(L to R) Preeti Sagar, Shyam benegal, Smita Patil, Vanraj Bhatia |
ફિલ્મઉદ્યોગની લોકપ્રિય હસ્તીઓની ગુમનામી અને આર્થિક બેહાલીની કરુણ કથાઓ એક સમયે સામાન્ય ગણાતી હતી. કલાકાર પોતાના સમયમાં પ્રખ્યાત બન્યા હોય, કમાયા હોય, પણ યોગ્ય આયોજનના અભાવે કે ઉડાઉ પ્રકૃતિના કારણે અને લાંબા આયુષ્યના પ્રતાપે છેલ્લાં વર્ષોમાં મુશ્કેલી પડી જાય એવું બને. એ વખતે સારસંભાળ રાખનાર તો ઠીક, મળવા આવનાર પણ કોઈ ન હોય. એ પ્રકારના સમાચાર વનરાજ ભાટિયા વિશે વાંચ્યા, તેના ૧૧ વર્ષ પહેલાં મોટા ભાઈ બીરેન સાથે ભાટિયાને મળવાનું થયું હતું.
ખાસ તેમનો સમય લઈને તેમને મળવા મુંબઈના તેમના ઘરે પહોંચ્યા ત્યારે મનમાં અનેક સંગીતસભર સ્મૃતિઓ ઊભરાતી હતીઃ શ્યામ બેનેગલની 'અંકુર'થી 'સરદારી બેગમ' સુધીની ફિલ્મોમાં ભાટિયાનું સંગીત હતું. પણ 'મારો ગાંવ કાંઠા પારે' (‘મંથન’), ‘તુમ્હારે બિન જી ના લગે ઘરમેં’ (‘ભૂમિકા’) જેવાં પ્રીતિ સાગરે ગાયેલાં ગીતો સવિશેષ રીતે મનમાં ગુંજતાં હતાં. ગોવિંદ નિહલાણીની યાદગાર ટીવી શ્રેણી ‘તમસ’નું, કારુણીનો માહોલ ખડો કરી દેતું આક્રંદમય ટાઇટલ મ્યુઝિક, બેનેગલની ‘ભારત એક ખોજ’ શ્રેણીનું મંત્રમુગ્ધ કરી નાખે એવું ટાઇટલ મ્યુઝિક તથા તેના કેટલાય હપ્તાનું મનમાં અંકાઈ ગયેલું સંગીત... https://www.youtube.com/watch?v=Yx21N-kb4uU
વનરાજ ભાટિયાએ જેમાં સંગીત આપ્યું, એવી સમાંતર ધારાની ‘આર્ટ’ ફિલ્મોમાં મોટે ભાગે ગીતો જ ન હોય અથવા એટલાં ઓછાં હોય કે તેની અલગ રેકોર્ડ ભાગ્યે જ બહાર પડે. 'અમુલ'ની સહકારી ક્રાંતિની કથા પરથી બનેલા ‘મંથન’ના ગુજરાતી છાંટ ધરાવતા ગીત ‘મારો ગાંવ કાંઠા પારે’ની એક ઇ. પી. રેકોર્ડ બહાર પડેલી, જેની એક બાજુ ગીતનો એક ભાગ હતો ને બીજી બાજુ બીજો. ‘ભૂમિકા’ની લોંગ પ્લે રેકોર્ડની પાછળ ભાટિયાનો પ્રૌઢ વયનો ફોટો જોવા મળ્યો. બાકી, સંગીતકાર તરીકે આટલા પ્રતિભાશાળી હોવા છતાં તેમની એકલદોકલ તસવીર માંડ જોવા મળતી હતી. એટલે રૂબરૂ મુલાકાત વખતે જિજ્ઞાસાની શરૂઆત તેમના શારીરિક દેખાવથી થતી હતી અને પછી તેમની કારકિર્દી-વ્યાવસાયિક સફળતા-સર્જકતા-કદર જેવી ઘણી બાબતો વિશે સવાલ કૂદકા મારતા હતા.
‘ભાટિયા’ હોવાથી વાતો ગુજરાતીમાં થઈ શકશે, એ ધારણા તો સાચી પડી. પરંતુ એ સિવાયની મોટા ભાગની ભવ્ય ધારણાઓને તે એક પછી એક ખોટી પાડતા ગયા. ફિલ્મોમાં તેમની કારકિર્દી ભલે ૧૯૭૦ના દાયકામાં શરૂ થઈ, પણ જન્મતારીખ ૩૧ મે, ૧૯૨૭. એટલે ધાર્યાં કરતાં તેમની ઉંમર ઘણી વધારે નીકળી. સમાંતર ફિલ્મો બનાવનાર નામી નિર્દેશકોના પ્રિય સંગીતકાર તરીકે તેમની ઓળખ ભલે અપાતી હોય, પણ તેમને પોતાને તે ઓળખ બહુ પ્રિય ન હતી. ‘એનએફડીસીવાળા’ (‘આર્ટ ફિલ્મો’ના) નિર્દેશકો વિશે તેમણે કહ્યું, ‘એ લોકોને આખું ગીત પિક્ચરાઇઝ કરતાં ફાવતું જ નથી. વધુમાં વધુ એકાદ અંતરો તે પિક્ચરાઇઝ કરી જાણે. ’ એટલે વનરાજ ભાટિયાએ બનાવેલું ઉત્તમ ગીત ફિલ્મમાં અધવચ્ચેથી કટ થઈ જાય અથવા તેને ટુકડા સ્વરૂપે આખી ફિલ્મમાં વિખેરી નખાય. એ જ નિર્દેશકો એ. આર. રહેમાન જેવા સંગીતકાર સમક્ષ ‘કેવા ડાહ્યાડમરા થઇને ફિલ્મોમાં ગીતો નાખે છે’ એવું પણ તેમણે કહ્યું.
ફિલ્મો અને ટીવી શ્રેણીઓ ઉપરાંત તેમણે ભારતીય અને પાશ્ચાત્ય સંગીતના ઉત્તમ સંમિશ્રણ જેવાં ઘણાં આલ્બમ તૈયાર કર્યાં છે. તેમાં ભગવદ્ ગીતા અને ઉપનિષદનો સમાવેશ થાય છે. જાપાનની પહેલથી બનેલી રામાયણ વિશેની આંતરરાષ્ટ્રીય એનિમેશન ફિલ્મ હોય કે જુદાં જુદાં સ્થાપત્યો વિશે નામી વિદ્વાનો સાથે મળીને નામી નિર્દેશકોએ બનાવેલી ડોક્યુમેન્ટરી હોય, આવા પ્રતિષ્ઠિત અને ઊંચી ગુણવત્તાની અપેક્ષા ધરાવતા પ્રોજેક્ટમાં સંગીતકાર તરીકે વનરાજ ભાટિયા જ હોય. બેનેગલ-નિહલાણી ઉપરાંત કેટકેટલા નિર્દેશકોની પ્રયોગશીલ ફિલ્મો (જેમ કે, કુંદન શાહની 'જાને ભી દો યારોં’, અપર્ણા સેનની '૩૬, ચૌરંઘી લેન')માં સંગીતકાર તરીકે તેમનું જ નામ વાંચવા મળે.
'ભારત એક ખોજ' શ્રેણીના ૫૩ હપ્તામાં તેમણે આપેલું સંગીત ભારતીય ટીવીજગતના ઇતિહાસમાં આવું સંગીત 'ન ભૂતો, ન ભવિષ્યતી' છે. કેમ કે, પંડિત નહેરુના ગ્રંથ પરથી બનેલી આ શ્રેણીમાં ૫૩ હપ્તામાં ભારતનો પાંચેક હજાર વર્ષનો ઇતિહાસ આવરી લેવાનો હતો. એ સમયગાળા દરમિયાન બદલાતા યુગ, બદલાતી સંસ્કૃતિ, પાત્રો, પ્રભાવો અને તેની સંગીતમય પ્રસ્તુતિનું કામ દરેકેદરેક હપ્તે નવો પડકાર લઈને આવતું હોય. પૃથ્વીરાજ ચૌહાણના કે જોતિરાવ ફુલેના હપ્તા વખતે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની સાથે ગીતો પણ આવે.
આવું કપરું કામ આટલી ઉત્તમ રીતે કરવા બદલ વનરાજ ભાટિયાની કેવીય કદર થઈ હશે ને કેટલો જયજયકાર થયો હશે, એવી ધારણા ઉપર પણ તેમણે ઠંડું પાણી રેડ્યું. ‘આના માટે મળવા આવનારા તમે પહેલા છો’ એવું તેમણે કહ્યું ત્યારે લાગ્યું કે તે સારું લગાડવા કહે છે. પણ તેમની આખી વાતના સૂર પરથી લાગ્યું કે બીજા ઘણા કામની જેમ ‘ભારત એક ખોજ’ના તેમના કામની કદર ન થઈ, એનો પણ તેમને વાજબી રંજ છે.
દર અઠવાડિયે આટલું વૈવિધ્યપૂર્ણ અને ઊંડાણભર્યું કામ આપવા માટે કેટલાં વર્ષ રીસર્ચ કર્યું હતું?--એવા સવાલના જવાબમાં ખડખડાટ હસીને તેમણે કહ્યું,‘વર્ષ? અરે એટલો સમય જ ક્યાં હતો? એક અઠવાડિયામાં એક એપિસોડનું મ્યુઝિક કરવાનું હોય. એક તરફ શ્યામ શૂટિંગ કરતો જાય અને શૂટ થયેલી ફિલ્મ મને મોકલી આપે. એ જોઈને બે દિવસમાં બેકગ્રાઉન્ડ અને બે-ત્રણ દિવસમાં ગીતોનું રેકોર્ડિંગ કરી દેવાનું. એટલે હપ્તો તૈયાર.’
યુટ્યુબના જમાનામાં 'ભારત એક ખોજ'ના બધા હપ્તા સહેલાઈથી જોવા મળે છે. https://archive.org/details/HindSwaraj-BEK-00 શ્રેણી તરીકે તો તે ઉત્તમ છે જ, પણ તેનો એકાદ હપ્તો જોવાથી સંગીતકાર તરીકે વનરાજ ભાટિયાની ઊંચાઈનો ખ્યાલ આવશે--અને એવો વિચાર પણ આવશે કે આવું કામ ભૂલાઈ કેવી રીતે શકે? ગયા સપ્તાહે આવેલા અહેવાલોમાં ભાટિયાનું સંગીત ધરાવતી ઘણી ફિલ્મોનો અને ‘તમસ’ જેવી સિરીયલનો ઉલ્લેખ હતો, પણ ‘ભારત એક ખોજ’ની વાત ન હતી.
વનરાજ ભાટિયાને આર્થિક મદદ તો અલગ વાત છે, તેમના ઉત્કૃષ્ટ પ્રદાનની પૂરતી નોંધ લેવાય-કદર થાય એ પણ એટલું જ જરૂરી લાગે છે.
No comments:
Post a Comment