Sanat Mehta (centre) with Prakash N Shah (L) 7 Bhagwatikumar Sharma (R) (Pic : Urvish Kothari) |
ગુજરાતના જાહેર જીવનમાં બહુ મોડેથી રસ પડતો થયો. એટલે સનત મહેતાનું નામ અલપઝલપ કાને પડેલું. એનાથી વધારે કશો પરિચય નહીં. પછી ’દિવ્ય ભાસ્કર’ની તેમની કોલમથી અને પ્રકાશભાઇ (પ્રકાશ ન. શાહ), ચંદુભાઇ (ચંદુ મહેરિયા) જેવા વડીલ મિત્રોને કારણે તેમના કામનો થોડો પરિચય થયો. એ વિશિષ્ટ વિષયો પર લખતા. પહેલી નજરે એ શુષ્ક વિષયો લાગે. એમના લખાણમાં પણ કોઇ શૈલી આણવાનો પ્રયાસ નહીં. સીધીસાદી હકીકતો અને ખાસ્સા આંકડા હોય. પણ એટલું સમજાતું કે એ જે લખે છે, તે લખાવું બહુ જરૂરી છે. ગુજરાતની વિકાસવાર્તાનો એ સમાંતર પથ હતો, જે મુખ્ય ધારાના પત્રકારત્વમાં ખેડાય એ બહુ જરૂરી લાગતું હતું.
સનતભાઇનો પરિચય થયો ત્યારે તે એંસી વટાવી ચૂકેલા, પણ કડેધડે લાગે. તેમને વૃદ્ધ ગણવાનું મન ન થાય. પોતે જે વિષયો પર લખતા એ અંગેની તેમની જાણકારી કોઇ પણ બીટ રીપોર્ટરને શરમાવે એટલી નક્કર અને અપ ટુ ડેટ રહેતી. એ અને પ્રકાશભાઇ મળે ત્યારે એ પ્રકાશભાઇને એકવચનમાં બોલાવે અને પ્રકાશભાઇ રાબેતા મુજબ સનતભાઇ સાથે પણ મસ્તી કરી લે, એ જોવાની બહુ મઝા આવે. સનતભાઇનો થોડો કડપ પણ ખરો. ઉંમર સાથે એ ઓસર્યો હશે, પણ એના અણસાર ક્યારેક જોવા મળી જાય. એમની સાથે કોઇ અદ્ધરતાલ વાત ન કરી શકે. જીભના આખા. કડવાની હદે આખા. રજનીભાઇએ (રજનીકુમાર પંડ્યાએ) ઘણા વખત પહેલાં એક પ્રસંગ કહ્યો હતો. તેમની હાજરીમાં સનતભાઇને કોઇ મળવા આવ્યું. (મોટે ભાગે રાજકીય માણસ). એણે સનતભાઇનાં વખાણ શરૂ કર્યાં. એ બહુ ચાલ્યું, એટલે સનતભાઇએ ગાળ બોલીને કહ્યું, ’મને તો આ બધી ખબર જ છે. બહાર જઇને કહેને.’
સનતભાઇ સાથે પહેલી મુલાકાત મિત્ર અને એ વખતે અમદાવાદ દૂરદર્શનમાં કાર્યક્રમો તૈયાર કરતાં સિનિયર અફસર રૂપા મહેતા થકી થઇ. રૂપાબહેનના પપ્પા અને સનતભાઇ જૂના મિત્રો. એ નાતે રૂપાબહેન તેમના ’દૃષ્ટિકોણ’ ટોક શોમાં ચર્ચા માટે સનતભાઇને બોલાવે અને સનતભાઇ સવારે ગાડી લઇને વડોદરાથી નીકળીને વેળાસર સ્ટુડિયો પર પહોંચી જાય. એ કાર્યક્રમમાં એન્કર તરીકે મારે કાર્યક્રમ પહેલાં, દરમિયાન અને પછી તેમની સાથે સત્સંગ કરવાની તકો મળી. ત્યાર પછી એ વક્તા હોય એવા બે-ત્રણ કાર્યક્રમમાં હું હતો. ઇન્દુલાલ યાજ્ઞિકની આઉટ ઓફ પ્રિન્ટ થઇ ગયેલી આત્મકથા તેમણે પુનઃપ્રકાશિત કરી, એ સમારંભનું મેં બહુ ભાવપૂર્વક બ્લોગ માટે રીપોર્ટિંગ કર્યું હતું. (તેની લિન્ક)
એવી જ રીતે કનુભાઇ કળસરિયાની મહુવાથી ગાંધીઆશ્રમ (અમદાવાદ) સુધીની પદયાત્રામાં શારીરિક રીતે અશક્ત સનતભાઇને વ્હીલચેરમાં બેસીને પણ ધોમધખતા તડકામાં સામેલ થતા જોયા, ત્યારે તેમના માટેના માનમાં ઘણો ઉમેરો થયો હતો. (લિન્ક) કેમ કે, મારી પેઢીના ભાગે આવા રાજકીય નેતાઓ જોવાના આવ્યા નહીં.
Sanar Mehta (in wheel chair) in Dr.Kanu Kalsariya's rally. Ahmedabad (Pic : Urvish Kothari) |
’સાર્થક જલસો’ શરૂ કર્યું ત્યારે તેના બીજા અંકમાં સનતભાઇની વિસ્તૃત મુલાકાત લેવાનો ખ્યાલ હતો. એ માટે પ્રકાશભાઇ સાથે વડોદરા જઇને તેમને એક વાર નિરાંતે મળવું અને પછી ચંદુભાઇ મુલાકાત લે, એવું વિચાર્યું હતું. પણ એ બન્યું નહીં. તે આત્મકથા લખે એવી પણ બહુ ઇચ્છા હતી. પ્રકાશભાઇએ ગયા અઠવાડિયે સનતભાઇના સન્માન નિમિત્તે લખેલા લેખમાં પણ એ વાત મૂકી હતી. પરંતુ એ પણ બન્યું નહીં.
સનતભાઇ સાથે છેલ્લો છેલ્લો પ્રેમસંવાદ છેલ્લા એકાદ મહિનામાં થયો. ’ભાસ્કર’માં જોડાયા પછી તેમનું મેટર તો તેમના ઓફિસ સહાયક દિલીપભાઇ મોકલી આપતા પણ એક વાર સનતભાઇનો ફોન આવ્યો. બસ, ભાસ્કરમાં વેલ કમ કરવા માટે. બીજી વાર તેમણે મેટર સિવાયનું એક લખાણ મોકલ્યું. નીચે પોતાના અક્ષરમાં મને ઉદ્દેશીને બે લીટી લખી અને એ પત્ર મેં જોયો કે નહીં, એ પૂછવા માટે તેમણે ફોન કર્યો.
એ પત્રમાં તેમણે ભાસ્કરની કોલમ વિશે પોતે કેટલા ચોક્કસ હતા અને એ કેટલી ફરજપૂર્વક--લગભગ ધર્મપૂર્વક લખતા હતા, એનો કિસ્સો એમણે લખ્યો હતો, જેમાં અગાઉ એ મૃત્યુના દરવાજે દસ્તક દઇને આવ્યા છતાં કોલમ પડવા દીધી ન હતી. એ પત્ર અને નીચે તેમના હસ્તાક્ષરમાં લખેલી નોંધ અહીં આપ્યાં છે. (એ ઝૂમ કરીને સારી રીતે વાંચી શકાશે.)
આ વખતની બિમારીમાં પણ તેમની તબિયતના ચઢાવઉતારના સમાચાર સાંભળીને એવું થતું કે સનતભાઇ ફરી એક વાર દસ્તક દઇને પાછા આવી જશે. પણ એવું ન બન્યું.
વંચિતો માટે લડનાર અને તેમના હિતને પોતાનો ધર્મ ગણનાર સનતભાઇને આખરી સલામ.
***
ચંદુ મહેરિયાએ આજના ’દિવ્ય ભાસ્કર’માં સનતભાઇને આપેલી અંજલિ
પત્રકાર - તંત્રી તુષાર ભટ્ટની જીવલેણ અને લાંબી ચાલેલી માંદગીએ દુઃખી થતા અને અવસાનના સમાચાર સાંભળીને નાદુરસ્ત તબિયતે પણ વડોદરાથી અમદાવાદ દોડી આવેલા સનતભાઈ મહેતાને તુષારભાઈને વાડજના સ્મશાન ગૃહે અગ્નિદાહ દેવાતા ધ્રૂસકે - ધ્રૂસકે રડતાં જોયા પછી મનમાં એક જ સવાલ ઉગ્યો તે આ...‘રાજકારણી અને વ્યવસાયી પત્રકાર વચ્ચે આવી મૈત્રી હોય?’
ReplyDeleteજવાબ કોઈની પાસેથી મેળવવાને બદલે જાતે જ ઉગાડી દીધો...‘સનતભાઈ હાર્ડકોર રાજકારણી ન હતા અને તુષારભાઈ માત્ર પત્રકાર ક્યાં હતા?’
બિનીત મોદી (અમદાવાદ)
સલામ...
ReplyDeleteમાહિતીપ્રદ લખાણ
ReplyDeleteઆદરણીય સનત મહેતાના અવસાનથી એક વડીલ ગુમાવ્યા હોવાનું દુઃખ છે. તેઓ એકદમ નિખાલસ અને મળતાવડા સ્વભાવના હતા. મારા પરિવાર સાથે તેમને વર્ષો જૂનો નાતો હતો. તેમને નાનપણથી જ સનતકાકા કહીને બોલાવતો. એમના નિધનના સમાચાર સાંભળીને મારા કુટુંબના એક વડીલ ચાલ્યા ગયા હોય એવું લાગ્યું. ભગવાન એમના આત્માને શાંતિ આપે.
ReplyDelete-અભિજિત ભટ્ટ
This comment has been removed by a blog administrator.
ReplyDeleteObituary to late Mr. Sanat Mehta: The legend who knew the definition of economy means relevance to citizen.
ReplyDeleteIf his party would have worked on creating cloning of leader like Mr. Sanat, definitely, the Congress Party would be in the main-stream politics. In 2015, Gujarat Congress is state of dwindling. Their decision to shift head-quarter to Ahmedabad (West) is mirror, an obsession of identity politics, mileage benefitted to its predecssor.