ગયા અઠવાડિયે વડાપ્રધાન મોદીનું માપ નીકળી ગયું. ના, આ વખતે દુષ્ટ સેક્યુલરિસ્ટો, દેશદ્રોહી ડાબેરીઓ, ઘાતકી માનવ અધિકારવાળા કે સર્વોચ્ચ અદાલતની ખાસ
તપાસટુકડી (સિટ)ના નહીં, મૅડમ તુસૉડ
મ્યુઝીયમના કેટલાક લોકો આ કામ માટે આવ્યા હતા. ચૅમ્બર ઑફ હોરર્સ સહિત અનેક વિભાગ
ધરાવતા આ મ્યુઝીયમમાં બીજી આંતરરાષ્ટ્રિય હસ્તીઓની સાથે ભારતના વડાપ્રધાનનું પણ
મીણનું પૂતળું મુકાવાનું છે.
મામલો મ્યુઝીયમનો. મ્યુઝીયમમાં ટિકિટ હોય. એટલે લોકો
ગુણવત્તાની અપેક્ષા રાખે. મંત્રીમંડળ જેવું ન ચાલે. જરાય આધુંપાછું હોય તો
મ્યુઝીયમવાળાને જવાબ આપવા પડે. સાહેબના વાળ સહેજ વાંકાચૂકા હોય, તો તેમના પ્રેમીઓ પરદેશની કૉર્ટમાં મ્યુઝીયમ પર
દાવો માંડે કે ‘આટઆટલો વિરોધ અને
આટઆટલા આક્ષેપો સાહેબનો વાળ વાંકો કરી શક્યા નથી, તો તમે અમારા સાહેબનો વાળ વાંકો કરી જ કેવી રીતે શકો?’
કોઇ ચાહક વળી મેઝરટૅપ લઇને મ્યુઝીયમમાં ગયો હોય અને સાહેબની
છાતીમાં ૫૬ ઈંચ કરતાં એકાદ દોરો ઓછો થયો તો? મ્યુઝીયમવાળાનું આવી જ બને. એ તો ધંધો લઇને બેઠા છે. એમને ખબર હોય કે જેમના
માટે આ પૂતળાં બનાવીએ છીએ, એ લોકો જ નારાજ
થાય, તો પછી પૂતળું બનાવ્યાનો
અર્થ શો? એટલે તેમણે સાહેબનું ખાસ
માપ લીધું. જૂની પેઢીના જાણીતા લેખક કિશનસિંહ ચાવડાએ ‘વાઇસરૉયનું માપ’ વિશે લખ્યું હતું. જૂના વખતમાં અંગ્રેજ વાઇસરોય શિકારે નીકળે અને તેમની (કે
મોટે ભાગે બીજા કોઇની) ગોળીથી વાઘ-સિંહ ઠાર થાય, એટલે તેના મૃતદેહનું માપ લેવામાં આવે. વાઇસરૉયની શાનને ઘ્યાનમાં રાખીને એ
માપપટ્ટીની શરૂઆત શૂન્યથી નહીં, પણ થોડે આગળથી
(ધારો કે ત્રણ મીટરથી) થતી હોય. એટલે વાઇસરૉયે મારેલા વાઘ-સિંહની લંબાઇ અધધ
હોય--પાછી આંખ સામે, માપપટ્ટીથી
માપેલી. એકદમ આધારભૂત. જરાય કહાસુની નહીં. બસ, માપપટ્ટીના આંકડા ક્યાંથી શરૂ થાય છે, એની પિંજણમાં નહીં પડવાનું.
તુસૉડ મ્યુઝીયમવાળા ‘વડાપ્રધાનનું માપ’ રાખે છે કે નહીં, એ જાણવા મળ્યું નથી. પણ એ ધંધાદારી છે. એટલે બધું
શક્ય એટલું આબેહૂબ રાખવા પ્રયાસ કરે છે. હા, પ્રયાસ જ કરે છે. કારણ કે અગાઉ ગાંધીજી અને ઇંદિરા ગાંધીનાં તેમણે બનાવેલાં
પૂતળાં નબળાં કહી શકાય એવાં હતાં. ગાંધીજીએ માપ ન અપાવ્યું હોય, એમાં બિચારા મ્યુઝીયમવાળા શું કરે? બાકી, શાહરુખ-સલમાન જેવા સ્ટારનાં મીણનાં પૂતળાં સારાં છે. ભારતની અમુક ટકા જનતાની
લાગણીને માન આપીને તુસૉડ મ્યુઝીમયના સંચાલકોએ વડાપ્રધાન મોદીનું પૂતળું ગાંધી કે
ઇન્દિરા ગાંધીની હરોળમાં નહીં, શાહરૂખ-સલમાનની
હરોળમાં મૂકવું જોઇએ. વડાપ્રધાનને ન્યાય ખાતર કહેવું જોઇએ કે અભિનયક્ષમતાના
મામલે તે પેલા બન્ને હીરાઓ કરતાં તે વધારે
સક્ષમ છે.
લોકનિંદાની સંભાવના વિચારીને મ્યુઝીયમવાળા વડાપ્રધાન
મોદીનું પૂતળું વિશ્વનેતાઓના વિભાગમાં મૂકવાના છે, એવા સમાચાર છે. પૂતળા માટે ફક્ત શારીરિક કદમાપ જ નહીં, ઝીણી ઝીણી વિગતોનું પણ ધ્યાન રખાય છે. જેમ કે, આંખોની કીકીઓનો રંગ. અલબત્ત, એ આંખોમાં ભડભડતી મહત્ત્વાકાંક્ષા દેખાડવી કે એ
સિદ્ધ થઇ ગયા પછીનો ‘બાકી બઘું જખ મારે છે’ પ્રકારનો આનંદ દર્શાવવો, ભૂતકાળમાં અઘરા સવાલોના જવાબ ટાળતી વખતે
આંખોમાં ધૂંટાયેલું ખુન્નસ દેખાડવું કે જાહેર સભાઓમાં બેફામ બોલતી વખતે આંખોમાં
છલકતો ઉન્માદ બતાવવો, એ હજુ કલાકારો
નક્કી કરી શક્યા હોય એવું જણાતું નથી.
એક તસવીરમાં એવું જોવા મળ્યું કે મ્યુઝીયમના માણસો આંખના
ડોળાની પ્રતિકૃતિ વડાપ્રધાનની આંખથી સાવ નજીક પકડીને ઊભા હોય. એ સમયે વડાપ્રધાનના
ચહેરાના હાવભાવ કોઇએ તેમને ગુજરાતની કોમી હિંસા વિશે કે બનાવટી ઍન્કાઉન્ટરો વિશે
પૂછી નાખ્યું હોય એવા હતા. એક નજરે એ તસવીર જોઇને એવું લાગે, જાણે કલાકારો તેમને પૂછતા હોય, ‘સાહેબ, અત્યારની દૃષ્ટિથી તમને વાસ્તવિકતા જોવામાં તકલીફ પડતી હોય, તો આ ડોળા અજમાવી જોવા છે?’ અઘરા પ્રશ્નો પૂછનારા સામે ડોળા તતડાવવાની
વડાપ્રધાન મોદીની જૂની શૈલી ધ્યાનમાં રાખતાં, એવી કલ્પના પણ આવે કે કોઇ તેમને તતડાવવા માટેના ઍકસ્ટ્રા ડોળા ઑફર કરી રહ્યું
છે. જોકે, હમણાંથી વડાપ્રધાનની એ
મુદ્રા ખાસ જોવા મળતી નથી. કારણ એ કે વડાપ્રધાન આજકાલ કોઇને પ્રશ્નો પૂછવાની તક જ
આપતા નથી. એ ‘મનકી બાત’માં હૈયાનાં અરમાનો અને ઉભરા ઠાલવીને હળવા થઇ
જાય છે અને સવાલો પૂછનારને દુઃખી થવાની પરિસ્થિતિથી દૂર રાખે છે. તેમની આ ઉદારતા
સમજી ન શકનારા રાષ્ટ્રદ્રોહી ટીકાકારો કહે છે કે વડાપ્રધાન ઉત્તરદાયી નથી.
પણ એમ તો મૅડમ તુસૉડ મ્યુઝીયમનું પૂતળું પણ ક્યાં ઉત્તરદાયી
હોવાનું છે? ત્યાં ઊભેલા
પૂતળાને કોઇ ગમે તેટલું પૂછે કે કચ્છની યુવતીની સરકારી રાહે કરાવેલી જાસુસીનું શું
થયું, તો પૂતળું થોડું જવાબ
આપવાનું છે? એ તો મસ્ત મજાની
મુદ્રામાં ઊભું જ હશે. એની સાથે ફોટા પડાવી શકાય, સેલ્ફી લઇ શકાય, પાછું હોલોગ્રામ
જેવું ટુ-ડાયમેન્શનલ પણ નહીં. જીવતાજાગતા માણસ જેવું થ્રી-ડી હોય. એટલે સુરક્ષાના
કોઇ પણ પ્રશ્ન વિના કે ઝૅડ સિક્યોરિટીના હડદોલા ખાધા વિના તેમને ‘મળી શકાય.’ ખરેખર તો વડાપ્રધાને એવી જ સ્કીમ બહાર પાડવી જોઇએ કે તેમને મળવા માટે મૅડમ
તુસૉડ મ્યુઝીયમ જવા ઇચ્છનારાને ખાસ રાજદ્વારી વિસા મળી જાય. એવું ન થાય તો પણ, તેમને મ્યુઝીયમની ટિકિટમાં તો કન્સેશન મળવું
જોઇએ. કારણ કે આ પગલાં પર વિશ્વની સૌથી મોટી લોકશાહીનો આધાર છે.
દેશમાં તો વડાપ્રધાન ભાગ્યે જ કોઇને મળે છે. સવાલોના જવાબ
આપતા નથી. કોઇનું સાંભળતા નથી (અથવા સાંભળતા હોય એવું લાગતું નથી). મંત્રીઓ પણ
બિચારા મનોમન કચવાય છે, પણ કરે શું? બોલે તો નોકરી જાય, ન બોલે તો જીવ મૂંઝાય. એકંદરે પ્રશંસક રહેલા
લોકોને ધીમેધીમે તુવેરની દાળના અને શાકભાજીના ભાવ ખબર પડે, તેમ એ લોકો પણ આડાઅવળા સવાલ પૂછતા થયા છે. આ
બધા લોકો મૅડમ તુસૉડના મ્યુઝીયમમાં જઇને વડાપ્રધાનના પૂતળા સામે જે બખાળા કાઢવા
હોય તે કાઢે. એનાથી બે ફાયદા થશે : તેમના ‘મનકી બાત’ બહાર નીકળવાથી
તેમનો ભાર હળવો થશે. એટલે વડાપ્રધાન માટે તેમના મનમાં ધીમે ધીમે એકઠો થઇ રહેલો
કચવાટ નીકળી જશે અને તેમને એવો સંતોષ પણ મળશે કે વડાપ્રધાનને રૂબરૂ મળીને કહેવા
જેવું બધું કહેવાઇ ગયું.
એક વાત ખાતરીપૂર્વક કહી શકાય : પૂતળા પાસેથી જૂઠો જવાબ
નહીં. ખરેખર તો, કશો જવાબ નહીં
મળે, પણ એની લોકોને ટેવ પડી ગઇ
છે. માણસ જેવો માણસ જવાબ ન આપતો હોય,
તો એનું પૂતળું
ક્યાંથી જવાબ આપવાનું? આટલું તો સમજે છે
આપણા લોકો. એ પૂતળાની ખૂબીઓ વડાપ્રધાનમાં જોશે અને વડાપ્રધાન વિશેનો કકળાટ પૂતળા
આગળ ઠાલવીને હળવા થઇ જશે. એમાં જ વિશ્વની સૌથી મોટી લોકશાહીનું હિત નથી?
No comments:
Post a Comment