તુજ વિના ઘેનમાં કોણ જાશે?
આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું, ઘોડો છૂટી જાય પછી તબેલાને તાળાં મારવાં, ઢોળાયેલા દૂધ પર આંસુ સારવાં...આ પ્રકારની તમામ કહેવતો ધર્મો-સંપ્રદાયોની ગેરરીતિઓ અંગેના પ્રજાકીય અભિગમને લાગુ પાડી શકાય.
તાજો દાખલો ભલે આસારામ આશ્રમનો હોય, પણ તે પહેલો નથી અને છેલ્લો પણ નહીં હોય. વિવેકબુદ્ધિનો વીંટો વાળીને ચરણોમાં લોટી પડવા તત્પર ભક્તજનો છે, ત્યાં સુધી અઘ્યાત્મના માર્કેટમાં કદી મંદી આવવાની નથી. ટોપ ૧૦ સ્ક્રીપના ભાવમાં ચડઉતર થયા કરે- આજકાલ આસારામની સ્ક્રીપ ડાઉન છે- પણ તેને કારણે અઘ્યાત્મના ધંધા તરફ સમગ્રપણે લોકોને રોષ જાગતો નથી. ઊલટું, આસારામથી વિમુખ થયેલા લોકો બીજા કોઇનું શરણું શોધી લે અને તેના સંખ્યાબળમાં વધારો કરે, એ શક્યતા મોટી છે.
અંગત માન્યતા, જાહેર દૂષણ
વાસ્તવિક કે આભાસી, આઘ્યાત્મિક કે માનસિક ટેકો ક્યાંથી મેળવવો એ વ્યક્તિનો અંગત મામલો છે. માણસ કયા સાબુથી નહાય છે તેની સાથે કોઇને મતલબ નથી હોતો. એવી જ રીતે માણસ કયા બાવા-બાપુ-મહારાજનું શરણું શોધે છે કે તેમના ચરણોમાં લુઢકી પડે છે, એની સાથે પણ કોઇને સંબંધ ન હોવો જોઇએ.
સંબંધ ત્યારે ઊભો થાય છે, જ્યારે કોઇ બાવા-બાપુ-મહારાજ પ્રત્યેનો તેમનો અહોભાવ (ઉર્ફે ‘શ્રદ્ધા’ ) જાહેર જીવનમાં અને સામાજિક ગતિવિધિઓમાં અડચણરૂપ બનવા લાગે છે. અઘ્યાત્મના ઓઠા તળે અને સંખ્યાબળના જોરે શ્રદ્ધાળુઓ અને તેમના ગુરૂઓ કાયદો-વ્યવસ્થાથી પર થવા લાગે છે. સમાજમાં તેમનો પ્રભાવ વધે, તેમ એમની દાદાગીરી અને ન્યૂસન્સ વેલ્યુ વધતાં જાય છે. આસારામ જેવા કિસ્સામાં ‘બાપુ’ના માણસોની દાદાગીરી દેખીતી અને સરેઆમ હોય છે, જેને નબળા લોકો અને સ્વાર્થી સરકારો અઘ્યાત્મનાં કપડાં પહેરાવીને નિભાવી લે છે.
આસારામની ફેક્ટરી ‘હિંદુત્વ’ અને ‘ભારતની પ્રાચીન સંસ્કૃતિ’ના નામે બેશરમ થઇને સાબુ, અગરબત્તી અને આયુર્વૈદિક ઔષધિઓ જેવી ચીજવસ્તુઓ વેચે છે. ‘એમાં ખોટું શું છે?’ એવો સવાલ ઘણાને થશે. તેનો જવાબ એ છે કે આ બધો વેપાર આઘ્યાત્મિક આશ્રમના નેજા તળે કરવાનો હોય, તો પછી આશ્રમની જગ્યાને ‘કોમર્શિયલ’ ગણવી જોઇએ, તેને અઘ્યાત્મના ધામને બદલે એક ફેક્ટરીનો કે ઇન્ડસ્ટ્રીયલ યુનિટનો દરજ્જો આપવો જોઇએ અને એ હિસાબે તેની પાસેથી કરવેરાની અને બીજી વસૂલાતો થવી જોઇએ.
પણ ખરેખર થાય છે શું? મોટી વાનમાં આસારામ આશ્રમની હરતીફરતી દુકાનો શહેરોના ધમધમતા ટ્રાફિક પોઇન્ટની મોકાની જગ્યાઓ પર ધરાર અડીંગા જમાવે છે. સામાન્ય માણસનું વાહન ત્યાં થોડી વાર માટે ત્યાં પડ્યું હોય તો ટ્રાફિક પોલીસ કે ટોઈંગ સ્ક્વોડ દંડ ફટકારી દે, રિક્ષા ઊભી હોય તો તેેને પોલીસના દંડુકાનો એકાદ ફટકો કે ચાલકને બે-ચાર ગાળો સાંભળવી પડે. પણ આશ્રમના માણસો સફેદ કપડાં પહેરીને દુકાન ચલાવતા હોય, એટલે તેમને કોઇ નિયમ લાગુ ન પડે.
આશ્રમના ધંધાને આવી વિશેષ સુવિધાઓ શા માટે? કારણ કે તેની ફરતે અઘ્યાત્મનું તેજવર્તુળ ઊભું કરવામાં આવે છે અને એ વર્તુળને ઊચ્ચ સત્તાધીશો તરફથી સીધો કે મૂક ટેકો મળે છે. ટ્રાફિક પોઇન્ટ પર ઊભેલી આશ્રમની ધંધાદારી વાનને હટાવવાનું ટ્રાફિક પોલીસનું ગજું નથી. કેમ કે, એ પોતે અથવા એમના સાહેબો કે સાહેબોના સાહેબો આશ્રમના ભક્ત કે લાભાર્થી હોય છે. આ પ્રકારનાં અન્યાયી બેવડાં ધોરણથી પ્રજાનું લોહી ઉકળી ઉઠે અને વાન ગમે ત્યાં ઊભી રાખવા જેવી બાબતમાં પણ પ્રજા પોતાના મિજાજનો પરચો દેખાડે, તો બાવા-બાપુઓ અને તેમના અનુયાયીઓના પગ જમીન પર રહે, ‘અમને કોણ કહેનાર છે?’ એવો ફાંકો તેમના મનમાં ન ભરાય અને આસારામના અનુયાયીઓએ જે આતંક મચાવ્યો, તેવી ઘટનાઓ નિવારી શકાય.
ફળદ્રુપ ભૂમિનો ફાલ
ટ્રાફિક આઇલેન્ડ પર ધમધમતું દરેક ધર્મસ્થાન દસ-વીસ વર્ષ પહેલાં મામુલી દેરી કે મઝાર હોય છે. એ જ રીતે અઘ્યાત્મના બજારમાં ધીકતો ધંધો કરનારી દરેક પેઢીની શરૂઆત સાવ નાના પાયે, ઘણી વાર તો અસામાજિક ધંધામાંથી થાય છે. પાંડુરંગ શાસ્ત્રી જેવા કોઇ હિંદુત્વ અને ગીતાના પાયા પર, તો આસારામ જેવા અઘ્યાત્મથી આયુર્વેદ સુધીની ભેળપુરી બનાવીને પોતાનો પંથ જમાવે છે. અઘ્યાત્મ અને ધર્મ મોટા ભાગના માણસોની દુઃખતી કે દુઃખાડી શકાય એવી નસ હોય છે. અમેરિકા જેવા દેશોમાં અનુયાયીઓની ઘેટાશાહી ભારતના ધર્મપ્રેમીઓ કરતાં ખાસ જુદી હોતી નથી. પણ સૌથી મોટો ફરક સરકારના અભિગમમાં પડે છે. અમેરિકા જેવા દેશમાં એક ડિસ્ટ્રીક્ટ કોર્ટનો જજ દુનિયાના સૌથી માલેતુજાર માણસ બિલ ગેટ્સને ધંધે લગાડી શકે છે. કાનૂની દ્રષ્ટિએ ભારતમાં પણ એ શક્ય છે. છતાં વ્યવહારમાં એવું બહુ બનતું નથી.
ભારતમાં વ્યક્તિનો પ્રભાવ વધે, તેમ કાયદો તેના માટે અપ્રસ્તુત બનતો જાય છે. પ્રભાવશાળી માણસો કાયદાથી પર રહેવામાં પોતાની મોટાઇ સમજે છે અને કાયદાને ન ગણકારનારા માણસોને સરેરાશ પ્રજા એક પ્રકારના ભયમિશ્રિત અહોભાવથી જુએ છે. ભારતમાં કાયદાની ઐસીતૈસી કરનાર પહેલાં ગુંડો બને છે, પછી તેનો પ્રભાવ વધે તો એ વિધાનસભ્ય કે સાંસદ બને છે અથવા કોઇ સંપ્રદાયના ગુરૂનો જમણો હાથ બને છે. એથી પણ વધારે હોંશિયાર માણસ હોય તો એ પોતે જ એકાદ સંપ્રદાયની દુકાન ખોલી નાખે છે.
પહેલાં કહેવાતું હતું કે ‘બાવા બન્યા હૈ તો હિંદી બોલના પડેગા.’ હવેના બાવાઓને ખરેખર પ્રભાવશાળી બાવા બનવું હોય તો હિંદી બોલવા ઉપરાંત બીજું ઘણુંબઘું કરવું પડે છેઃ મોંઘીદાટ મોટરો અને એવી મોટરો ધરાવતા અનુયાયીઓ મેળવવા પડે છે, રાજકારણીઓ સાથે સારાસારી રાખવી પડે છે, ખરાબ વખત આવે અને પ્રજાને સચ્ચાઇની ખબર પડી જાય તો તેમના રોષનો મુકાબલો કરવા માટે ગુંડા રાખવા પડે છે- પોતે એકલો માણસ બિચારો કેટલે પહોંચી વળે!
કેટલાક ‘ફીલગુડ’ બાવાઓ બધી પ્રકારના પ્રશ્નોમાં ઝંપલાવે છે અને ‘લે ટકો, મને ગણ’ની પદ્ધતિથી પોતાનો પ્રભાવ વધારે છે. રાજસ્થાનનું ગુજ્જર આંદોલન હોય કે અંબાણીબંઘુઓનો ઝઘડો, બાવાઓ વિના જાણે ગાડું આગળ ચાલતું નથી. મઝાની વાત એ છે કે બાવાઓ વચ્ચે પડે છે તે સૌ જાણે છે, પણ તેમનું કેટલું ઉપજ્યું તેની ચર્ચા કદી થતી નથી. સફળતા મળે તો બાવાઓનો જયજયકાર થાય છે, પણ નિષ્ફળતા મળે તો એ ચૂપચાપ સરકી જાય છે અને કોઇ એ વિશે ચર્ચા કરતું નથી. આ બધી નિષ્ફળતા પ્રજા અને પ્રજાકીય માઘ્યમોની છે, જેને કારણે બાવાઓની ‘લાર્જર ધેન લાઇફ’ છબી ઊભી થાય છે. બાવાઓ પણ આપણા જેવા- અને ઘણાખરા કિસ્સામાં સરેરાશ સજ્જનથી ઉતરતી કક્ષાની-બિનતંદુરસ્ત મનોવૃત્તિવાળા હોય છે, એ સત્ય ઘણાખરા લોકો ભૂલી જાય છે. પોતાનાં અજંપો-અસુખ-અસલામતી કે આકાંક્ષાઓ માટે ‘યોગ્ય ઠેકાણું’ શોધતા લોકો પાસે બાવાઓની વૃત્તિ-પ્રવૃત્તિ તપાસવાની ઉતાવળ હોતી નથી. એટલે, રૂપિયા રોકતાં પહેલાં સો વાર વિચાર કરનારા લોકો લાગણીઓ અને શ્રદ્ધાનું રોકાણ કરે ત્યારે તેમનાં આંખ અને દિમાગ પર પાટા બંધાઇ જાય છે. નરી આંખે જોઇ શકાય- અને બીજાને દેખાતાં પણ હોય- એવી હકીકતો તેમને દેખાતી નથી અને પાટા ઉઘડે છે ત્યારે બહુ મોડું થઇ જાય છે.
બાવાબાજીમાંથી મુક્તિ
‘બાવાઓએ સમાજ પર નાગચૂડ જમાવી છે’ એ વિધાન ‘થાંભલો મને છોડતો નથી’ એવી જાતનું છે. અઘ્યાત્મના નામે ધંધો કરનારા બાવાઓને ભાવ આપનારા અને તેમના ભાવ ઊંચકનારા અનુયાયીઓ જ ન હોય તો?
બાવાઓ તેમના મૂળ સ્થાને-એકાંતમાં- જતા રહે અને તેમને પરાણે સાઘુત્વ અથવા સન્યાસીપણાના ગુણો ખીલવવાની ફરજ પડેઃ ઝૂંપડીમાં કે ખુલ્લામાં રહેવું પડે, ભિક્ષા માગીને પેટ ભરવું પડે, જ્ઞાન માટે તપસ્યા કરવી પડે, સમાજ અને સરકારોથી દૂર રહેવું પડે, ટીવી ચેનલો અને પ્રસિદ્ધિની પરેજી પાળવી પડે...
ત્યાર પછી હરવાફરવા માટે મોટી ગાડીઓ ન હોય (એકેય બાવો મારૂતિ ફ્રન્ટીમાં ફરતો જોયો?), ઘેલા અનુયાયીઓનાં ટોળાં ન હોય, વૈભવશાળી ક્લબને ટક્કર મારે એવા આશ્રમ ન હોય, બિલ્ડરોને ઇર્ષ્યા આવે એટલી જમીનો ન હોય, નેતાઓની નજર બગડે એટલા અનુયાયીઓ ન હોય, મુખ્ય મંત્રીને મોં સીવીને બેસી જવું પડે એટલો પ્રભાવ ન હોય...
...ભલે ચીલાચાલુ લાગે, તો પણ એ જ કહેવું પડે કે ‘વો સુબહ હમીં સે આયેગી.’