બે અઠવાડિયાંની લમણાંઝીક
પછી પેરિસમાં ૧૯૫ દેશોની પરિષદનો અંત આવ્યો. ‘કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ’ તરીકે ઓળખાતી
વાર્ષિક પરિષદની આ ૨૧મી બેઠક--COP૨૧ -- નિશ્ચિત સમય કરતાં એક દિવસ મોડી પૂરી થઇ. આટલા દેશોને કોઇ એક સમજૂતી માટે સંમત કરવાનું કામ અશક્યની હદે
અઘરું હતું. પરંતુ ફ્રેન્ચ નેતાઓની--ખાસ કરીને વિદેશમંત્રી લોહાં ફેબિયુસ/ Laurent Fabius ની-- મુત્સદ્દીગીરી તથા બીજા દેશોની બાંધછોડ
જેવાં પરિબળોને કારણે આ પરિષદ નિષ્ફળતાના કલંકમાંથી ઉગરી ગઇ. તેના અંતે એક
સર્વમાન્ય સમજૂતી ઘડી શકાઇ.
પરિષદના સ્થળ પર બધા
દેશોના પ્રતિનિધિઓએ પર્યાવરણને લગતી અત્યાર સુધીની સૌથી વ્યાપક, સૌથી મોટી સમજૂતીને વધાવી લીધી. અમેરિકાના પ્રમુખે કહ્યું
કે આ ક્ષણ વિશ્વ માટે ટર્નિંગ પૉઇન્ટ જેવી નીવડી શકે છે. ‘આજનો દિવસ માનવજાત માટે ઐતિહાસિક ગણાશે’ એવી લાગણી ઘણાએ વ્યક્ત કરી. ભારતના વડાપ્રધાને કહ્યું, ‘પેરીસ સમજૂતીમાં કોઇની જીત નહીં ને કોઇની હાર નહીં.
ક્લાયમેટ જસ્ટિસ (પર્યાવરણનો ન્યાય) જીત્યો છે. આપણે સૌ હરિયાળા ભવિષ્ય માટે કામ
કરી રહ્યા છીએ.’
લાગણીના ઉભરા અને
હકારાત્મકતાથી છલકાતી આવી વાતો પછી સહજ એવો સવાલ થાય કે પેરિસ પરિષદમાં ખરેખર શું
થયું?
અને જે થયું તેની સરખામણીમાં બધાનો ઉત્સાહ માપસરનો છે? અથવા વધુ સાચો સવાલ : બધા જેટલા હરખાય છે એવું પેરિસમાં
ખરેખર કશું થયું છે ખરું?
સૌ પ્રથમ સારા સમાચાર :
ગ્લોબલ વૉર્મિંગના રૂપમાં સહિયારા સ્વાર્થનો એવો એક મુદ્દો તો છે, જેની પર વિશ્વના ૧૯૫ દેશો સૈદ્ધાંતિક રીતે સંમત હોય. બાકી, વર્ષો સુધી ક્લાયમેટ ચેન્જ એટલે કે પ્રદૂષણને કારણે
આબોહવામાં થઇ રહેલા ફેરફાર અને વૈશ્વિક તાપમાન વધારા અંગે વિવાદ ચાલ્યો. તાપમાનમાં
વધારો થઇ રહ્યો હોવાની (વૉર્મિંગ)ની આખી વાત જૂઠી છે, એવું ‘સાબીત’ કરતા અનેક પુરાવા રજૂ કરવામાં આવ્યા. વૉર્મિંગને જ નહીં, તેનો દાવો કરતા લોકોને પણ જૂઠા ઠેરવવાની કોશિશો થઇ. ૧૯૯૫થી
સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ તાપમાનવધારો અંકુશમાં આણવાના પ્રયાસ તરીકે ‘કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ’ યોજાતી રહી,
પણ તેમાં કશો શક્કરવાર ન વળ્યો ને કિમતી વીસ વર્ષ કોરેકોરાં
નીકળી ગયાં. પર્યાવરણને અઢળક નુકસાન થતું રહ્યું. પેરિસ પરિષદ પછી કમ સે કમ આ બાબત
સ્પષ્ટ એકમતી સધાઇ કે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે છે અને એ વધારો કાબૂમાં લાવવો
જરૂરી છે. ધ્યેય એવું નક્કી કરવામાં આવ્યું છે કે તાપમાનવધારો બે અંશ સેલ્સિયસથી
નીચે રહેવો જોઇએ અને તેને ૧.૫ અંશ સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાના બધા પ્રયાસ
કરવા.
સારા સમાચારની મુશ્કેલી
એ છે કે તે ઝડપથી પૂરા થઇ જાય છે. વાસ્તવિકતા એ છે તાપમાનવધારો કાબૂમાં રાખવા માટે
કયા દેશોએ શા પગલાં લેવાં, એવાં કોઇ
બંધનકારી ધ્યેય પેરિસ-કરારમાં નક્કી કરવામાં આવ્યાં નથી. પરિણામે, આખો દસ્તાવેજ ‘ફીલગુડ’ વાતોનું એવું સંકલન બની ગયો છે, જેમાં અત્યાર લગી પર્યાવરણનો દાટ વાળનારા દેશોના હિતને કશું
નુકસાન ન થાય. સાથોસાથ, બીજા દેશોને પણ એવું
લાગે કે તેમની વાત સાંભળવામાં આવી અને તેમને પણ મહત્ત્વ મળ્યું. પરિષદો-સંમેલનોની
પરિભાષામાં આવા ગોળ ગોળ કરારોને ‘ડિપ્લોમસી’ ગણીને બિરદાવવામાં આવે છે. તાપમાનઘટાડાની જ વાત કરીએ તો, અભ્યાસીઓના મતે પૃથ્વીનું સરેરાશ તાપમાન ઔદ્યોગિક યુગ
પહેલાંના તાપમાન કરતાં ૧ અંશ સે.જેટલું વધી ચૂક્યું છે અને દેશોની હાલની ગતિવિધિ
જોતાં બીજો ૧ અંશ સે. વધે એવી પૂરી ભીતિ છે. એટલે કે, તેને ધ્યેય મુજબ ૨ અંશ સે.થી નીચે રાખવાનું અશક્યની હદે
અઘરું છે. છતાં,
(તાપમાનવધારાને લીધે સમુદ્રની સપાટી ઊંચી આવવાથી) ડૂબમાં
જનારા માલદીવ્ઝ જેવા દેશોને રાજી રાખવા માટે પેરિસકરારમાં લખવામાં આવ્યું કે ‘તાપમાનવધારો ૧.૫ અંશ સે. સુધી મર્યાદિત રાખવાના પ્રયાસ
કરવામાં આવશે.’
આ ધ્યેય-વાક્યનો વ્યવહારમાં ‘ફીલગુડ’
સિવાય બીજો કશો અર્થ નથી.
જવાબદારી નક્કી કરવાને
બદલે,
બધું આદર્શ, અપેક્ષા અને
ઇચ્છનીયતાના સ્તરે રાખવામાં પેરિસકરારની ‘સફળતા’નું અસલી રહસ્ય સમાયેલું છે. ભારત જેવા દેશમાં હજુ વીજળી
સહિતની પ્રાથમિક સુવિધાઓ કરોડો લોકોને પહોંચાડવાની બાકી છે. તેની પાસે કોલસાના
બળતણનો વિકલ્પ હાથવગો છે. એ ન વપરાય તો ફક્ત વૈકલ્પિક સ્રોતો (સૌર, પવન)થી પૂરતી ઊર્જા પેદા ન થાય અને કોલસો વાપરતાં પ્રદૂષણ
થાય. ભારતે હજુ જે કરવાનું બાકી છે તે, અઢળક પ્રદૂષણ અમેરિકા દાયકાઓ પહેલાં કરી ચૂક્યું. હવે આ બન્ને દેશોને રાજી
કેવી રીતે રાખવા?
એટલે પેરિસકરારમાં ‘કૉમન બટ ડિફરન્શીઅલ રીસ્પોન્સિબિલિટીઝ’ જેવો શબ્દપ્રયોગ વાપરવામાં આવ્યો. એનો સાર એ કે પ્રદૂષણ ઘટાડવાની જવાબદારી
સહિયારી,
પણ કોણે કેટલો સંયમ રાખવાનો એ સૌએ પોતપોતાની રીતે નક્કી
કરવાનું. એનું ગુજરાતી એટલું જ થાય કે ભારત
જરૂરિયાત સંતોષવા માટે કોલસા આધારિત વીજળી મથકો બનાવે, તો પણ અમેરિકા સહિતનો કોઇ દેશ તેને ટોકી ન શકે. એટલે ભારત
પણ રાજી.
સમૃદ્ધ (અગાઉ પ્રદૂષણ
કરી ચૂકેલા) રાષ્ટ્રો માટે મૂળ લખાણ એવું હતું કે તે પ્રદૂષણને અંકુશમાં રાખવાનાં
વ્યાપક લક્ષ્યાંકો બાંધશે. તેમાં એવો ‘સુધારો’
કરવામાં આવ્યો કે ‘(આ દેશો)એ પ્રદૂષણને અંકુશમાં રાખવાનાં વ્યાપક લક્ષ્યાંકો બાંધવાં જોઇએ.’ અંગ્રેજી પ્રયોગ પ્રમાણે, બંધનકર્તા shall ને બદલે સૂચનકર્તા should નો ફેરફાર અમેરિકાને રાજી રાખવા કરવામાં આવ્યો. દાયકાઓ સુધી
અઢળક પ્રદૂષણ કરવા માટે નામીચા અમેરિકાને એક બીક એ હતી કે તેને પોતાનાં કરતૂત બદલ
રોકડ રકમની સહાય દંડપેટે ચૂકવવાની આવશે. અત્યાર સુધી ઝળુંબતી રહેલી એ શક્યતાનો
પેરિષ સમજૂતીમાં કાયમ માટે અમેરિકાની તરફેણમાં નીવેડો આવી ગયો. કેમ કે, સમજૂતીમાં ‘ઐતિહાસિક
જવાબદારી’
જેવા શબ્દો સદંતર કાઢી નખાયા છે.
દુનિયાભરનું પ્રદૂષણ
કરીને બેઠેલા વિકસિત દેશોએ ઘણા વખત પહેલાં વિકાસના પંથે ચાલી રહેલા દેશોને ૧૦૦
બિલિયન ડૉલરની મદદનો વાયદો કરેલો. તેના થકી આ દેશો પ્રમાણમાં મોંઘા છતાં
અપ્રદૂષણકારી રસ્તે ઊર્જાની જરૂરિયાત સંતોષી શકે. પેરિસ સમજૂતીમાં એ વાત આવી, પણ ૧૦૦ અબજ ડૉલર જેવી રકમ કોણ, ક્યારે, કોને કઇ શરતે
આપશે,
એવી કોઇ ચોખવટ કરવામાં આવી નથી. માટે એ મદદ કરવાનું કોઇ
દેશો માટે કાનૂની રીતે બંધનકર્તા નથી. હકીકતમાં, પેરિસ સમજૂતીનું આકરી ટીકાને પાત્ર બનેલું હાર્દ જ એ છે : તેમાં બધી જોગવાઇઓ
ને સૂચનો છે,
પણ કોઇના માટે કશું બંધનકર્તા નથી. આરતીની ઉછળામણીમાં
જોશમાં આવીને રૂપિયા લખાવતા અને ખરેખર રૂપિયા આપવાના આવે ત્યારે આઘાપાછા થતા
લોકોની જેમ,
પ્રદૂષણનિયંત્રણનાં ભવ્ય લક્ષ્યાંક નોંધાવ્યા પછી અને
સમયાંતરે તેના વિશે મોટી મોટી વાતો કર્યા પછી, એ દિશામાં કશી નક્કર કામગીરી ન થાય તો એ દેશનું કશું બગાડી શકાય નહીં.
જોગવાઇઓ બંધનકર્તા કે
દંડકર્તા હોત તો તેની પર સહી કરનાર (અમેરિકા સહિત) થોડા દેશોને પોતાની સંસદમાં એ
માટે મંજૂરી મેળવવી પડત. પરિષદને તત્કાળ સફળતા મળે તેના માટે એવો સમાધાનકારી છતાં
સુખદ અહેસાસ અપાવે એવો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો, જેમાં બધાને એક યા બીજી રીતે તેમનું માન રહ્યું હોય--તેમની વાત ધ્યાને લેવાઇ
હોય એવું લાગે. બાકી, વાસ્તવિક સ્થિતિની રીતે
જોતાં,
એક નિષ્ણાતે કહ્યું તેમ, આ ઘોષણાપત્ર ૨૦૧૫નું નહીં, ૧૯૯૫નું હોવું
જોઇતું હતું.
No comments:
Post a Comment