Courtesy : gandhiheritageportal.org |
ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિનાં સત્તાવાર ઉજવણાં વચ્ચે અન્ય એક શતાબ્દિટાણું આવ્યું ને જતું રહ્યું. સમાચારોમાં ખાસ નહીં ચમકેલી એ શતાબ્દિ ગાંધીજીએ ચલાવેલા સાપ્તાહિક 'નવજીવન'ની હતી. ગાંધીજીના તંત્રીપદ હેઠળ 'નવજીવન'/Navjivan નો પહેલો અંક સપ્ટેમ્બર ૭, ૧૯૧૯ના રોજ પ્રગટ થયો હતો. ૧૯૩૨માં તેનું પ્રકાશન આટોપાયું ત્યાં સુધીમાં તે ગાંધીજીના અનેક પ્રયોગોનું સાક્ષી અને લોકો સુધી તેમની વાત પહોંચાડવાનું માધ્યમ બન્યું. ગાંધીજીનાં જોમવંતાં છતાં ઉશ્કેરણીજનક નહીં, વિચારપ્રેરક છતાં ગળચટ્ટાં ચિંતનખોર નહીં એવાં લખાણો 'નવજીવન’ માટે લખાયાં. અસહકારની ચળવળ અને ખિલાફત આંદોલનથી માંડીને દાંડીકૂચ જેવી દેશને ઉપરતળે કરનારી અનેક ઘટનાઓ 'નવજીવન'ના પાને ઝીલાઈ. ગાંધીજીની લેખનશૈલી ઘડાઈ અને શીલમાંથી શૈલી શી રીતે નીપજી શકે તેનું ઉત્તમ ઉદાહરણ બની. 'નવજીવન' ફક્ત ગાંધીવિચારનું જ નહીં, જાણે દેશમાં પ્રસરેલી નવી આબોહવાનું મુખપત્ર બની રહ્યું.
'નવજીવન' અસલમાં ઇંદુલાલ યાજ્ઞિક, શંકરલાલ બેન્કર અને કનૈયાલાલ મુનશી જેવા તરવરિયા જુવાનિયાઓની કલ્પનાનું સાકાર સ્વરૂપ હતું. એ લોકો ત્યારના વિખ્યાત અંગ્રેજી માસિક 'મોડર્ન રીવ્યુ'ની ઢબ પર ગુજરાતીમાં માસિક શરૂ કરવા ઇચ્છતા હતા. તેમાંથી શંકરલાલ બેન્કરને ઇટાલિયન કવિ દાન્તેનો શબ્દપ્રયોગ Vita Nova ખૂબ પસંદ હતો, જેનો અર્થ હતોઃ નવું જીવન. તેની પરથી ગુજરાતી સામયિકનું નામ પાડવામાં આવ્યું 'નવજીવન'. (કેટલાક સંદર્ભોમાં Viva Nova છે, પણ દાન્તેએ વાપરેલો-'જીવન' માટેનો લેટિન શબ્દ Vita છે.) એ જ અરસામાં બંધ થયેલા 'સત્ય’ સામયિકને ભેળવી દઈને મુંબઈથી ઇંદુલાલ યાજ્ઞિકના તંત્રીપદે શરૂ થયુંઃ 'નવજીવન અને સત્ય'.
૧૯૧૯ આવતાં સુધીમાં ભાવનાપ્રધાન ઇંદુલાલના તંત્રીપદ હેઠળ 'નવજીવન અને સત્ય' અનિયમિત બની ચૂક્યું હતું. બીજી તરફ, ગાંધીજીની આગેવાની રાષ્ટ્રીય સ્તરે નવા યુગનાં એંધાણ આપી રહી હતી. તે પારખીને ઇંદુલાલની મિત્રમંડળીએ પહેલાં ગાંધીજીને અંગ્રેજી સામયિક 'યંગ ઇન્ડિયા'નું સુકાન સોંપ્યું. પછી ગાંધીજીને ગુજરાતી સામયિકની જરૂર લાગતાં, 'નવજીવન અને સત્ય' પણ ગાંધીજીને આપી દેવામાં આવ્યું. તેમાં ગાંધીજીએ ત્રણ મોટા ફેરફાર કર્યાઃ તેને માસિકમાંથી સાપ્તાહિક બનાવ્યું, મુંબઈને બદલે અમદાવાદ લઈ આવ્યા અને તેના નામમાંથી 'સત્ય’ કાઢીને ફક્ત 'નવજીવન' રહેવા દીધું.
ગાંધીજીએ ફક્ત સામયિકના નામમાંથી જ 'સત્ય'ની બાદબાકી કરી હતી. બાકી બધી રીતે સામયિક સત્યનિષ્ઠ રહ્યું અને ગાંધીજીના સત્યના પ્રયોગોનું માધ્યમ બન્યુંઃ તેમણે કરેલા પ્રયોગોનું અને તેમણે આત્મકથાના સ્વરૂપમાં આલેખેલા 'સત્યના પ્રયોગો'નું પણ. કેમ કે, તેમની જગવિખ્યાત આત્મકથાનાં પ્રકરણો 'નવજીવન'માં હપ્તાવાર છપાતાં હતાં. સામયિકની લેખનસામગ્રીની જવાબદારી ગાંધીજીની હતી, પણ તંત્રની કામગીરી ઇંદુલાલે ઉપાડવી એવું ઠર્યું હતું. આજે પણ ગાંધી આશ્રમના gandhiheritageportal.org પર ઉપલબ્ધ 'નવજીવન'ના લગભગ તમામ અંકોમાંથી પહેલો અંક જોતાં, તેમાં વાંચવા મળે છેઃ "આ પત્ર અમદાવાદમાં જમાલપુર રોડ પર નટવર પ્રીંટીંગ પ્રેસમાં ભોગીલાલ નારણદાસ બોડીવાળાએ છાપ્યું અને ઇન્દુુલાલ કનૈયાલાલ યાજ્ઞિકે તેજ સ્થળે પ્રકટ કર્યું છે.”
ગાંધીજી 'નવજીવન'ના તંત્રી થયા છે, તે જાણીને આશરે અઢી હજાર લોકો તેના નવા ગ્રાહક બન્યા. પહેલા અંકની પાંચ હજાર જોતજોતાંમાં ખપી ગઈ. ફરી પાંચ હજાર છાપવી પડી ને એ પણ વેચાઈ ગઈ. ત્રીજા અંકમાં વાચકોને જણાવવામાં આવ્યું કે "અમે બનતી મહેનતે જેટલા ઘરાકો લખે છે તેને 'નવજીવન' પહોંચાડવા પ્રયત્ન કરીએ છીએ, પણ એટલો અણધાર્યો દરોડો 'નવજીવન' ઉપર પડે છે કે માગણીને પહોંચી વળવું અશક્ય થઈ પડ્યું છે. આ અઠવાડીયે અમે ૧૨,૦૦૦ નકલ છપાવી છે, છતાં નકલો ઓછી છે એમ જાણીએ છીએ.”
સામયિક પોતાની રીતે કાઢવા માટે ગાંધીજીને પ્રિન્ટિંગ પ્રેસની જરૂર જણાતાં, તેમના સાથી-આશ્રમના કુશળ સંચાલક મગનલાલ ગાંધી અનસૂયાબહેન સારાભાઈ સાથે શહેરમાં પ્રેસ શોધવા નીકળ્યા. તેમણે ચૂડીઓળના નાકે ગલીમાં આવેલું મનહર પ્રિન્ટિંગ પ્રેસ છ હજાર રૂપિયામાં ખરીદ્યું અને તેને નામ આપ્યુંઃ નવજીવન મુદ્રણાલય. મુદ્રક અને પ્રકાશક તરીકે શંકરલાલ બેન્કરનું નામ હતું. તેના સરપાવ તરીકે ૧૯૨૨માં લેખક ગાંધીજીની સાથોસાથ મુદ્રક-પ્રકાશક તરીકે શંકરલાલસામે પણ રાજદ્રોહના આરોપ હેઠળ કેસ ચાલ્યો અને બંનેને સજા થઈ હતી.
ગાંધીજી ઉપરાંત મહાદેવભાઈ દેસાઈ, કાકાસાહેબ કાલેલકર, સ્વામી આનંદ જેવા ગાંધીયુગના ઉત્તમ કોટિના ગદ્યકારોની કલમનો લાભ 'નવજીવન' થકી ગુજરાતી વાચકોને મળ્યો. ગાંધીજીએ અસહકારની ચળવળ ઉપરાંત તેમના પ્રિય વિષયો હિંદુ-મુસલમાન એકતા અને અસ્પૃશ્યતાના વિરોધ માટે 'નવજીવન'માં પાનાં ભરીને લખ્યું, માહિતી આપી, રોષભર્યા કે ટીકાત્મક પત્રોમાંથી ગરમી અને કડવાશ ગાળીને, તેમાંથી ચર્ચવાલાયક મુદ્દા વિશે લંબાણથી ચર્ચા કરી. પુષ્કળ જથ્થામાં લખવા માટે 'બે હાથે લખવું’ એવો પ્રયોગ થાય છે. ગાંધીજી તો બંને અર્થમાં બે હાથે લખ્યું. 'નવજીવન'માંથી નફો કરવાની તેમની જરાય વૃત્તિ ન હતી. એટલે નફો થાય તો તે વાચકોને સામયિકનાં વધારાનાં પાનાં આપીને સરભર કરી દેવાતો હતો.
કેવો હતો અસહકારયુગમાં 'નવજીવન'નો સપાટો? 'નવજીવનની વિકાસવાર્તા' પુસ્તકમાં નોંધાયા પ્રમાણે, એ ગાળામાં 'નવજીવન'નું વેચાણ ચાળીસ હજાર નકલોની આસપાસ પહોંચી ગયું. (એ વખતનાં--અને અત્યારનાં--ઘણાંખરાં લોકપ્રિય સામયિકો પણ આટલી નકલે પહોંચી શકતાં નથી. ) ગુજરાતીમાં તો ઠીક, ઑગસ્ટ,૧૯૨૧થી શરૂ થયેલા હિંદી 'નવજીવન'ની પણ પંદર-અઢાર હજાર નકલ વેચાવા લાગી. 'નવજીવન' કામગીરીનો માહોલ આ શબ્દોમાં આલેખાયો છેઃ “આ વર્ષ દરમ્યાન 'નવજીવન' લગભગ અર્ધસાપ્તાહિક થઈ પડ્યું હતું. સાંકડી ગલીમાં ખંડેર જેવી વખારોની ઓરડીઓમાં લગભગ ૯૦ માણસો રાત અને દિવસ ચોવીસે કલાક કામ કરતા. એક જ ભાગેલો છાપવાનો સંચો હતો તે આખું અઠવાડિયું રાત અને દિવસ કલાકના હજારની ઝડપે...નકલો છાપ્યા કરતો...છાપાં વેચનારા છોકરાઓને માટે એક વખારના પાછલે બારણે ટિકિટ ઓફિસ જેવી બારી બેસાડી હતી અને મુખ્ય દરવાજો બંધ રાખવો પડ્યો હતો. ફેરિયાઓ બારીબારણાં ભાંગી નાખવામાં પણ અચકાતા નહીં ને આખા મહોલ્લાની વસ્તીને આખી રાત ભાગ્યે જ ઊંઘ મળતી.”
દાંડીકૂચ પછીના અરસામાં સરકારે 'નવજીવન'નું પ્રેસ જપ્ત કર્યું, ત્યારે ટાઇપ કરેલા 'નવજીવન'ની કોપી મશીન પર છાપેલી નકલો વહેંચાતી હતી. પરંતુ ૧૯૨૧-૨૨ના અસહકાર આંદોલન સમયનો સુવર્ણયુગ પાછો ન આવ્યો. લડતની ગરમી ઓસરી એટલે 'નવજીવન'નું વેચાણ પણ ઘટી ગયું. ૭ સપ્ટેમ્બર, ૧૯૧૯ની તારીખ સાથે પ્રગટ થયેલા 'નવજીવન'ના પહેલા અંકનાં ૧૬ પાનાં હતાં અને તેની છૂટક કિંમત એક આનો રાખવામાં આવી હતી. તેનો છેલ્લો અંક ૧૦ જાન્યુઆરી, ૧૯૩૨નો નીકળ્યો સોળ પાનાં અને કિંમત સવા આનો.
જમાના પ્રમાણે આનામાં કિંમત ધરાવતું 'નવજીવન' ગાંધીજીની લડત, તેમનું પત્રકારત્વ, તેમની અભિવ્યક્તિ અને એ સમયને સમજવા માટે અમૂલ્ય દસ્તાવેજ છે.
No comments:
Post a Comment