અનેક દેશોમાં આફ્ટરશોક ફેલાવનાર વોલસ્ટ્રીટનાં બે ગાબડાં વચ્ચેનાં સામ્ય અને તફાવત
મામુલી વરસાદ ધરાવતા કચ્છ કે સુરેન્દ્રનગર જેવા કોઇ વિસ્તારમાંથી વરસાદી પાણીનાં ટીપાં શીશીમાં ભરીને ચેરાપુંજી મોકલ્યાં હોય તો કેવું લાગે? કંઇક એવી જ સ્થિતિ આઠ દાયકા પહેલાં અમેરિકામાં સર્જાઇ. સતત ૧૮ મહિનાથી ભર તેજીમાં ઉછળી રહેલું અમેરિકાનું શેરબજાર ઓક્ટોબર, ૧૯૨૯માં ચત્તાપાટ એવું પછડાયું કે હાડકે હાડકે મલ્ટીપલ ફ્રેક્ચર થઇ ગયાં. ત્યાર પછીના કપરા સમયમાં, અમેરિકાના ભૂખ્યા, ‘નવ-ગરીબ’ (‘નીઓ-પૂઅર’) લોકો પ્રત્યે લાગણી વ્યક્ત કરવા માટે, કેમેરૂનના લોકોએ ૩.૭૭ ડોલરનો ચેક મદદ તરીકે મોકલ્યો હતો! બીજી તરફ, ફક્ત અમેરિકાની બેન્કોએ શેરબજારમાં હોમેલી રકમનો આંકડો હતો ઃ ૮ અબજ ડોલર.
ધ ગ્રેટ ડીપ્રેશન’ તરીકે જાણીતી બનેલી અમેરિકાની એ મંદી આંતરરાષ્ટ્રીય દુર્ઘટના તરીકે ઇતિહાસમાં નોંધાઇ અને મંદીનો માપદંડ બની. ત્યાર પછીની દરેક મંદીને ૧૯૨૯ના સંદર્ભમાં માપવામાં આવે છે. અત્યાર સુધીની અનેક પછડાટો ૧૯૨૯ની સરખામણીમાં મામુલી અને કામચલાઉ નીવડી, પણ માઠા સમાચાર એ છે કે ૨૦૦૮ની મંદી વિશે એવું કહી શકાય એમ નથી. અર્થતંત્રના અભ્યાસીઓ ગંભીરતાપૂર્વક માને છે કે વર્તમાન પરિસ્થિતિ ૧૯૨૯ જેવી જ - અને કેટલાક મુદ્દે એનાથી પણ વધારે ખરાબ- છે.
કેવું હતું ‘ધ ગ્રેટ ડીપ્રેશન’?
૧૯૨૯ની મંદી સુધી દોરી જનારી સ્થિતિનું વર્ણન વાંચતાં એવું લાગે કે મામુલી ફેરફાર સાથે તે ૨૦૦૮માં પણ લાગુ પડી શકે છેઃ
‘ફેક્ટરીઓના ઉત્પાદનમાં મોટા પાયે વધારો થયો, પણ કામદારોના પગાર વઘ્યા નહીં. મુઠ્ઠીભર મૂડીપતિઓની તિજોરીઓ જ ભરાતી રહી. હપ્તેથી વસ્તુઓ ખરીદવાની હોડ લાગી હતી, એટલે હપ્તા ચડવા લાગ્યા હતા. નવી વસ્તુઓ બનતી જાય, લોકો હપ્તેથી ખરીદતા જાય, બેન્કો ઉધાર આપતી જાય અને લોકોની છાતી પર હપ્તાનો બોજ ખડકાતો રહે. આખરે એક તબક્કો એવો આવ્યો કે લોકોએ માલ ખરીદવાનું બંધ કરી દીઘું. બજારમાં માલનો ભરાવો થયો અને ઔદ્યોગિક ઉત્પાદન અટકી પડ્યું. સંખ્યાબંધ કર્મચારીઓને માલિકોએ છૂટા કર્યા. બેકારી વધી એટલે વિષચક્રને વેગ મળ્યો. પગાર ન મળે, તો માલ ખરીદે કોણ? અને માલ ન ખપે, તો માલ બનાવવા માટે નોકરીએ કોણ રાખે?’
માંડ થોડા ટકા લોકોની સમૃદ્ધિના પ્રચાર અને તેમાંથી પેદા થયેલા ‘ફીલગુડ ફેક્ટર’માં મોેટા ભાગના લોકો ફસાયા. બજાર તેજીનું હતું એટલે લોકોને -કોઇ દેખીતા કારણ વિના-સમૃદ્ધિ હાથવેંતમાં લાગતી હતી (જેમ અત્યારે સૌને લાગે છે). શેરબજારની તેજીને કારણે બીજાં અનેક ક્ષેત્રોનાં નાણાં પણ ત્યાં ઠલવાયાં. અમેરિકાના રીપબ્લિકન પ્રમુખ હર્બટ હુવરને પરિસ્થિતિ સમજાઇ ત્યારે બહુ મોડું થઇ ચૂક્યું હતું. ૨૪ ઓક્ટોબર, ૧૯૨૯ના રોજ પહેલી વાર ભાવમાં મોટો કડાકો થયો. એ દિવસે ૧.૨ કરોડ શેરના સોદા થયા. ત્યાર પછી ભાવોની તળીયા તરફની ગતિ સતત ચાલુ રહી.
શેરબજારમાં સીઘું રોકાણ કરનારા લોકો સંખ્યા અને પ્રભાવની રીતે ઘણા લાગે, પણ દેશની કુલ વસ્તીની ટકાવારીમાં તેમનું પ્રમાણ સાવ ઓછું હોય છે. મુશ્કેલી ત્યારે થાય, જ્યારે સામાન્ય લોકોની બચતો ધરાવતી બેન્ક અને બીજી નાણાંકીય સંસ્થાઓ તથા તેમને રોજગારી પૂરી પાડતા ઉદ્યોગો શેરબજારના કડાકામાં પાયમાલ થાય. ૧૯૨૯માં એવું જ બન્યું. યુરોપની મૂડી અમેરિકાના બજારમાં રોકાણ માટે ઠલવાતી હોવાથી, મંદીએ યુરોપને પણ ઘુ્રજાવ્યું. અમેરિકામાં ૪૫ લાખ અને બ્રિટનમાં ૨૦ લાખથી પણ વઘુ લોકો બેકાર બન્યા. બે વર્ષમાં બેકાર અમેરિકનોની સંખ્યા ૮૩ લાખ સુધી પહોંચી. બ્રિટનમાં એ આંકડો ૩૦ લાખને આંબી ગયો. જર્મનીમાં લાખો બેકાર બન્યા. ૧૯૩૨ સુધીમાં અમેરિકાની આશરે ૩,૫૦૦ બેન્કો બેસી ગઇ.
અત્યારે અમેરિકાની ઓળખ ગણાતી ‘સોશ્યલ સિક્યોરિટી’ની વ્યવસ્થા ન હોવાથી, અનેક બેકારોને બે ટંક ભોજન માટે ભીખ મારવાનો વારો આવ્યો. ભારતમાં બ્રિટન સામેની લડતમાં ગાંધીજી ઉપવાસનું શસ્ત્ર અજમાવતા હતા, ત્યારે એ જ દેશની જનતાને ભૂખસરઘસ કાઢવાં પડે એવી સ્થિતિની કલ્પના થઇ શકે? પણ એ વાસ્તવિકતા હતી. પાટનગર લંડનમાં પ્રજાજનોનાં ‘ભૂખસરઘસ’ (‘હંગર માર્ચ’) નીકળવા લાગ્યાં. અમેરિકામાં સૌથી નામોશીભરી સ્થિતિ ત્યારે સર્જાઇ, જ્યારે નાણાંના મુદ્દે નિવૃત્ત સૈનિકો અને સરકાર આમનેસામને આવી ગયાં. પહેલા વિશ્વયુદ્ધમાં દેશ વતી લડનારા સૈનિકોને ૧૯૪૫ સુધીમાં સરેરાશ ૧ હજાર ડોલરનું બોનસ મળવાનું હતું, પણ મંદીથી પેદા થયેલી સ્થિતિમાં સૈનિકો ૧૯૪૫ સુધી રાહ જોવા તૈયાર ન હતા. પોતાનાં બાકી પડતાં નાણાં મેળવવા માટે વીસેક હજાર સૈનિકોએ વોશિંગ્ટનમાં ધામા નાખ્યા.
થોડો સમય સરકારે સહાનુભૂતિથી કામ લીઘું, પણ સૈનિકોને વચગાળાનું ચૂકવણું કરવાનો પ્રસ્તાવ સેનેટમાં પસાર થઇ શક્યો નહીં. એટલે, બારેક હજાર સૈનિકો હતાશ થઇને પાછા જતા રહ્યા અને બાકીના પ્રત્યે સરકારનું વલણ સખત થવા લાગ્યું. છેવટે, આખા દેશની સહાનુભૂતિ ધરાવતા નિવૃત્ત સૈનિકોને હુવર સરકારે ગુનેગાર અને ‘સામ્યવાદી’માં ખપાવીને, બળપ્રયોગથી તેમને વોશિંગ્ટનમાંથી તગેડી મુક્યા. આ શરમજનક ઘટનાક્રમથી આગામી ચૂંટણીમાં હુવરની નક્કી ગણાતી હાર વઘુ નિશ્ચિત બની.
‘ન્યૂ ડીલ’: બેઠા થવાની દવા
હુવરને હરાવીને ૧૯૩૨માં ડેમોક્રેટિક પક્ષના ફ્રેન્કલીન રૂઝવેલ્ટ અમેરિકાના પ્રમુખ બન્યા. વર્તમાન સંજોગોમાં રીપબ્લિકન બુશના આઠ વર્ષના શાસન પછી ડેમોક્રેટ બરાક ઓબામાની જીતની શક્યતાઓ ઘણી ઉજળી છે. ઓબામાની જેમ રૂઝવેલ્ટ પણ નવી આશાનો સંદેશ લઇને આવ્યા હતા. તેમણે ‘ન્યૂ ડીલ’ અને ત્યાર પછી ‘સેકન્ડ ન્યૂ ડીલ’ અંતર્ગત ઘણાં પગલાં જાહેર કર્યાં: ‘નેશનલ રીકવરી એડમિનિસ્ટ્રેશન’ સ્થાપ્યું, ઉદ્યોગો માટે લધુતમ વેતન અને બાળમજૂરીના વિરોધથી માંડીને કામદારો માટેના હક નક્કી કરવામાં આવ્યા, લોકોને રોજગારી પૂરી પાડવા માટે ‘વર્ક પ્રોગ્રેસ એડમિનિસ્ટ્રેશન’ સ્થાપવામાં આવ્યું. ઓગસ્ટ, ૧૯૩૫માં ‘સોશ્યલ સિક્યોરિટી એક્ટ’ પસાર કરવામાં આવ્યો, જેના થકી અમેરિકાના નાગરિકોને પહેલી વાર પેન્શન, બેકારીભથ્થું, વિકલાંગો માટે આર્થિક સહાય અને પ્રજાકીય આરોગ્ય સુવિધાઓ મળતી થઇ.
રૂઝવેલ્ટે ખોટા વાયદાને બદલે નક્કર કામગીરી દ્વારા અમેરિકાના ખરાબે ચડેલા જહાજનું સુકાન સંભાળ્યું. મૂડી અને વિશ્વાસ બન્નેનું ઉઠમણું કરી ચૂકેલી બેન્કોને રૂઝવેલ્ટે નક્કર સરકારી ટેકો પૂરો પાડવાની જાહેરાત કરી. લોકોનો વિશ્વાસ જીતવા માટે તેમણે ‘ફાયરસાઇડ ચેટ’ (તાપણે બેઠાં) નામથી રેડિયો કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં પ્રમુખ કોણીએ ગોળ જેવી જાહેરાતો કે રાષ્ટ્રજોગ ભારેખમ સંબોધન નહીં, પણ પોતાના નાગરિકો સાથે ગોષ્ઠિ કરતા હતા. રેડિયો પર રૂઝવેલ્ટના મૈત્રીપૂર્ણ રણકાથી તેમની નક્કર કામગીરીને જબ્બર ટેકો મળ્યો. ઉઠમણાના આરે ઊભેલી બેન્કોમાં અમેરિકાના લોકોએ નવેસરથી એકાદ મહિનામાં જેટલા ટૂંકા ગાળામાં ૧ અબજ ડોલર જેટલી રકમો પાછી જમા કરાવી, એમાં રૂઝવેલ્ટની તાપણાગોષ્ઠિ (‘ફાયરસાઇડ ચેટ’)નો મોટો ફાળો હતો.
તેમ છતાં, કડાકાનો ઘા એટલો ઉંડો હતો કે અમેરિકાનું ગાડું કોણ જાણે ક્યારે ચીલે ચડી રહેત. ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરી એક વાર પુરવઠાની પ્રચંડ જરૂરિયાત ઊભી થઇ. તેનાકારણે ધંધાઉદ્યોગો-અર્થતંત્ર ફરી ધમધમતાં થયાં અને ૧૯૨૯ની મંદીના ઓછાયા આખરે દૂર થયા.
વોલસ્ટ્રીટઃ ઢેકા અને કાઠાંનો સિલસિલો
૧૯૨૯માં મુખ્યત્વે શેરબજારમાં સીધાં રોકાયેલાં નાણાં ડૂબી જતાં તારાજી સર્જાઇ હતી. ૨૦૦૮માં મામલો વધારો પેચીદો છે. યુરોપના ઉદ્યોગોનું અમેરિકામાં મોટું મૂડીરોકાણ ૧૯૨૯માં હતું ને ૨૦૦૮માં પણ છે. એટલે, આ વખતના કડાકા પછી ‘યુરોપને વાંધો નહીં આવે’ એવો આરંભિક દાવો ખોટો પુરવાર થયો છે. યુરોપિયન યુનિયને પોતાની બેન્કોને ઉગારવા (બેઇલ આઉટ) માટે અમેરિકાના પેકેજ કરતાં લગભગ બમણી રકમ- ૧.૪ ટ્રિલીયન ડોલર (૧૪૦૦ અબજ ડોલર)નું પેકેજ જાહેર કરવું પડ્યું છે. છતાં, ધરતીકંપનું ઉદ્ગમબિંદુ (એપીસેન્ટર) અમેરિકા છે, એમાં બેમત નથી.
સૈદ્ધાંતિક દૃષ્ટિએ અગત્યનો એક મુદ્દો એ પણ ખરો કે ૧૯૨૯ની મંદીમાંથી બહાર નીકળવાનાં પગલાં ૧૯૩૨માં પ્રમુખપદે ચૂંટાયેલા રૂઝવેલ્ટે લીધાં, જ્યારે ૨૦૦૮માં મહત્ત્વના આર્થિક નિર્ણયો, પ્રમુખપદની ચૂંટણીના થોડા મહિના પહેલાં, અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ લીધા છે. એ નિર્ણયો અનિવાર્ય લાગતા હોવા છતાં તેનો બોજ વેંઢારવાની જવાબદારી નવા ચૂંટાનારા પ્રમુખના માથે આવશે. અર્થતંત્રને ઉગારવા માટે ટ્રેઝરી સેક્રેટરીએ ૭૦૦ અબજ ડોલરનું પેકેજ નક્કી કર્યા પછી અમેરિકાની સંસદે એ પ્રસ્તાવને મંજૂરી આપીને, વાસ્તવમાં ટ્રેઝરી સેક્રેટરીનું માન નહીં, પોતાનો મોભો જાળવી લીધો છે.
૧૯૨૯ પછી ઠેકઠેકાણે (અને શબ્દાર્થમાં!) અમેરિકાનાં લશ્કર લડતાં ન હતાં. ઇરાક-અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાં શું કરવું, તેની ચિંતા રૂઝવેલ્ટને ન હતી. હવે પછીના પ્રમુખને એ ડખા માથે પડવાના છે. રૂઝવેલ્ટના ‘નસીબજોગે’ બીજું વિશ્વયુદ્ધ આવ્યું અને મંદીના ઓછાયા દૂર થયા. અમેરિકાના આગામી પ્રમુખ એવા ‘નસીબદાર’ નહીં હોય.
- અને છેલ્લું છતાં પહેલું પરિબળ છેઃ લોભ. ૧૯૨૯ની મંદીથી ૨૦૦૧માં થયેલા ‘એનરોન’ના ઉઠમણા પછી સરકાર કાયદા વધારે કડક બનાવ્યા કરે છે, પણ ‘ઉંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યાં કાઠાં’ એ ન્યાયે વોલસ્ટ્રીટમાંથી લાખો કમાતા ભેજાબાજો, કાયદામાંથી છટકવાના અને લોકોના લોભની રોકડી કરવાનાં નવાં નવાં કાઠાં શોઘ્યા કરે છે. પૂરપાટ દોડતી લોભની ગાડી માટે કાયદા સ્પીડબ્રેકર કે ડાયવર્ઝન સાબીત થઇ શકે છે- તેને સાવ ઊભી રાખી દેવાનું કાયદાનું ગજું નથી. એટલે જ, ભગવાન વિશે કહેવાય કે ન કહેવાય, પણ મંદી વિશે છાતી ઠોકીને કહી શકાય છેઃ સંભવામિ યુગે યુગે.
No comments:
Post a Comment