ગુજરાતી ભાષાનું અસ્તિત્ત્વ જોખમમાં છે, એવું રૂદન ઘણા વખતથી ચાલી રહ્યું છે. રૂદન કરનારા ગુજરાતીના દુશ્મન નથી. એ ભાષાના ચાહકો છે. પણ કહેવત છે ને :‘વહાલાં ધારે એવું વેરી પણ ન ધારે.’
ગુજરાતી ભાષાની ચિંતા કરનારા, તેના બચાવ માટે વિશ્વ માતૃભાષા દિને રેલી-સરઘસ-કાર્યક્રમ યોજનારા લોકો ભાવનાત્મક રીતે ખોટા નથી, પણ તે ગેરસમજણ અને વ્યાપક ગેરમાન્યતામાં સપડાયા છે. તેમને લાગે છે કે ‘ઇંગ્લીશ મિડીયમના જોરદાર આક્રમણ સામે ગુજરાતી માઘ્યમ અને ગુજરાતી ભાષા હારી રહ્યાં છે. આવી જ સ્થિતિ રહી તો જોતજોતાંમાં ગુજરાતી ભાષા લુપ્તપ્રાયઃ બની જશે.’
ફક્ત ‘ગુજરાતી બચાવો’વાળા જ નહીં, બીજા ઘણા ‘ભણેલાગણેલા’ લોકો માને છે કે ઇંગ્લિશ મિડીયમના વાવાઝોડા સામે ગુજરાતી ભાષાના-માઘ્યમના ડેરાતંબૂ ઉખડી જશે. કેટલાકે તેને ભવિષ્યની આગાહી નહીં, વર્તમાનની કડવી વાસ્તવિકતા ગણી લીધી છે.
આ વર્ષનાં એસ.એસ.સી. બોર્ડનાં પરિણામથી ‘ગુજરાતી ખતરેમેં’નો કકળાટ વધારે જોર પકડે એવી સંભાવના છે. કેમ કે, ગુજરાતી માઘ્યમમાં દસમા ધોરણમાં ભણતા ૧.૬૧ લાખથી પણ વઘુ વિદ્યાર્થીઓ ગુજરાતીના પેપરમાં નાપાસ થયા છે. હા, એ પૂરા ૩૫ માર્ક પણ લાવી શક્યા નથી- અથવા પેપર તપાસનાર ઉદારતાથી તેમને ૩૫ માર્ક આપીને પાસ કરી શકે, એટલું પણ ઉકાળી શક્યા નથી.
આ સમાચારની સાથે જ ‘શરમ, શરમ’ના કામચલાઉ પોકાર ઉઠ્યા, પણ કોણે શરમાવાનું એ સ્પષ્ટ ન હતું. એટલે પોકાર ઉઠ્યા એવા શમી પણ ગયા છે. એક ગુજરાતી જણ વડાપ્રધાન બને અને નવી સરકારની રચના વખતના જમણવારમાં ઢોકળાં ને કેળાં-મેથીનું શાક રાષ્ટ્રપતિભવનના મેનુમાં ઉમેરાય, એ શું જેવીતેવી સિદ્ધિ છે કે ગુજરાતે ભાષા જેવી પરચૂરણ બાબતમાં કકળાટ કરવો પડે?
ગુજરાત શિક્ષણ બોર્ડના સત્તાવાર આંકડા પ્રમાણે, ગુજરાતી માઘ્યમના ગુજરાતીના પેપરમાં આશરે ૭.૭૯ લાખ વિદ્યાર્થી બેઠા હતા. તેમાંથી ફક્ત ૭૯.૨૩ ટકા પાસ થઇ શક્યા. એટલે કે, ૧.૬૧ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા. ઇંગ્લીશ મિડીયમમાં પણ વિષય તરીકે ગુજરાતી આવે. અલબત્ત, એ નીચલા ધોરણનું હોય. એ ગુજરાતીમાં ઇંગ્લીશ મિડીયમના ૯૩ ટકા વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા.
સરખામણી માટે હવે અંગ્રેજી વિષયની વાત કરીએ. અંગ્રેજીના પેપરમાં ઇંગ્લીશ મિડીયમના ૯૫ ટકા અને ગુજરાતી માઘ્યમના ૮૨ ટકા વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા. (જેમ ઇંગ્લીશ મિડીયમમાં નીચલા ધોરણનું ગુજરાતી આવે, તેમ ગુજરાતી માઘ્યમમાં નીચલા ધોરણનું અંગ્રેજી આવે.) આમ, ગુજરાતી માઘ્યમના ૧.૬૧ લાખ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં અને ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નાપાસ થયા.
ગૌરવના ઘેરા ચશ્માથી જોતાં તેનો અર્થ એવો પણ કાઢી શકાય કે ‘ગુજરાતી માઘ્યમમાં ભણતા વિદ્યાર્થીઓનું અંગ્રેજી સુધરી રહ્યું છે. એટલે ગુજરાતી કરતાં અંગ્રેજીમાં ઓછા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે.’ આવું આશ્વાસન કેટલું હાસ્યાસ્પદ છે એ વિગતે કહેવાની જરૂર ખરી?
ઘરનાં છોકરાં ઘંટી ચાટે...
‘ગુજરાતી બચાવો’ની ઝુંબેશ મુખ્યત્વે ઇંગ્લીશ મિડીયમમાં ભણતાં અને એ કારણે ગુજરાતી ભાષાથી વિમુખ થઇ ગયેલાં બાળકોને નજરમાં રાખીને ચલાવવામાં આવે છે. તેમને ગુજરાતી તરફ વાળવાં, એ ઝુંબેશનો એક મુખ્ય આશય હોય છે. ઝુંબેશ સાથે સંકળાયેલા કે તેના હેતુ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો પોતાની આજુબાજુના સમાજમાં ઇંગ્લીશ મિડીયમનું વધતું આક્રમણ જુએ છે અને તેનાથી ચિંતિત થાય છે. ‘બોલો, અમારી કામવાળી કે અમારા ડ્રાઇવરનાં બાળકો પણ ઇંગ્લીશ મિડીયમમાં ભણે છે.’ આવું થોડા ગૌરવ અને કંઇક ઉપહાસના ભાવથી કહેનારા લોકોને લાગે છે કે, બસ, હવે ગુજરાતીનો અંત હાથવેંતમાં છે.
વાતનો પૂર્વાર્ધ ખોટો નથી. માંડ બે છેડા ભેગા થતા હોય એવાં ઘણાં પરિવારો પોતાનાં બાળકોને ઇંગ્લીશ મિડીયમમાં મૂકવા લાગ્યાં છે. પરંતુ તેને વાસ્તવિકતાનું સંપૂર્ણ ચિત્ર ગણી લેવાનું ભૂલભરેલું છે. ઇંગ્લીશ મિડીયમના પ્રચંડ અને મૂળીયાંઉખાડ આક્રમણના પરિણામે ચોમાસામાં ફૂટતા બિલાડીના ટોપની જેમ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલો ફૂટી નીકળી છે, સી.એન.વિદ્યાલય જેવી જાણીતી અને વખણાયેલી ગુજરાતી માઘ્યમની શાળાને જમાનાથી પાછળ ન પડી જવાય એ માટે ઇંગ્લીશ મિડીયમ શરૂ કરવું પડ્યું છે, અમદાવાદ જેવા મોટા શહેરમાં, કદાચ વઘુ પડતા વિકાસને કારણે, ધોરણસરની ગુજરાતી માઘ્યમની શાળાઓ ગણવી હોય તો આંગળીના વેઢા વધી પડે એવી હાલત છે...
આટલે સુધીનું ચિત્ર જાણીતું છે. પરંતુ તેનાથી દોરવાઇને ‘ગુજરાતી ખતરેમેં’નો કકળાટ કરતી વખતે, દીવાનખાનામાં ઊભેલા હાથી જેવી મસમોટી અને સીધીસ્પષ્ટ હકીકતને નજરઅંદાજ કરવામાં આવે છે. એ હકીકત છે : ગુજરાતી માઘ્યમમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા. સગુજરાત બોર્ડના આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૧૪માં ૮.૯૭ લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી માઘ્યમમાં એસ.એસ.સી.ની પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું. તેમાંથી ૮.૮૯ લાખ વિદ્યાર્થીઓ ખરેખર પરીક્ષામાં બેઠા. (આ સંખ્યામાં શાળામાં ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓ ઉપરાંત રીપીટર જેવા બીજા પ્રકારના વિદ્યાર્થીઓ પણ આવી જાય.)
૮.૯૭ લાખ એટલે કે લગભગ ૯ લાખ વિદ્યાર્થીઓ ‘ખતરેમેં’ અને ‘લુપ્ત થવાના આરે’ આવેલા ગુજરાતી માઘ્યમમાં. તો ‘ગુજરાતીને ઉખેડીને વાવાઝોડાની જેમ ફેલાઇ ગયેલા’ ઇંગ્લીશ મિડીયમમાં કેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા? ફક્ત ૪૮,૩૫૨. તેમાંથી ૪૮,૨૦૪ પરીક્ષામાં બેઠા. આશરો માંડીએ તો પણ ક્યાં નવ લાખ ને ક્યાં પચાસ હજાર? તેનો અર્થ એ થયો કે ઇંગ્લીશ મિડીયમ કરતાં ગુજરાતી માઘ્યમમાં ભણતાં વિદ્યાર્થીઓની સંખ્યા બે-ચાર ગણી નહીં, લગભગ અઢાર ગણી વધારે છે. તો ગુજરાતી ભાષા-માઘ્યમ લુપ્ત થવાની ભીતિ અને તેનો કકળાટ શા માટે? (ગુજરાત બોર્ડ સિવાય સેન્ટ્રલ બોર્ડમાં ઇંગ્લીશ મિડીયમમાં ભણતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઉમેરીએ તો પણ તફાવત કેટલો ઓછો થવાનો?)
ગુજરાતીની ચિંતા કરનારા ભાષાપ્રેમી સજ્જનોએ સમજવું જોઇએ કે આપણાં કામવાળાં બહેનનાં કે ડ્રાઇવર ભાઇનાં સંતાન ઇંગ્લીશ મિડીયમમાં ભણતાં થઇ ગયાં હોય તો પણ, ગુજરાતના બહુમતી વિદ્યાર્થીઓ ગુજરાતી માઘ્યમમાં જ ભણી રહ્યાં છે. મુશ્કેલી એ છે કે આપણી આંખ સામે રહેલા પચાસ હજાર વિદ્યાર્થીઓએ તેમની પાછળ રહેલા નવ લાખને ઢાંકી દીધા છે. અંગ્રેજી મિડીયમમાં ભણનારાને ગુજરાતી તરફ વાળવાની લ્હાયમાં ગુજરાતીમાં ભણનારા આપણને દેખાતા નથી. ગુજરાતી ભાષા કે માઘ્યમને ખતરો અંગ્રેજી તરફથી નહીં, પણ ‘તરણા ઓથે ડુંગર’ જેવાં ગુજરાતી માઘ્યમમાં ભણતા વિદ્યાર્થીઓની ઘોર ઉપેક્ષાથી છે.
દાનતનો સવાલ
શિક્ષણનું ખાનગીકરણ એક વાત છે ને તેનું વેપારીકરણ સાવ બીજી વાત છે. ગુજરાતમાં છેલ્લાં થોડાં વર્ષમાં સુખતંદ્રામાં મગ્ન લોકોને શિક્ષણનું વેપારીકરણ સીઘું સ્પર્શતું અને દઝાડતું હોવા છતાં, તેને સરકાર સાથે કશી લેવાદેવા હોઇ શકે, એ જ જાણે ભૂલી જવામાં આવ્યું છે. ગુજરાતી માઘ્યમમાં હજુ નવ લાખ વિદ્યાર્થીઓ ભણતા હોવા છતાં, તેના અભ્યાસક્રમોથી માંડીને ગુજરાતી વિષયના શિક્ષણનો દાટ વાળવા માટે કોણ જવાબદાર છે? આવા સીધા સવાલ અનેક વાર પૂછાયા છે, પણ વ્યક્તિપૂજામાં મગ્ન એવા બોલકા, બહુમતી વર્ગે જાણે નજર સામે દેખાય તે ધરાર ન જોવાની પ્રતિજ્ઞા લીધી છે.
‘પ્રથમ’ જેવી સ્વૈચ્છિક સંસ્થા છેલ્લાં થોડાં વર્ષોથી રાજ્યવાર અભ્યાસની ગુણવત્તાનાં સર્વેક્ષણ કરે છે, જે ખાસ્સાં પ્રમાણભૂત હોય છે. તેમાં ફરી ફરીને એ વાત આવે છે કે સરકારી હલ્લાને લીધે સ્કૂલમાં દાખલ થતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થોડો વધારો થયો છે, પણ શિક્ષણની ગુણવત્તા નોંધપાત્ર રીતે કથળી છે. વર્ષ ૨૦૧૨ના ‘પ્રથમ’ના અભ્યાસમાં જણાયું હતું કે આઠમા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીઓમાંથી ૮૦.૯ ટકા વિદ્યાર્થીઓ ફક્ત બીજા ધોરણના સ્તરનું ગુજરાતી વાંચી શકે છે. બીજા ૧૩.૨ ટકા વિદ્યાર્થીઓ આઠમા ધોરણમાં પહોંચ્યા પછી પણ પહેલા ધોરણથી આગળનું ગુજરાતી વાંચી શકતા નથી.
બે વર્ષ પહેલાં એસ.એસ.સી.ની પરીક્ષામાં બેઠેલા ગુજરાતી માઘ્યમના વિદ્યાર્થીઓમાંથી ૮.૫ ટકા માંડ પાસ અને ૩.૩ ટકા સદંતર નાપાસ થયાં હતાં. ત્યાર પછી ગુજરાત શિક્ષણ બોર્ડે શિક્ષકોની કસોટી લઇને જાહેર કર્યું હતું કે તેમનું (શિક્ષકોનું) વ્યાકરણ બહુ ખરાબ હોવાથી ગુજરાતીનું પરિણામ નબળું આવે છે. એ સુધારવા માટે સરકારી શાળાઓમાં ભણાવતા શિક્ષકોને ખાસ તાલીમ આપવાની વાત હતી.
સરકાર શિક્ષકોની આવડતની કસોટી લઇ શકે. ‘વિદ્યાસહાયક’ના રૂપાળા નામે મહિને રૂ.૪,૫૦૦ જેવી મામૂલી રકમ આપીને સરકારી રાહે તેમનું શોષણ પણ કરી શકે- ભલે નવી પેઢીનું ભવિષ્ય તેમના હાથમાં હોય. પણ ખુદ નાગરિકો ગાફેલ કે મુગ્ધ હોય ત્યારે સરકારી દાનતની કસોટી કોણ લે? શિક્ષણક્ષેત્રે સરકારની ગાફેલિયત માટે તેનો કાન કોણ પકડે?
ગુજરાત મૉડેલ હેઠળ અત્યાર સુધી થયેલો શિક્ષણનો નીતાંત વ્યાપારી ‘વિકાસ’ તો જોયો. એક શિક્ષિકા મુખ્ય મંત્રી બન્યાનો જયજયકાર પણ સાંભળ્યો. હવે મુખ્ય મંત્રી ‘બહેન’ એસ.એસ.સી.ના ગુજરાતીના પરિણામ વિશે તથા મરણપથારીએ પડેલી સરકારી શાળાઆને ફરી ચેતનવંતી કરવા અંગે શું વિચારે છે અને શું કરવા ધારે છે, એ જાણવાની ઇંતેજારી છે.
***
(જે પેપરમાં ૧.૬૧ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા, તે દસમા ધોરણનું ગુજરાતી માધ્યમનું આખું પેપર અહીં મૂક્યું છે. તેમાં ૫૦ માર્કના એમસીક્યૂ છે અને ૫૦ માર્કના સવાલના જવાબ લખવાના છે.)
ગુજરાતીને સુધારવા કરતાં સરળ બનાવો. ગુજરાતમાં બનાસકાંઠા, કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, વલસાડ અને ભરુચ સુરતના લોકો જે ભાષા બોલે છે એમાં ઘણીં વખત હ, શ કે છ વાપરી હેરેફેર બિદાસ કરે છે.
ReplyDeleteહવે એને લખવા બેસીએ તો વાંચવામાં સમજણ પડે તો ઠીક નહીંતો ચલાવ્યે રાખવું. ગુજરાતીઓની વેબગુર્જરી.ઇન ઉપર કાઠીયાવાડી શબ્દો આવે ત્યારે મને તો આજે પણ સમજવમાં તકલીફ થાય છે. એવું જ ગુજરાતી ફોન્ટ બાબત છે. હજી ટાઈપ કરતાં ચ અને છ તથા હ્ર્સવ દીર્ગમાં શિફ્ટ કી બાબત અલગ પ્રોગ્રામ અને અલગ વ્યવસ્થા. જેમાં ગુજરાતી વિકિપિડીયા પણ આવી જાય...
અવિનાશભાઈ વ્યાસનું "ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર" યાદ આવી ગયું.
ReplyDeleteજોરદાર...
ReplyDeletethx. good article. fantastic!!!!!!!!!!!!!!!
ReplyDeleteDr devkar
આપણે સહુ ગુજરાતી છીએ એટલે એસ એસ સી જેવી પરીક્ષામાં ૧.૬૧ લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નપાસ થાય એટલે થોડા દિવસ ઉચાટ થાય તે તો સ્વાભાવિક જ છે.
ReplyDeleteપણ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાટે માત્ર 'વિજ્ઞાનના વિષયોના માર્ક્સ'ને જ ગણત્રીમાં લેવાના નિઅયમની સાથે જ શાળા કક્ષાએ ભણતરમાં ભાષાના તો બાર વાગી જ ગયા હતા.
આજે વ્યવહારમાં લેખેલ કે બોલેલ ભાષા પર હથોટી હોય તો પોતપોતાની કારકીર્દીમાં કેટલી સકારાત્મક અસર પડે છે તેનું રૂપિયા આના પાઈમાં મૂલ્યાંકન થયું નથી, એટલે કોઇને પણ ભાષાનાં મહ્ત્વનો અંદાજ જ નથી.
એક જમાનામાં સારાં અખબાર કે સામયિક વાંચીને પણ ભાશઃઆ સુધારી શકાતી. આજે તો એ માધ્યમનો ઉપયોગ વાંચી જવા પૂરતો જ થતો ગયો છે. રેડીયો પરના કેટલાય કાર્યક્રમો સાંભળીને બોલાતી ભાષા સુધારી શકાતી. આજનાં જાહેર દૃશ્યશ્રાવ્ય માધ્યમો પર થતા ભાષાના ઉપયોગ માટે એવૂં કહી શકાય એમ રહ્યું છે?
પરીક્ષામાં નપાસ થવું એ તો માત્ર માથું દુખવા જેવી નિશાની છે, ખરેખર તો દુખવું જોઇએ ક્યાંક પેટ, પણ આપણે માથું કૂટીને બેસી રહીએ છીએ.
dont know what kind of development is going on in '' Garvi Gujarat'' ?
ReplyDelete