- વિક્રમ સંવતનું નવું વર્ષ આર્થિક ઉપરાંત સામાજિક અને બૌદ્ધિક મંદીના, નાદારીના, ઉઠમણાંના, ફુગાવાના, જૂના વિક્રમો ન તોડે એવી વ્યવહારુ શુભેચ્છા.
- ઔપચારિક વ્યવહારમાં માનતો ન હોવાથી અને કોઇનું નામ ચૂકી ન જવાય એ માટે, સાવ શરૂઆતના બ્લોગમાં કમેન્ટ કરનારા મિત્રોથી માંડીને બીજા ઘણા પરિચિત અથવા બ્લોગ થકી જ સંપર્કમાં આવેલા સૌ મિત્રોને પ્રેમથી યાદ કરું છું. પરસ્પર પીઠખંજવાળક પ્રવૃત્તિ માટે મેં બ્લોગ ચાલુ કર્યો નથી. એટલે અત્યાર સુધી મળ્યા છે એવા જ, પ્રામાણિક અને ‘લાગ્યું તેવું લખ્યું’ પ્રકારના, પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે. સૌને એટલું જ કહેવાનું કે મતભેદો મતભેદની જગ્યાએ અને દોસ્તી દોસ્તીની જગ્યાએ.
- ઘણા સ્નેહીઓને હું નવી ત્રણ-ચાર પોસ્ટની જાણ એકસાથે ઇ-મેઇલથી કરું છું. એ સૌ હકપૂર્વક કહે છે પણ ખરા કે ‘તમે રીમાઇન્ડર મોકલો છો તે સારું પડે છે.’ એમના દોસ્તીહકને માન્ય રાખીને હવે એ સૌને આ બ્લોગના ‘ફોલોઅર’ બનવા વિનંતી. (ફોલોઅર કેવી રીતે બની શકાય, એ જાણવા માટે આ પોસ્ટની છેવાડે લખેલી ‘ટીપ્સ’ જુઓ.) તમારે મારા કે મારા વિચારોના નહીં, ફક્ત મારા બ્લોગની હિલચાલના જ ‘ફોલોઅર’ થવાનું છે એટલી ચોખવટઃ-)
- બ્લોગના પ્રતિભાવ ઇ-મેઇલ અને ફોનથી આપનારા સૌ મિત્રોને આભારસહ વિનંતી કે તમારો પ્રતિભાવ બ્લોગ પર આપશો તો વધુ આનંદ થશે. એ અંગે ટેકનિકલ મુશ્કેલી જણાતી હોય તો પોસ્ટના અંતે મુકેલી સાદી ટીપ્સ જુઓ.
- બ્લોગ પર મુલાકાતીઓની સંખ્યા બતાવતું મીટર હજુ સુધી મેં મુક્યું નથી. મનમાં થોડો એવો ભાવ છે કે એ બધામાં પૂરેપૂરી પ્રામાણિકતા જળવાતી નથી અથવા સાચું ચિત્ર ઉપસતું નથી- અકારણ આંકડાકીય સ્પર્ધાનો અને આંકડાકીય માપદંડનો ભાવ ઊભો થાય છે. આ ખચકાટ મનમાંથી પૂરેપૂરો દૂર થઇ શકે તો એવું મીટર મૂકવા વિચારી શકાય. ભવિષ્યમાં એવું મીટર મુકવાનું મન થાય- જરૂર પડે તો પણ, આંકડા ખાટા-મીઠા-ગળ્યા-તીખા-કડવા પ્રતિભાવોની જગ્યા લઇ શકે એમ નથી. તમારી લેખિત કમેન્ટ્સ તથા ફોલોઅર બનવાની ચેષ્ટા આ બ્લોગના પ્રયાસની કદર કરવાનો સીધો અને સાદો રસ્તો છે.
- કદી રૂબરૂ કે ફોન પર વાતચીત થઇ ન હોવા છતાં, પ્રવીણ શેઠ જેવા વર્તમાન મુખ્ય મંત્રીના ભૂતપૂર્વ અધ્યાપક આ બ્લોગમાં સૌથી નિયમિતપણે (ઇ-મેઇલ દ્વારા) પ્રતિભાવ આપતા રહ્યા છે. એ હકીકતની અહીં સાભાર નોંધ લઉં છું. એ જ રીતે, કેનેડાસ્થિત વડીલ મિત્ર અને ‘ફિલમની ચિલમ’ ફેઇમ સલીલ દલાલ પણ વખતોવખત કમેન્ટ્સ લખીને હોંકારો ભણે છે. ‘ગુરૂ’ અશ્વિની ભટ્ટ જેવા નામી નવલકથાકારે આ બ્લોગ માટે આસારામ ગેંગ સાથેના તેમના અનુભવો અંગ્રેજીમાં લખી મોકલ્યા હતા. અમેરિકા- સ્થિત હાસ્યકાર-વાર્તાકાર હર્નીશ જાની પણ વખતોવખત પ્રતિભાવ લખે છે.
- આ બ્લોગને પોતાનો ગણનાર, ‘મિત્ર’ શબ્દની ઘણીખરી હકારાત્મક અર્થચ્છાયાઓ જેની સાથેની મૈત્રીમાં સમાયેલી છે, એવા બિનીત મોદીનો આભાર ન મનાય. બ્લોગના વિષયોની નવી સુધારેલી યાદીમાં ‘બિનીત મોદી’ પણ એક વિષય તરીકે ઉમેર્યો છે, જેથી તેની ‘કારીગરી’નો એકસાથે પરિચય મળી શકે.
- ‘નવનીત સમર્પણ’ના તંત્રી અને મિત્ર દીપક દોશીએ થોડા વખત પહેલાં આ બ્લોગ પર પ્રગટ થતી સામગ્રીમાંથી તેમને મન પડે તે ‘નવનીત’માં પ્રકાશિત કરવાની મંજૂરી દોસ્તીહકે મેળવી લીધી છે. (‘કારણ કે આ બ્લોગ પર ઘણુંબધું એવું હોય છે, જે પ્રકાશિત કરવાનું મન થઇ જાય’ દીપકભાઇએ લખ્યું હતું) ત્યાર પહેલાં ‘કાકાસાહેબ દુબઇકર’ (‘કાકાસાબ.કોમ’ના નીલેશ વ્યાસ) પણ એ પ્રકારની દરખાસ્ત થકી સંપર્કમાં આવ્યા.
- સીડની (ઓસ્ટ્રેલિયા)માં ગુજરાતી એફએમ રેડિયોનું સંચાલન કરતાં આરાધના ભટ્ટ આ બ્લોગના કેટલાક લેખ વાંચ્યા પછી મેઇલ-સંપર્કમાં આવ્યાં અને તેમણે વિગતવાર ટેલીફોનીક ઇન્ટરવ્યુ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
- ‘એનોનીમસ’ તરીકે કમેન્ટ કરનારા લોકોને આટલા પ્રેમથી યાદ કરી શકતો નથી. અભિપ્રાય આપ્યા વિના ન રહેવાતું હોય તેમણે નામ જાહેર કરવા જેટલી ખુલ્લાશ દાખવવી યા કેળવવી રહી. ‘એનોનીમસ’ વાચકોને શું લાગે છે? હું એમનું ઓનલાઇન ખૂન કરી નાખીશ?-)
- હમણાં આયેશા ખાન વિશેની પોસ્ટના પ્રતિભાવમાં એક એનોનીમસે ગણતરીપૂર્વક મારી ખેલદીલીને પડકારી હતી. એવાં કોઇ જૂનાં-જાણીતાં તિકડમ અપનાવવાની જરૂર નથી. મારી ખેલદીલી વિશે હું બિલકુલ અસલામત નથી. ફરી વખત મારી ખેલદીલીને ટકોરા મારીને કોઇ ટીકાત્મક કમેન્ટ પ્રગટ કરાવવા ઇચ્છશે તો એ નહીં બને અને માત્ર એ કારણસર કમેન્ટ મુકવામાં નહીં આવે. પરંતુ શિષ્ટતાની મર્યાદામાં રહીને લખાયેલી ગમે તેટલી કડક-કડવી કમેન્ટ અહીં પ્રગટ થશે જ.
*****
લાંબી ઇનિંગના નિર્ધાર સાથે નીકળેલા ખેલાડીને પહેલી સદીથી આનંદ તો થાય. સાથોસાથ, ‘હજુ બહુ આગળ જવાનું છે’નો અહેસાસ પણ થતો રહે છે. મારી સ્થિતિ કંઇક એવી જ છે. આ બ્લોગની શરૂઆત કરતી વખતે મનોમન નક્કી કર્યું હતું કે તમામ વ્યાવસાયિક તકાદા વચ્ચે અને કોઇ વાંચે કે ન વાંચે તો પણ, હું મારી રુચિને અનુરૂપ સામગ્રીથી ઓછામાં ઓછું એકાદ વર્ષ તો બ્લોગ ચલાવીશ. અત્યાર સુધીના પ્રતિભાવ પરથી હવે ‘ઓછામાં ઓછું’ વિચારવાની જરૂર રહી નથી.
બ્લોગની થીયરી ખબર હોવા છતાં પહેલી પોસ્ટ કેવી રીતે મુકવી તેનું પ્રાથમિક માર્ગદર્શન મિત્ર હિમાંશુ કીકાણીએ આપ્યું. ‘ગુર્જરદેશ.કોમ’ના પ્રતાપે મારા વપરાશના ત્રણેક ફોન્ટમાંના એક ફોન્ટ (ગોપિકા) સહેલાઇથી યુનિકોડમાં કન્વર્ટ કરવાનું શક્ય બન્યું. ત્યાર પછી સમય અને સંજોગોને આધીન બ્લોગિંગનાં વધારાનાં સાધનો વિશે ખપજોગી જાણકારી મેળવતો રહ્યો છું.
એ જાણકારીનો વ્યાપ ‘ગુગલ એડસેન્સ’ સુધી બ્લોગ શરૂ થતાં પહેલાં પહોંચેલો હતો. પણ મુખ્ય લક્ષ્ય સામગ્રી (કન્ટેન્ટ)નું રાખ્યું હોવાથી, આર્થિક વળતરના પ્રયાસ હજુ સુધી ‘કોર્સ બહાર’ રહ્યા છે. આ બ્લોગમાંથી આર્થિક ઉપાર્જન થાય તે અવશ્ય ગમે, પણ એ તેનો મુખ્ય આશય નથી. મૌલિક ચોક્સી જેવા ભૂતપૂર્વ મહેમદાવાદી મિત્રએ બ્લોગને તમામ પ્રકારની મદદ કરવાની તત્પરતા દર્શાવી, ત્યારે મેં એટલું જ કહ્યું હતું કે અત્યારે આ બ્લોગની સામગ્રીનો સૌ પોતપોતાના વર્તુળમાં પ્રસાર કરે, તે પહેલી જરૂરિયાત છે.
આ બ્લોગ થકી ‘શબ્દાર્થપ્રકાશ’ જેવું લાંબા સમયથી કરવા જેવું (‘ઓવરડ્યુ’) કામ શરૂ થઇ શક્યું, વૃંદાવન સોલંકી જેવા ખ્યાતનામ ચિત્રકારની સ્કેચબુકમાંથી એક ચિત્ર આ બ્લોગ પર મુકાયું, (બે દિવસ પહેલાં વૃંદાવનભાઇએ થોડી વધુ સામગ્રી આપવાની પ્રેમાળ ઓફર કરી છે.) બોમ્બવિસ્ફોટ પછીનાં ગુજરાતી અખબારો વિશે અંગ્રેજી પત્રકાર-લેખિકા અમૃતા શાહનો અભ્યાસપૂર્ણ લેખ આ બ્લોગ પર જ પ્રસિદ્ધ થયો.....
આખી યાદી ઉતારવાનો આશય નથી. પણ ‘ગુજરાત સમાચાર’માં અઠવાડિયામાં ત્રણ કોલમ (રવિ, મંગળ, બુધ) અને બે વિશિષ્ટ માસિકો (‘દલિતશક્તિ’ અને ‘વૈશ્વિક માનવવાદ’)ના સંપાદન પછી પણ, જે ન આપી શકાયાનો ખટકો અથવા આપવાની ઇચ્છા રહે એવી સામગ્રી સારા એવા પ્રમાણમાં બ્લોગ પર મુકી શકાઇ તેનો સંતોષ છે.
ખાસ જાણકારી અને આગોતરું આમંત્રણ
મારા હાસ્ય-વ્યંગ લેખોનું પહેલું (અને મારું ચોથું) પુસ્તક ‘બત્રીસે કોઠે હાસ્ય’ એકાદ અઠવાડિયામાં ‘ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ દ્વારા પ્રકાશીત થવામાં છે. તેનો જરા જુદા પ્રકારનો સમારંભ આ નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરની શરૂઆતમાં રાખવા વિચાર છે.
એની પહેલી તબકકાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. પુસ્તક અને સમારંભ વિશેની વધુ વિગતો વખતોવખત આપીશ. દરમિયાન, આ બ્લોગના સ્નેહી વાચકો માટે મિત્ર અપૂર્વ આશરે ડીઝાઇન કરેલા પુસ્તકના ટાઇટલનો ફોટો પહેલી વાર અહીં મુકું છું. સમારંભનું આમંત્રણ અત્યારથી જ. હવે પછી તારીખ નક્કી થયે અને નજીક આવ્યેથી મારે ફક્ત રીમાઇન્ડર આપવાનું રહેશે.
સૌને નવા વર્ષમાં વાચન મુબારક.
પ્રાથમિક ટીપ્સ
બ્લોગના ફોલોઅર બનવા માટે
આ બ્લોગમાં ઉપર જમણા ખૂણે દેખાતા ‘ફોલોઅર’ના સિમ્બોલની ઉપર લખેલી લીટી (‘ફોલો ધીસ બ્લોગ’) પર ક્લીક કરો અને આ બ્લોગના ફોલોઅર બનો. તમારું નામ બીજા જોઇ શકે અથવા નામ જાહેર ન થાય- એ બે રીતે ફોલોઅર બની શકાય છે. ‘જીમેઇલ’નું એકાઉન્ટ ધરાવનાર લોકો માટે આ ફક્ત બે ક્લીકનું કામ છે. તમે ફોલોઅર બનશો તો મારી મહેનત બચશે, તમને બ્લોગના અપડેટ્સ મળ્યા કરશે અને મારો સંતોષ વધશે.
બ્લોગ પર પ્રતિભાવ આપવા માટે
બ્લોગના પ્રતિભાવ ઇ-મેઇલ અને ફોનથી આપનારા સૌ મિત્રોને આભારસહ વિનંતી કે તમારો પ્રતિભાવ બ્લોગ પર આપશો તો વધુ આનંદ થશે. એ અંગે ટેકનિકલ મુશ્કેલી લાગતી હોય તોઃ દરેક પોસ્ટની નીચે ‘કમેન્ટ્સ’ પર ક્લીક કરવાથી કમેન્ટ લખવાના બોક્સની નીચે, ચાર ઓપ્શન દેખાશે. એક જ ઓપ્શન દેખાતું હોય તો સ્ક્રોલ ડાઉન કરવાથી બીજાં ત્રણ દેખાતાં થશે. તેમાંથી ‘ઓપન આઇડી’ના ઓપ્શન પર ક્લિક કરીને, તેના ઉપરના ખાનામાં ફક્ત તમારું નામ લખવાથી પણ કમેન્ટ પોસ્ટ કરી શકાશે. આ રીતમાં તમારે પાસવર્ડ કે ઇ-મેઇલ એડ્રેસ કંઇ જ આપવાનું રહેતું નથી.