એમનું નામ તો પરેશભાઈ, પણ તેમને થોડુંઘણું ઓળખનારા ઘણી વાર તેમને પ્રેરકભાઈ કહીને બોલાવતા. તે સાંભળીને નામબગાડાથી નારાજ થવાને બદલે, ખિતાબ મળ્યો હોય એમ પરેશભાઈ હરખાતા. ચહેરા પર સ્થિતપ્રજ્ઞતા જાળવવી જોઈએ. એટલે તે જળવાતી. પણ તેમના હોઠના ખૂણા હસું હસું થઈ જતા. ક્યારેક તે નમ્રતાનો તકાદો જાળવવા કહેતા,‘અરે...અરે... તમારી કદર સર આંખો પર, પણ હું પરેશ જ ઠીક છું...આટલું બધું ન હોય.’
જવાબમાં સામેવાળા તરફથી પ્રશંસાનાં
બે-ચાર વાક્યો વધુ આવતાં અને જોનારને લાગતું, જાણે પરેશભાઈ ક્ષોભસંકોચથી ઓગળીને વહેવા
માંડશે.
લોકોની જીભે સરસ્વતી હોય છે.
પરેશભાઈની જીભે પ્રેરણાદેવીનો વાસ હતો. પ્રેરક વક્તા, અંગ્રેજીમાં કહીએ તો
મોટિવેશનલ સ્પીકર, તરીકે તેમનો ડંકો વાગતો હતો. સામાજિક ક્લબોથી માંડીને પોલીસ
વેલફેર સુધીની એકેય સંસ્થા એવી નહીં હોય, જ્યાં પરેશભાઈ બોલી ન આવ્યા હોય.
સિનિયર સીટીઝન-જુનિયર ચેમ્બર,
મહિલા મંડળો-કીટી પાર્ટીઓ, લગ્ન સમારંભો ને પ્રાર્થનાસભાઓ, નવી પેઢી-જૂની પેઢી,
એનઆરઆઇ-આરઆઇ, ઓડિયન્સ ગમે તે હોય, પરેશભાઈની પ્રેરણાની પાઇપલાઇનમાંથી પુરવઠો કદી
ખૂટતો નહીં.
વહેલામાં વહેલી તકે કરોડપતિ બનવા
માગતા લોકોને સંબોધીને પરેશભાઈ કહેતા ‘તમે ઇચ્છો તો આવતી કાલે ધીરુભાઈ
અંબાણી બની શકો એમ છો.’ તે બોલતી વખતે તેમના અવાજમાં રહેલો રણકો સાંભળનારને એવો અડી જતો કે તે પોતાની
જાતને રિલાયન્સની મુખ્ય ઓફિસની મુખ્ય ખુરશી પર બેઠેલા જણ તરીકે જોવા માંડતો.
હકડેઠઠ ભરાયેલા હોલમાં પરેશભાઈ
પૂછતા,‘કોને કોને મર્સિડીઝ લેવી છે?’
સવાલ સાંભળતાં ફી ભરીને હોલમાં
ખુરશીઓ પર બેઠેલા તો ઠીક, દરવાજે ઊભેલા ગાર્ડની આંગળી પણ ઊંચી થઈ જતી હતી. એ દૃશ્ય
જોઈને પરેશભાઈ પોરસ ચઢાવતા,‘વાહ, મારા મર્સિડીઝમાલિકો, તમે
અહીં આંગળી ઊંચી કરીને જે તીવ્રતાથી ઇચ્છા વ્યક્ત કરી છે, તેનું બહુ મહત્ત્વ છે.
તેના લીધે તમે મર્સિડીઝથી એક ડગલું નજીક ગયા છો. તમારી અને મર્સિડીઝ વચ્ચેના
અંતરમાંથી એક ડગલું ઓછું થયું છે.’ પરેશભાઈ એકેએક શબ્દ એવો છૂટો
પાડીને, મમળાવીને બોલતા કે તેમના મોઢેથી મર્સિડીઝ સાંભળનારને મર્સિડીઝ આંખ સામે દેખાવા
લાગતી.
‘પણ બાકીનાં પગથિયાં સહેલાં નથી’ પરેશભાઈ કહેતા. એ સાથે જ ઊંચી થયેલી બધી આંગળીઓ,
પવનમાં ઉંચે ઉડ્યા પછી નીચે આવી પડતાં કાગળિયાંની જેમ, નીચે આવીને, લપાઈ જતી. નિરાશ
થવાનો સવાલ ન હતો. ખબર હતી કે સહેલું નથી. એટલે તો પરેશભાઈના શરણે આવ્યા હતા.
પરેશભાનો પાવર એવો કે બુદ્ધના
જમાનામાં થયા હોત અને બુદ્ધ રાજકુમાર-અવસ્થામાં હતા ત્યારે તેમને ભેટી ગયા હોત, તો
તેમણે રાજકુમાર સિદ્ધાર્થને પણ સમજાવી દીધું હોત કે બુદ્ધ બનવા માટે ઘરબાર છોડવાની
જરૂર નથી. મીન્સ કે, ઘર છોડવું પડે, પણ એ તો ઠેકઠેકાણે, શહેરે શહેરે વ્યાખ્યાનો આપવા
માટે—કાયમ માટે ને બૈરાંછોકરાંને તજીને નહીં.
પરેશભાઈ નમ્ર હતા અને તેની સાબિતી
એ હતી કે તે પોતે આવું માનતા હતા. એટલે, રજનીશની જેમ તેમણે પોતાની જાતને બુદ્ધ કે
ઓશો કે એવું કશું નામ આપ્યું ન હતું. પરંતુ તેમને એટલી ખબર હતી કે આ દુનિયાને
તેમની પ્રેરણાની બહુ જરૂર છે અને એ નહીં મળે તો લોકો બિચારા શું કરશે? તેમના વિધ્નસંતોષી ટીકાકારો કહેતા, ‘ધરમ-સંપ્રદાયના નામે લોકોને છેતરાવાનાં ઠેકાણાં ઓછાં હતાં, તે પરેશભાઈએ તેમાં પ્રેરણાનું નવું તૂત ઘૂસાડ્યું?’ અલબત્ત, પ્રેરકભાઈ, એટલે કે પરેશભાઈ, તેમાંથી પણ હકારાત્મક અર્થ તારવીને એ
બાબત પર ભાર મૂકતા કે આ વાક્ય હકીકતમાં તેમને પ્રેરણાવિશ્વના આદિપુરુષ તરીકે
સ્થાપિત કરે છે અને સૂચવે છે કે પ્રેરણાવિહોણી આ ધરતી પર પ્રેરણાની ગંગાના ભગીરથ જો
કોઈ હોય તો તે પરેશભાઈ હતા.
પરેશભાઈ જે પ્રતીતિથી બુલંદ અવાજે
કહેતા કે ‘નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ’, તે સાંભળીને લાગતું કે ઉપરથી નેપોલિયન બેઠો બેઠો પરેશભાઈ પર ફૂલ વરસાવતો
હશે. એને પણ થશે કે ફ્રાન્સમાં નહીં તો ગુજરાતમાં, મારો કો’ક વારસદાર નીકળ્યો ખરો.
‘હું એસએસસીમાં નાપાસ થયો ત્યારે
મારાં માબાપને લાગ્યું હતું કે આ છોકરો હવે શું કરશે?’ એ પરેશભાઈની પ્રિય પ્રેરક કથા હતી—પોતાની હતી એટલે નહીં, પણ ખરેખર પ્રેરક હતી
એટલે. શૂન્યમાંથી સર્જનની કે અંગ્રેજીમાં જેને રેગ્સ ટુ રીચીઝ—રંકમાંથી રાય બનવાની
કથાઓ કહે છે, એમાં કશી ધાડ મારવાની હોતી નથી. એવી કથાઓમાં મોટે ભાગે તો માણસ ઊંધો
પડીને મહેનત કરે કાં કોઈ હાથ પકડનાર મળી જાય કાં હાથ મારવાની તક મળી જાય, એટલે કામ
પત્યું. તેમાં પરેશભાઈવાળી પ્રેરણાની કશી જરૂર નહીં.
પરેશભાઈની કમાલ એ હતી કે તેમણે એક
શૂન્યમાંથી અનેક શૂન્યોનું સર્જન કર્યું. ફક્ત બેન્ક બેલેન્સમાં દેખાતાં એકડા
પછીનાં શૂન્યોનું જ નહીં, ભવ્ય રીતે નિરર્થક હોય એવાં પ્રેરણાનાં શૂન્યોનું પણ. તેમને
સાંભળનારા અશ્રદ્ધાળુઓ કહેતા કે ‘આવું તો સામાન્ય બુદ્ધિ ધરાવતો કોઈ
પણ માણસ કહી શકે. તેમાં નવું શું છે?’ ખુદ પરેશભાઈ કહેતા કે સફળ થવામાં કશું રોકેટ સાયન્સ કે કોકા કોલા જેવી સિક્રેટ
ફોર્મ્યુલા નથી. તમે ઇચ્છો તે ક્ષેત્રમાં તમે પણ સફળતા મેળવી શકો—એવી સફળતા કે
દુનિયા જોતી રહી જાય.
જોકે, શ્રોતાઓને અમેરિકાના પ્રમુખપદે શી રીતે પહોંચાય તેનો નકશો સુદ્ધાં આંકી આપતા પરેશભાઈ એક કારકિર્દીની દિશા ને તેના દરવાજા શ્રોતાઓ માટે સદા બંધ રાખતા હતા.
તે કારકિર્દી વિશે ફોડ પાડીને
કહેવાની જરૂર ખરી?