રાજકીય પક્ષો
માટે અનામત સામાજિક નિસબતનો કે અસરકારક અમલનો નહીં, કેવળ ને કેવળ રાજકારણનો મુદ્દો હોય છે. ભાજપ
દ્વારા કરવામાં આવેલી ૧૦ ટકા અનામતની અવિચારી અને બેજવાબદાર જાહેરાત તેનું વધુ એક
ઉદાહરણ છે.
બંધારણમાં આર્થિક
પછાતપણાના આધારે અનામતની કોઇ જોગવાઇ નથી, એ પાયાની વાત છે. છતાં,
બંધારણના હાર્દની અવગણના
કરવાની રાજકીય પક્ષોની-સરકારોની સ્ટાઇલ પ્રમાણે, ઘડીભર એ મુદ્દો બાજુ પર રાખીએ. તો પણ, બિનઅનામત વર્ગો
માટે અનામત માગનારા એ વાતે સંમત હોય છે કે ફક્ત ગરીબોને અનામત મળવી જોઇએ.
પરંતુ ભાજપની
વર્તમાન નેતાગીરીએ આ બાબતમાં અભૂતપૂર્વ બેશરમી બતાવી છે. બિનઅનામત જ્ઞાતિઓના ગરીબો
માટે અનામતનું ઠેકાણું પડતું ન હોય, ત્યાં ભાજપે હનુમાનકૂદકો મારીને સીધી
મધ્યમ-ઉચ્ચ મધ્યમ વર્ગ માટે અનામતની જાહેરાત કરી દીધી છે. ૧૦ ટકા અનામતની જાહેરાતમાં
વાર્ષિક આવકમર્યાદા રૂ.૬ લાખ રાખવામાં આવી છે. એટલે કે, મહિને રૂ.૫૦ હજારની માસિક આવક ધરાવનાર
પરિવારનાં સંતાનો ૧૦ ટકા અનામત માટે લાયક બની જશે. આ અનામતને EBC-ઇકૉનૉમિકલી
બૅકવર્ડ ક્લાસ માટેની નહીં, EMC-ઇકૉનોમિકલી મિડલ ક્લાસ માટેની ગણવી પડે. મિડલ
કલાસને બીજા કોઇ પણ માપદંડ વિના, કેવળ મિડલ ક્લાસ હોવા બદલ અનામત આપવાનો કદાચ આ
પહેલો દાખલો હશે.
જૂની રમુજ
પ્રમાણે, એક શ્રીમંત
બાળકને ગરીબ વિશેનો નિબંધ લખવાનો આવ્યો ત્યારે તેણે લખ્યું હતું કે ‘એક માણસ બહુ ગરીબ
હતો. એનો ડ્રાયવર પણ ગરીબ હતો ને એનો માળી પણ ગરીબ હતો.’ ભાજપી નેતાઓની ગરીબી વિશેની સમજ એનાથી કેવી
રીતે જુદી ગણાય? કૉંગ્રેસના નેતાઓ તો વળી આ બાબતમાં તેમનાથી પણ ચડી ગયા. કૉંગ્રેસપ્રમુખે
સત્તાવાર નિવેદનમાં કહ્યું કે તેમની માગણી વર્ષે રૂ.૧૨ લાખની આવકમર્યાદાની છે.
એટલે કે, કૉંગ્રેસ મહિને
એક લાખ રૂપિયાની આવક ધરાવતા ધનિક વર્ગનાં સંતાનોને અનામતનો લાભ આપવા માગે છે--અને
પછી એવું પણ ઇચ્છે છે કે લોકો તેને ભાજપની ‘બી-ટીમ’ને ગણવાને બદલે ગરીબોના હિત માટે કામ કરતી
પાર્ટી ગણે. ભાજપનો પગ તો પાટીદાર આંદોલનના કુંડાળામાં પડી ગયો છે. એટલે એ બહાર
નીકળવા માટે સાનભાન ભૂલીને મરણિયા પ્રયાસ કરે છે. પણ કૉંગ્રેસી નેતાગીરી કેમ
મધ્યમ-ઉચ્ચ મધ્યમ વર્ગને અનામત આપવાના વરઘોડામાં જોડાઇ ગઇ છે?
‘છ લાખની આવકમર્યાદા’ વાંચીને બે ઘડી એવું લાગે કે આપણને ખોટું વંચાય
છે--આપણી આંખો બરાબર નથી કાં આ લોકોનાં દિમાગ. પછી સમજાય કે આ નેતાઓનાં દિમાગમાં
પોતાના ગરીબ દેશવાસીઓના હિતનો ખ્યાલ નહીં, સંકુચિત રાજકીય ગણતરીઓ ભરેલી છે. એટલે જ, તેમને અસમાનતાની
વધી રહેલી ખાઇની ચિંતા નથી, પણ મહિને પચાસ હજાર રૂપિયાની નિરાંતવી આવક
ધરાવતા લોકોના ‘આર્થિક પછાતપણા’ની અને તેમની ‘મુશ્કેલીઓ’ની ચિંતા થાય છે. સરકારી યોજનાઓના ફાયદા જોઇતા
હોય તો આવક ગરીબીરેખાની નીચે હોવી જોઇએ, પણ શિક્ષણમાં અનામત જોઇતી હોય તો મહિને પચાસ
હજાર રૂપિયા સુધીની આવકનો વાંધો નહીં. ‘ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં’વાળી અંધેરી
નગરીની કવિતા દલપતરામે ગાંધીનગરને ધ્યાનમાં રાખીને લખી હશે?
અનામતની
વાસ્તવિકતા એવી છે કે ઘણા કિસ્સામાં તેનો લાભ સાધનસંપન્ન લોકો લઇ જાય અને જેમને
અનામત જેવા બાહ્ય ટેકાની ખરેખર જરૂર હોય એવા લોકો તેનાથી વંચિત રહી જાય. દલિતો
માટેની અનામતમાં પણ કંઇક અંશે આવું બને છે. અનામતનો લાભ લેનાર આર્થિક રીતે આગળ આવે, ત્યાર પછી તેમને
એવો વિચાર નથી આવતો કે હવે મારા કરતાં બહુ ઉતરતી આર્થિક સ્થિતિ ધરાવતા મારા સમાજના
લોકો માટે હું અનામતનો લાભ રહેવા દઉં. દલિતોમાં પણ દલિત કહેવાય એવા વાલ્મિકી
સમાજને અનામતનો ઓછામાં ઓછો લાભ મળ્યો છે. એવું જ અન્ય પછાત જ્ઞાતિ (ઓબીસી)માં પણ
મોટા પાયે થાય છે ને બિનઅનામત જ્ઞાતિઓ પણ થશે: એ જ્ઞાતિના સમૃદ્ધ લોકોનાં સંતાન
અનામતનો લાભ મેળવવા માટે વધારે ‘સજ્જ’ હશે. માટે, એ જ્ઞાતિના ગરીબ લોકોને અનામતના લાભ માટે પણ
પોતાનાથી ચડિયાતી આર્થિક સ્થિતિના લોકો સાથે સંઘર્ષ કરવાનો રહેશે.
પરંતુ આ બધી તો
કલ્પનાઓ થઇ. સૌથી મહત્ત્વની વાત એ છે કે અનામતનું ઓજાર આર્થિક સમાનતા આણવા માટેનું
નથી. તે સામાજિક અસમાનતાથી થતો અન્યાય હળવો કરવા માટે છે. સામાજિક રીતે પછાત
સમુદાયોને મુખ્ય ધારામાં ભેળવવાની તકો ઊભી કરવી અને એ માટે તેમને શિક્ષણ-નોકરીમાં
માફકસરનું પ્રતિનિધિત્વ મળે એ અનામત પાછળનો મુખ્ય આશય છે. અનામતથી આર્થિક અસમાનતા
દૂર કરવાની કોશિશ એ પ્રયોગશાળાની કસનળીથી ગામની પાણીની ટાંકી ભરવા જેવી ચેષ્ટા છે.
શિક્ષણ અને
નોકરીમાં અનામત માટેની હુંસાતુંસીમાં આખી સમસ્યાના મૂળ કારણની વાત બાજુ પર રહી જાય
છે. શિક્ષણ બેહિસાબ મોંઘું થઇ ગયું હોય, તો તેનો અમાનવીય ભાવવધારો કાબૂમાં રાખવાની
સરકારની ફરજ છે. એમાં સરકારો નિષ્ફળ ગઇ છે, બલ્કે રાજકીય મેળાપીપણાથી જ સૅલ્ફ ફાયનાન્સ્ડ
કૉલેજોને જાણે લૂંટ ચલાવવાનો પરવાનો મળી ગયો છે. મોંઘી ફી પોસાતી ન હોય એવી આર્થિક
સ્થિતિ ધરાવતા બિનઅનામત જ્ઞાતિઓના લોકો (જેમ કે પાટીદારો) આખી સમસ્યાનો હલ
અનામતમાં જુએ છે અને પોતાની મુશ્કેલીઓ માટે સરકારને નહીં,
પણ અનામત મેળવતી
જ્ઞાતિઓને વિલન ગણે છે. શિક્ષણ પોસાય એવું હોય અને પૂરતા પ્રમાણમાં બેઠકો હોય તો
બિનઅનામત વર્ગોને અનામત માગવાનો પ્રશ્ન જ ક્યાં રહે? (સિવાય કે એ માગણી પાછળનાં રાજકીય કારણ હોય)
રહી વાત નોકરીમાં
અનામતની. એ ફક્ત સરકારી નોકરીઓમાં જ મળે છે--પણ સરકારી નોકરીઓ હવે છે ક્યાં? સરકારી ભરતી
પાંખી અને છૂટીછવાયી થાય છે. જેમને દાયકાઓથી અનામત મળેલી છે, એવી જ્ઞાતિઓની
ભરાયા વગર પડી રહેલી જગ્યાઓનો--બૅકલોગનો-- પાર નથી. એટલે,
નોકરીમાં અનામત માટે
બિનઅનામત જ્ઞાતિઓની માગણીમાં સમજ ઓછી ને દેખાદેખી વધારે છે. એ લોકો એવા લાડુમાંથી
પોતાનો ભાગ માગી રહ્યા છે, જેનો હવે થોડો ભૂકો માંડ રહ્યો છે.
છેલ્લે એક
અગત્યની આડવાત : અનામતનો લાભ ન મેળવતી જ્ઞાતિઓ માટે ‘સવર્ણ’ જેવો શબ્દ છૂટથી વપરાય છે. વાસ્તવમાં આઝાદ
ભારતમાં બંધારણનો અમલ થયા પ્રમાણે કોઇ સવર્ણ ને કોઇ અવર્ણ (ચાર વર્ણની બહારનું)
નથી. ‘સવર્ણો’માં
વર્ણવ્યવસ્થાની (એટલે કે હિંદુ ધર્મની) બહારના લોકોનો સમાવેશ થાય કે નહીં, એ પણ ગુંચવાડો થઇ
શકે છે.
ઉર્વીશભાઈ,
ReplyDeleteઆપે આખી વાત દાખલા આપીને સમજાવી કે અનામત પ્રથા શું છે અને સરકારો કેવો તેનો વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે. તે સરળ રીતે સમજાય તેવું છે. પણ જેને સમજવું જ નથી તેને દુનિયાની કોઈ તાકાત સમજાવી નહિ શકે.
Ha pan ok education ma reservation chalo rakho pan job to pa6i potana dum par Malcolm joi ne....nahi ke jaati na jore.
ReplyDeletesaaheb aaje 82% vaalo rahi jay 6 ne 42% vaala ne admission mali jay 6.......paatidar samaj khali admission mate nahi pan yogay student ne teni laYkat pramane ni clg ma admission male e mate lade 6.
ananmat total dur kari USA ni jem scholarship and grant hovi joye..st ane sc hoy ke obc hoy pan free ma bhanavo pan anamat aapine desh ne nabalo banavo ma...
ReplyDeleteurvishbhai bin anamat ma aavta ketlay loko ni parisithti dalito ane st karta pan kharab chhe bilkul jamin vihona chhe ane ketlay dalit ke st sukhi sapnn chhe chhata aa caste na aadhare apati anamat samajik asmanta vadhare chhe anamat kadhi j nakhvani jarur chhe aani jogvai kayam mate nahoti pan votbank na karne a bane chhe
ReplyDeleteArticle 15(4) and 15(5) of Constitution of provides that government may make separate provisions for socially and economically backward class. Your observation is wrong to the effect that constitution doesn't provide for economic backwardness.
ReplyDeletePresently, creamy layer of OBC are not eligible for reservation. Creamy layer limit is Rs. 6 lakhs. The same limit has been applied to EBC.
તમે ટાંકેલા આર્ટિકલમાં 'ઇકોનોમિકલી' એવો શબ્દ ક્યાં લખ્યો છે, તે જરા બતાવી શકશો? તમારી પાસે પુસ્તક હોય તો એ પાનાનો ફોટો અથવા ઇન્ટરનેટ પર જોયું હોય તો એ લિન્ક દ્વારા? "તમે ખોટા છો" એમ કહી દેવાની હું તમારા જેટલી ઉતાવળ નહીં કરું.
Deleteઓબીસીના ક્રીમી લેયરમા છ લાખની મર્યાદા છે. એમાં અનામત છ લાખથી નીચેની આવક માટે નહીં, ઓબીસી હોવા બદલ મળે છે. આ પાયાનો ફરક સમજવો પડે.
To:- Urvish Bhai
Deleteએ વાત સાચી કે
"ઓબીસીના ક્રીમી લેયરમા છ લાખની મર્યાદા છે. એમાં અનામત છ લાખથી નીચેની આવક માટે નહીં, ઓબીસી હોવા બદલ મળે છે" માટે ઓબીસી માં પણ અનામત નો લાભ મેળવવા માટે તમારી આવક 6 લાખ થી ઓછી હોવી જોઇએ આનાથી તો એ જ સાબીત થાય છે કે ઓબીસી સમાજ માં 5.90 લાખની આવક ધરાવતા લોકો ને અનામત ની મદદ ની જરુર છે પણ સામે છેડે 1.90 લાખની આવક ધરાવતા બીજા સમાજ ના બાળક ને નહીં...?
કોઇ પણ બંધારણ સંપૂણઁ નથી હોતુ નહીતર બંધારણ માં સંશોધન કરવા ની જરુર જ ના પડી હોત. આ જ વાત ઓબીસી સમાજ માટે પણ લાગુ પડી શકે કે બંધારણ માં ઓબીસી શબ્દ નો પણ ઉલ્લેખ નથી થયો.