* uncut
હોળીને લગતી પુરાણકથાના નાયક અને હોલિકાની જ્વાળામાંથી આબાદ
બચી ગયેલા, હિરણ્યકશ્યપુના પુત્ર
પ્રહ્લાદને શું કહેવાનું હશે? એવું વિચારતાં જ
પ્રહ્લાદ પોતે પ્રગટ થઇ ગયા.
સ : નમસ્તે પ્રહ્લાદજી. કેમ
છો?
જ : હું દેશપ્રેમી છું.
સ : અરે? એમ નહીં, મેં તો આદરપૂર્વક તમારાં ખબરઅંતર માટે પૂછ્યું હતું...
જ : પણ મને કહેવામાં આવ્યું કે આજકાલ ભારતમાં કોઇ પણ સવાલ પૂછાય, જવાબમાં પહેલાં એટલું કહી દેવું કે ‘હું દેશપ્રેમી છું.’
સ : રિવાજ તો એવો છે કે
દેશપ્રેમી દેખાવા માટે તમારે મને દેશદ્રોહી કહી દેવો પડે..પણ એ બધું છોડો. આપણે
મુખ્ય ઘટનાની વાત કરીએ. તમારા ફાધર સાથે તમારે કેવા સંબંધ હતા?
જ : એવા જ, જેવા તમારે તમારા
દેશના ફાધર--રાષ્ટ્રપિતા સાથે છે.
સ : એટલે?
જ : એટલે શું? જીવલેણ. તમે
લોકોએ તમારા દેશના ફાધરનો જીવ લીધો ને મારા ફાધર મારો જીવ લેવા ઇચ્છતા હતા.
સ : તમારા પિતાશ્રી અસુર હતા
એ સાચી વાત છે?
જ : અહીં તારી સામે સવાલનો જવાબ છે : હા. પણે જો એમના રાજ્યમાં કોઇ આવું કહે તો
તેની સામે રાજદ્રોહનો કેસ થઇ જાય. કોઇ શાસક પોતાના વિશે સાચું સાંભળવા તૈયાર હોતો
નથી.
સ : પણ સાંભળ્યું છે કે તમે
તો તમારા પિતાની સામે પડેલા...અનામત-બનામતનો કોઇ ડખો...? જોકે, તમે તો રાજાના કુંવર હતા એટલે...
જ : રાજાના કુંવરોને અનામત ન જોઇતી હોય એવું કોણે કહ્યું? રાજાના કુંવર હોવાનાં દુઃખ તો કુંવર હોય તે જ જાણે...
સ : ખરી વાત છે. થાળીમાં
વાનગી એટલી હોય કે જમતી વખતે મૂંઝાઇ જવાય, રૂપિયા એટલા હોય કે માણસોને ગણવામાં ભૂલો પડે, સોનું એટલું હોય કે દરેક વખતે તેનો હિસાબ જુદો આવે ને તાળો જ ન મળે, એટલી બધી મમ્મીઓ હોય કે તેમના ચહેરા તો ઠીક, નામ પણ યાદ ન રહે...
જ : (જોઇ રહે છે) તું ટોણા મારું છું કે સહાનુભૂતિ દેખાડું છું?
સ : હું તો જસ્ટ વાત કરું
છું...પણ તમને અનામત કેવી રીતે મદદ કરી શકે?
જ : એ તો તું માગી જો અથવા જેણે માગી હોય એને પૂછી જો. પછી સમજાશે...માનસિક રીતે
સારું લાગે, એ બહાને આપણી
નોંધ લેવાય. ભવિષ્યમાં યુવરાજ તરીકે આપણું સ્થાન પાકું થાય.
સ : ઓહો, અચ્છા...પણ આખી વાતમાં તમારાં ફોઇ હોલિકા કેવી
રીતે દાખલ થયાં?
જ : બાપાને એવું હતું કે ફોઇ મને ઠેકાણે પાડી દેશે. એને બદલે ફોઇનું જ ઠેકાણું
પડી ગયું.... આ વિધાન બિલકુલ રાજકીય નથી અને કોઇ પણ પ્રકારના આંદોલન સાથે તેને કશો
સંબંધ નથી, એ તું ખાસ લખજે.
સ : તમે કહો તેમ...પણ બળબળતી
આગમાં ફોઇના ખોળામાં બેસતાં તમને ખચકાટ ન થયો? ફોઇનો આત્મવિશ્વાસ જોઇને પણ એવો વિચાર ન આવ્યો કે આ તમારી હત્યાનું કાવતરું
હોઇ શકે છે?
જ : (અટ્ટહાસ્ય) તમે લોકો હજુ આવું જ માનો છો?
સ : (મૂંઝાઇને) એટલે?
જ : (બોલ્યા વિના ફક્ત મલકવાનું ચાલુ રાખે છે.)
સ : તમે આમ લટકાવો નહીં. જે
હોય તે સાફ સાફ કહી દો. મારી ઉત્તેજના હવે કાબૂમાં રહેતી નથી.
જ : આમ જુઓ તો કંઇ નથી. તમને બધાને સ્ટોરી ખબર જ છે : મને સળગાવવા જતાં ફોઇ સળગી
ગયાં ને હું ભક્ત હોવાથી હેમખેમ રહ્યો.
સ : બરાબર. એવું જ વાંચ્યું
છે.
જ : તારી જોડે આટલી વાત થઇ છે. એટલે ભરોસો મૂકીને તને કહું છું. તું કોઇને કહેતો
નહીં. (અવાજ સાવ ધીમો કરીને) હકીકતમાં બાપાને ફોઇ જોડે બગડ્યું હતું અને ફોઇ કેમેય
કરીને સમજતાં ન હતાં. એવામાં મારી કનડગત વધી. એટલે બાપાએ આફતને અવસરમાં પલટી
નાખવાનું વિચાર્યું.
સ : એટલે?
જ : તેમણે ફોઇને કહ્યું કે આપણે પ્રહ્લાદનો કાંટો કાઢી નાખવાનો છે,પણ ગોઠવણ એવી કરી કે મને કશું ન થાય ને ફોઇનો
જ...
(પ્રહ્લાદનો જવાબ
સાંભળીને લાગેલો આંચકો શમે ત્યાં સુધીમાં તો એ અદૃશ્ય થઇ ગયા હતા--કે પછી એ ફક્ત
સ્વપ્નમાં જ આવ્યા હશે?)
waah adabhut majaa padi
ReplyDeleteએક Disclaimer મૂક્વાની જરૂર નથી લાગતી?
ReplyDeleteLoved it!!
ReplyDeleteMaza avi gai.
ReplyDelete