પહેલાં ટીવી ચેનલો, પછી સમાચારોની વેબસાઇટો અને હવે ટિ્વટર-ફેસબુક-વોટ્સએપ જેવાં સોશ્યલ
મિડીયા--આ બધાં પરિબળોની બોલબાલા પછી અપેક્ષા એવી હતી કે સમાચારોનું લોકશાહીકરણ
થશે, સમાચારો ‘મેનેજ’ કરવાનું--એટલે કે પોતાને અનુકૂળ ન હોય એવા સમાચાર દબાવી દેવાનું
સત્તાધીશો-વગદારો માટે અઘરું બનશે,
લોકોને
ગણ્યાંગાંઠ્યાં-સ્થાપિત હિત ધરાવતાં પ્રસાર માઘ્યમોને બદલે વઘુ વૈવિધ્યપૂર્ણ
વિકલ્પો મળશે, જે સરવાળે લોકો
સુધી સાચી-જાણવા જેવી માહિતી પહોંચાડશે અને તેમને વધુ સજ્જ નાગરિક બનાવશે.
ખેદ સાથે કહેવું પડે કે કાગળ પર તાર્કિક અને ઊજળી લાગતી આ
અપેક્ષા વ્યવહારમાં ફળી નથી. તેમાં રહેલી શક્યતાઓનું સદંતર શીર્ષાસન થયું હોય એવું
વધારે લાગે છે. માહિતી-સમાચારો આપનારાં માધ્યમ વધ્યા પછી, સોશ્યલ મિડીયા થકી લોકો પાસે અભિવ્યક્તિની
તાકાત આવ્યા પછી, માહિતી મેળવવાના
વિકલ્પો વઘ્યા પછી... સચ્ચાઇને બદલે જૂઠાણાં અને ગૂંચવાડા અનેક ગણા વઘુ પ્રમાણમાં
પ્રસરી રહ્યાં છે. સચ્ચાઇ વઘુ સુગ્રથિત-મજબૂત થવાને બદલે, ઉત્તરોત્તર વિખેરાઇ-ખોવાઇ રહી છે. આ હકીકતનાં
ઉદાહરણ તરીકે છેલ્લા થોડા વખતમાં (એક-બે વર્ષમાં) થયેલા મોટા વિવાદ યાદ કરો અને
વિચારી જુઓ : એ મુદ્દે ટીવી ચેનલો પર થયેલી ‘ચર્ચા’ કે વેબસાઇટો- સોશ્યલ
મિડીયા પર ઠલવાયેલા અભિપ્રાયો પછી ગૂંચવાડો ઘટ્યો છે કે વધ્યો? જાગૃતિ વધી કે ઘટી? અને નાગરિકોનું સશક્તિકરણ થયું? કે તે ગેરરસ્તે દોરાયા?
ખભે ઊંચકેલા બકરાને કૂતરું ઠરાવી દેવાની જૂની બોધકથા
નવેસરના પ્રચારમારાનું હાર્દ છે. સોશ્યલ મિડીયા પર વિચારશક્તિ કરતાં સંખ્યાશક્તિની
બોલબાલા અનેક ગણી વધુ છે. પદ્ધતિસર પેદા કરવામાં આવેલું (નાણાંમત્રીનો પ્રયોગ
વાપરીને કહીએ તો, ‘મેન્યુફેક્ચર્ડ’) જૂઠાણું જોતજોતાંમાં ફૉરવર્ડ, શૅર ને રીટ્વીટ થઇને નવા સત્ય તરીકેનું--‘અમારા સત્ય’ તરીકેનું સ્થાન પામે છે. એવું સત્ય, જેના ‘આધારભૂત’ હવાલા આપી શકાય, જેના ખોળે નિરાંતે માથું (અને વિચારશક્તિ પણ) મૂકીને આપણે માનવું હોય એટલું જ માની શકાય. પોતાની
માન્યતા સાચી હોવાનો ‘ફીલગુડ’ અહેસાસ કરી શકાય, ‘મેં માની લીધેલા સત્યને ખોટું પાડવા આખી દુનિયા ભલે સામે પડી હોય, પણ હું નમતું નહીં જોખું’ એવા વીરરસમાં પણ રાચી શકાય.
બે-ત્રણ વર્ષ પહેલાં આવેલી ફિલ્મ ‘ઇન્સેપ્શન’માં, સ્વપ્નસૃષ્ટિમાં દાખલ થઇને, સામેના માણસના મનમાં વિચારો રોપી શકાય એવુ
કથાવસ્તુ હતું. આ રીતે બહારથી રોપાયેલો વિચાર જેને આવે તેને એવું જ લાગે કે આ તેનો
પોતાનો-મૌલિક વિચાર છે. ‘ઇન્સેપ્શન’ તો ફિલ્મ હતી, પણ સોશ્યલ નેટવર્ક અને વોટ્સએપ પ્રકારનાં માધ્યમો પર પ્રકારાંતરે કંઇક એવું જ
બને છે : પોતાને ગમતાં કે પોતાના પૂર્વગ્રહોને વાજબી ઠરાવતાં-દૃઢ બનાવતાં
અર્ધસત્યોને કે જૂઠાણાંને માણસો હોંશે હોંશે ઝીલી લે છે.
સોશ્યલ નેટવર્ક પર કે બીજી રીતે વ્યવસ્થિત ઢબે ચલાવવામાં
આવતાં જૂઠાણાંની વિગતો આત્મસાત્ કરી લીધા પછી શું થાય? માણસને એવું જ લાગે કે ‘આ તો મારા વિચાર છે. મને આવું લાગે છે, તે અમસ્તું થોડું લાગે? મારામાં બુદ્ધિ નથી?’
આવું લાગ્યા પછી પોતાને અનુકૂળ ન હોય એવી તમામ પ્રકારની
માહિતી માટે તેમના મનના દરવાજા બંધ થઇ જાય છે. ઘણા કિસ્સામાં, એવી માહિતી અને એ આપનારા તેમને દુશ્મન લાગવા
માંડે છે. મામલો ફક્ત મતભેદ પૂરતો નથી રહેતો. ‘મારા વૈચારિક ‘સ્વ’ના વિરોધી એટલે મારા પણ વિરોધી’ એવું ઝનૂન તેમનામાં પ્રગટે છે. એની અભિવ્યક્તિ
(સોશ્યલ નેટવર્કિંગની સાઇટો પર) બેફામ, અશિષ્ટ, વ્યક્તિગત
ટીપ્પણીઓમાં જોઇ શકાય છે. આ પ્રકારની માનસિક નાદુરસ્તી વ્યક્તિગતને બદલે ચિંતાજનક
રીતે સામુહિક બની છે.
કુપ્રચારનો પ્રશ્ન પહેલાં પણ હતો. ગોબેલ્સે ફેસબુક-ટ્વીટરની
મદદ વિના અપૂર્વ ‘સિદ્ધિ’ઓ પ્રાપ્ત કરી હતી. ગ્લોબલ વૉર્મિંગની સચ્ચાઇ
સામે શંકા ઊભી કરવા માટે કંપનીઓ પ્રેરેલી પ્રચારઝુંબેશ લાંબા સમય સુધી સોશ્યલ
નેટવર્કિંગ વિના જ ચાલી. ઘરઆંગણે ગાંધીજી વિશેના કુપ્રચારથી માંડીને સરદારની
હિંદુતરફી-મુસ્લિમવિરોધી છબી ઇન્ટરનેટના જમાના પહેલાં મુખ્ય ધારામાં ધૂસાડી દેવાઇ
હતી. ઇન્ટરનેટ પર જે થાય છે એ તો તેનાં પુનઃપ્રસારણ છે.
ઇન્ટરનેટ યુગમાં ઇ-મેઇલથી શરૂઆત થયા પછી ફેસબુક-ટ્વીટર-વોટ્સએપ
જેવાં માઘ્યમો થકી જૂઠાણાં ફેલાવાની પ્રવૃત્તિનું વિકેન્દ્રીકરણ અને ‘લોકશાહીકરણ’ થયું. પહેલાં અમુક જ લોકો પાસે જૂઠાણાં ફેલાવી શકાય એટલાં સાધનો, સત્તા, સંગઠન ને પહોંચ હતાં. હવે દરેક ઘર, દરેક સ્ક્રીન જૂઠાણાં ઝીલવા અને તેને પ્રસારવા માટે ‘સક્ષમ’ છે. રામાયણની વાર્તામાં સાધુના વેશે આવેલો રાવણ લક્ષ્મણરેખા ઓળંગતી સીતાનું
હરણ કરી જાય છે. પૂર્વગ્રહો અને જૂઠાણાં ‘માહિતી’ના વેશમાં ઘરઆંગણે નહીં, છેક ઘરની અંદર ઘૂસી જાય છે. સ્ક્રીનની અંદરની
તથા બહારની દુનિયા વચ્ચેની લક્ષ્મણરેખા ભૂંસીને એ વપરાશકર્તાની વિવેકબુદ્ધિનું
ક્યારે હરણ કરી લે છે, તેની સરત રહેતી
નથી.
સોશ્યલ નેટવર્કિંગ સાઇટો પર ઘણા લોકો એવા ભ્રમમાં રહે છે કે
માહિતીની વહેતી ગંગામાંથી તે પોતાની મરજી મુજબ ને પોતાને મન પડે એટલું આચમન લઇ
રહ્યા છે. પરંતુ ઘણા કિસ્સામાં બને છે સાવ અવળું : ઇન્ટરનેટ પર આવતી માહિતીને
નક્કર સાંકળ ગણીને માણસો તેના ટેકે મુસ્તાક હોય છે. પણ સંકુચિત રાષ્ટ્રવાદ કે
ધર્મઝનૂન જેવી લાગણીથી પ્રેરિત ગેરમાહિતીનો-પૂર્વગ્રહોનો પ્રવાહ તેમને સાંકળ સહિત
તાણી જાય છે. જૂઠાણામાં કે વૈચારિક વમળમાં અંદર સુધી પહોંચી ગયા પછી સમજાય તો પણ, ત્યાંથી પાછા ફરવા જેટલી નૈતિક હિંમત અને તાકાત
જૂજ લોકોમાં હોય છે. બાકીના લોકો,
લીધેલો મત --અને
મમત--મૂકીને સચ્ચાઇ સ્વીકારવાને બદલે,
ખોટા તો ખોટા પણ
પોતાના મતનું સમર્થન શોધે છે, મેળવે છે અને
જાતને છેતરવાનું ચાલુ રાખે છે. આ પ્રક્રિયામાં તે સીધાસાદા વિવેકથી કેટલા દૂર
નીકળી જાય છે, એનો અહેસાસ તેમને
જાતે થતો નથી અને બીજું કોઇ કરાવવા જાય તો એ કરડવા દોડે છે.
આ વાતાવરણમાં ‘આજે મંગળવાર છે’ જેવું વિધાન પણ વિવાદાસ્પદ બનાવી શકાતું હોય, તો પછી બુલેટ ટ્રેન કે નેશનલ હેરાલ્ડ કે દિલ્હી
ક્રિકેટ એસોસિએશનના ભ્રષ્ટાચાર કે પછી ગુજરાતમાં અસ્પૃશ્યતા કે વિકાસના ગુજરાત
મૉડેલ જેવા મુદ્દાઓની વાત જ ક્યાં રહી? વ્યાપક જાહેર હિતના આવા મુદ્દા વિશે ઠંડા કલેજે, વિગતો આધારિત, મુદ્દાસર અને
સભ્યતાપૂર્વકની ચર્ચા ભાગ્યે જ થાય છે. બને છે એવું કે સૌ પોતપોતાની અભિપ્રાયભૂમિ
પર ઊભા રહીને સામેના વિચારવાળા પર પથરા ફેંકે છે--અને આ પ્રવૃત્તિમાં સ્વાભાવિક
રીતે જ સ્થાપિત હિતો ધરાવતા કે ‘મેન્યુફેક્ચર્ડ’ પથરાબાજો મોટી સંખ્યામાં હોય છે.
આ યુગને માહિતી વિસ્ફોટનો યુગ કહેવાય કે સચ્ચાઇનાં ચીંથરા ઊડાડે એવા ગેરમાહિતીના શ્રેણીબદ્ધ વિસ્ફોટોનો સમય?
What an excellent start of my new year with brilliant thought-provoking article. :) My decision to permanently delete my Facebook profile is justified now. :)
ReplyDeleteહંમેશની જેમ ખુબ ઉમદા લેખ છે. હું જે વિચારોને રોષ સિવાય અભિવ્યક્ત નથી કરી શકતો તેને તમે શબ્દો મા અભિવ્યક્ત કરી બતાવો છો. ટીવી તો મેં સદંતર જોવાનું જ બંધ કરી દીધું છે. ઈન્ટરનેટ પર કમસે કમ મને કોઈ ચોઈસ તો છે. મને તમારા લેખોથી મારો રોષ ઓછો કરી લોકોને શાંતિ થી critical thinking વિકસાવવા માટે ઘણી પ્રેરણા મળે છે.
ReplyDeleteસરસ વાત કહી. પણ આજના જમાનાની તકલીફ છે કે બધાને બધા વિષયો પર બોલવું બહુ બહુ ગમે છે. કોઈ પોતે સાધારણ છે, એમ સ્વીકારી જ નથી શકતું. બધા નિષ્ણાતની ભૂમિકા ભજવવા તલપાપડ હોય છે, પણ એમના સંવાદ બીજા જ હોંશિયાર લોકો લખતા હોય છે.
ReplyDelete