Tuesday, April 08, 2025

સંભવામિ સ્વાર્થે સ્વાર્થે

(દિવંગત વાર્તાકાર રજનીકુમાર પંડ્યાની બિલોરીશ્રેણીની કથાઓને અંજલિ તરીકે આ વ્યંગકથા)

મરનારનું સ્થાન મારા જીવનમાં ઇસુ ખ્રિસ્ત જેવું હતું. બોલીને વાલ્મિક ભટ્ટે લાંબો પોઝ લીધો. ઊંડો શ્વાસ ભર્યા પછી, સ્ટીમ એન્જિન વરાળ કાઢે તેવા અવાજ સાથે શ્વાસ બહાર કાઢ્યો અને એક નજરે ઓડિયન્સ તરફ જોયું.

ઓડિયન્સ આ નવીન ઉપમાથી ચકિત થઈ ગયું. તાળીઓનો ગડગડાટ થયો. એકાદ ખૂણેથી અવાજ આવ્યો, ક્યા બાત હૈ...

પણ એમાં ઓડિયન્સનો કે દાદ આપનારનો વાંક નહીં. વાલ્મિક ભટ્ટ તેમનાં લખાણમાં આવતી મૌલિકતાના ચમકારા—ના, ઝગારા-- માટે બ્રહ્માંડવિખ્યાત હતા. મંગળ પર જીવસૃષ્ટિ નથી તેનો સૌથી મહત્ત્વનો પુરાવો એ ગણાતો હતો કે મંગળ પરથી વાલ્મિકભાઈના કોઈ ચાહકનો પત્ર, કે હવેના જમાનામાં વોટ્સએપ સંદેશો, આવ્યો ન હતો. લેખકઆલમમાં છૂટક સંવેદનના જથ્થાબંધ વેપારી તરીકે તેમની નામના હતી.

મેં મનોમન વિચાર્યું, તેમના જેવા મહાન માણસ માટે વેપારી જેવો શબ્દ વપરાય? એ તો શબ્દોના... શબ્દોના..શબ્દોના સોદાગર? ના, સહેલાણી? ના, સારથી. શબ્દના સારથી. હા, આ બરાબર છે.

વાલ્મિક ભટ્ટ શબ્દોના સારથી હતા અને શબ્દો તેમના ઘોડા. તે ઇચ્છે ત્યારે શબ્દો રેસના ઘોડા થઈ જાય ને ઇચ્છે ત્યારે વરઘોડાના ઘોડા. શબ્દો પરની તેમની માલિકી જોઈને લોકો ક્યા બાત હૈ... કરી ઉઠતા હતા.

પણ ઇસુ ખ્રિસ્ત જેવું સ્થાન એટલે એક્ઝેક્ટલી શું?’ એવો મુદ્દાનો સવાલ આવી સભાઓમાં ન થવો જોઈએ. છતાં થયો.

જાણે અંતર્યામી હોય તેમ, વાલ્મિક ભટ્ટના મોઢેથી બીજું વાક્ય નીકળ્યું, આપણે સમયના બે ભાગ કેવી રીતે પાડીએ છીએ?’

હોલના અંધારમાંથી કોઈ હળવેકથી બોલ્યું,તમારા ભાષણ પહેલાં ને તમારા ભાષણ પછી. પણ તે એટલું ધીમેથી બોલાયું હતું કે ઓડિયન્સ તરીકે મને સંભળાય. મંચ પરથી લાગણીની લહાણી કરી રહેલા વાલ્મિક ભટ્ટ સુધી ન પહોંચે.

સમયને આપણે બે તબક્કામાં વહેંચીએ છીએ ઓડિયન્સના કૂતૂહલનું શમન કરતાં વાલ્મિક ભટ્ટ બોલ્યા, ઇસુ પહેલાં અને ઇસુ પછી. બી.સી. અને એ.ડી. એવી રીતે, મારા જીવનના પણ બે ભાગ પાડી શકાયઃ દીક્ષિતસાહેબને મળતાં પહેલાં અને તેમને મળ્યા પછી.

ઓહો. તો આમ વાત છે. ઓડિયન્સમાં રહસ્યોદ્ઘાટન થયું. વાલ્મિક ભટ્ટે આગળ ચલાવ્યું,હું તો વકીલ હતો. તમે જે વાલ્મિક ભટ્ટને ઓળખો છો તેને બનાવનાર તો દીક્ષિતસાહેબ.

શું વાત છે? આવડો મોટો લેખક અને પાછો આવડો મોટો વકીલ ને એને લેખક બનાવનાર આ દીક્ષિતસાહેબ?’ મને નવેસરથી અહોભાવનો એટેક આવ્યો. વાલ્મિક ભટ્ટનાં લખાણોમાં તો કદી ઉલ્લેખ વાંચ્યો નથી. તેમની ચોપડીઓનાં બધાં ફંક્શનમાં જોશી મને લઈ જતો હતો. તેમાં પણ કદી વાલ્મિકના મોઢે દીક્ષિતસાહેબનો દ સરખો સાંભળ્યો નથી. કદાચ જોશીને ખબર હશે. એ વાલ્મિક ભટ્ટનો અઠંગ વાચક છે

—અને સભામાં દીક્ષિતસાહેબનું નામ લેતી વખતે વાલ્મિક ભટ્ટના ચહેરા પર કંઈક અજબ પ્રકારનો ભાવ નહોતો આવ્યો? આમ તો હું બેઠો હતો એટલે પાછળથી ન દેખાત. પણ મોટા સ્ક્રીન પર વાલ્મિકના ચહેરાનો ક્લોઝ અપ ટપકાં ટપકાં સ્વરૂપે દેખાતો હતો. એ ટપકાંનાં લીધે એવું લાગ્યું હશે? ખબર નથી. હોય તો હોય પણ ખરું. જેના માટે બહુ આદર હોય એવા જણ માટે ભૂતકાળમાં વાત કરવાનું સહેલું છે કંઈ? શોભા હજુ મને નથી કહેતી કે તમારા બાપાની વાત નીકળે ત્યારે હજુ તમે બાળક થઈ જાવ છો?

કાર્યક્રમના થોડા દિવસ પછી એક બેસણામાં જોશી મળી ગયો. મેં તેના પ્રિય લેખક વિશે તેને પણ ખબર ન હોય એવી માહિતી આપવાના ભાવથી કહ્યું, જોશી, એક સવાલનો જવાબ આપઃ વાલ્મિક ભટ્ટના જીવનમાં ઇસુ ખ્રિસ્તના સ્થાને કોણ છે?’

જોશી બેસણામાં ભજનની વચ્ચે વચ્ચે અધ્યાત્મ વચનો ઉચ્ચારતા સંચાલકની શબ્દાળુતા વિશે વિચારી રહ્યો હોય એવું તેના ચહેરા પરથી લાગ્યું. એટલે, મારો સવાલ સમજ્યા વિના, લગભગ પ્રતિક્રિયારૂપે તેણે કહ્યું, વાલ્મિક તો હિંદુ છે. તેના જીવનમાં ઇસુ વળી ક્યાંથી આવ્યા?’ પણ મને તેની સામે તાકી રહેલો જોઈને તે બેસણાની તકલાદી અધ્યાત્મસૃષ્ટિમાંથી બહાર આવ્યો.અરે, તું વાલ્મિકની ક્યાંક પેલી કાલખંડ ને સમયના ભાગ ને ઇસુ પહેલાં-પછીની વાત તો નથી કરતો ને?’

મને થયું, જણ છે તો પાકો. એને બધી ખબર છે. પણ હવે પૂછ્યું જ છે તો તેના મોઢે નામ પણ જાણી લઉં.

જોશી નામ મમળાવતો હોય એમ બોલ્યો, વાલ્મિકના જીવનમાં ઇસુ... ઘોઘારીસાહેબ? મીરચંદાણીસાહેબ? પારેખસાહેબ? સાગઠિયાસાહેબ?’

ના. મેં વિજયી સ્મિત સાથે કહ્યું, દીક્ષિતસાહેબની શોકસભામાં વાલ્મિકે કહ્યું હતું કે તેના જીવનમાં ઇસુ ખ્રિસ્તના સ્થાને દીક્ષિતસાહેબ છે. તેના જીવનને બે ભાગમાં...

ખબર છે...ખબર છે, હવે...જોશી મને વચ્ચેથી અટકાવીને બોલ્યો. વાલ્મિકના ઇસુ ખ્રિસ્તો સમય, સંજોગો ને સ્વાર્થ પ્રમાણે બદલાયા કરે. વિમાન એક વાર રન વે પર દોડ્યા પછી ઉડે ત્યારે રન વેને સાથે લઈને ઉડે છે?’

અચાનક, હોલમાં દીક્ષિતસાહેબનું નામ લેતી વખતે વાલ્મિકના ચહેરા પર દેખાયેલો ભાવ મનમાં તાજો થયો અને ઝબકારો થયોઃ વાલ્મિક ભટ્ટના જીવનસમયને નહીં, તેમના જીવનસંબંધને બે ભાગમાં વહેંચવા પડેઃ કોઈને પોતાના જીવનના ઇસુ ખ્રિસ્ત જાહેર કરતી વખતે અને જાહેર કરીને ભૂલી ગયા પછી...

એ સાથે મનમાં અનેક ક્રોસ ખોડાયેલા દેખાયા, જેની પર વાલ્મિક ભટ્ટના ઇસુ ખ્રિસ્તોની લાઇન પડી ગઈ હતી.

1 comment:

  1. Anonymous8:53:00 AM

    ⫘⫘⫘ ઇન્ડિયાના કિમ જોંગા પર આધારિત એવું ક્રેડિટ તો આપો. મને ક્રેડિટ નથી જોઈતું.

    ReplyDelete