવા તેમના વાચકો-ચાહકો વિચારશેઃ’ઓહો...અશ્વિની ભટ્ટ સાથે!’
પણ તેમને મળી ચૂક્યા હોય એવા લોકો કહેશે,’એક જ સાંજ?’
પણ તેમને મળી ચૂક્યા હોય એવા લોકો કહેશે,’એક જ સાંજ?’
અશ્વિની ભટ્ટ બે છેઃ ના, બે ‘શોલે’ કે બે ‘કિસ્મત’ જેવો મામલો નથી. અશ્વિની ભટ્ટ એ રીતે બે છે કે, એક નવલકથાકાર અને બીજા ખુદ નવલકથા. અશ્વિની ભટ્ટના કિસ્સામાં સામાન્ય રીતે એવું બને છે કે પોતાના પ્રિય નવલકથાકારને મળવા આવેલા લોકોનો, એક વાર મળવાની ઇચ્છા પૂરી થયા પછી મોક્ષ થતો નથી. એ અશ્વિનીભાઇના નવલકથાકાર-સ્વરૂપથી પણ વધારે તેમના નવલકથા-સ્વરૂપના પ્રેમમાં પડી જાય છે અને પછી ‘લખચોરાશી’ના ફેરા શરૂ થાય છે. તેમનો જૂનો અને હવે કાઢી નાખેલો દંતકથાસમ બંગલો ‘65’ ઉર્ફે ’65, બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી’ લખચોરાશીમાં ભટકતાં અમારા જેવાં કંઇક માટેનો ‘પીપળો’ હતો. હવે અમેરિકાથી થોડા સમય માટે આવેલા અશ્વિનીભાઇ એક કુટુંબીના ખાલી ફ્લેટમાં નીતિભાભી સાથે રહે છે.
અર્થચુસ્તીમાં થોડી છૂટછાટ સાથે અશ્વિનીભાઇના જે નવલકથા-સ્વરૂપની વાત કરી, એ હકીકતે પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા નવલકથાકારની અસંખ્ય નવલકથાઓનો મસાલો ધરાવતી જિંદગીની અને તેમના ‘સદાબહાર’ મિજાજની વાત છે. સદાબહાર- બલ્કે, સદા બહાર- નહીં તો બીજું શું? સાહિત્યની ચર્ચામાં કે લેખનની ટેકનિકમાં કે સાહિત્યના પપૂધધૂઓની અધ્યાપકીય ખંજવાળોમાં કે પુનર્મુલ્યાંકનોનાં પુનર્મુલ્યાંકનોના પુનર્મુલ્યાંકનોમાં સાંભળ્યું કદી કે ગુજરાતની ધરતી પર અશ્વિની ભટ્ટ નામનો એક લેખક વસે છે?
પણ અશ્વિનીભાઇ પાસે બેઠા હોઇએ ત્યારે આવા બધા વિચારો ન આવે. ગયા બુધવારે કેટલાક મિત્રો અશ્વિનીભાઇ-નીતિભાભી સાથે અમારી અનિયતકાલીન બેઠક ‘રૂડું કાઠિયાવાડ’ (વસ્ત્રાપુર તળાવ સામે, અમદાવાદ)માં બેઠા, ત્યારે જમ્યા પછીના પાન-સેશનમાં ‘સાહિત્યવાળાની ઉપેક્ષા’ વિશે સવાલ પૂછાયો ખરો, પણ પૂછનારને અને આજુબાજુ બેઠેલા સૌને ખબર હતી કે આ પૂછવાખાતર પૂછાયેલો સવાલ છે. અશ્વિનીભાઇને સાહિત્યવાળાથી કશો ફરક પડતો નથી. એમને રાજકારણમાં પડવું હોય તો એ સાહિત્ય પરિષદમાં જતા નથી. નર્મદા યોજના અંગેનું પોતાનું અભ્યાસપૂર્ણ વલણ, પોતાની લોકપ્રિયતા જોખમાશે એવી ચિંતા રાખ્યા વિના, અળખામણા થવાની અને માર ખાવાની તૈયારી સાથે પણ, હિંમતભેર તે પ્રગટ કરે છે. એક સાહિત્યકારની છબી સાથે સાચીખોટી રીતે સંકળાઇ ગયેલું પોચટપણું અશ્વિનીભાઇમાં નથી. પ્રેમાભાઇ હોલની મેનેજરી દરમિયાન અમદાવાદના ‘સંવેદનશીલ’ ગણાતા ખાસબજાર વિસ્તારમાં કોઇ ગુંડો છરી લઇને પાછળ દોડ્યો હોય એવા કંઇક વીરરસપ્રચુર કિસ્સા તેમની વાતોમાં નીકળી આવે છે. એવી જ રીતે વિધવિધ પ્રસંગે ‘રાવટી’ થવાના કિસ્સાની પણ તેમની સાથે બેઠેલા લોકો માટે નવાઇ નથી.
બેઠકની શરૂઆત ધીમી છે. ખરો રંગ જમ્યા પછી જામે છે. બિનીત મોદીની ગોઠવણથી, રેસ્ટોરાં બંધ થઇ ગયા પછી પણ તેની અગાસીમાં અમારી બેઠક ચાલુ રહે છે. લગભગ રાતના સાડા અગિયાર સુધી અશ્વિનીભાઇ-નીતિભાભી નિરાંતે બેસે છે. વચ્ચે માણસ આવીને કહી જાય છે કે ‘લિફ્ટ બંધ થઇ જશે.’ બધા કહે છે,’થઇ જવા દો. દાદર ઉતરીને જઇશું.’
લિફ્ટ બંધ. ચાર દાદરા ઉતરવાના. વચ્ચે અંધારું. નીતિભાભી કહે,’આ લોકોને લાઇટ ચાલુ રાખતાં શું જાય છે?’ તરત અશ્વિનીભાઇ કહે છે,’અત્યારે લાઇટ ચાલુ રાખવાનો શો ફાયદો? અનપ્રોડક્ટીવ લાઇટ બાળવાની જરૂર ખરી?’
અશ્વિની ભટ્ટની નવલકથાઓ આકંઠ પીનાર ધૈવત ત્રિવેદી, અમારા જૂના સાથીદાર- ગુજરાતી પત્રકારત્વને જેનો લાભ થોડા સમય માટે જ મળ્યો એ (હવે ‘સાયબરસફર’ ફેઇમ) હિમાંશુ કીકાણી, ‘ગુજરાત ટાઇમ્સ’ના તંત્રી અને એક સમયે ગુજરાતનાં તમામ અખબારોની પૂર્તિને ટક્કર મારે એવી ‘સપ્તક’ પૂર્તિ કાઢનાર રમેશ તન્ના. ‘અભિયાન’નું સંપાદન કરતા પ્રણવ અધ્યારુ અને મેં વિવિધ સવાલો પૂછ્યા. બિનીત ઉપરાંત જયેશ અધ્યારુ, લલિત ખંભાયતા, દિવ્યેશ વ્યાસ, લાલજી ચાવડા, હિંમત કાતરિયા અને તેમના ભાઇ, કેતન રૂપેરા, કિંતુ ગઢવી પણ સામુહિક સંવાદમાં સામેલ થતા રહ્યા. સલિલભાઇ-પ્રશાંત (દયાળ)- અનિલ(દેવપુરકર) જેવા ગેરહાજર મિત્રને પણ યાદ કર્યા. મનીષ મહેતા કોઇ કારણસર આવી શક્યા ન હતા.
અશ્વિનીભાઇએ ઉલટભેર હીરોઇનનાં નામોથી માંડીને ભૂતકાળમાં એક અખબારમાલિકના પુત્રને હાથોહાથની લડાઇ માટે આપેલા આહ્વાનની અને નવી લખાઇ રહેલી (અને અગાઉની પોસ્ટમાં જેના વિશે વાત થઇ ચૂકી છે એવી) નવલકથા જેવી અનેક વાતો કરી. હીરોઇનનાં નામમાં તેમણે રીધમ અને મનમાં રણકાર જગાડે એવા માપદંડની અને ઉદાહરણ તરીકે એમણે મારી દીકરી આસ્થાના નામની વાત કરી. (મેં તેમાં પૂરક અંગત માહિતી ઉમેરતાં કહ્યું કે મારી દીકરીનું નામ ‘આશકા’ પાડવાનું નક્કી કર્યું હતું, પણ ‘એન મોકે પર’ તેમાં ‘શ’ આખો લખાય છે કે અડધો તે જોવા ‘સાર્થ જોડણીકોશ’ ખોલ્યો અને તેમાં આશકાના પછીના પાને ‘આસ્થા’ નજરે પડ્યું ને ગમી ગયું.)
નવલકથામાં એડિટિંગના અશ્વિનીભાઇ પ્રચંડ આગ્રહી છે. હપ્તાવાર નવલકથા લખાયા પછી તેને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરતાં પહેલાં તે સંતોષ ન થાય ત્યાં સુધી તેમાં કાપકૂપ-સુધારા કરતા રહે છે અને તેમને જલ્દી સંતોષ થતો નથી. આપણે ત્યાં એડિટર-પ્રથા ન હોવાનું એક કારણ તેમણે મોટું બજાર ન હોવાનું પણ જણાવ્યું. પોતાની નવલકથાઓમાંથી બે-ત્રણ સિવાયની બાકીની કથાઓને તેમણે ‘સ્ટોરીટેલિંગ’ તરીકે ઓળખાવી. સાહિત્યિક માપદંડ પ્રમાણે એવા હવાચુસ્ત વિભાગો પડાય એમ નથી, છતાં તેમને લાગે છે કે ઓથાર, અંગાર, આશકા માંડલ ખરા અર્થમાં નવલકથા છે. કારણ કે તેમાં સ્ટોરીટેલિંગ ઉપરાંત મુખ્ય પાત્રોના માનસપ્રવાહોનું ઊંડાણભર્યું આલેખન છે.
રમેશ સિપ્પી સાથે રામગઢની વાત ન નીકળે તો અશ્વિની ભટ્ટ સાથે ભેડાઘાટની વાત ન નીકળે. ફિલ્ડવર્ક અને ભેડાઘાટ વિશેના સવાલના જવાબમાં અશ્વિનીભાઇએ ભેડાઘાટના નાનકડા વિસ્તારમાં, પૈસાની ભીડ છતાં રૂ.75 આપીને આખી રાતની હોડી ભાડે કરીને, જેડો રાઉતનાં બુંદેલી ગીતોના સૂર વચ્ચે ચાંદની ઝીલતા આરસના ખડકોનો અલૌકિક નજારો યાદ કર્યો. હા, એ નાવિકનું નવલકથાનું જ નહીં, સાચું નામ પણ જેડો રાઉત હતું. ધૈવત ત્રિવેદીએ વતન રાજુલાના એક મિત્રને ટાંકીને કહ્યું કે દીવમાં દરિયા વચ્ચે એક ચોક્કસ ખડક પર અશ્વિનીભાઇની એક હીરોઇને સ્નાન કર્યું હતું, એ જગ્યા હવે અશ્વિની ભટ્ટના રેફરન્સ સાથે ‘જોવાલાયક સ્થળો’ની યાદીમાં સ્થાન પામી છે.
હાજર મિત્રો લખવા સાથે સંબંધ ધરાવતા હોવાથી તેમણે નવલકથા લખવાની ટીપ્સ આપતાં કહ્યું કે હું કથાનો એન્ડ પહેલેથી વિચારી લઉં છું. કથાને ક્યાં લઇ જવી છે એ મનમાં રાખવું જરૂરી છે. કોઇ નવલકથા લખવા ઇચ્છે તો પ્લોટની કમી નથી અને ‘હું કેટલી નવલકથાઓ લખવાનો!’ એમ કહીને તેમણે પ્લોટ પૂરા પાડવાની તૈયારી બતાવી. નર્મદા યોજના વિશેના તેમના અભ્યાસ અને અનુભવોને આધારે સૂચિત ‘જળકપટ’ નવલકથા અને ત્રાસવાદનો પ્લોટ ધરાવતી-જેના પાંચ હપ્તા લખાઇ ચૂક્યા છે તે નવલકથા વિશે થોડી વાતો થઇ. ચૂંટણી પહેલાં અધૂરી રહેલી ‘કડદો’ નાની સાઇઝની કસબ-કરામત-કમઠાણ ટાઇપની છે. એનું સાઠ-સિત્તેર ટકા કામ થઇ ગયું છે.
જેમની નવલકથાઓએ અખબાર-સામયિકોને જમીની ગુરૂત્વાકર્ષણમાંથી મુક્તિ અને વેચાણના આંકડા આસમાને ચડી જાય એવો વિમોચન-વેગ/એસ્કેપ વેલોસીટી આપ્યો છે, એવા અશ્વિનીભાઇના પગ સદાય જમીન પર રહ્યા છે. એમની બાયપાસ સર્જરી કરનાર ડૉ.તુષાર શાહથી માંડીને તેમની હોસ્પિટલના સફાઇ કામદાર સુધીના સ્તરના લોકોની પ્રચંડ ચાહના પ્રાપ્ત કર્યા પછી મનમાં હવા નથી ભરાતી?
એનો જવાબ આપતાં અશ્વિનીભાઇએ કહ્યું,’હવા ભરાવી જોઇએ, પણ યોગ્ય જગ્યાએ. શેઠિયાની કેબિનમાં વાત કરતી વખતે એ હવા હોવી જોઇએ.’
હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટના ચાહકોનું કિશોરકુમાર અને મહંમદ રફીના ચાહકો જેવું છે. અશ્વિનીભાઇએ હરકિસનભાઇની ખાનદાનીનો એક પ્રસંગ યાદ કરતાં કહ્યું કે હરકિસનભાઇની દીકરીના લગ્નપ્રસંગે મને ખાસ આમંત્રણ આપ્યું. એટલું જ નહીં, અમદાવાદ એક ભાઇને કહી દીધું કે અશ્વિની ભટ્ટને લઇ આવવાની જવાબદારી તમારી. અશ્વિનીભાઇ પહોંચ્યા એટલે હરકિસનભાઇ તેમને પ્રેમથી મળ્યા, એટલું જ નહીં, મહેમાનોનું સ્વાગત કરવા ઉભેલા કુટુંબીઓ સાથે તેમણે અશ્વિનીભાઇને ઉભા રાખ્યા અને જેટલા મહેમાનો આવે એ બધાની સાથે ઓળખાણ કરાવતા જાય,’આ અશ્વિની ભટ્ટ...’ આ સાંભળીને આપણને થાય,’આ હરકિસન મહેતા...’
‘છેલ્લા ઘણા વખતથી વાચકોને કંઇ નવું અપાયું નથી એનો અફસોસ થાય છે’ એવું અશ્વિનીભાઇ કહે છે. બાકી તેમની પાસેથી અફસોસની વાતો અફસોસના સૂરમાં સાંભળવા ભાગ્યે જ મળે. પોતાના એક-બે પેઢી પછીના માણસો સાથે તેમને વધારે ભળે છે. કારણ કે ‘એ લોકો તબિયતની વાતો કરતા નથી. અમારી ઉઁમરનાને ખાલી ‘કેમ છો?’ પૂછીએ એટલે તબિયતનો અહેવાલ આપવા બેસી જાય.’ આવું તેમણે બાર-તેર વર્ષ પહેલાં એક વાર અને પછી વખતોવખત કહ્યું હતું. એ પોતે ‘હેલ્થ બુલેટિન લીગ’માં નથી. 72 વર્ષની ઉંમરે છાતીમાં પેસમેકર સાથે ફરતા અને અમેરિકામાં એક વાર મૃત્યુ સાથે સાવ નજીકનો પરિચય કેળવી આવેલા અશ્વિનીભાઇ સાથેની લાંબી બેઠકમાં એમની તબિયતનો ‘ત’ પણ આવતો નથી.
સાડા અગિયારની આસપાસ બધાને લાગે છે કે હવે અશ્વિનીભાઇને જવા દેવા જોઇએઃ-) થોડી આજુબાજુના બાંકડા પર સૂતેલા હોટેલના વેઇટરની પણ દયા આવે છે. અમારી બેઠકનો ભાગ બે તો આગળ લાંબો ચાલવાનો, પણ અશ્વિનીભાઇ-નીતિભાભી જતાં પહેલાં આગ્રહપૂર્વક ‘હવે હોટેલમાં નહીં, પણ અમારા ઘરે આવો. બોલો ક્યારે આવો છો? નક્કી કરીને કહો.’ એવું આમંત્રણ- આમંત્રણ નહીં, હુકમ જ વળી- આપતાં ગયાં.
મારી જિંદગીની જે કેટલીક બે-ચાર સાંજને, જે કેટલીક ગણીગાંઠી મુલાકાતને હું છેલ્લા શ્વાસ સુધી પંપાળતો રહીશ - એવી યાદગાર એ સાંજ, એવી કલ્પનાતિત એ મુલાકાત.
ReplyDeleteઅશ્વિની ભટ્ટ - એ નામનું મારા માટે શું મહત્વ છે, કેમ સમજાવું ? પરીક્ષા માથે ગાજતી હોય ત્યારે પણ અઢાર-વીસ કલાક સુધી એકધારા વાંચીને જેમની નવલકથાઓ પૂરી કરી છે એ અશ્વિની ભટ્ટ ? દર વરસે જેમની નવલકથા વાંચુ ત્યારે જ મારી ભાષા અને શૈલીની બેટરી ચાર્જ થાય છે એ અશ્વિની ભટ્ટ ? જેમની નવલકથા "આખેટ"નો હપ્તો વાંચવા માટે મંગળવારે સવારે સાડા છ વાગ્યે રાજુલાના એસ.ટી.સ્ટેન્ડ પર મહુવા-વેરાવળ બસની રાહ જોઈ હતી એ અશ્વિની ભટ્ટ ? (દર મંગળવારે મહુવાના એજન્ટ એ બસમાં અભિયાન મોકલતા. જે લાઈબ્રેરીમાં અગિયાર વાગ્યે પહોંચે. અને ત્યાં ચાહકોની લાઈનમાં અમારા હાથમાં ન આવે. એટલે બંદાએ આવો માસ્ટર પ્લાન અમલમાં મૂકેલો !)
અશ્વિનીભાઈએ ટેરેસ પર પગ મૂક્યો એ ક્ષણે મારા રુંવે-રુંવેથી આ બધી જ સ્મ્રુતિઓનો ધોધમાર ઝલઝલો વહી રહ્યો હતો. એમને મળવાનું નક્કી થયું ત્યારે મનમાં તો જાતજાતના ઘોડા ઘડેલાં. આમ કહીશ ને તેમ પુછીશ. એમની નવલકથાઓ પ્રત્યેનો અમારો અનુરાગ, એ વાંચવા માટે અમે કરેલાં ચોરી કરવા સહિતના જાતભાતના ધખારા, દોસ્તોની મહેફિલમાં એમની નવલકથાઓનું સામુહિક પઠન અને "હવે શું થશે"ની દિલધડક ચર્ચાઓ.. પણ એમને જોયા એ ક્ષણથી જ હું સદંતર અવાક થઈ ગયો. મને માનવામાં ન આવે કે જેમણે અમારા જેવા પછાત ગામડાના વાચકોને કલ્પનાની પાંખો પહેરાવી છે એ અશ્વિની ભટ્ટ મારી બાજુમાં બેઠા છે !
એમનું સર્જન પ્રશિષ્ટ સાહિત્ય કેમ નથી ગણાતું એ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, "ગુજરાતી સાહિત્યમાં મારું એટલું જ યોગદાન છે કે મેં ગુજરાતીઓની એક આખી પેઢીને ગુજરાતી વાંચતી રાખી છે." પણ હું તો કહું છું કે એમણે એવાં એવાં લોકોને વાંચતા કર્યા જેમને બે ટંકની રોટી માટેના રમખાણો વચ્ચે ભાષા કે સાહિત્ય સાથે સ્નાનસુતકનો ય સંબંધ ન્હોતો રહ્યો. કેટલાંક "અશ્વિની-આશિકો"ના ઉદાહરણ આપું.
નામઃ હસમુખ વાળંદ. પણ અમે એને હસલો કહીએ. રાજુલાના ધર્મશાળા ચોકમાં એની નાનકડી કેબિન. સાત ધોરણ સુધી મારો સહપાઠી. પછી એ "ઊઠી" ગયો અને બાલ-દાઢીનાં ધંધે લાગી ગયો. એકવાર મને કહે કે, "મુન્ના,ક્યાંક વાંસવા જેવું દે ને" મેં એને નિરજા ભાર્ગવ આપી. બસ, એ પછી હસલાને અશ્વિનીનો એવો રંગ લાગ્યો - એવો રંગ લાગ્યો કે હાથ લાગી એ બધી નવલકથા વાંચી નાંખી. પાંચ-સાત વર્ષે દીકરો જન્મ્યો તો એનું નામ પાડ્યું શેમલ !! બે-ચાર વર્ષ પહેલાં મને ફોન કરીને કહે, "મુન્ના,આપડું પોતાનું હેરઓઈલ બા'ર પાડ્યું સ." મેં કીધું, "વાહ, બહુ સરસ. તેલનું નામ શું રાખ્યું છે?" દાંત ખખડે એવું હસીને કહે કે, "વાળ-નીશ"! મેં કીધું, "અલ્યા, આ કેવું નામ રાખ્યું ? મને પુછવું તો હતું. હું કંઈક સારું નામ કહેત ને." તો વળી ખડખડ હસીને અમારી અસલના વખતની રાજુલાશાઈ ગાળ દઈને કહે કે, "તો તું શેનો અશ્વિની ભટ્ટનો ચાહક ? ઓથારની સેના બારનીશ પરથી વાળ-નીશ રાખ્યું એ ય સમજતો નથી ?!!"
એની દુકાને ગ્રાહકો ફાંસલો, આશકા કે આખેટની ચર્ચા કરે તો ભાયડો દાઢી બોડવાના પૈસા ન લે. "તમે તો યાર, ઘરનાં કે'વાવ !" અશ્વિનીનો ચાહક એટલે હસલાને મન "ઘરનો" !! મહિના પહેલાં હું રાજુલા ગયો. નિયમ મુજબ તેની કેબિને બેઠો. ઘર-પરિવારના ખબરઅંતર પછી પાંચમી જ મિનિટે વાતનું સરનામું અશ્વિની ભટ્ટનું. મને કહે કે, "મુન્ના, હમણાં તું દિવ ગ્યો સ?" મેં કહ્યું, "ના, પણ જવાનો છું." "તો ખાસ જાજે. નાગવા બિચ પર ઓલો દખણાદો પાણો નથ્ય? એ હવે દિવનું જોવા લાયાક ગણાય સે !!" એનાં અવાજમાં એવો હરખ - જાણે તેનાં દાદા-પરદાદાનું મોંઢું ચિતરેલી સોનામ્હોર મળી આવી હોય !!
આવા માણસના દિલમાં વસી ગયેલા - જીવનમાં વણાઈ ગયેલા અશ્વિની ભટ્ટ ખરેખર મારી બાજુમાં બેઠા હતા ? ઉર્વીશભાઈ, સાચ્ચું કહો છો ને ??
(હજુ આવા બીજા બે અનોખા આશિક વિશે કહી શકું. પણ કોમેન્ટની લંબાઈની એક તો હદ હોય ને !!)
good read on ashwini bhatt
ReplyDeleteraj goswami
કોઈ લેખક આ કક્ષાએ પહોચ્યા પછી પણ આટલા સરળ હોઈ શકે! અશ્વિની ભટ્ટને મળ્યા પછી આ સવાલ થાય એ સ્વાભાવિક છે! જોકે મજા આવીએ એ વાત વધુ મહત્વની છે. કથામાં આવતા દરેક સ્થળોએ રૂબરૂ જવું ને એના વિશે પૂરી વિગતો મેળવવી એ જ એમની સફળતાનું પેહલું લક્ષણ છે. વાત વાત માં મજાક અને સરળ રીતે વાત કરવાની એમની પ્રથા ગમી. નવલકથા અને સ્ટોરી ટેલીંગ વચ્ચે તફાવત પણ સમજાયો.
ReplyDeleteકવિ, સાહિત્યકારોનો મને ઉબખો આવી ગયો છે. તેમના સંમેલનમાં એકબીજાની બગલ ખંજવાળ પ્રવૃતિ શિવાય કઈ નથી હોતું એટલે આ લોકો સાથે સંમેલનના વિચારથી હું બી જાઉ છું. આ કલ્પનાશીલ પ્રાણીઓની વાતો ગહન લાગે તોય મોટાભાગે તેઓ અંદરથી સાવ ખોખલા માલુમ પડે છે. અશ્વિનિ ભટ્ટ મને આમા નોખા જણાયા, મુઠ્ઠી ઉછેરા જણાયા, પ્રેમથી છલોછલ જણાયા, મળવા જેવા અને વારંવાર મળવા જેવા માણસ જણાયા. આ માણસ પાસે વાતોનો, અણિશુદ્ધ અવલોકનોનો લખલુટ ખજાનો છે. આવા માણસોને વારંવાર મળવું જોઈએ, એમની કનેથી પોષણ(વિચારોને) અને પ્રેમ બંને મળશે.
ReplyDeleteઆપના લેખની લીંક મારા લેખમાં આપેલ છે. આપની નામરજી હોય તો જણાવશો.
ReplyDeletehttp://shabareesanchay.blogspot.com/2011/02/blog-post_20.html
શ્રી ઉર્વિશ ભાઇ
ReplyDeleteનવનીત સમર્પણ માં આવેલ " જો આ હોય મારું અઁતિમ પ્રવચન " આપની જ કોઇ લીંક પરથી ડાઉનલોડ કરી વાંચ્યું, કોઇ સસ્પેંસ ફિલ્મની જેમ સાલા છેલ્લા કેટલાક પેઇજ ડાઉનલોડ નહોતા થયા, હવે સાહેબ આ ફિલમ પૂરી કરવી છે ભાઇ.... તો શક્ય હોય તો નવનીત સમર્પણ અપ્રિલ ૨૦૧૨ ના સ્કેન કરેલા પેઇજ ની લીંક આપવા વિનંતી.
દેવદત્તભાઇ, તમારું ઇ-મેઇલ આપશો તો આખી પીડીએફ મોકલી આપીશ.
ReplyDeletePL SEND RAGHUVANSHI_DHARI@YAHOO.COM
Deleteઅશ્વિની ભટ્ટ ની સર્જક તરીકે નો પરિચય કોઈ ની પાસે ૫૦ પાના માં હોય તો આપીને please
Delete