સરખામણી જેટલી
સ્વાભાવિક અને ઘણી રીતે અનિવાર્ય લાગે, એટલી જ વિચિત્ર પણ છે. ગુજરાતમાં ભાજપની
સંપૂર્ણ પકડ અને કોંગ્રેસની અનંત શીતનિદ્રા છતાં ત્રણ યુવા ચહેરા નેતાગીરીની
ભૂમિકામાં ઉભર્યાઃ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી. દેખીતું સામ્ય
તેમની વયનું અને તેમના ઉભા થયેલા કે થઇ રહેલા બહોળા પ્રભાવનું. હાર્દિક પટેલ તેમની
સમજ પ્રમાણે ‘પાટીદાર સમાજને થયેલા અન્યાય’ સામે લડત ચલાવે, અલ્પેશ ઠાકોર વેરવિખેર એવા અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના
નેતા બને-તેમનાં સંમેલન યોજે અને તેમના હિતની—મુખ્યત્વે તેમની અનામતમાં ભાગ ન પડવા
દેવાની—વાતે આગળ આવે. આ બન્નેની સરખામણીમાં જિજ્ઞેશ મેવાણીનો પ્રવેશ છેલ્લો થયો.
ઉના અત્યાચારની ઘટના બન્યા પછી જિજ્ઞેશ
મેવાણી/ Jignesh Mevani અને સાથીદારોએ ઉના દલિત અત્યાચાર લડત સમિતિના નેજા હેઠળ સંગઠિત લડત આપવાની
શરૂઆત કરી. આ સંગઠનને કોઇ રાજકીય પીઠબળ કે જ્ઞાતિ સંગઠનોનો આર્થિક ટેકો ન હતાં.
એજેન્ડા ઉનાના પીડિતોને ન્યાય અપાવવા ઉપરાંત દલિતો પર થતા અત્યાચાર અને તેના
મૂળમાં રહેલા ભેદભાવના વ્યાપક મુદ્દે લડત આપવાનો હતો. અગાઉ થાનગઢમાં ત્રણ દલિત
કિશોરોની હત્યા પછી સ્વયંભૂ –અને ભાગ્યે જ જોવા મળે એવો—લોકજુવાળ પેદા થયો હતો.
પરંતુ ગુજરાતમાં દલિતોની વસ્તી માંડ સાત ટકા. ચૂંટણીનાં પરિણામો પર અસર પાડવાની
તેમની ક્ષમતા નહીં. દલિત નેતાઓ પણ પક્ષની વફાદારીના બિલ્લા પહેરીને રાજી. એટલે
થાનગઢ વખતે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી દલિત લાગણીને અને તેમની ન્યાયની
માગણીને ઘોળીને પી ગયા.
પરંતુ થાનગઢથી ઉના વચ્ચે ઘણો બદલાવ આવ્યો
છે. હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને ગુજરાત તેમનું હોમ સ્ટેટ એટલે કે ગૃહરાજ્ય
છે. ઉના અત્યાચાર જેવી ઘટના બને –અને એના કરતાં પણ વધારે તો, એ વિડીયોસ્વરૂપે
વહેતી થાય-ચગે, ત્યારે ચિંતા ગુજરાતની નથી. ગુજરાતને તો નરેન્દ્ર મોદી-અમિત શાહ
ખિસ્સામાં ગણે છે, પણ ગુજરાતના દલિતોનો તીવ્ર અન્યાયબોધ ઉત્તર પ્રદેશ જેવાં
નોંધપાત્ર દલિત મતો ધરાવતા રાજ્યમાં પડઘાય, તે શી રીતે પોસાય? ‘અબ આયા હૈ ઊંટ પહાડકે નીચે’ એવું તો સાવ નથી, પણ થાનગઢની જેમ છેક ઉલાળીયો કરી દેવાનું પણ ભાજપી
નેતાગીરીને પરવડે એમ નથી.
ઉના દલિત અત્યાચારનો પહેલો બનાવ ન હતો અને
ખેદની વાત છે કે, છેલ્લો બનાવ પણ નહીં હોય. છતાં, દલિતોના અન્યાયબોધને, તેમની
સમાનતાની, ગરીમાપૂર્ણ વ્યવહાર-વ્યવસાય માટેની ઝંખનાને સુવ્યવસ્થિત સ્વરૂપે વાચા
આપે એવા અવાજનો હમણાં સુધી અભાવ હતો. અમદાવાદની રેલીમાં અને એ સિવાય પણ જિજ્ઞેશ
મેવાણીને સાંભળ્યા પછી ઘણાને એ અવાજની ખોટ પુરાતી જણાય છે. સવાલ ફક્ત બોલવાની
છટાનો કે તેની પર મોહી પડવાનો નથી. એ કળામાં તો વડાપ્રધાન કુલગુરુ બને એમ છે.
પરંતુ આંદોલનનો ચહેરો બનેલા જિજ્ઞેશ મેવાણીની વાતમાં રોષ અને ઉગ્રતાની સાથોસાથ
અભ્યાસ અને સંઘર્ષનો અનુભવ પણ રહેલો છે, જે સરખામણી વખતે યાદ રાખવો રહ્યો.
જિજ્ઞેશ મેવાણી અચાનક, રાતોરાત આકાશમાંથી
ટપકી પડેલો કે કોઇએ ઊભો કરેલો નેતા નથી. તેની પાછળ રાજકીય વ્યક્તિત્વોના
દોરીસંચારની આશંકા નથી ને સમૃદ્ધ જ્ઞાતિજનોનો મજબૂત આર્થિક ટેકો પણ નથી. અત્યારે
અમદાવાદથી પદયાત્રીઓ સાથે નીકળેલા અને 15મી ઓગસ્ટે ઉના પહોંચીને ધ્વજવંદન કરવા
માગતા 35 વર્ષના જિજ્ઞેશ પાસે જાહેર કામનો લાંબો અનુભવ અને વાચનલેખનનો મજબૂત
સંસ્કાર છે. બૌદ્ધિકતા, જોશ, કાર્યકરવૃત્તિ અને નેતૃત્વશક્તિ—આ બધાનું સંયોજન
દલિતોમાં જ નહીં, સમગ્ર ગુજરાતના જાહેર જીવનમાં દુર્લભ છે. જિજ્ઞેશ મેવાણીની
નેતૃત્વશક્તિ હવે કસોટીએ ચડેલી છે, પરંતુ બૌદ્ધિક રીતે એ અત્યંત સજ્જ છે. ગુજરાતના
ટોચના ગઝલકાર ‘મરીઝ’
વિશે થોડાં વર્ષ પહેલાં જિજ્ઞેશે કરેલું સંશોધન ગુજરાતી સાહિત્યમાં અને
પત્રકારત્વમાં મૂલ્યવાન ઉમેરો કરે એવું છે, તો ભગતસિંઘ અને ક્રાંતિકારીઓ વિશેનો
તેનો અભ્યાસ ભગતસિંઘના નામે ચરવા નીકળી પડેલાઓ કરતાં તેને જુદો અને વેંત ઊંચો મૂકી
આપે એવો છે. એચ.કે. આર્ટસ કોલેજમાંથી અંગ્રેજી વિષયમાં સ્નાતક થયેલા જિજ્ઞેશને
સામાજિક સમાનતાના ઘણા પાઠ સંજય ભાવે અને સૌમ્ય જોશી જેવા અધ્યાપકો પાસેથી શીખવા
મળ્યા. એ ઘડતર પર અનુભવનું ઘણું ચણતર ગાંધીવાદી ચુનીકાકા (વૈદ્ય) અને જનસંઘર્ષ
મંચના ડાબેરી કર્મશીલ મુકુલ સિંહા સાથે કામ કરતાં થયું. જમીનવિહોણાને જમીન
અપાવવાથી માંડીને સફાઇ કામદારો હોય કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના
જવાનો, તેમની અન્યાય સામેની લડતમાં જિજ્ઞેશે જનસંઘર્ષ મંચ વતી સામેલગીરી કરી છે.
ચુનીકાકા વિશે કેતન રૂપેરાએ સંપાદિત કરેલા
સ્મૃતિગ્રંથમાં જિજ્ઞેશે ચુનીકાકાનો પૂરા આદર સાથેનો, છતાં અણીદાર ઇન્ટરવ્યુ કર્યો
છે. તેમાંથી ફક્ત ચુનીકાકાનું જ નહીં, જિજ્ઞેશનું પણ વ્યક્તિત્વ પ્રગટ થાય છે. ઇન્ટરવ્યુની
ભૂમિકાના આરંભે જ જિજ્ઞેશે લખ્યું છે,’ગુજરાતના
જાહેરજીવનમાં ત્રણ કાકાઓ અમૂલી જણસ જેવા મળ્યા—ગિરીશકાકા (પટેલ), મુકુલકાકા
(સિંહા) અને ચુનીકાકા (વૈદ્ય). ગિરીશકાકા ગાંધી અને માર્કસનું કોમ્બિનેશન કરવામાં
માને, મુકુલ સિન્હા માર્કસ ને લેનિનનું કોમ્બિનેશન કરવામા માને, ચુનીકાકા ગાંધીના
વિકેન્દ્રીકરણના વિચાર પર આધારિત ગ્રામ સ્વરાજ સ્થાપવા માગે. પારકી છઠ્ઠીના જાગતલ
એવા આ ત્રણેય કાકાઓ ખેડૂતો-પશુપાલકો-પીડિતો-દલિતો, અસરગ્રસ્તો માટે બહુ લડ્યા...’ (હાર્દિક સાથે જિજ્ઞેશની સરખામણી કેમ અયોગ્ય છે, એ કંઇ નહીં તો આ
ત્રણ લીટી વાંચીને પણ સ્પષ્ટ થઇ જવું જોઇએ.)
નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રીપદ દરમિયાન
અને ત્યાર પહેલાં પણ ગુજરાતમાં સંઘર્ષનું કામ કરનારા બહુ ઓછા નીકળ્યા, માર્ટિન
મેકવાન જેવાએ એક તબક્કે સમાનતાના સંઘર્ષ અને નવસર્જનનું કામ સમાંતરે અને અસરકારક
રીતે ઉપાડ્યું હતું. હવે જિજ્ઞેશ પાસે (છેલ્લાં વર્ષોમાં મેળવેલી વકીલાતની ડિગ્રી
ઉપરાંત) તેણે ગણાવેલા ત્રણ કાકાઓના સંઘર્ષનો અને એ સિવાય દલિત ચળવળનો વારસો છે. જોસ્સો
(પેશન) તેનો સ્થાયી ભાવ છે, તેનાથી દોરાવાનું નેતા તરીકે ઓળખાયા પછી જોખમી બની શકે
છે, પણ કોઇ પણ બાબતને ફક્ત થિયરીના સ્તરે સમજીને સંતુષ્ટ થવાને બદલે, સંવેદનાના
સ્તરે અનુભવવી એ તેની પ્રકૃતિ છે. જાહેર જીવનમાં અન દલિત ચળવળમાં જાણકારો પાસેથી
સલાહસૂચન-દિશાદર્શન લેવાનું તેણે હજુ બંધ કર્યું નથી. તેની સામે આંતરિક તથા બાહ્ય પડકાર
ઓછા નથી. જ્ઞાતિવાદની ભયંકર આડપેદાશ જેવા દલિતોના પેટાજ્ઞાતિવાદને વળોટી જાય એવી
રીતે ચળવળ ટકાવવી અને આગળ વધારવી, ઉગ્રતા-કટુતાને ભયજનક સપાટીથી નીચે રાખવી,
સમાનતાના રસ્તે ચાલવા ઇચ્છતા સમભાવીઓ સાથે મુદ્દા આધારિત વાંધા હોય તો પણ સંવાદની
ભૂમિકા રાખવી, આંદોલનની વરાળથી પોતાનાં એન્જિન ચલાવવા આવી પડતા રાજનેતાઓથી સલામત
અંતર રાખવું, આંદોલનની ધરી વ્યક્તિકેન્દ્રી કે વ્યક્તિવિરોધી-પક્ષવિરોધી નહીં, પણ
સમાજકેન્દ્રી, સમાનતાકેન્દ્રી-અત્યાચારવિરોધી રહે તે જોવું...
પડકારોમાં સજ્જતાની કસોટી છે, તો
પરિવર્તની માટેની તક પણ છે જ.
જીજ્ઞેશ મેવાણીને મરીઝ ઉપર સંશોધન કરનાર ઉત્સાહી યુવાન તરીકે જાણ્યા બાદ થોડો સમય એની કોલમ વાંચવા મળી ત્યારે ખરેખર સારું લાગેલું. આવા કર્મશીલો સાથેના એના સહવાસ વિષે જાણી ઓર આનંદ થયો. અને બીજાં બે નામ સાથે જો કોઈ એની સરખામણી કરે તો એ બિલકુલ અપ્રસ્તુત છે. તમે આટલી સ્પષ્ટતા શરૂઆતમાં જ કરી દીધી, એ સારું કર્યું.
ReplyDeleteજ્ઞાતિવાદની ભયંકર આડપેદાશ જેવા દલિતોના પેટાજ્ઞાતિવાદ
ReplyDeleteભારતની બંધારણસભાએ ઠરાવેલ વિધાનસભા અને લોકસભા ની ઉમેદવારી માટે ઉંમર ની લઘુતમ મર્યાદા મને પહેલા કોઈ દિવસ નહોતી સમજાય, જ્યાં સુધી હું પોતે ૨૬ વર્ષ વટાવી ન ગયો.
ReplyDeleteયથા રાજા તથા પ્રજા. ૨૦૦૨ ની સરકાર દરમ્યાન હાર્દિક પટેલ માંડ ૮ વર્ષના હશે. તેનું આખું જીવન કેવા સામાજિક માહોલ માં વીત્યું છે એ પણ ઉમેરવું રહ્યું:
૧) તત્કાલ-લોકજુવાળ તમારી સાથે હોય તો મનફાવે તેવા નિવેદન કરી શકાય.
૨) સરકાર તમારી હોય તો બાર બાર વર્ષ સુધી કેન્દ્ર સરકાર ગુજરાત ને અન્યાય કરે છે એવાં બહાના બનાવી દિલ્હી પહોચવાનો ખર્ચો ગલીએ ગલીએ ઉભી કરેલી વિવિધ ‘રક્ષા સમિતિઓ' દ્વારા ઉઘરાવી શકાય.
૩) ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર ને ગુજરાતની અસ્મિતાના વિરોધીઓ ઠરાવી વિવિધ ‘રક્ષા સમિતિઓ’ને તેમની વિરુદ્ધ છુટ્ટી મૂકી શકાય.
૪) કથની અને કરણી લોકો સુધી પહોંચાડનાર લોકોના આંખ કાન જેવા છાપા અને ટીવી ચેનલો આપણી પડખે હોય તો કથની અને કરણીમાં તદ્દન વિરોધાભાસી વલણ અપનાવી શકાય છે.
હાર્દિકભાઈ હવે ગુજરાતની બહાર ગયા છે, (કદાચ…. કદાચ) ધીમે ધીમે જાણશે કે:
૧) મનફાવે તેવા નિવેદનો કરવાનો પરવાનો મેળવવા મુખ્ય મંત્રી બનવું પડે. (જયારે ૭૦ ના દશક માં મેટ્રિક એટલેકે ૧૦ પાસ ને સરકારી સાહેબો ગામડે ગામડે નોકરીએ રાખવા માટે ગોતતા હતા ત્યારે ગ્રેજ્યુએટ હોવા છતા આરએસએસ ના કાર્યાલયો માં કચરો કાઢવા અને ચા બનાવવા પેટ વરાણીએ રેહવું પડે.)
૨) ગુજરાત ને કેન્દ્ર સરકાર અન્યાય કરે છે એવાં ગીતો મહાજાતિ ગુજરાતીને દિલ્હી જવા માટેના ભાથા (ટીફીન) તરીકે દોહવા માટે જ હતા. દિલ્હી પહોચી ને તો હવે દોહવા માટે મોટી મોટી વિદેશી ગાયો પડી છે.
૩) ભ્રષ્ટાચારનો વિરોધ કરનારાઓને ગુજરાત ના વિરોધીઓ ઠરાવવા માટે પહેલા ભ્રષ્ટાચારતો કરવો પડે ને ભાઈ, નહીતો શું આવા તાયફોનો નાણાકીય ફાયદો ફાયદો શું ?
૪) છાપા અને ચેનલો ધંધાદારી સંસ્થાઓ છે; કયો ગ્રાહક મોટો: સરકારી તિજોરી માંથી વ્યૂહાત્મક રીતે ઉભી કરેલી લાંબા ગાળાની જાહેરાતો કે પછી નાના મોટા સંગઠનો ? (ગ્રાહક કે પછી ઘરાગ અને ઉપભોગતા એ અલગ છે એવું જ્ઞાન લાધવું. Advertiser is customers who pays, while consumers who read and see news)
કાલે મુસ્લીમો નિશાને હતા, આજે પટેલો અને દલિતો,ST, OBC નિશાને છે. આશા રાખીએ કે હાર્દિક ભાઈ પણ એ જાણી લેશે કે આપણા કહેવાતા નેતાઓ જ્ઞાતિ કે ધર્મ થી ઉપર છે (એમના લાભ માટે એમને કઈ નડતું નથી એવો નેગેટીવ અર્થ લેવો.) , એ બધું તો આપણ ને મૂર્ખ બનાવવા માટે છે.
‘વ્યક્તિ’ એ ‘મૂળ લઘુમતી’ (’individual’ is an ultimate minority) છે; વ્યક્તિને સંગઠનોથી રક્ષણ આપવું’ એ પાયાનો સિધ્ધાંત લયી ને આગળ વધવું એજ આખરી ઉપાય છે ભારતીયો માટે. પછી એ સંગઠન કુટુંબ હોય કે જ્ઞાતિ કે ધર્મ કે પછી સરકાર માં રહેલા અહિતકારી વૈચારિક સંગઠનો.
Nice
ReplyDeleteCourage Is a Love Affair with the Unknown
ReplyDeleteભાઈ જીગ્નેશ મેવાણીને અલગથી જાણ્યો.સુંદર લેખ.અભિનંદન.whatsapp પર સમયસર મળતાં લેખોને કારણે કશું જ ચૂકી જવાતું નથી!આભાર.સિવાય કે આસપાસથી તમારી પારખું ઝડપી લીધેલ નાની નાની વ્યંગકણિંકાઓ!�������� કમલેશ પટેલ
ReplyDelete