દોઢ લાખ રૂપિયાની કિંમતની ‘મોં બ્લાં’ કંપનીની પેન પર ગાંધીજીની તસવીર મુકાઇ, ત્યારે સહજ ભાવે જ ખાખરા યાદ આવ્યા હતા. ના, ગાંધીજી ખાખરા ખાતા ન હતા કે (નજીકના ભવિષ્યમાં) ‘મોં બ્લાં’ કંપની ખાખરા બનાવવાના ધંધામાં પડે એમ નથી. ખાખરા યાદ આવવાનું કારણ હતું : સાદગી અને વૈભવનો વિરોધાભાસ.
વર્ષો સુધી ખાખરા સાદગીનો --અને બિનજૈનો માટે જૈન ધર્મનો--પર્યાય ગણાતા હતા. ‘નાસ્તાની આઇટેમ’ તરીકે તેમની સ્વતંત્ર, અને ખરું પૂછો તો સ્વચ્છંદી, બોલબાલા બહુ મોડેથી થઇ. ત્યાર પહેલાં ઘણાં પરિવારોમાં ખાખરા મુખ્ય પેદાશ નહીં, પણ આડપેદાશ તરીકે બનતા હતા. જમ્યા પછી રોટલી વધી હોય, એટલે કરકસરિયા અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ પ્રેમી ગૃહિણીઓ તેમાંથી ખાખરા બનાવી કાઢે. તેમાં ખાખરા બનાવવા કરતાં રોટલી (ફેંકવામાંથી) બચાવવાનો સંતોષ વધારે હોય. એવા, રોટલીમાંથી બનેલા ખાખરા માટે બીજું જે કહેવું હોય તે કહી શકાય, પણ તેમની પર સ્વાદિષ્ટ હોવાનો આરોપ મૂકાય એમ ન હતો.
રોટલીમાં અનેક શક્યતાઓ રહેતી. રોટલી પર ઘી લગાડવાને બદલે ઘી ભરેલા પાત્રમાં રોટલીને ઝબોળીને ખાવી, એ સમૃદ્ધિની નિશાની ગણાતી. શેખચલ્લીગીરી સૂચવતી એક કહેવત પણ હતી કે વૃક્ષનાં પાંદડાં રોટલી બની જાય ને તળાવનું પાણી ઘી બની જાય તો, ‘બંદા ઝબોલ ઝબોલકે ખાય.’ રોટલી સાથે નજાકત-નમણાશ સંકળાયેલાં, જ્યારે લોકપ્રિય ચિંતનશૈલીમાં કહીએ તો, ખાખરો એટલે રોટલીની અગ્નિપરીક્ષા. રોટલીના મસાલામાં કશો ફેરફાર કર્યા વિના બનેલા ખાખરા, નાટકનું વિડીયો શૂટિંગ કરીને બનાવેલી ફિલ્મ જેવા લાગતા હતા. તેમને સ્વતંત્ર નાસ્તા તરીકે ચા જોડે કે એકલા ખાવા, એ ઘણાને અસ્વાદવ્રત કેળવવાના તપનો એક પ્રકાર લાગતો.
વધેલી રોટલીમાંથી બનેલા ખાખરા ચા સાથે ખાવાથી ધાર્મિક ભાવના દૃઢ થાય કે ન થાય, નાસ્તામાં એક ચીજનો વધારો થયાની લાગણી અવશ્ય થતી હતી. નાસ્તાનાં તૈયાર પડીકાનું સામાજિક કે એવી રીતે નાસ્તો વેચાતો લેવાનું આર્થિક જોર ન હતું, ત્યારે ઘણા પરિવારોના નાસ્તામાં સફેદ ખાખરાથી થોડોઘણો રંગ ઉમેરાતો હતો. એ જુદી વાત છે કે મોટા ભાગનાં ગરીબ પરિવારો માટે રોટલી કે ખાખરો આકારની રીતે નહીં, પણ ઉપલબ્ધિની રીતે ઇદના ચંદ્ર જેવાં દુર્લભ હતાં.
પહેલાં ખાખરો ખાનારને પોતે જૈન છે, એવું કહેવું પડતું ન હતું. ઊલટું, ખાખરાપ્રેમી બિનજૈનોએ સ્પષ્ટતા કરવી પડતી હતી કે ‘અમે જૈન નથી, પણ શું છે કે છોકરાંને ખાખરા બહુ ભાવે છે ને સવારની રોટલી થોડી વધી હતી એટલે...’ જૈન ધર્મ સાથે ખાખરાના સંબંધ વિશે કમ સે કમ એક લધુશોધનિબંધને અવકાશ છે. એ ન થાય ત્યાં સુધી કલ્પના જ કરવાની રહે છે કે અમદાવાદના જૈન શ્રેષ્ઠી- સમ્રાટ અકબરના મુંહબોલા ‘મામા’ શાંતિદાસ ઝવેરી ખાખરા ખાતા હતા કે નહીં, ‘તમારી મામીએ ખાસ તમારા માટે જ બનાવ્યા છે’ એમ કહીને તેમણે અકબરને રોટલીમાંથી બનેલા ખાખરાનું પડીકું આપ્યું હતું કે નહીં, સર્વધર્મસમભાવ માટે ઉત્સાહી અકબરે તેની એકેય ઇફ્તાર પાર્ટીમાં ખજૂરની સાથોસાથ ખાખરા રાખ્યા હતા કે નહીં...
જૂના વખતમાં ઘણા સાધુમહારાજો પગપાળા ફરતા, ઉપદેશ કરતા અને ભિક્ષામાં જે મળે તે આરોગીને જીવન ટકાવી રાખતા. એ સમયના ખાખરાનું પણ એવું જ હતું. ચટાકેદાર હોવું એ તેમના માટે અબ્રહ્મણ્યમ્ ગણાતું. ‘સાધુ પોતાની સાદગી છોડે, મીઠું પોતાની ખારાશ છોડી દે અને ખાખરા પોતાની ‘સાત્ત્વિકતા’ છોડે, તો કળિયુગ આવેલો જાણવો’ --આવું કોઇ ‘શાસ્ત્રવચન’ નથી, પણ એ રોલમાં ચાલી જાય એમ છે. મુદ્દો એ છે કે સાઘુઓ વૈભવી ગાડીઓમાં ફરતા થઇ ગયા અને ખાખરા પણ વૈભવ-સાહ્યબીના એ જ પંથે ચાલ્યા. કોણ કોને અનુસર્યું એ સંશોધનનો વિષય છે, પણ ‘સીતા ઑર ગીતા’ પ્રકારની ફિલ્મમાં બને છે એવું ખાખરા સાથે થયું. હમણાં સુધી સીધાસાદા લાગતા ખાખરા અચાનક ‘આઘુનિક’, નખરાળા, ચટાકેદાર અને વરણાગી બની ગયા. અત્યારની ખાખરાસૃષ્ટિ ભણી નજર નાખતાં ખ્યાલ જ ન આવે કે તેને અગાઉના સીધાસાદા, ગરીબડા ખાખરા સાથે કશો સંબંધ હશે.
આરોગ્ય બગાડી લીધા પછી લોકોમાં આરોગ્ય માટે જાગૃતિ આવી ત્યારે ખાખરાનો ઉપયોગ ‘હેલ્થ ફૂડ’ તરીકે થવા લાગ્યો. ડાયેટિંગ કરતા લોકો મનના વધતા ચટાકા કાબૂમાં રાખીને ખાખરા ખાતા હતા અને શરીર વધતું અટકે એવી આશા સેવતા હતા. એ વખતે ડબલ ચીઝ ખાખરા શોધાવાની વાર હતી.
ખાખરાની પ્રજાતિમાં ઉત્ક્રાંતિની શરૂઆત ધીમેથી થઇ. વર્ષો સુધી મોળા ખાખરા ખાધા પછી લોકો તેની પર ઘી અને જીરાળુ લગાડતા થયા, જેથી ‘મોં સારું થાય’. મહાન વિશ્વયુદ્ધોની શરૂઆત એક નાનકડી ઘટનાથી થતી હોય છે. એવું ખાખરાની બાબતમાં પણ બન્યું. ઘી-જીરાળુ પછી મેથીની ભાજીના ખાખરા આવતા થયા. ત્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં રહી. પછી અચાનક વૈવિઘ્યનો ‘બિગ બેન્ગ’ --વિસ્ફોટ થયો. થોડા સમય પહેલાં કશું જ ન હોય અને અચાનક એક સાથે અનેક તારાવિશ્વો અસ્તિત્ત્વમાં આવી જાય, એમ બે-ચારને બદલે ચાળીસ-પચાસ જાતના ખાખરા મળવા લાગ્યા. એવી સ્થિતિ થઇ કે ખાખરાની દુકાનની બહાર લખેલી યાદીમાંથી દરેક પ્રકાર (પાણીપુરી ખાખરા, પાંઉભાજી ખાખરા, પિત્ઝા ખાખરા, મંચુરિયન ખાખરા, પનીર ખાખરા) પાછળ આવતું ‘ખાખરા’ કાઢી નાખીએ, તો એ કોઇ રેસ્તોરાંના મેનુ જેવું લાગે. આવું મૂંઝવનારું-ગૂંચવનારું અને કંઇક રમૂજ પમાડનારું વૈવિઘ્ય જોઇને હજુ સુધી ખાખરાનો જ્ઞાનકોષ (એન્સાયક્લોપીડિયા) કેમ બહાર પડ્યો નથી, એનું આશ્ચર્ય થાય છે.
ક્યાં પેલા ‘રોટલીની અગ્નિપરીક્ષા’વાળા ગોળ ખાખરા અને ક્યાં આધુનિક ‘ઓવન પરીક્ષા’માંથી સાંગોપાંગ બલ્કે વધારે આકર્ષક થઇને બહાર પડેલા ઉતરેલા, પટ્ટી આકારના, અવનવી સુગંધો ધરાવતા, ઘઉંના નહીં પણ મેંદાના ફેશનેબલ ખાખરા...બન્ને વચ્ચે નાળસંબંધ નહીં, ફક્ત નામસંબંધ રહ્યો છે. વર્ષો સુધી સામાન્ય સ્થિતિની ગૃહિણીઓ ઘરે ખાખરા વણીને પોતાની આર્થિક ભીડ હળવી કરતી હતી, પણ હવેના ખાખરા એટલા મોંઘા થયા છે કે મઘ્યમ વર્ગીય ગૃહિણીઓ એની ખરીદીમાં કાબૂ ન રાખે, તો નવેસરથી ભીડમાં આવી પડે.
‘લેટ થાઉઝન્ડ ફ્લાવર્સ બ્લૂમ’ના બહુરંગી લોકશાહી સિદ્ધાંતમાં શ્રદ્ધા ધરાવનારા લોકો પણ ખાખરાની વાત આવે ત્યારે, ‘લેટ થાઉઝન્ડ ખાખરાઝ બ્લૂમ’ એવું કહેતાં ખચકાઇ શકે છે. કારણ કે પહેલી નજરે પ્રચંડ વૈવિઘ્ય ધરાવતા ખાખરામાં પાઉંભાજીના મસાલો, પાણીપુરી, ઓરેગાનો જેવા કોઇ પણ સ્વાદ તો મળી રહે છે. બસ, અસલ ખાખરાનો સ્વાદ શોધવો પડે--અને આ પ્રકારના ખાખરા ખાધા પછી આરોગ્યની અલગથી કાળજી રાખવાની થાય તે અલગ.
‘વિવિધતામાં એકતા’નો સંદેશ ખાખરાના ઉત્પાદકોએ જે રીતે ગ્રહણ કર્યો, તેનાથી અડધી ગંભીરતા રાષ્ટ્રનેતાઓ દાખવે તો...

One can make tasty and spicy chevda from khakhra also.
ReplyDeleteરાજનેતાઓ ખાખરાના ઉત્પાદકોથી પણ............ અરે રે..
ReplyDelete