‘બંધારણના ઘડવૈયા’ અને ‘દલિતોના મસીહા’ જેવી પ્રચલિત ઓળખાણોને લીધે ડો.આંબડકરનાં વ્યક્તિત્વનાં અનેક પાસાં ખૂણામાં
હડસેલાઇ ગયાં છે. વીસમી સદીના ભારતના ટોચના વિદ્વાનોમાંના એક આંબેડકરની
અભ્યાસનિષ્ઠા અને તેમના અદ્વિતિય પુસ્તકપ્રેમથી માંડીને તેમની અનેક લાક્ષણિકતાઓ આ
મહાન વ્યક્તિને દૂરના દેવતાને બદલે આત્મીય સ્નેહી બનાવી શકે એવી છે.
તર્ક કરતી વખતે પ્રખર બૌદ્ધિક તરીકે રજૂ
થતા ડો.આંબેડકર વ્યક્તિગત રીતે અત્યંત લાગણીવશ અને ઉગ્ર પ્રકૃતિના હતા. અમુક અંશે
એકાકી પણ ખરા. તેમને પુસ્તકોની વચ્ચે મૂકી દીધા હોય, તો અનિવાર્ય કામ સિવાય માણસની
જરૂર પણ ન પડે. જમતી વખતે પણ તેમના એક હાથમાં પુસ્તક હોય ને બીજા હાથમાં કોળિયો.
એમ કરતાં ઘણી વાર કોળિયાવાળો હાથ થંભી જાય ને વાચન સડસડાટ ચાલુ હોય. પ્રકૃતિગત
કારણોસર અને દલિત સમાજના સર્વોચ્ચ નેતા તરીકે તેમની કોઇ સાથે સમભાવે દોસ્તી થાય, એવું
ન બન્યું. તેમના અનુયાયીઓ,
સ્નેહીઓ, પ્રશંસકો, લાભાર્થીઓનું પ્રમાણ મોટું. તેમના વફાદાર સેવકો પણ
ખરા. પરંતુ જેની સાથે દોસ્તીદાવે વાત કરી શકાય, હૈયું ઠાલવી શકાય, મૂંઝવતી
સ્થિતિમાં વિના સંકોચે મદદ માગી શકાય, એવો મિત્ર કોણ? જાહેર જીવનની શરૂઆત પછી આ
પ્રકારની મિત્રાચારી થવાની સંભાવના ઘટતી ગઇ, પરંતુ વિદ્યાર્થી અવસ્થામાં
મળેલા પારસી નવલ ભાથેના આજીવન આંબેડકરના એવા (એક માત્ર) મિત્ર બની રહ્યા.
ધનંજય કીરે લખેલા ડો.આંબેડકરના
ચરિત્રમાં નોંધાયું છે કે ભીમરાવ સાથે નવલ ભાથેનાનો પહેલો ભેટો અમેરિકાની ભૂમિ પર
થયો. સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિ થકી ૧૯૧૩માં ભીમરાવ અમેરિકાની કોલંબિયા
યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા. પહેલાં તે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહ્યા, પણ
ત્યાં ન ફાવ્યું. પછી તે લિવિંગ્સ્ટન હોલની ડોરમેટરીમાં રહેવા ગયા. ત્યાં તેમને
પારસી વિદ્યાર્થી નવલ ભાથેનાનો પરિચય થયો અને બન્ને વચ્ચે દોસ્તી જામી. અમેરિકામાં
પહેલી વાર ડો.આંબેડકરને જ્ઞાતિવાદના ઝેરથી મુક્ત એવી તાજી હવા મળી. એટલે આર્થિક
અભાવ હોવા છતાં, તેમની પ્રતિભા ખીલી ઉઠી અને જોતજોતાંમાં તે કેટલાક અધ્યાપકોને પ્રિય થઇ પડ્યા.
અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી
ડોક્ટરેટની ડિગ્રી જેટલી જ મોટી ઉપલબ્ધિ તેમના માટે નવલ ભાથેનાની હતી, જે
આજીવન ડો.આંબેડકરની કપરી ક્ષણોમાં તેમની પડખે ઊભા રહ્યા અને વખતોવખત સહાયરૂપ પણ
બન્યા. ભારત પાછા આવ્યા પછી પણ સંઘર્ષ ચાલુ હતો. કારણ કે ભારતમાં તેમની પ્રતિભા
કરતાં તેમની જ્ઞાતિ વધારે અગત્યની ગણાતી હતી. વડોદરામાં સરકારી (રજવાડી) નોકરી
હોવા છતાં, ડો.આંબેડકરને રહેવા માટે મકાન મળ્યું નહીં. ખોટી ઓળખ આપીને તે પારસી વીશીમાં
રહેતા હતા, પણ નવલ ભાથેનાના જ્ઞાતિબંધુઓને જાણ થઇ કે આંબેડકર દલિત છે, એટલે
તેમણે વીશી પર હલ્લો કર્યો અને આંબેડકરને હાંકી કાઢ્યા.
ડો.આંબેડકરને લાગતું હતું કે
સ્વતંત્રતાથી જીવન જીવવા માટે વકીલાત કરવી અને એ માટે લંડન જઇને બેરિસ્ટર બનવું
જરૂરી છે, પરંતુ એ માટેની આર્થિક જોગવાઇ શી રીતે કરવી? એ વખતે નવલ ભાથેનાની ભલામણથી
તેમને બે વિદ્યાર્થીઓનાં ટ્યુશન મળ્યાં. થોડા સમય પછી, મુંબઇની સિડનહામ કોલેજમાં
અર્થશાસ્ત્રના અધ્યાપકની જગ્યા ખાલી પડી, ત્યારે થોડી કમાણી થાય તો લંડન જઇ શકાય એ આશયથી
આંબેડકરે એ નોકરી લીધી. પરંતુ એ વખતે છઠ્ઠા ને સાતમા પગારપંચોની વ્યવસ્થા ન હતી.
એટલે રૂપિયાની ખેંચ અનુભવતા આંબેડકરે મિત્ર નવલ ભાથેના પાસેથી પાંચ હજાર રૂપિયા
ઉછીના મેળવ્યા. (બદલામાં તેમણે આ રકમની પ્રોમિસરી નોટ લખી આપી હતી.) વીસમી સદીના
બીજા દાયકામાં પાંચ હજાર રૂપિયા બહુ મોટી રકમ હતી, પણ નવલ ભાથેનાએ ડો.આંબેડકરને કદી
નિરાશ ન કર્યા.
લંડન પહોંચ્યા પછી આંબેડકરે સમાંતરે
ગ્રેઝ ઇનમાં બેરિસ્ટરનું ભણતર અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ડોક્ટરેટનો અભ્યાસ
ચાલુ કર્યો, પરંતુ કશી આવક વિના પરદેશમાં ભણવાનું અને દેશમાં રહેલા કુટુંબનું પૂરું
કરવાનું શી રીતે બને? એટલે વચ્ચે વચ્ચે તે નવલ પાસેથી આર્થિક મદદ માગતા હતા. એવા એક પત્રમાં તેમણે
લાગણીવશ થઇને નવલને લખ્યું હતું,‘મારા લીધે તને ત્રાસ છે, એનું મને ઘણું દુઃખ છે. વિશ્વાસ
રાખજે, તારે મારા લીધે જે ત્રાસ સહન કરવો પડે છે, તે પરમ મિત્ર માટે પણ સહન કરવો
અશક્ય છે, એ હું જાણું છું. એક યા બીજા કારણે મારે તાત્કાલિક પૈસાની માગણી કરવી પડે છે.
તેથી મારા એકના એક મિત્ર,
તું મને દુભવીશ નહીં એની મને આશા છે.’
લંડનથી ‘ડોક્ટર ઓફ સાયન્સ’ અને
બેરિસ્ટરની ડિગ્રી મેળવ્યા પછી (અને કોલંબિયા યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી તો
ખરી જ) પણ ડો. આંબેડકર પાસે સનદ મેળવવા
જેટલાં નાણાં ન હતાં. સનદ વિના વકીલાત શી રીતે શરૂ થાય? ફરી એક વાર નવલ ભાથેનાએ તેમને
મદદ કરીને અને ડો.આંબેડકરની બેરિસ્ટર તરીકેની પ્રેક્ટિસ શરૂ થઇ. જાહેર જીવનના અનેક
ચઢાવઉતાર અને બંધારણસભાની યશદાયી કામગીરીના લાંબા સમયગાળા દરમિયાન તેમના કોઇ
કાર્યક્રમ કે પ્રવૃતિમાં નવલ ભાથેના વિશે ક્યાંય વાંચવા-જાણવા મળતું નથી. તેમના
બધા ઉલ્લેખ ડો.આંબેડકરને બિનશરતી પ્રેમથી એક યા બીજા પ્રકારની સહાય કરતા મિત્ર
તરીકેના જ મળે છે.
એક સામાન્ય પિતાની જેમ ડો.આંબેડકરને પણ
તેમના પુત્ર યશવંતના ભવિષ્યની-તેને થાળે પાડવાની ચિંતા હતી. એ માટે તેમણે નવલ
ભાથેનાને પત્ર લખ્યો હતો અને પુત્ર તથા ભત્રીજાનું ગાડું સારી રીતે ગબડી રહે, એવો
કોઇ ધંધો આપવા અને તે માટેની કોઇ યોજના લખી મોકલવા જણાવ્યું હતું. ડો.આંબેડકરે
લખ્યું હતું,‘એવું બને તો હું શાંતિથી મૃત્યુ પામીશ. પિતા પોતાના પુત્રના હિત માટે તજવીજ
કરે છે તેવી જ રીતે તમે મારા પુત્ર માટે પ્રયત્ન કરીને તેને સતત ચાલુ રહે એવો કોઇ
ધંધો શીખવજો.’ નવલ ભાથેનાએ એક ઉદ્યોગ ચાલુ કરી આપ્યો, પરંતુ એ ધંધામાં છોકરાઓને સફળતા
મળી નહીં. તેથી ડો.આંબેડકર દુઃખી થયા હતા.
ડો.આંબેડકર અને નવલ ભાથેના વચ્ચે રૂબરૂ
મુલાકાતો ક્યારે અને કેવી રીતે થઇ હશે, એ પણ જાણવા મળતું નથી કે નવલ ભાથેના વિશેની બીજી કોઇ
માહિતી મળતી નથી. (કોઇ સુજ્ઞ વાચક પાસે એવી માહિતી કે કોઇ સંપર્કસૂત્ર હોય તો
મોકલવા વિનંતી) તેમની વચ્ચેની છેલ્લી મુલાકાત ઓક્ટોબર, ૧૯૫૬માં થઇ હતી. એ મુલાકાત વિશે
નવલ ભાથેનાની નોંધ ડો.આંબેડકરનાં પત્ની
સવિતા આંબડેકરની મરાઠી આત્મકથા ‘ડો.આંબેડકરાચ્યા સહવાસાત’માંથી મળે છે. નવલ ભાથેનાએ
લખ્યું હતું,‘અમારી સૌથી લાંબી મુલાકાત આંબેડકરના ઘરે તેમના અવસાનના બે મહિના પહેલાં થઇ.
અમે બપોરના ત્રણથી સાંજે છ સુધી બેઠા હતા. એ દરમિયાન રૂમમાં બીજા કોઇને આવવાની રજા
ન હતી. એ દિવસે આંબેડકર દિલથી વાતો કરી રહ્યા હતા. તેમણે તેમના પુત્રની અને
ભત્રીજાની ટીકા કરી. એમના ઘરેથી નીકળતી વખતે હું એ વિચારે ઉદાસ થઇ ગયો કે મારા
મિત્રની જીવનયાત્રા અંતિમ તબક્કામાં છે...’
૧૯૧૩થી શરૂ થયેલી આ દોસ્તીનો ૧૯૫૬માં
ડો.આંબેડકરના મૃત્યુ સાથે અંત આવ્યો, પરંતુ યાદગાર મૈત્રીની કથાઓમાં સ્થાન મળવાની વાત તો
દૂર રહી, તેનો ઉલ્લેખ પણ ભાગ્યે જ થાય છે.
No comments:
Post a Comment