માતૃભાષા એ બચાવવાની નહીં, ચાહવાની ચીજ છે. માતૃભાષાનાં ચાહવાલાયક સ્વરૂપોની ખોટ નથી. કહેવતો, રૂઢિપ્રયોગો, બીજી ભાષામાં--અરે, ગુજરાતી ભાષાની બીજી બોલીમાં સુદ્ધાં-- ન હોઇ શકે એવા શબ્દો, વિવિધ અવાજો સૂચવતા શબ્દો-- આ બધાની મઝા હોય છે. જે રીતે એક સારી કવિતા, સારી રમૂજ કે સારી વાર્તા માણી શકાય એવી જ રીતે, ભાષારૂપી હિલસ્ટેશનના વિવિધ ‘પોઇન્ટ્સ’નું સૌંદર્ય પણ માણી શકાય. ‘ટ્રેકિંગ’પ્રેમીઓ ભલે મહેનત કરીને ભાષાશાસ્ત્ર અને વ્યાકરણના નિયમોમાં ઊંડા ઉતરે અને તેમનો આનંદ મેળવે. મોટા ભાગના લોકો એ કસરતમાં ઉતર્યા વગર, રોજિંદી ભાષામાંથી રોમાંચના નાના પણ મજાના ઘૂંટડા ભરી શકે છે.
ભાષાનાં આગળ જણાવેલાં વિવિધ સૌંદર્યસ્થાનોમાંનું એક એટલે શબ્દોની ‘ગંગોત્રી’--શબ્દોનું મૂળ અને તેની સાથે સંકળાયેલા બીજા ‘પિતરાઇ’ શબ્દોની વાત. શાસ્ત્રીય ભાષામાં કહીએ તો, શબ્દની વ્યુત્પત્તિ. જેમ કે, છેલ્લા થોડા વખતથી બહુ પ્રચલિત બનેલા શબ્દ ‘છકડો’, રેંકડી (લારી) અને ‘સગડી’ વચ્ચે શો સંબંધ? અને આ બધા શબ્દો આવ્યા ક્યાંથી? આ બધું જાણવું ‘જરૂરી’ નથી, પણ એમ તો ફિલ્મ જોવી કે ગીત સાંભળવું કે છાપું વાંચવું પણ ક્યાં જરૂરી છે? છતાં એની મઝા નથી હોતી?
પહેલાંના સમયમાં બે વાહન હતાં : ઉચ્ચ વર્ગ માટે રથ અને સામાન્ય લોકો માટે શકટ (ગાડું). ‘રથ’નો જમાનો ક્યારનો વીતી ગયા પછી પણ ‘મહારથી’ જેવા શબ્દો હજુ છૂટથી વપરાય છે અને તેનો અર્થ કોઇને સમજાવવો પડતો નથી. સંસ્કૃત ‘રથ’માંથી પ્રાકૃત ભાષામાં ‘રહ’ અને તેમાંથી પંજાબી ભાષામાં ‘રેહડા’ (હાથગાડી), રહિલા (ગાડી) જેવા શબ્દ થયા. ગુજરાતીમાં તે ‘રહિકલુ’, ‘રેંકળી’ અને ‘રેંકડી’ તરીકે પ્રચલિત બન્યો. મોભાદાર ‘રથ’ મજૂરવર્ગની ‘રેંકડી’ બની જાય, એ ભાષા પર બદલાતા સમયની અસર તરીકે પણ જોઇ શકાય.
‘રથ’ના જમાનાનું બીજું વાહન ‘શકટ’ વધારે ફાંટાબાજ નીવડ્યું. નાનું ગાડું ‘શકટિકા’ કહેવાતું હતું. તેની પરથી માટીના સ્થાયી ચૂલાને બદલે પૈડાં ધરાવતા-- હરતાફરતા ચૂલા માટે શબ્દ બન્યો ‘સગડી’. (હેમચંદ્રાચાર્યે સગડી માટે ‘અંગારશકટી’, ‘અંગારધાની’, ‘અંગારપાત્રી’ જેવા શબ્દો વાપર્યા છે.) એવી રીતે, ‘શકટ’નો બીજો ફાંટો પડતાં ગુજરાતીમાં ‘છકડો’, સિંધીમાં ‘છકિડો’ અને પંજાબી, બંગાળી, હિંદી જેવી ભાષાઓમાં ‘છકડા’ શબ્દ બન્યો. નીતાંત ગુજરાતી, બલ્કે ગામઠી ગુજરાતી લાગતો ‘છકડો’ કેટકેટલી ભાષાઓમાં પહોંચી ગયો.
પણ સવાલ એ થાય કે આવી વિગતો મેળવવી ક્યાંથી? સાર્થ જોડણીકોશ, ભગવદ્ગોમંડળ શબ્દકોશ કે ઇન્ટરનેટ પર www.gujaratilexicon.com જેવા કોશમાં શબ્દોના મૂળની પ્રાથમિક વિગત મળી આવે. સંસ્કૃત અને અંગ્રેજી ઉપરાંત ફારસી, અરબી, પોર્ટુગિઝ જેવી કઇ ભાષામાંથી એ શબ્દ આવ્યો, તેની પ્રાથમિક જાણકારી કોશમાંથી મળે. પણ શબ્દોની રોમાંચક કથા જાણવા માટેનો એક સ્રોત છે : હરિવલ્લભ ભાયાણી લિખિત પુસ્તક ‘શબ્દકથા’. પહેલી વાર ૧૯૬૩માં શિવજી આશર તેને પ્રકાશિત કર્યું હતું. ત્યાર પછી ‘કુમાર’માં ભાયાણીસાહેબે થોડી વધુ શબ્દકથાઓ લખી અને તેમાંથી ગુજરાતી સાહિત્ય પરિષદે ૧૯૮૩માં આશરે સવા બસો પાનાંનું પુસ્તક પ્રગટ કર્યું. ગુજરાતી ભાષાને લગતાં અભ્યાસપૂર્ણ છતાં મનોરંજક અને લોકભોગ્ય ગણી શકાય એવાં વીરલ પુસ્તકોમાં ‘શબ્દકથા’નો સમાવેશ અચૂક કરવો પડે.
‘પુસ્તક’ શબ્દની જ વાત કરીએ. ભાયાણીસાહેબે શબ્દોની કથામાં ઉતરતાં પહેલાં આપેલી પંદર પાનાંની નોંધ (‘શબ્દલીલા’)માં લખ્યું છે કે ‘પુસ્તક’ શબ્દ અસલમાં પહેલવી ભાષાના ‘પોસ્તક’ શબ્દ પરથી આવ્યો છે. ‘પોસ્તક’ એટલે ચામડું. એ જમાનામાં ચામડા પર લખાતું. એટલે લખાણસંગ્રહ માટે ‘પુસ્તક’ શબ્દ વપરાતો થયો. ભાષાઓ વચ્ચે શબ્દોનો વાટકીવ્યવહાર એટલી સહજતાથી થાય છે કે સમય જતાં તેની સરત પણ ન રહે. વીસમી સદીના શરૂઆતના દાયકાઓ સુધી ગુજરાતમાં મોઇદાંડિયા (ગીલ્લી-દંડા) રમનારા એક-બે-ત્રણ-ચાર-પાંચને બદલે વકટ-લેણ-મુંડ-નાર-આંખ એમ બોલતા. ભાયાણીસાહેબે નોંઘ્યું છે કે આ શબ્દો મૂળ તેલુગુ ને કન્નડ ભાષામાં એક-બે-ત્રણ-ચાર-પાંચ માટે વપરાય છે. એટલે આ રમત દ્રવિડ પ્રદેશમાંથી આવી હશે. ગુજરાતીમાં છૂટથી વપરાતા મિસ્ત્રી, મિજાગરું, પુરાવો, પુરવાર, બાલદી, બંબો, પીપ જેવા શબ્દો પોર્ટુગીઝ ભાષામાંથી કશા ફેરફાર વિના, સીધા જ ગુજરાતીમાં આવીને ગુજરાતી બની ગયા છે. સાંસ્કૃતિક આદાનપ્રદાનથી ફક્ત શબ્દકોશમાં નવા શબ્દો જ નહીં, ભોજનમાં નવી વાનગીઓ પણ ઉમેરાઇને પોતીકી બની જાય છે. બિરંજ, શીરો, હલવો, બરફી, જલેબી, મૈસૂર, શક્કરપારા, મેંદો, માવો, ચાસણી--આ બધી વાનગીઓ અને શબ્દો પરંપરાગત ગુજરાતી નથી લાગતી? પરંતુ એ બધી મુસ્લિમો સાથેના ગાઢ સંપર્કનું પરિણામ છે. તેમાંનો એક પણ શબ્દ અસલમાં ગુજરાતી નથી. એ બધા ફારસી-અરબી શબ્દો છે.
શબ્દોની કથામાં રસ પડવા લાગે, પછી એવું જ લાગે કે ‘શ્રીખંડ’ શબ્દ મૂળ સંસ્કૃત હશે અને તે બોલચાલમાં બદલાઇને ‘શિખંડ’ થયો હશે. પણ ‘શબ્દકથા’માં શિખંડને લગતી બે કથા છે : દહીં-સાકર-તેજાના નાખેલી વાનગી માટે ‘શિખરિણી’ શબ્દ છે. સાકર-કેસર-કપુર નાખેલું દહીનું પીણું ‘શિખરન’ કહેવાતું. તેની પરથી ‘શિખંડ’ શબ્દ બન્યો હોય તે એક સંભાવના. અથવા ફારસીમાં ‘સિર’ એટલે દહીં ને ‘કંદ’ એટલે ખાંડ. એટલે, ‘સિરકંદ’માંથી ‘શિખંડ’ થયું હોય. આ બન્નેમાં એક વાત નક્કી છે : ખરો શબ્દ ‘શિખંડ’ છે, જેને ‘સુધરેલો’ (સંસ્કૃતમય) બનાવવા માટે ‘શ્રીખંડ’ તરીકે ઓળખવામાં આવ્યો.
ગુજરાતી ભાષા આટલા વાર્તારસથી ભરપૂર હોવા છતાં, તેને એવી રીતે ભણાવવામાં આવે છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને તમ્મર આવી જાય. ‘તમ્મર’ને સીધો સંબંધ ‘તિમિર’ સાથે છે. સંસ્કૃતમાં ‘તિમિર’ એટલે અંધારું. આંખે અંધારાં આવે, ત્યારે (‘તિમિર’ પરથી) તમ્મર આવ્યાં, એવું કહેવાતું થયું. પ્રચલિત શબ્દના ખરા શબ્દ સુધી પહોંચવાની સફરમાં એવો પણ વિચાર આવે કે ‘ખરો’ અને ‘ખર’ (ગધેડો) વચ્ચે કોઇ સંબંધ હશે? તેનો જવાબ ‘શબ્દકથા’માંથી મળે છે. સંસ્કૃતમાં ખર એટલે કઠોર, તીક્ષ્ણ. એટલે કર્કશ અવાજને ભૂંકનાર ‘ખર’. (ગધેડો). ‘ખર’ એટલે કે ‘કઠણ’ અને ‘પાકું’ના અર્થમાં શબ્દ બન્યો ‘ખરું’. એ શબ્દ ‘પાકું’, ‘ટકી શકે એવું’, ‘સાચું’ના અર્થમાં વપરાતો થયો. સજ્જ ભાષાશાસ્ત્રીઓ ને ભાષાવિજ્ઞાનીઓ જાણે જ છે કે ભાષાને ઘડવાનું કામ પંડિતો નહીં, સામાન્ય લોકો કરે છે. પંડિતોએ તો સામાન્ય લોકો દ્વારા નીપજાવાયેલી અને પોતાના કામ માટે સચોટ રીતે ઉપયોગમાં લેવાયેલી ભાષાને નિયમો અને અપવાદોના ચોકઠાંમાં બેસાડવાની હોય છે.
અભ્યાસીઓ માટે બોલાયેલા નહીં, પણ છપાયેલા-મુદ્રિત શબ્દની બહુ કિંમત હોય છે. પણ મુદ્રિકા (વીંટી) અને મુદ્રણ વચ્ચે શો સંબંધ? મુદ્રિકા અથવા મુદ્રા એટલે વીંટી તો ખરી જ, પણ ‘મુદ્રા’નો મૂળ અર્થ છાપ કે મહોર થાય છે. એટલે, જે વસ્તુનો ઉપયોગ છાપ કે મહોર મારવા માટે થાય એ પણ મુદ્રા (સીલ) કહેવાય. કોઇ પણ દસ્તાવેજ પર રાજાની કે સંબંધિત અધિકારીની મુદ્રા (સીલ કે આઘુનિક સમયમાં સિક્કો) હોય, એટલે તે પ્રમાણભૂત કહેવાય. એ રીતે રાજાની કે બીજી અધિકૃત છાપ ધરાવતા સોનાના ચલણી સિક્કા સુવર્ણમુદ્રા કહેવાયા અને એ જ તરાહ પર, બીબાંથી કાગળ પર છાપ ઉપસાવવાની ટેક્નોલોજી માટે ‘મુદ્રણ’ શબ્દ વપરાયો.
ફારસી-અરબી શબ્દો છૂટથી પ્રયોજવા માટે જાણીતા સદ્ગત લેખક ચંદ્રકાંત બક્ષીની કોલમનું નામ હતું : વાતાયન એટલે કે ઘરમાં હવા અને અજવાળું આવે તથા બહારનું જગત જોઇ શકાય એવી બારી. સંસ્કૃત ‘વાતાયન’નો સંબંધ અંગ્રેજી ‘વેન્ટિલેશન’ સાથે પણ છે. વાત્ એટલે વાયુ-પવન અને ‘વેન્ટિલેશન’માં આવતા ગ્રીક શબ્દ ‘વેન્તુસ’નો અર્થ પણ એવો જ છે. બારણાને ‘દ્વાર’ કહેતા સંસ્કૃતમાં બારી માટેનો બીજો શબ્દ છે : ‘દ્વારિકા’. તેની પરથી સમુદ્રમાં પ્રવેશવાની બારી જેવી નગરીનું નામ ‘દ્વારિકા’ પડ્યું.
‘નવી પેઢીને તો આ જ ગમે’, ‘ભાષાની ભેળપુરી થાય તો જ નવી પેઢીને ટેસડો પડે’, ‘નવી પેઢી તો ગુજલિશ જ વાંચે’ --એવી અસલામતીથી મુક્ત રહીને, મનનાં દ્વાર-‘દ્વારિકા’ ખુલ્લાં રાખવાની તૈયારી હોય તો ગુજરાતી ભાષાનો રોમાંચ સૌની રાહ જુએ છે.

હરિવલ્લભ ભાયાણી / Harivallabh Bhayani |

' માતૃભાષા એ બચાવવાની નહીં, ચાહવાની ચીજ છે. ' વાહ, શું સુંદર વિચાર છે !
ReplyDeleteWow! Such an interesting topic.Thanks for sharing, Urvish.
ReplyDeletereally astonishing :)
ReplyDelete"એ જ તરાહ પર" ma tarah no meaning su kari sakay ane eni vyuttpati kyathi thai?
Taraah... style/type/pattern. Wahan tarah tarah ki kitaabien maujud thi. Is tarah... This way. Urvishbhai, please throw light on etymology of this word. Thanks
ReplyDelete"માટીના સ્થાયી ચૂલાને બદલે પૈડાં ધરાવતા-- હરતાફરતા ચૂલા માટે શબ્દ બન્યો ‘સગડી’. એવી રીતે, ‘શકટ’નો બીજો ફાંટો પડતાં ગુજરાતીમાં ‘છકડો’" એટલે જાણે આપે ભદ્રંભદ્રના અગ્નિરથને રસોડે ઉત્તાર્યો રે લોલ..
ReplyDeleteઆપે અગ્નિરથની સગડીને બીજા ફાંટે રસોડાના ચુલ્લે ઉતારી, પણ શટક ઉપરથી કચ્છ કાઠિયાવાડનો ચટાકેદાર મોબાઈલ છકડો તો આપણા બ્વાના રતિભાઈ ચંદરયા ના લેક્ષિકોન અને ગોંડલ બાપુ ભગવતસિંહજી ભગવત્ગોમંડળ ના આધારે વ્યુતપત્તિની વાતોના વતાકડાંમા નીચેના વ્યાખ્યારણ વાજબી ગણાય ?
(૧) એક બળદ જોડાય તેવો જરા મોટાં પૈડાંનો ગાડલો. (૨) ચારથી વધુ માણસ બેસી શકે તેવું સગરામઘાટનું મોટરવાહન. (૩) છનો જથો. (૪) ગાડી હાંકનારો. (૫) છત્રીવાળી ગાડા જેવી ગાડી. [ સં. ષટ્ક ] (૬) છનો સમુદાય; છનો જથ્થો. [ સં. શકટ ] (૭) મુસાફરી કરવાનું ગાડું; જેમાં છ માણસો બેસી શકે એવું ગાડું; માણસોને બેસવાની સોઇવાળી મુસાફરીની ગાડી; ખટારો. (૮) મોટું ગાડું; ભાર ભરવાનો મોટો ડબો; ભાર ભરવાનું ચાર પૈડાંનું ગાડું; `વૅગન`.
Thanks for excellent write up on language and dictionary.
ReplyDeleteReminded me two proverb having two different paradigm experienced by different strata of people:
1. Dictionary : One of the Best Room for Improvement in the World.
2. There is no tax on language - Arabic Proverb.
આ વખતે ગુજરાતી વિષયમાં સવા બે લાખ ગુજ્જુઓ નાપાસ થયા છે. મારી અરજ છે એટલે નહીં પણ તમે જો ગુજરાતીને ચાહતા હોવ તો જે પણ ગુનેગાર છે તેને શબ્દોના ધોકેથી ધીબેડો.
ReplyDeleteઆપનો નિયમિત વાચક
અમદાવાદ